કાસિમ ૧૨માં ધોરણમાં ભણતો એક ધાર્મિક વિદ્યાર્થી હતો. બુદ્ધિમત્તા અને તત્વદર્શિતા તેના ખાસ ગુણ હતા. બાળપણથી જ નમાઝ-રોઝાનો પાબંદ હતો. ફજરની નમાઝ અદા કરી સ્કૂલ જવા રોડ ઉપર આવીને બસની રાહ જોતો. સમયસર પાછો આવતો. માતાપિતાની ખૂબ ઇજ્જત કરતો. તેના ઘર સામે એક છોકરી જે ૧૧માં ધોરણમાં ભણતી હતી. તે પણ નજર નીચી રાખી બસની રાહ જોતી. તે એક વિદ્વાન કુટુંબની છોકરી હતી. ક્યારેક કાસિમની બસ વહેલા આવતી ક્યારેક તે છોકરીની અને બંને ઉદાર ચારિત્ર્ય સાથે શાળાએ જતા. પરંતુ શૈતાનને નૈતિકતા અને સજ્જનતા ક્યારેય નથી ભાવતી. શૈતાને પોતાની ચાલબાજી શરૃ કરી અને સૌ પ્રથમ પોતાનો શિકાર છોકરીને બનાવી કેમકે છોકરીઓ લાગણીશીલ હોય છે.
દરરોજની જેમ બંને પોતાની બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે છોકરીએ કાસિમ તરફ જોયું અને સ્મિત કર્યું. કાસિમ પોતાની નજર તરત હટાવી લીધી. આવું જ લગભગ ત્રણ ચાર મહિના સુધી ચાલ્યું. પરંતુ કાસિમની જવાની અને ઈમાન બંને આકાશે હતા. તે પોતાના ચારિત્રની સુરક્ષા કરતો રહ્યો. અંતે તે આદમની સંતાન હતો, શૈતાનની ચાલમાં સપડાઈ ગયો અને તેણે પણ છોકરી તરફ જોયું અને સ્મિત આપ્યું. હવે બંને વહેલા આવી જતા અને એકબીજાને દૂર ઊભા રહીને જોતા રહેતા.
કાસિમને પોતાની ભૂલનો અહસાસ પહેલા જ દિવસથી હતો અને તે મનોમને વિચારતો કે તે ખોટું કરી રહ્યો છે. પરંતુ સવારે છોકરીને જોતા જ તે ભૂલી જતો અને આવું જ લાંબા સમય સુધી ચાલ્યું. તેની આત્મા અંદરથી ટકોર કરતો રહેતો, તે જાણતો હતો કે,”જ્ઞાન ધરાવતા લોકો જ ઇશ્વરનો ભય રાખે છે.” (કુઆર્ન)
આજે કાસિમને તેની ભૂલનો ખૂબ અહસાસ થયો. તે બેચેનીમાં આમ તેમ આંટાફેરા મારી રહ્યો હતો. ઊભો થતો ને બેસી જતો. કાસિમે પોતાના જીવનમાં ક્યારેય આવું નહોતુ અનુભવ્યું. આજે તે ખૂબ ગમગીન હતો. લજ્જાના કારણે તેને એવું લાગતું કે હૃદય ફાટી જશે. આંખોથી આંસુઓની ધારા વહી રહી હતી. તે પોતાને આ પાપથી કાઢવા માંગતો હતો પરંતુ જ્યારે તેના દિમાગમાં કુઆર્નની આયતો આવી તેનામાં એક ઉથલપાથલ પેદા થઈ ગયો.
કાસિમ છોકરીની અને પોતાની સુધારણા ઇચ્છતો હતો. તે પોતાના રબની કૃપાથી નિરાશ ન હતો તેને વિશ્વાસ હતો કે જે અલ્લાહે આદમ (અલૈ.)ને કેટલાક વાક્યો શિખવાડી ક્ષમા આપી હતી તે રીતે તેને પણ માફ કરશે.
ઈસાની નમાઝ પઢી કાસિમ અડધી રાત્રિએ ઉભો થયો અને બે રકઅત નમાઝ પોતાની રબથી ક્ષમાયાચના માટે અદા કરી અને સજદામાં જઈ ખૂબ રડયો. અલ્લાહથી પોતાના ગુનાહની માફી માગતો રહ્યો અને કહેતો કે મારા રબ મે મારા ઉપર જુલ્મ કર્યું છે. તું મને ક્ષમા નહીં આપે તો હું જાલિમોમાં શામેલ થઈ જઈશ. મારા અલ્લાહ છોકરી મારા તરફ આકર્ષિત થઈ છે અને હું તેના પ્રત્યે. મારા રબ અમારા દિલને પવિત્ર કર અને તે છોકરીને સાચા માર્ગ પર જવાની શક્તિ આપ.
કાસિમ દરરોજ તેના રબ સામે ઊભો થઈ અશ્રુધારા સાથે રડતો અને છોકરીની સુધારણા માટે પ્રાર્થના કરતો. એક દિવસ તેણે એ છોકરીને પત્ર લખવાનો નિર્ણય કર્યો. પત્રનો એક-એક શબ્દ મોતીની જેમ હતો જેમાં દરેક નવયુવાન છોકરા કે છોકરી માટે માર્ગદર્શન હતું. તેણે જે કંઇ લખ્યું તે આપના સમક્ષ મુકું છું. આશા છે તેમાં પણ આપણને આખિરતની સફળતા માટે કંઈ શિખામણ મળશે.
——————–
” … પાલનહાર ! મારી છાતી ખોલી દે અને મારા કામને મારા માટે સરળ બનાવી દે અને મારી જીભની ગાંઠ ઉકેલી દે, જેથી લોકો મારી વાત સમજી શકે” (સૂરઃ તાહા)
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
અલ્લાહની કૃપા છે તેણે આપણને મુસ્લિમ કુટુંબમાં જન્મ આપ્યો અને મુહમ્મદ (સ.અ.વ.) જેવા પવિત્ર પયગમ્બર આપ્યા. જેમણા વડે આપણને અંતિમ ઇશગ્રંથ કુઆર્ન મળ્યું. જે સત્ય અને અસત્યનો ભેદ સ્પષ્ટ કરનારી કિતાબ છે. તેમાં આપણા વિશે કહેવામાં આવ્યું છે, “હવે દુનિયામાં તે ઉત્તમ સમુદાય તમે છો, જેને મનુષ્યોેના માર્ગદર્શન અને સુધારણા માટે મેદાનમાં લાવવામાં આવેલ છે. તમે ભલાઈની આજ્ઞા આપો છો, બૂરાઈથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન ધરાવો છો. આ ગ્રંથવાળાઓ ઈમાન લાવ્યા હોત તો તેમના જ હિતમાં વધુ સારું હતું. જો કે તેમનામાંથી કેટલાક લોકો ઈમાનદાર પણ જોવા મળે છે, પરંતુ તેમના મોટા ભાગના લોકો અવજ્ઞાકારી છે.” (સૂરઃ આલે ઇમરાન-૧૧૦)
પરંતુ શેતાન મનુષ્યનો શત્રુ છે. તે આપણને ખોટા માર્ગે લઈ જવા માંગે છે. વાત કંઇક આવી છે કે ઘણા સમયથી આપણે એક બીજા તરફ આકર્ષાઈ રહ્યા છીએ. જે એક ખોટું કાર્ય છે. આજે આપણે પશ્ચાતાપ કરીએ કે ફરી આવું નહીં કરીશું. પોતાની નજરની સુરક્ષા કરીશું અને સંયમ કેળવીશું.
અલ્લાહ એવા છોકરા અને છોકરીઓને પસંદ કરે છે જેઓ પોતાની નજર અને મનેચ્છાની સુરક્ષા કરે છે. આવા લોકો જન્નતમાં પયગમ્બરો, શહીદો અને સજ્જન લોકો સાથે હશે જ્યાં તેઓ હંમેશા રહેશે.
અત્યાર સુધી જે થયું છે તે ભૂલી જાઓ અને મેં પોતાની જાત ઉપર જુલ્મ કર્યું છે આ અહસાસ સાથે અલ્લાહથી ક્ષમા માંગો. તે આપણને જરૃર માફ કરશે. પોતાના શિક્ષણ ઉપર ધ્યાન આપો. તમારા માતા-પિતા ખૂબજ મહેનત અને ખંતથી ઉછેરે, કેમ કે તમે ભણી-ગણીને સફળ બનો.
આ તમારી જવાબદારી છે કે તમે તમારા માતા-પિતાની આબરૃ રાખો. ઇજ્જત જતી રહે તો પાછી નથી આવતી અને ક્યારેય બીજા કોઈ તરફ નજર ઉઠાવીને ન જોતા. આવા છોકરાઓ દગાબાજ હોય છે અને ક્યારેય આપણાં બંનેની નજર મળે તો તરત હટાવી લેવાનો પ્રયત્ન કરશો. ખોટા કાર્યોથી દૂર રહેશો. નમાઝની પાબંદી અને કુઆર્નની તિલાવત કરજો. સંયમ માટે રોઝા રાખશો અને માતા-પિતાની આજ્ઞાકારી કરજો અને વિશેષરૃપે આ યાદ રાખજો કે દુનિયાનું જીવન બે ક્ષણનું છે અને તેની પ્રથમ મંઝિલ કબ્ર છે.
“અલ્લાહ કોઈ પણ વ્યક્તિ પર તેની શક્તિથી વધુ જવાબદારીનો બોજ નાખતો નથી. દરેક વ્યક્તિએ જે સત્કર્મો કમાવ્યા છે, તેનું ફળ તેના માટે જ છે અને જે દુષ્કર્મો સમેટ્યા છે, તેની મુસીબત અને જંજાળ પણ તેના જ ઉપર છે. (ઈમાન લાવનારાઓ ! તમે આવી રીતે પ્રાર્થના કરતા રહોે) હે અમારા રબ! અમારાથી ભૂલે-ચૂકે જે કસૂર થાય તેના પર પકડ ન કર. માલિક ! અમારા ઉપર તે બોજ ન નાખ, જે તેં અમારા અગાઉના લોકો ઉપર નાખ્યા હતા. પાલનહાર ! જે બોજ ઉપાડવાની શક્તિ અમારામાં નથી, તે અમારા ઉપર ન મૂક. અમારા સાથે નરમાશ કર, અમને ક્ષમા કરી દે, અમારા ઉપર દયા કર, તું અમારો માલિક છે, કાફિરો (ઇનકાર કરનારાઓ)ના મુકાબલામાં અમારી મદદ કર.” (સૂરઃબકરહ-૨૮૬).
આપનો હિતેચ્છુક,
કાસિમ
——————–
બીજા દિવસે કાસિમ છુપીને ઊભો રહ્યો અને છોકરી બસમાં સવાર થઈ જતી રહી. પરંતુ ત્યારબાદ ત્રણ દિવસ સુધી છોકરી શાળાએ જવા રોડ ઉપર ન આવી. હવે કાસિમને ચિંતા થઈ શું થયુ હશે. તેણે મારો પત્ર મળ્યો તેને અસર છેે કે પછી શું થયું? તે ચિંતામય થઈ ગયો પરંતુ તેને પોતાના રબ ઉપર ભરોસો હતો. ચોથા દિવસે સાંજે કરિયાણાની વસ્તુ લેવા દુકાને ગયો તો તે છોકરીને જોઈ છક થઈ ગયો. છોકરી તેના પિતા સાથે ઊભી હતી. કાસિમ ઉપર નજર પડતા જ તેણીએ નજર ફેરવી લીધી. પરંતુ તેના ચહેરા પરથી ઉદાસી સાફ નજર આવતી હતી. તેણીથી કંઇક ખોવાઈ ગયુ છે એવી અનુભૂતિ થતી હતી. તેની આંખોમાં નિરાશા અને મુખ પરથી બેેચેની સ્પષ્ટ જોઈ શકાતી હતી.
કાસિમને સંકેત મળી ગયો કે તેનો પત્ર છોકરીને મળી ગયો છે. સંજોગાવશાત બીજા દિવસે ફરી બંનેની ભેટ થઈ જાય છે. પરંતુ છોકરી ઉદાસ ચહેરા સાથે નજર ફેરવી લે છે. છોકરીને કોઈ ગેરસમજ ન ઊભી થાય તેથી વિચારવા કાસિમ એક બીજો પત્ર લખે છે.
——————–
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
અસ્લામુ અલયકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ,
આશા છે તમે સત્ય માર્ગે ચાલવા અલ્લાહથી પ્રાર્થના કરતી હશો અને જે ગુનાહ થયા છે તેનાથી ક્ષમા માગતી હશો. મારો પત્ર તમે વાંચ્યો હશે. શક્ય છે તમારી લાગણીને દુભાઈ હોય પરંતુ તેમાં આપણા માટે લાભ છે. કેમકે અલ્લાહ ફરમાવે છે, “કાળના સોગંદ ! મનુષ્ય હકીકતમાં ખોેટમાં છે, સિવાય તે લોકોના જેઓ ઈમાન લાવ્યા, અને સદ્કાર્યો કરતા રહ્યા, અને એકબીજાને સત્યની શિખામણ અને ધૈર્યની તાકીદ કરતા રહ્યા.” (સૂરઃ અલ-અસ્ર)
સ્પષ્ટ છે જન્નતમાં જનારા સારા લોકો તે જ છે જેઓ સારા કાર્યો કરે અને એક બીજાને ભલાઈઓ તરફ બોલાવે અને બુરાઈઓથી રોકે. મેંે તમને પહેલા પણ લખ્યું હતું કે શૈતાન મનુષ્યનો દુશ્મન છે. તેને અલ્લાહથી વાયદો કર્યો છે કે તે તેના બંદાઓને બહેકાવશે. અલ્લાહે તેને છૂટ આપી અને હદધૂત કરી કાઢી મુક્યો અને કહ્યું જે મારા નેક બંદાઓ હશે તેઓ ક્યારેય તારી પાછળ નહીં ચાલે. શેતાન આપણને ખોટા માર્ગે લઈ જઈ રહ્યો હતો. પરંતુ અલ્લાહ આપણને તેનાથી બચાવવા માગતો હતો. અલ્લાહ કહે છે કે મારા બંદાઓ હું તમને પ્રેમ કરૃં છું. તમે શૈતાનના પ્રપંચમાં આવશો નહીં.
હું તમારા કારણે અને તમે મારા કારણે નરકના ઇંધણ બની જાત અને ન જાણે કેવો સખત અઝાબ આપણને આપવામાં આવત. અલ્લાહનો આભાર છે તેણે આપણને હંમેશાની યાતનાઓથી બચાવી લીધા. બીજા વસ્તું આપણે બંને ઈજ્જતદાર અને ધાર્મિક કુટુંબથી સંબંધ ધરાવતા હતા. આપણા કાર્ય તો લોકોને ભલાઈ તરફ લાવવાનું હતું. જો આપણે કંઇક ખોટું કરી જાત તો આપણા માતા-પિતાની ઇજ્જત ખરાબ થઈ જાત. પરંતુ આપણા ઉપર અલ્લાહની કૃપા થઈ.
મેં જે કંઈ પગલા લીધા છે તેનું કારણ તમારાથી નફરત નથી. બલ્કે હું તમારો હિતેચ્છુક છું તમને જન્નતના માર્ગે લઈ જવા માંગુ છું અને તેના માટે યુવાનીને નિર્મળ રાખવાની જરૃર છે. જ્યારેકે શત્રુ હંમેશા તેના વિરોધીનું ખોટું ઇચ્છે છે. હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યું જેનો ભાવાર્થ છે, જેણે પોતાની યુવાનીની સુરક્ષા કરી તે જન્નતમાં જશે. (બુખારી)
આપનો હિતેચ્છુક,
કાસિમ
——————–
કાસિમનો બીજો પત્ર વાંચી છોકરીનું જીવન બદલાઈ જાય છે. તે નમાઝ-રોઝાની પાબંદી કરવા લાગે છે અને બીજાઓને પણ સારા તથા નેક કાર્યો કરવાની પ્રેરણા આપે છે. હવે બંને તેમની દુનિયામાં મસ્ત છએ અને અલ્લાહ તથા તેના પયગમ્બર (સ.અ.વ.)ના ફરમાન દુનિયા સમક્ષ લાવવા પ્રયત્નશીલ છે. બંનેને જવાબદારીનું ભાન થઈ ગયું છે. હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યું, “મારા તરફથી બીજાઓ સુધી પહોંચાડી દો, ભલે તમે એક વાત જાણતા હોય.”
ઇસ્લામની સર્વપરિતા ઇચ્છતા હોઈએ તો આપણે પણ અમૂલ્ય યુવાનીની સુરક્ષા અને ધાર્મિક જવાબદારી અદા કરવાના પ્રયત્ન કરવા પડશે.