Friday, March 29, 2024
Homeસમાચારવ્યાજ રહિત આર્થિક વ્યવસ્થા આધારિત - અલ બરકાહ ક્રેડિટ કો.ઓપ.સો.લી.ની જુહાપુરા શાખાનો...

વ્યાજ રહિત આર્થિક વ્યવસ્થા આધારિત – અલ બરકાહ ક્રેડિટ કો.ઓપ.સો.લી.ની જુહાપુરા શાખાનો પ્રારંભ

“બચત બઢાયે, કર્જ સે મુક્તિ પાયે”

વેપાર હલાલ, વ્યાજ હરામ”

        “ઇસ્લામ ની 1450 વર્ષ પહેલાની આર્થિક વ્યવસ્થા આજે પણ માનવીય સમાજ માટે એક નમૂનો બની શકે છે. અને સમાજની આર્થિક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે.”  આ શબ્દો હતા અલ બરકાહ સોસાઇટીની જુહાપુરા શાખાના ઉદઘાટન પ્રસંગે ગુજરાતના પ્રમુખ વાસિફ હુસૈન શેખ સાહેબના, પૂર્વ IPS જનાબ મકબૂલ અનારવાલા સાહેબે પ્રાસંગીક વક્તવ્યમાં  જણાવ્યુ કે કોઈ પણ કૌમ તેના ઈમાન અને આર્થિક સધ્ધરતાના માપદંડથી જ પારખવામાં આવે છે. મુસ્લિમ સમુદાય પાસે હુનર હોવા છતાં પણ તે અન્ય લોકો પર આશ્રિત છે, મુસ્લિમ સમુદાયના લોકો જકાત લેનાર ને બદલે આપનાર બની જાય, કોઈના મોહતાજના રહે તેના માટે અલ-બરકાહ જેવી સોસાઈટી અત્યંત આવશ્યક છે જેને સાથ-સહકાર આપવાની જરૂર છે. ડો. યાકૂબ મેમણ સાહેબે જણાવ્યુ કે મુસ્લિમ સમુદાયમાં 10% લોકોની આર્થિક પરિસ્થિતી સારી છે બાકીના લોકો રોજ કમાઈને ખાનારા છે, તે લોકો વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે, પછી તેમાથી બહાર જ નથી નીકળી શકતા. એડ્વોકેટ અબ્રાર અલી સૈયદ સાહેબે જણાવ્યુ કે આ સોસાઇટીમાં દીન અને દુનિયા બન્ને ની વાતો છે. સહકાર અને નૈતીક્તાની શક્તિની વાત છે. મુસ્લિમ સમાજમાં એજ્યુકેશન અને ગરીબી બે મુખ્ય સમસ્યા છે જેને ઠીક કરવા માટેનો આ પ્રયાસ છે. તે બાબતે જાગૃતિ લાવીએ આવા પ્રોગ્રામને સપૂર્ણ સાથ-સહકાર આપીએ. અમરીન બાનુ એ જણાવ્યુ કે ખર્ચ પર અંકુશ હોય તો બચત કરીને મોટી રકમ બની શકે છે લોકો બચત ને મહત્વ નથી આપતા, અલ-બરકાહ સાથે જોડાઈને વિશ્વાસ ઉપન્ન થાય છે. આર્થિક સધ્ધરતા કેળવાય છે.

        દિલ્હીથી પધારેલા ઉસામા ખાને જણાવ્યુ કે મુસ્લિમ સમુદાયના અનેક પ્રશ્નોનો જવાબ અને ઉકેલ અલ-બરકાહ છે. જે વટ વૃક્ષ 2022 માં રખિયાલમાં વાવવામાં આવ્યું હતું, આજે તેની શાખા જુહાપુરા સુધી ફેલાઈ ગઈ છે. 15-20 સભ્યોનો પરિવાર આજે 1200 ની સંખ્યા પાર કરી ગયો છે. નાની બચત દ્વારા વ્યક્તિ અને તેના પરિવારને સમાજમાં ગૌરવ પ્રાપ્ત થાય છે. લોકોની સામે હાથ ફેલાવવા નથી પડતાં, જે વ્યક્તિ આર્થિક રીતે જેટલો મજબૂર હોય છે તેટલું જ તેનું શોષણ થતું હોય છે. જરૂરિયાત કરતાં વધારે કરજ કે લોન લેવાથી તેને પરત કરવી મુશ્કેલ થઈ જાય છે. વ્યક્તિને ભોજન. દવા, શિક્ષા માટે કરજ કે લોનની જરૂર ઊભી થાય છે. જેને બિન ઉત્પાદકીય આવક કહેવામા આવે છે. અલ-બરકાહ આવી લોન ઉપર માત્ર સર્વિસ ચાર્જ સિવાય વધારાની રકમ વસૂલ નથી કરતું, બલ્કે દુકાન, મશીનરી, વેપાર માટે મૂડી જે ઉત્પાદકીય આવક કહેવાય છે તેની ઉપર વ્યાજબી નફો લે છે. અલ-બરકાહ આર્થિક વ્યવહાર કરે છે ધર્માદા નથી કરતું. ઇસ્લામી સિધ્ધાંત, આર્થિક વ્યવહાર અને ટેક્ષેશનની મર્યાદામાં રહીને કામકાજ કરે છે. અલ-બરકાહની આજે દેશમાં 95 શાખા જેમાં 3000 થી વધારે પરિવાર સામેલ છે, ગત વર્ષમાં 318 કરોડની લોન આપવામાં આવી છે. 198 કરોડ બચત છે. દેશ અને સમાજના નિર્માણમાં સકારાત્મક કાર્ય કરે છે. મુસ્લિમ સમુદાય ઉપરાંત દેશબાંધવોને પણ જોડવાનું આયોજન છે.

        અલ-બરકાહ ગુજરાતનાં ઉપ પ્રમુખ સૈયુમ ખાન સાહેબે જણાવ્યુ કે નિયંત્રિત મૂડીવાદમાં ઇસ્લામી મોડેલ આ સોસાઇટીન પવિત્ર હેતુ છે. માસિક રૂ. 100 થી 50,000 ની મર્યાદા રાખી છે જેથી કરીને કોઈનું આધિપત્ય ન સ્થપાઈ જાય. અત્યાર સુધી 336 લોકોને 1 કરોડ થી પણ વધારેની લોન આપી છે.

        અંતમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતનાં પ્રમુખ શકીલ એહમદ રાજપૂત સાહેબે જણાવ્યુ કે ઇસ્લામ અન્ય ધર્મોની જેમ માત્ર એક ધર્મ નથી, પરંતુ એક ઉત્તમ જીવન વ્યવસ્થા છે. ઇસ્લામની વ્યવસ્થાને ઇમારતની જેમ વહેંચી ન શકાય. તે સંપૂર્ણ એકમ છે. ઇસ્લામ માનવીની પ્રકૃતિનો સ્વાભાવિક અવાજ છે. માનવ સમાજનું નિર્માણ તેના થકી જ થઈ શકે છે. તે માનવીની સમસ્યાઓનો ઉકેલ છે. મુસ્લિમ સમુદાયને જીવનના દરેક વિભાગના નિષ્ણાતોની જરૂર છે. આજે વ્યાજ વગર વ્યવસ્થા ચાલીજ ન શકે એમ કહેવામા આવે છે, મૂડીવાદની સાથે સાથે ગરીબી વધી રહી છે. તેના કારણે ગરીબીમાં ઉત્તર ઉત્તર વધારો જ થઈ રહ્યો છે, જો ગરીબી નાબૂદ કરવી હોય તો ઇસ્લામી વ્યવસ્થા ઉપર અમલ કરવો જ રહ્યો. અલ્લાહનો આભાર કે તેણે માનવીને માટે શ્રેષ્ઠ વ્યવસ્થા આપી છે. હવે આપણી જવાબદારી છે કે તેને વ્યવહાર માં લાવીએ. લોકો વ્યાજના દૂષના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. જીવન લોન ભરવામાં વીતી જાય છે. જેટલું કરજ લીધું હોય વર્ષો હફ્તાઓ ભરીને પણ અસલ મુદ્દલ બાકીજ રહી જાય છે. જીવ છૂટે નહીં ત્યાં સુધી દાગીના છોડાવી શકતા નથી. ઇસ્લામની આદર્શ વ્યવસ્થા એવી હતી કે એક વખતે મદીનામાં કોઈ જકાત લેનાર જ હતું નહીં. મુસ્લિમ સમુદાયે પગભર થવુજ પડશે. ઇસ્લામે જેને કરજ આપ્યું હોય તેની સાથે સારા વ્યવહારની, માફ કરી દેવાની શિક્ષા આપી છે. કોરોના સમયે ઘરની મહિલાઓની છુપાવેલી, બચાવેલી રકમ કામે આવી હતી હવે તેમના માટે અલ-બરકાહનો વિકલ્પ ખુલ્લો છે. આર્થિક સધ્ધર લોકો બેન્કમાં પડી રહેલી કે લગ્ન માટે બચાવેલી  રકમ અલ- બરકાહમાં જમા કરાવીને સહકાર આપી શકે છે. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી, શેહજાદ દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ને સફળ બનાવવામાં સમગ્ર અલ-બરકાહની ટિમ એ ભારે જેહમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments