Wednesday, January 15, 2025
Homeમાર્ગદર્શનકુર્આનજો તમે આભારી બનશો તો ...

જો તમે આભારી બનશો તો …

અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

“જો તમે આભારી બનશો તો હું તમને હજુ ખૂબ વધારે પ્રદાન કરીશ અને જો નેઅમતોનો ઇન્કાર કરશો તો મારી સજા ઘણી સખત છે.” (સૂરઃઇબ્રાહીમ – ૭)

વ્હાલા મિત્રો! અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે આપણને અસંખ્ય ને’મતોથી નવાઝયા છે. માનવ બનાવવો, માનવમાં પણ મુસલમાન બનાવવો, મુસલમાનોમાં ઉમ્મતે મુહમ્મદિયામાં પેદા કરવું, ઉમ્મતમાં પેદા કરીને પથભ્રષ્ટ થવાથી બચાવવું, હિદાયતના રસ્તા ઉપર ચલાવવું, અને હિદાયતના રસ્તા ઉપર કાયમ રાખીને બીજાઓને પણ આ રસ્તા ઉપર લાવવાની કોશિશ કરવા માટેની તૌફીક આપવીં. બુદ્ધિથી નવાઝવું અને ખરા-ખોટામાં ભેદ પારખવાની ક્ષમતા આપવી. એવી કેટલીએ ને’અમતો છે જેમના વિશે ને’મત હોવાનો એહસાસ પણ બહુ ઓછો થાય છે. અલ્લાહની ઘણી બધી એવી ને’મતો છે જે આપણને મળેલ છે. આ ને’મતોમાં નવરાશ અને સ્વાસ્થ્ય એવી ને’મતો છે જેમના વિશે નબીએ કરીમ (સ.અ.વ.) તાકીદ કરતા ફરમાવ્યું છે કે આ ને’મતો વિશે લોકો ગફલત અને ફરેબમાં છે. કેટલીક રિવાયતોમાં પાંચ ચીજોને પાંચ ચીજો પહેલા ગનીમત સમજવા માટે કહેવામાં આવ્યું છે. એમાં તંદુરસ્તીને રોગ પહેલા અને નવરાશને વ્યસ્તતા પહેલા, વિશેષ ધ્યાન આપવા લાયક છે. સામાન્ય રીતે આપણે આ વિચારીએ છીએ કે ઇબાદતો અને સદ્કાર્યો દ્વારા અલ્લાહને રાજી કરીને જન્નત મેળવવા માટેની કોશિશો તો બાદમાં પણ કરી શકાય. અત્યારે તો યુવાન છીએ. જ્યારે વૃદ્ધ થઇ જઇશું અને બધી જાતની પ્રવૃત્તિઓથી મુક્તિ મળશે ત્યારે બહુ સદ્કાર્યો કરી શકીશું. યુવાનીના દિવસોમાં આટલી નવરાશ જ ક્યાં છે. છેવટે વૃદ્ધાવસ્થા આવી પહોંચે છે. અને જે શક્તિ, અનર્જી, અને તાકાત યુવાવસ્થામાં પ્રાપ્ત હતી, જે કાર્ય મનુષ્ય તે સમયે કરી શકતો હતો, હવે કમજોરી અને ઝૈફ વયના કારણે કરી શકતો નથી. હવે તો માત્ર આશા કરી શકે છે કે જો તાકાત હોત તો આ કામ કે તે કામ કરી શકયા હોત. પણ અવસર હાથમાંથી નીકળી ચુક્યો હોય છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે અલ્લાહને પણ યુવાનીના દિવસોની ઇબાદતો વધુ પ્રિય હોય છે. અને કદાચ આ જ કારણે યુવાનીને અલ્લાહની રઝા અને પ્રસન્નતા પ્રાપ્તિના પ્રયત્નોમાં વ્યતીત કરવાવાળાને કયામતના દિવસે અલ્લાહની ખૂરશીનો પડછાયો મળવાની વાત પણ કહેવામાં આવી છે. તકલીફ અને પરેશાનીના દિવસો બિન આમંત્રિત મહેમાન જેવા હોય છે. ખરાબ દિવસો પુછીને નથી આવતા. એટલા માટે સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને ઉચિત સમજવું જોઇએ. કોણ જાણે ક્યારે રોગોનું આક્રમણ થઇ જાય અને મનુષ્ય પથારીવશ થઇને રહી જાય.

ખુશી કી આંખમેં આંસુ કી ભી જગહ રખના
બુરે ઝમાને કભી પુછકર નહીં આતે

બીજી એક બહુ મોટી ને’મત નવરાશ છે. આધુનિક યુગની પ્રગતિ અને વિકાસે ટાઇમ પાસના નામે અસંખ્ય વસ્તુઓની ભેટ આપણને આપી છે. આપણે તેમનો ખૂબ ઉપયોગ કરીએ છીએ. યુવાનો પોતાનો કેટલો સમય વ્યર્થ અને નકામા કાર્યોમાં વ્યતીત કરે છે આનો અંદાજો કાઢવો મુશ્કેલ છે. ઇન્ટનેટની દુનિયાથી પરિચિત મનુષ્યો આ હકીકતથી સારી રીતે પરિચિત છે. કેટલી દુઃખની વાત છે કે સોશિયલ મીડિયા પર દર વખતે ઓનલાઇન રહેવાવાળા અસંખ્ય કમનસીબ લોકો એવા પણ છે કે વર્ષોે વીતી જાય છે એમને કુઆર્ન મજીદ પઢવુ, સમજવુ અથવા સમજવાની કોશિશ કરવી તો દૂરની વાત છે પણ એમને કુઆર્ન ખોલવાનો પણ મોકો મળતો નથી. તેઓ દુનિયાના ક્ષણિક પ્રેમ સાથે સંબંધો સ્થાપિત કરવા માટે પોતાના સર્જનહારના કાયમી સંદેશને અવગણીને ખૂબ જ ગાંડપણનો દેખાવ કરી રહ્યા છે. વ્યર્થ ચેટિંગ અને વ્યર્થ હોબીઝમાં પોતાનો સમય બરબાદ કરતા આ વાત સારી રીતે યાદ રાખશો કે એક સમય એવો પણ આવે છે કે સમય મનુષ્યને બેકાર બનાવીને છોડી મુકે છે. બુદ્ધિમત્તાની અપેક્ષા એ છે કે સમય અને સ્વાસ્થ્ય જેવી ને’મતોનો એહસાસ પોતાની અંદર પેદા કરવામાં આવે અને આભાર વ્યક્ત કરતા રહે. આ ને’મતોની આભારવશની પદ્ધતિ આ છે કે આ પદ્ધતિઓના હેતુસર ઉપયોગ કરવામાં આવે. શુક્ર અદા કરવાથી ચોક્કસપણે એમાં બહુમુલ્ય વધારો થશે. જો ખુદા ન કરે આ ને’મતોને ધ્યેય વગર ઉપયોગ કરવામાં આવશે અથવા તો વ્યર્થ કામો અને લાભ વગરના કાર્યોમાં લગાડવામાં આવશે તો આ ને’મતની નાકદરી અને નાશુક્રી થશે અને કુફરાને ને’મતથી એટલુ જ નહિ કે ને’મતો છીનવાઇ જાય છે પણ નાશુક્રીનો અઝાબ પણ બહુ સખત હોય છે. અલ્લાહ રબ્બુલઇઝ્ઝત આપણે બધાને આપણને જીવનધ્યેય સમજવાની તૌફીક અતા ફરમાવે. (આમીન)

રજૂઆત: માસ્ટર બશીર ખાં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments