સુપ્રિમ કોર્ટ દ્વારા વિવાદિત રામજન્મ ભૂમિના ચુકાદાથી સૌ કોઈ ચકિત છે. તમામ સબુતો, ઐતિહાસિક બાબતો અને મસ્જિદની તરફેણની દલીલો મજબૂત હોવા છતાં બહુમતિ દેશબાંધવોની શ્રદ્ધા પર આધારિત ચુકાદાથી સમગ્ર મુસ્લિમ સમાજ, ન્યાયપ્રિય લોકો અને કાયદાવિદો અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. કોર્ટે પોતે સ્વીકાર્યું છે કે બાબરી મÂસ્જદનું નિર્માણ કોઈ મંદિરને તોડીને કરવામાં આવ્યુ નહોતું, ૧૯૪૯માં મસ્જિદમાં જે મુર્તિઓ મુકી દેવામાં આવી તે આચરણ ગેરકાયદેસર હતો, અને ૧૯૯૨માં મસ્જિદ શહીદ કરવામાં આવી તે અપરાધ હતો. છતાં આર્ટિકલ ૧૪૨નો ઉપયોગ કાયદાકીય ઓછો અને રાજનૈતિક વધુ લાગે છે. 

મસ્જિદ બાબતે મુસ્લિમ ઉમ્મત એક મત છે કે તેને વેચી ન શકાય, તબદીલ ન કરી શકાય, સ્થળાંતરિત ન કરી શકાય અને ભેટ તરીકે પણ આપી ન શકાય. મસ્જિદ કયામત સુધી મસ્જિદ રહેશે. તેના દરજ્જાને કોઈ બદલી ન શકે. છતાં દેશમાં પ્રેમભાવ, ભાઈચારો અને શાંતિની સ્થિતિ યથાવત્‌ રાખવા માટે જરૂરી હતું કે ભારતીય મુસ્લિમ સમાજ દેશના નાગરિક તરીકે દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદા/ નિર્ણયને માન આપશે અને સ્વીકારશે. તેથી મુસ્લિમ સમાજે અમન અને શાંતિના પ્રતીક તરીકે પોતાની ફરજ નિભાવતા કોઈપણ રીતે પોતાના દુઃખ અને ગુસ્સાની લાગણીને આક્રમક થવા દીધી નહીં.

મુસ્લિમોએ અલ્લાહની હિકમત અને આયોજન પર નજર રાખવી જાઈએ. દેખિતી રીતે આ મુસ્લિમો સાથે અન્યાય છે પરંતુ થઈ શકે છે કે આ અલ્લાહના કોઈ મોટા આયોજનનો એક ભાગ હોય. એટલે મુસ્લિમોએ નિરાશ થવાની જરા પણ જરૂર નથી. ભારતીય પરિપ્રેક્ષ્યમાં મુસ્લિમો પાસે ન્યાય પાલિકા દ્વારા ન્યાય મેળવવા સિવાય બીજા કોઈ વિકલ્પ હતો નહીં. તેથી આ જ વિકલ્પ થકી આપણે ગયા અને સર્વોચ્ચ અદાલત સુધી ગયા તે મુસ્લિમ સમાજની દુરદર્શિતા સુચવે છે.

આૅલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લા બોર્ડ  દ્વારા સમગ્ર ચુકાદાની સમિક્ષા પછી રીવ્યુ પીટીશન દાખલ કરવાનો નિર્ણય સરાહનીય છે. ન્યાય માટે જે રસ્તો ભારતીય સંવિધાન દ્વારા દેશના તમામ નાગરિકોને એક સમાન મળ્યો છે તેના છેલ્લા દ્વાર સુધી જવું જાઈએ. મુસ્લિમો ને દુનિયા ભલે આતંકવાદી કે આક્રમક તરીકે ચીતરતી હોય પરંતુ દેશમાં શાંતિ અને અમનની જે સ્થિતિ યથાવત્‌ રહી તેનાથી દુનિયાને એક સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે મુસ્લિમો શાંતિમાં માને છે, તેને ડહોળવામાં નહીં. સર્વોચ્ચ અદાલત ન્યાયની કસોટી પર નિષ્ફળ નિવડી છે. આખરે તો સર્વોચ્ચ અદાલત પણ માનવોની બનેલી છે અને માનવીથી ચૂક થવાની સંભાવના રહેલી છે. હવે જાવાનું છે કે ન્યાયના સૌથી આખરી તબક્કામાં સર્વોચ્ચ અદાલત શું ચુકાદો આપે છે.

અદાલતનો જે કંઈ પણ ચુકાદો આવો પરંતુ ભારતીય સમાજમાં મુસ્લિમોએ હવે શું કરવું એ છે યક્ષ પ્રશ્ન. દાયકાઓથી મુસ્લિમો અહીં વસે છે તેઓ બહારથી આવીને નથી વસ્યા પરંતુ આ દેશમાં ઇસ્લામના સંદેશા સાથે ઘણા સહાબાઓ, બુઝુર્ગો અને વલીઓ આવ્યા, જેમણે ઇસ્લામ ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો અને દેશની ઘણી મોટી પ્રજાએ ઇસ્લામ કબૂલ કર્યો અને મુસલમાન બન્યા. ધીમે ધીમે ઇસ્લામના સંદેશાને બહોળા પ્રમાણમાં વિસ્તૃત રીતે પહોંચાડવાનું કાર્ય ધીમું થઈ ગયું અને તેથી બિનમુસ્લિમોમાં મુસલમાનો માટે પૂર્વગ્રહો અને ગેરસમજા ઊભી થતી ગઈ. આજે પરિસ્થિતિ એવી છે કે દેશની બહુમતી બિનમુસ્લિમો પ્રજા સાચા ઇસ્લામથી અજાણ છે.

તેમને મુસલમાનોની બુનિયાદી આસ્થાઓની પણ ખબર નથી. તો જરૂરી છે કે મુસ્લિમો પોતાની ‘દાઈ’ (પ્રચાર-પ્રસાર કરનાર) તરીકેની હેસિયતને ઓળખે અને પોતાના આસપાસના રહેણાંકના વિસ્તારોમાં વસતા બિનમુસ્લિમ ભાઈઓને, પોતાના ધંધાથી સંલગ્ન વેપારીઓ અને ગ્રાહકોને, નોકરી કરતા પોતાના સહકર્મીઓને, પોતાની સાથે ભણતા સહઅધ્યાયીઓને અને ઓળખિતા ન હોય તેવા બિનમુસ્લિમ ભાઈઓને પણ આયોજનપૂર્વક ઇસ્લામનો સંદેશો પહોંચાડે. અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છે, “હે નબી ! પોતાના રબ (માલિક અને પાલનહાર)ના માર્ગ તરફ બોલાવો હિકમત (વિવેક-બુદ્ધિ અને તત્ત્વદર્શિતા) અને ઉત્તમ શિખામણ સાથે અને લોકો સાથે ચર્ચા અને સંવાદ કરો એવી રીતે જે શ્રેષ્ઠ હોય. તમારો રબ જ વધુ સારી રીતે જાણે છે કે કોણ તેના માર્ગથી ભટકી ગયો છે અને કોણ સન્માર્ગ ઉપર છે.” (સૂરઃઃ નહ્‌લ-૧૨૫)


(લેખક “યુવાસાથી”ના પૂર્વ સંપાદક છે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here