Sunday, December 22, 2024
Homeમનોમથંનદલિત સમાજના આગેવાનનો આત્મવિલોપન : જવાબદાર કોણ???

દલિત સમાજના આગેવાનનો આત્મવિલોપન : જવાબદાર કોણ???

ઊંઝાના સમી તાલુકાના દુધકા ગામમાં સર્વે નં. ૧૦૨૨ વાળી જમીન પર સરકારે ભૌતિક કબજો જમાવ્યો હતો. અનેક રજૂઆતો, નિવેદનો, આવેદનો તેમજ ચિમકીઓ છતાં આ જમીનનો કબ્જો દલિતોને સોંપી દેવા પ્રયાસો કરવામાં આવ્યા. પરંતુ સરકાર પર આ પ્રયત્નોની કોઈ અસર થઈ નહીં. જમીનની માંગ સાથે મેદાને પડેલી સંસ્થા ‘ફાઈવ સ્ટાર યુથ ફેડરેશન’ના મંત્રી એવા ભાનુભાઈ વણકરે મુખ્યમંત્રીને, પછી જીલ્લા કલેકટરને લેખિતમાં જાણ કરી કે જો દુધકા ગામના દલિતોને જો જમીનનો ભૌતિક કબ્જો નહીં મળે તો તેઓ ૧૫મી ફેેબ્રુઆરીએ બપોરે ૧ વાગે કલેક્ટર ઓફિસની સામે જ પોતાના બે સાથીઓ રામભાઈ ચમાર, અને ભેમા બેન વણકર સહિત આત્મવિલોપન કરી લેશે. આ પહેલા ૧૭ જાન્યુઆરીએ પણ મુખ્યમંત્રીના સચિવે ચિઠ્ઠી દ્વારા જીલ્લા કલેકટરને જાણકારી આપી હતી છતાં જીલ્લા કલેકટર કોઈ ઠોસ પગલાં લીધા નહીં. ભાનુભાઈની ચિમકીને માત્ર ધમકી સમજી અને પ્રશાસનને બાનમાં લેવાઈની તજવીઝ માની જીલ્લા કલેકટરે આંખ આડા કાન કર્યા.

છેવટે એક દુઃખદ ઘટના ઘટી. ભાનુભાઈએ નિર્ધારિત સમયે પોતાના બંને સાથીઓ સહિત કલેકટર ઓફિસ પહોંચી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો. પોલીસ રામભાઈ અને ભેમા બેનને આત્મવિલોપન કરતાં અટકાવવામાં તો સફળ રહી પરંતુ ભાનુભાઈને આત્મવિલોપન કરતાં અટકાવી શકી નહીં.

૧૬મી ફેબ્રુઆરીની રાત્રે ભાનુભાઈ વણકરે જીવ ગુમાવી દીધો. સમગ્ર દલિત સમાજ શોક, આઘાત અને આક્રોશની મિશ્ર લાગણીમાં લિપ્ત છે અને સરકારની મુંઝવણમાં ઓર વધારો થઈ ગયો. આખરે ભાનુભાઈના આત્મવિલોપનથી સરકારે દલિત સમાજ દ્વારા મુકવામાં આવેલી તમામ શરતોને માની લીધી છે. અને જમીનનો ભૌતિક કબ્જો છ મહિનામાં દલિતોને સોંપી દેવાના આદેશ પણ જારી કરી દીધા છે.

સમગ્ર ઘટનાક્રમમાં કેટલાક મુદ્દાઓ ચર્ચાને પાત્ર છે જેમકે,

(૧) સરકારની ભુમિકા પર પ્રશ્નાર્થ

કાગળ પર જમીનની માલિકી તબદીલ થઈ ગઈ હોવાં છતાં તેનો ભૌતિક કબ્જો સરકાર પાસે હતો આ અન્યાયની પરાકાષ્ઠા છે જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવે ત્યારે વ્યક્તિ ન્યાયતંત્ર કે સરકારથી એવી આશા સેવે છે કે તેને તેની જમીન ન્યાયીક રીતે પાછી મળશે પરંતુ અહીં સરકારે પોતે કબ્જો જમાવ્યો હતો. હવે વ્યક્તિ કે સમાજ ક્યાં જાય??? કોઈ પણ સરકાર જ્યારે તેના નાગરિકોના હક્કોની સુરક્ષા ન કરી શકતી હોય તો તેવી સરકારોને સરકાર ચલાવવાનો કોઈ હક નથી. રૃપાણી સરકારની આંખમાં પાણી હોય તો તેણે રાજીનામું મુકી દેવું જોઈએ. પોતાનો હક હાંસલ કરવા માટે કોઈ વ્યક્તિ પોતાની જાતને પ્રશાસનની ઓફિસ સમક્ષ બાળી નાંખવાની ચિમકી આપે એનો અર્થ એ થાય કે કાયદાકીય રીતે પોતાનો હક મેળવવાના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડી ગયા છે અને પોતાનો જીવ સરકાર સમક્ષ ત્યાગી દેવાનો જ એકમાત્ર વિકલ્પ બાકી રહ્યો છે. આ પરિસ્થિતિ સુચવે છે કે સરકાર એવી નફ્ફટ અને લાગણીહીન થઈ ચુકી છે. સરકારે પોતાનો વલણ કોઈપણ નાત-જાત, ધર્મ કે નસ્લને આધારે નહીં પરંતુ તથ્યોને આધારે સ્પષ્ટ કરવો જોઈએ. અને ભવિષ્યમાં એવી કોઈ અન્યાય ન થાય તેવો સંકલ્પ કરવો જોઈએ.

(૨) ભાનુભાઈ વણકરનો આત્મવિલોપન

સમગ્ર ગુજરાત અને ભારતભરમાં ચર્ચાનો વિષય બનેલ ભાનુભાઈ વણકરની આત્મવિલોપનની ઘટના જાગૃત સમાજ માટે વિચાર માંગી લે છે. કોઈપણ સમસ્યાનો સમાધાન આત્મવિલોપન જેવું આત્યાંત્તિક પગલું જ શા માટે? પછી ઘટના સ્થળે હાજર તમામ લોકો મરી જવાની જ ચિમકી ઉચ્ચારતા હતા. પોતાની જાતને મારી નાંખવું એ કોઈ પણ રીતે વાજબી ગણી શકાય નહીં, દલિત સમાજે આ રસ્તો છોડી દેવો જોઈએ. ભાનુભાઈ વણકરની પ્રતિમા/ સ્મારક બનાવવામાં આવે કે તેમના મૃત્ય બદલ સરકાર વળતર ચુકવે એનાથી ભાનુભાઈ પરત આવી જવાના નથી. એ વ્યક્તિની ખોટ કોઈપણ રીતે પુરી શકાય નહીં. કુદરતી રીતે મૃત્ય પામવું એ ઇશ્વરનો નિયમ છે. પરંતુ પોતાની જાતને મારી નાંખવું એ જુદી વાત છે. અને આત્મવિલોપન કે આત્મહત્યા જેવું પગલું ક્યારેય સાહસિક ગણી શકાય નહીં.

(૩) નેતાઓની તકસાધુ નીતિ

ભારત દેશમાં ખરેખર એક વ્યક્તિનું દુઃખ કે એક સમાજની સમસ્યા સમજી શકે અને સાચા હૃદયથી તેમની મદદ કરી શકે તેવા નેતા નહીવત છે. જો હોત તો કદાચ ભાનુભાઈને આત્મવિલોપન કરવાની જરૃર ન પડી હોત. ભાનુભાઈએ ભૌતિક કબ્જો મેળવવા કોઈ નેતાનો સંપર્ક નહીં કર્યો હોય? જરૃર કર્યો હશે… સામાજિક સંસ્થાના આગેવાનોને પણ મળ્યા હશે. પરંતુ તેમનાથી કોઈ મદદ આશ્વાસન સિવાય કંઇ મળ્યું નહીં હોય, તેથી તેમને આ પગલું ભરવું પડ્યું. દેશના નેતાઓ કે જેઓ જાહેરમાં નાગરિકોના હક્કોના આંસુ સારતા દેખાય છે, તેઓને ખરેખર તેમની મદદે આવવું જોઈએ. ફકત નિવેદનો આપવાથી, મીડિયા સમક્ષ ફોટા પડાવી લેવાથી અને લચ્છાદાર ભાષણો કરવાથી સમસ્યાઓનો નિકાલ આવી જતો નથી. આવા નેતાઓને પોતાની જાતને બદલી નાંખવું જોઈએ નહીંતર તેઓ વધારે સમય માટે નેતા તરીકે પોતાની જાતને જાળવી શકશે નહીં. આમ નાગરિકોએ પણ આવા નેતાઓને ઓળખી લેવા જોઈએ જેઓ માનવતાની વિરુદ્ધ નેતાગીરિને એક કરિયર સમજી બેઠા છીએ.

(૪) ઇસ્લામી દૃષ્ટિકોણ

કુઆર્ન આત્મવિલોપન કે આત્મહત્યાના કૃત્યુને નિરાશાના પ્રતિક સમાન ગણે છે. પોતાના
જીવ ને પોતાના હાથે ખતમ કરવાના કૃત્યુને ઇસ્લામ જઘન્ય અપરાધ ગણે છે. કુઆર્ન કહે છે,

“…અને પોતે પોતાની હત્યા ન કરો. વિશ્વાસ રાખો કે અલ્લાહ તમારા ઉપર મહેરબાન છે.” (૪ઃ૨૯)

ઇસ્લામના પયગમ્બર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું છે કે, “તમારામાંથી (સમગ્ર માનવજાત) કોઈ મુસીબત આવવાના સમયે મોતની ઇચ્છા ન કરે અને જો મોતની ઇચ્છા કરવી જરૂરી બની જાય તો તેણે એમ કહેવું જોઈએ કે, હે અલ્લાહ તું મને જીવીત રાખ, જ્યાં સુધી મારૃં જીવન બહેતર હોય અને મને મૃત્યુ દે જ્યારે મારા માટે મૃત્યુ બહેતર હોય.”

બીજી તરફ સરકારોની તેમના નાગરિકો પ્રત્યેની બેજવાબદારી સુચવે છે કે તેઓની સમક્ષ મૃત્યુ પછી કોઈ ઉત્તરદાયિત્વ નથી. ઇસ્લામ શાસકોને તેમની પ્રજા સાથે ન્યાય કરવાનો સખત આગ્રહી છે અને જો તેઓ રાઈના દાણા બરાબર પણ અન્યાય કરશે તો તેઓને આખેરતમાં તેનો સખત હિસાબ આપવો પડશે. ઇસ્લામ લોકોને કહે છે કે ન્યાયના ધ્વજવાહક બનો. એટલે કે જ્યાં અત્યાચાર અને અન્યાય થતા હોય ત્યાં ન્યાય કરાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરો.

દેશમાં હવે લોકાનેે સરકારો પરથી, નેતાઓ પરથી, ન્યાયપાલિકાઓ પરથી વિશ્વાસ ઉઠતો દેખાય છે. આ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. જો સરકારો નાત-જાત અને ધર્મના આધારે અન્યાય કરવાનું નહીં છોડે તો ભવિષ્યમાં તેને ખરાબ પરિણામો માટે તૈયાર રહેવુ પડશે. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments