Friday, January 3, 2025
Homeઓપન સ્પેસઘર વાપસી; ધર્માંતરણનો એક ભ્રમિત પ્રયાસ

ઘર વાપસી; ધર્માંતરણનો એક ભ્રમિત પ્રયાસ

આગરાની ગરીબ વસ્તીમાં વસ્તા ગરીબ મુસલમાનોના ૫૦ કુટુંબ કે જેમનું ‘ઘર વાપસી’ના નામે ધર્માંતરણ કરવામાં આવ્યું (જ્યારે કે હિંદુ ધર્મ અંગીકાર કરવાની કોઈ પદ્ધતી જ નથી). આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની અને સંસંદના બંને ગૃહોમાં ઘર વાપસીના માધ્યમથી ધર્માંતરણ બાબતે ખુબજ હોબાળો થયો. ગરમાગરમ ચર્ચાઓ થઈ. મુસ્લિમ સંગઠનો પણ એકાએક જાગૃત થયા અને ઘટનાઓ બાબતે નિવેદનોનો દોર ચાલવા લાગ્યો. કેટલાક સંગઠનોએ આને ગંભીરતાથી લઈને ‘ઘર વાપસી’માં ધર્માંતરિત થયેલ કુટુંબો સાથે મુલાકાત કરી તેમને આર્થિક મદદ કરી પોતાની સહાનુભુતિ વ્યક્ત કરી તેમજ તેમના સંગઠનો અને સમગ્ર મુસ્લિમ સમાજ તેમની સાથે હોવાની હૈયાધરણ પાઠવી.

ભારત બંધારણ મુજબ લોકતંત્ર ધરાવતુ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. જેમાં વસતા દરેક નાગરિકને ઇચ્છા મુજબનો ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. જે તેમનો બંધારણીય અધિકાર છે. ઇસ્લામ ધર્મ પ્રારંભથી જ પોતાની તરફ એક અનન્ય આકર્ષણ ધરાવે છે. પ્રાકૃતિક ધર્મ હોવાના કારણે માનવ-સમાજ તેની તરફ આકર્ષાતો રહ્યો છે. આજે ઇસ્લામ વિરૂદ્ધ પ્રોપેગન્ડા ચલાવ્યા પછી પણ, ખુબજ ગેરસમજો ઉભી કરવામાં આવેલ હોવા છતાં પણ સંસારમાં સૌથી ઝડપથી ફેલાતો જો કોઈ ધર્મ હોય તો ઇસ્લામ જ છે. બ્રિટનની સંસદમાં હાલમાં જ ઇસ્લામ જે તિવ્ર ગતીથી ફેલાઈ રહ્યો છે તેને ગંભીરતા પૂર્વક લઈને ચર્ચા કરવામાં આવી હતી. સ્ત્રી-સન્માન અને સ્ત્રી-રક્ષણ બાબતે ઇસ્લામનો પડદાનો રિવાજ ખુબજ અનુકરણીય છે. યુરોપમાં અને ખાસ કરીને બ્રિટેનમાં તેને સ્વેચ્છાએ અપનાવનારી મહિલાઓનું પ્રમાણ ગત દિવસોમાં ખુબજ વધી જવાના કારણે પડદા ઉપર પણ બ્રિટનમાં પ્રતિબંધ લગાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે બ્રિટનના એક સંસદ સભ્યનું કહેવું કે “જ્યારે મધર મેરી પોતે પડદો કરતી હતી તો હું તેનો વિરોધ કેવી રીતે કરી શકું. મારા માટે શક્ય નથી કે આ કાયદાને અનુમોદન આપું.” કહેવાનો આશય આ છે કે ઇસ્લામ નાત-જાત ઊંચ-નીચના ભેદભાવ વગર ફેલાતો રહ્યો છે. જેને રાષ્ટ્રના સિમાડાઓ પણ અવરોધ નથી બનતા. ભારતમાં પણ ઇસ્લામનો ફેલાવો એ અહીંના દબાયેલા કચડાયેલા શોશિત વર્ગો માટે આશિર્વાદ રૃપ છે. તેમ છતાં વારંવાર બળજબરી પુર્વકના ધર્માંતરણના નામે ઇસ્લામને વારંવાર બદનામ કરવામાં આવી રહ્યો છે.

આગરાની ‘ઘર વાપસી’ના નામે ધર્માંતરણની પ્રક્રિયા એક ભ્રમ ઊભો કરવાની ઘટના છે કે જેથી ધર્માંતરણનો કાયદો સંસદમાં પસાર કરવા માટે બળ અને પુરાવા મળે. આ ઘટના દ્વારા ધર્માંતરણના કાયદાને બધા જ પક્ષોની સંમંતિ મળે તે માટેનો આ એક ભ્રમિત પ્રયાસ છે. આગરાનો ઉક્ત બનાવ એટલા માટે સાંપ્રદાયિક તત્વો દ્વારા ઊભો કરવામાં આવ્યો કે જે દ્વારા સમગ્ર દેશના લોકોનું ધ્યાન દોરવામાં આવે અને આ કાયદા બાબતે તેમની જાહેર સંમંતિ ઊભી કરવામાં આવે જે માટે મીડિયાએ દરેક ઘટનાની જેમ આ ઘટનાને પણ મોટું અને વિકૃત સ્વરૃપ આપીને સાંપ્રદાયિક તત્વોને બળ પૂરું પાડ્યું છે.

આગરાની આ ઘટના બાબતે રાજ્ય સરકારે રાજકીય સમીકરણ અને નફા-નુકસાનના ધોરણને બાજુમાં મુકીને પોતાની બંધારણીય ફરજ અદા કરવાની જરૃર છે. તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી અપરાધી તત્વને કડકમાં કડક સજા કરવાની જરૃર છે કે જેથી આવી ઘટનાઓ ફરી ન બને અને ઇરાદાપૂર્વક સાંપ્રદાયિક ધ્રુવિકરણ કરનારા સંગઠનો ઉપર અંકુશ મેળવી શકાય. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે કાયદેસર કાર્યવાહી તો દૂરની વાત છે આ સાંપ્રદાયિક તત્વો ‘ઘર વાપસી’ના નામે ક્યાં-ક્યાં અને ક્યારે પ્રોગ્રમોનું આયોજન કરશે તે જાહેરમાં જણાવી રહ્યા છે. પોતાનો ભાવી એજન્ડા મીડિયા દ્વારા સમગ્ર દેશ સમક્ષ મુકી રહ્યા છે કે અમે ક્યાં-ક્યાં કેટલા પ્રમાણમાં કેટલા સમયમાં ‘ઘર વાપસી’ દ્વારા ધર્માંતરણનો અમારો એજન્ડા પાર પાડીને રહીશું. કાયદો કે બંધારણ અમારૃં કાંઇ જ બગાડી નહી ંશકે. આ બધી બાબતો ખુબજ ચિંતા ઉપજાવનારી છે અને આ ઘટના ઉપર પ્રધાનમંત્રીનું સૂચક મૌન ગર્ભિત સંમંતિ જેવું ભાષે છે. પ્રધાનમંત્રીએ બંધારણીય ફરજના ભાગ સ્વરૃપે સંસદના બંને ગૃહો ઉપરાંત દેશના પ્રજાજને પોતાનું મૌન તોડી નક્કર આશ્વાસન આપવાની જરૃર છે કે જેથી લોકોનો વિશ્વાસ બંધારણ અને કાયદા બાબતે મજબૂત બને.

ભારતનો મુસ્લિમ સમાજ ઇસ્લામ ધર્મ ઉપર આચરણ કરવાની સાથે બંધારણનું પાલન પણ કરી રહ્યો છે અને તેને સંમાનની દૃષ્ટિ જુએ છે. સરકારી અને પોલીસ તંત્રના પૂર્વગ્રહ છતાં પણ મુસ્લિમ સમાજ સ્વેચ્છાએ કાયદાનું પાલન કરી જ રહ્યો છે. આટ-આટલી યાતનાઓ વેઠીને પણ જો મુસ્લિમ સમાજ કાયદાના આચરણ પ્રત્યે તત્પર હોય તો ધર્માંતરણના કાયદા બાબતે મુસ્લિમોની લાગણીને ક્યારેય પણ અવગણી ન શકાય. આજે પણ મુસ્લિમ સમાજ માને છે કે દરેક વ્યક્તિને પોતાની ઇચ્છા મુજબનો ધર્મ પાળવાની બંધારણીય છૂટ હોવી જ જોઈએ. ધર્મ બાબતે કોઈ બળજબરી ન હોવી જોઈએ. અલ્લાહતઆલાએ કુઆર્નમાં બળજબરી પૂર્વકના ધર્મ પરિવર્તનને ગુનો ગણ્યો છે. એટલે ઇસ્લામમાં બળજબરીપૂર્વકનું ધર્મ પરિવર્તન એ અલ્લાહતઆલાની આજ્ઞાનું ઉલ્લંઘન ગણાય. “દીન (ધર્મ)ના મામલામાં કોઈ બળજબરી નથી…” (સૂરઃબકરહ-૨૫૬)

ભારતમાં મુસ્લિમો એ ૯૦૦ વર્ષ શાસન કર્યું છે. જ્યારે કે તેઓ તે સમયે ધાર્મિક દ્રષ્ટિએ ખુબજ લઘુમતિમાં હતા. તેમ છતાં તેમણે ન્યાયપૂર્વક આટલા વર્ષો સુધી રાજ્ય કર્યું અને બધા જ ધર્મોનું આદર પણ કર્યું. તેમજ ધાર્મિક સ્થાનોને મોટુ આર્થિક અનુદાન પણ કર્યું. જેના અનેક કિસ્સાઓ ઇતિહાસની અંદર સંગ્રહિત છે. જેમાં અકબર બાદશાહ દ્વારા ગાયની કતલ ઉપરનો પ્રતિબંધ મુક્તો કાયદો મુખ્ય ગણાય. આમ પણ સામાન્ય રીતે એક લઘુમતિ ધાર્મિક સમાજનો બાદશાહ આટલા વર્ષો સુધી અને આટલા મોટા દેશ ઉપર બિનસાંપ્રદાયિક અને ન્યાય વગર શાસન કરી જ ન શકે. આ દ્રષ્ટાંત ભારતીય સમાજ માટે ઉદાહરણીય છે. જેનું આજે પણ પાલન કરવાની તાતી જરૃર છે. કે જે દ્વારા આપણે ન્યાય, શાંતિ અને ભાઈચારાના વાતાવરણને દેશમાં પ્રસ્થાપિત કરી શકીએ. એ સમયમાં જો મુસ્લિમ બાદશાહોએ ઇચ્છયું હોત તો બળજબરી પૂર્વક ધર્માંતરણ કરાવી શક્યા હોત પરંતુ ઇતિહાસમાં આપણને એવું એક પણ ઉદાહરણ શોધ્યું નહીં જડે કે ક્યાંય પણ કોઈ બળજબરીપૂર્વક ધર્માંતરણની ઘટના ઘટી હોય.

ભારત જેવા વિશાળ દેશમાં કે જ્યાં સંસારમાં અસ્તિત્વ ધરાવતા બધા જ ધર્મોને માનનારા મોટા સમુહમાં વસતા હોય ત્યાં સરકારની બંધારણીય અને નૈતિક ફરજ બને છે કે તે લોકતંત્રને મજબૂત બનાવનારા અને દરેક ધર્મને અપાતા વિશેષ અધિકારોની રક્ષા કરે અને કાયદા અને પોલીસતંત્ર દ્વારા તેને વાસ્તવિક અમલમાં મુકે. લઘુમતિ સમાજને કોઈપણ પ્રકારનો ભય ન સતાવે તેઓ સ્વેચ્છાએ પોતાના ધર્મ મુજબ આચરણ કરી શકે. ધર્માંતરણ ઉપર પ્રતિબંધનો આ કાયદો બંધારણીય અધિકાર ઉપર તરાપ સમાન છે અને માનવ અધિકારનું પણ સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેથી આવા કાયદાઓને પ્રોત્સાહિત કર્યા વગર તેને કડક હાથે ડામી દેવાની જરૃર છે અને જે સંગઠનો આવા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે અને ભવિષ્યમાં કરવાની જાહેરાતો પણ આપી રહ્યા છે તેમને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવાની જરૃર છે કે જેથી કાયદાનું સુશાસન પ્રસ્થાપિત કરી શકાય. કહેવાની જરૃર નથી કે જો આવું નહીં કરવામાં આવે તો દેશ ફરી ખંડિત થવાની દિશામાં ખુબજ ઝડપથી આગળ વધશે. સાંપ્રદાયિક તત્વોના હિટ-લિસ્ટમાં મુસ્લિમો પછી હવે ખ્રિસ્તીઓનો પણ સમાવેશ થઇ ગયો છે અને તેમનો ‘ઘર વાપસી’નો કાર્યક્રમ પણ સુનિશ્ચિત કરી દેવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આ કાર્યક્રમોનો લિસ્ટ લાંબામાં લાંબુ થતુ જશે અને લઘુમતિઓમાં એક પછી બીજી જાતીઓ સમાવેશ થતો રહેશે. તેથી ભારતીય સમાજના વિદ્વાન અને સજ્જન લોકોએ સંગઠિત અને સક્રિય થઈને ન્યાયિક સમાજની રચના માટે યથાશક્તિ યોગદાન આપવાની જરૃર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments