Wednesday, January 15, 2025
Homeઓપન સ્પેસનવયુવાનોમાં એ ચેતના બળવત્તર બને કે ઉમ્મતથી આપણા સંબંધોના તકાદા શું છે?

નવયુવાનોમાં એ ચેતના બળવત્તર બને કે ઉમ્મતથી આપણા સંબંધોના તકાદા શું છે?

સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ ઇકબાલ હુસૈનનો નવિન સત્ર સંબંધે પોલીસી-પ્રોગ્રામના પરિપેક્ષ્યમાં અબુલ’આબા સૈયદ સુબ્હાની, તંત્રી રફીક-એ-મંઝિલ દ્વારા લેવામાં આવેલ ઇન્ટરવ્યુના મુખ્ય અંશો.

પ્રશ્નઃ પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકાર્યા પછી આપના શું એહસાસ છે?

ઉત્તરઃ એસ.આઈ.ઓ. ભારતના વિદ્યાર્થીઓ અને નવયુવાનોનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન છે. તેણે ભારતમાં ઇસ્લામના સંદેશનું કામ કરવાનું છે. આ એક મોટી જવાબદારી છે જે અલ્લાહની મદદના ભરોસા સાથે સતત સંઘર્ષનો તકાદો કરે છે. અમારા એ પ્રયત્નો રહેશે કે સંગઠને આ બત્રીસ વર્ષમાં જે આગેકૂચ કરી છે તે જ પંથે ચાલીને આ બે વર્ષમાં વધુ ઝડપથી આગળ વધીએ કે જેથી દેશના વિદ્યાર્થી-નવયુવાનોને એક ચોક્કસ દિશા તરફ દોરવણી આપી શકાય.

પ્રશ્નઃ કેન્દ્રમાં નવી સરકાર આવ્યા પછી પરિસ્થિતિ ખૂબ ઝડપથી બદલાઈ રહી છે ત્યારે આપના મતે વિદ્યાર્થી વર્તુળ સામે મુખ્ય પડકારો કયા છે?

ઉત્તરઃ એ બાબતે કોઈ જ બેમત નથી કે વર્તમાન સરકારની સ્થાપના એ ભારતીય ઇતિહાસનો મહત્વનો વળાંક છે. ઘણા લાંબા સમયથી દેશમાં સંયુક્ત સરકારો હતી હવે મોટી બહુમતી સાથે ભાજપ સત્તામાં આવ્યો છે. જેનાથી રાજકારણમાં મોટો ફરક આવી ગયો છે. જેથી આ સરકારનો પ્રયત્ન રહેશે કે તેઓ પોતાના એજન્ડાનું અમલીકરણ કરે અને આનું સૌથી મોટું ક્ષેત્ર એજ્યુકેશન સેકટર પણ છે. જેમાં આ સરકારના અગાઉ પણ ખાસ માનસિકતા ધરાવતા લોકો ઘણું કામ કરી ચૂક્યા છે. આમ જોઈએ તો આવનારા દિવસોમાં તેમનું મહત્વનું લક્ષ્ય શિક્ષણ વ્યવસ્થા રહેશે જેનો આરંભ પણ થઈ જ ગયો છે. જેથી જરૂરત એ વાતની છે કે આ સંબંધે નવી સરકાર જે પોલીસી બનાવે છે તેનો ઊંડાણથી અભ્યાસ કરીને સમીક્ષા કરવામાં આવે. આ સંબંધે પ્રજામાં જાગૃતિ લાવવા માટે સમાન વિચારો ધરાવતી સંસ્થાઓનો સાથ લઈને શિક્ષણના ભગવાકરણ અને વેપારીકરણ સામે લોકશાહી માર્ગે દેશવ્યાપી આંદોલન જગાવવા પ્રયત્નશીલ થઇશું.

પ્રશ્નઃ વર્તમાન સંજોગોમાં દેશના વિદ્યાર્થી અને નવયુવાનોથી તમે શું અપેક્ષા રાખો છો?

ઉત્તરઃ આ દેશની સેક્યુલર છાપ અને લોકશાહીના મૂલ્યો અને વાતાવરણને યથાવત રાખવું અત્યંત જરૂરી છે. અહીં તમામ પ્રકારના લોકો વર્ષોથી સાથે જીવન ગુજારે છે અને તમામના માટે સમાન તકો છે. જેથી આ તમામ પરંપરાને જાળવી રાખવા માટે દેશના વિદ્યાર્થી-નવયુવાનોએ મહત્વનો ભાગ ભજવવાનો છે. કેમકે દેશનું ભવિષ્ય તો તેઓ જ છે. આ કામ માટે તેમને તૈૈયાર કરવા એ વર્તમાન સમયની સૌથી મોટી માંગ છે. તેમ હું માનું છું અને એસ.આઈ.ઓ. માટે આ એક મોટી ચેલેન્જ પણ છે કે કેવી રીતે આપણે આ યુવાશક્તિ આ કામ માટે તૈયાર કરીએ.

પ્રશ્નઃ આ સત્રની પોલીસીના મહત્વના મુદ્દા શું છે?

ઉત્તરઃ આ સત્રની પોલીસીનો મહત્વનો મુદ્દો એ છે કે દેશના વિદ્યાર્થીઓ ખાસ કરીને સંગઠન સાથે જોડાયેલાઓ આવાહક તરીકે આગળ આવે. સેંકડો વર્ષોથી સાથે રહેવા છતાં આપણે દેશબંધુઓ સમક્ષ ઇસ્લામનું સાચુંચિત્ર નથી કરી શકયા. જેનું મુખ્ય કારણ આપણામાં દીનના આવાહક હોવાની ભાવના જ ઉભી થઈ નથી. જેથી વિદ્યાર્થી અને નવયુવાનોમાં એ ચેતના જગાવવા જરૂરી છે કે આપણે કોણ છીએ અને આ ઉમ્મતથી આપણા સંબંધોના તકાદાઓ શું છે!

બીજી મહત્વની વાત એ છે કે સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ઉપર જે પ્રકારે હુમલાઓ થઈ રહ્યા છે અને દેશમાં જે રીતે કોમવાદ વકરી રહ્યો છે તેના કારણે આપણા વિદ્યાર્થી અને નવયુવાનોમાં ઉગ્રતા અને નિરાશા વધતી જઈ રહી છે અને આ બંને બાબતો ઇસ્લામી ચેતના વિરૂદ્ધ છે અને ઇસ્લામ તેને સ્વીકારતો નથી. એસ.આઈ.ઓ. પ્રયત્નો કરશે કે નિરાશા અને આક્રોશના વાતાવરણમાંથી તેમને બહાર કાઢીને રચનાત્મક કાર્યોમાં લગાવે, તેમની યોગ્યતાઓ તેમની યુવાની અને જીંદગીને ઇસ્લામના સંદેશ માટે કાર્યરત બનાવે.

ઉત્તરભારત ખૂબ મોટો વિસ્તાર છે જ્યાં સંગઠનની અસરો ઓછી છે. જેથી ત્યાંના કામો માટે “નોર્થ ઇન્ડિયા એજ્યુકેશન મૂવમેન્ટ”ના નામની એક કાયમી અભિયાન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે આધિન પ્રાથમિક તબક્કાના અમુક કામો તો થયો છે જેમાં શિક્ષણની સમસ્યાઓનો અભ્યાસ કરવો અને સમાજમાં જાગૃતિ લાવવું છે આ કામોને આગળ વધારવા હેતુ આ યોજનાને આ સત્રમાં પણ સામેલ કરવામાં આવી છે.

એક ખુબજ મહત્વની બાબત વિદ્યાર્થીઓની કાર્યશીલતાથી સંબંધિત છે. ગત દિવસોમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના યુનીયન ઇલેકશન એસ.આઈ.ઓ.ને મળેલી સફળતા ખૂબ મહત્વની છે. એવી યુનિવર્સિટી અને કોલેજ કેમ્પસ જ્યાંના રાજકારણમાં અમે શામેલ થઈ શકતા હોઈશું ત્યાં તેમાં શામેલ થવા પ્રયત્ન કરીશું અને એવી જગ્યાઓ જ્યાં આ શક્ય નહીં હોય ત્યાં અમારી પ્રવૃત્તિઓથી અસરકારક બનાવવા પ્રયત્ન કરીશું. દેશની વર્તમાન પરિસ્થિતિના પરિપેક્ષ્યમાં નક્કી કરવામાં આવ્યું છે કે કોમવાદ અને તેના આયોજનબદ્ધ પ્રયાસો વિરૂદ્ધ સંયુક્ત અને સહીયારો સંઘર્ષ કરીને લોકશાહી આધારો ઉપર સમાજની નવરચનાના પ્રયત્નો કરવામાં આવશે. તે સિવાય પોલીસીના બીજા તમામ મુદ્દાઓ પણ મહત્વના છે જે તમામની ચર્ચાનો અત્રે અવકાશ નથી.

પ્રશ્નઃ ઇસ્લામની દાવત આપવા બાબતે દેશના વિશેષ સામાજિક અને ધાર્મિક માળખાના સંદર્ભમાં એસ.આઈ.ઓ.ની પોલીસી શું છે?

ઉત્તરઃ જ્યારે આપણે આ દેશના લોકોથી વાત કરતા હોઈએ તો આપણો એપ્રોચ તમામ સાથે સમાન હોય છે. આમાં જરૂરત એ વાતની છે કે અહીંના સમાજમાં જોવા મળતી વિવિધતા અને વિરોધાભાષને પણ સમજીએ. વિવિધ ધર્મો તેમની આસ્થાઓ તેમના રીતરિવાજ અને કલ્ચરથી વાકેફ થઈએ. અમે નક્કી કર્યું છે કે આ સંબંધે દેશની વિવિધ આધ્યાત્મિક ચળવળોનો અભ્યાસ કરીશું અને સમજીશું જેથી તેના દ્વારા અલ્લાહ ચાહશે તો દીનની દાવતના નવા રસ્તાઓ ખુલશે.

પ્રશ્નઃ અલીગઢ મુસ્લિમ યુનીવર્સિટીમાં એસ.આઈ.ઓ.ની ઐતિહાસિક સફળતા પછી આપણા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ દેખાય છે. આ સત્રમાં કેમ્પસ એક્ટીવીઝમ સંબંધે કોઈ ખાસ નીતિ બનાવવામાં આવી છે?

ઉત્તરઃ એ.એમ.યુ.ની સફળતા ખરેખર એસ.આઈ.ઓ.ના ઇતિહાસની એક મોટી સફળતા છે અને સ્ટૂડન્ટ્સ પોલીટીક્સને એસ.આઈ.ઓ. જે દિશા આપવા ઇચ્છે છે એ બાબતમાં આ એક મોટી ગતિવિધિ છે. એસ.આઈ.ઓ. ચાહે છે કે વિદ્યાર્થીઓમાં સામાજિક અને રાજકીય જાગૃતિ ઉભી થાય અને કેમ્પસમાં લોકશાહીયુક્ત વાતાવરણ ઉભું થાય. તેમજ વિદ્યાર્થીઓની જે ખરી સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે વિદ્યાર્થીઓ પોતે જ આગળ આવે. એ.એમ.યુ.ની સફળતાની જ્યાં આપણા કેડરને બળ મળ્યું છે ત્યાં એ જરૂરત પણ ઉભી થઈ છે કે તમામ મોટી યુનિવર્સિટી અને કેમ્પસમાં આપણી શક્તિ અને મર્યાદા આધિન રોલ અદા કરવાના પ્રયત્નો કરીએ.

પ્રશ્નઃ બદલાતા સંજોગોમાં જ્યારે કે વિદ્યાર્થીઓ અને નવયુવાનો દરમિયાન ચારિત્ર્ય અને નૈતિકતાનો અભાવ, વૈચારિક વિખવાદ અને નિરંકુશતા સામાન્ય થતાં જઈ રહી છે. જેથી સંગઠનમાં તેની અસરો ક્યાંક તે ક્યાંક આપણા સાથે જોડાયેલા ઉપર પણ વર્તાઈ રહી છે. જેથી સંગઠનમાં આંતરિક સ્તરે તેમની સુધારણા અને વૈચારિક મજબૂતી સંબંધે તમારા પાસે શું પ્રોગ્રામ છે?

ઉત્તરઃ આધુનિક ટેકનોલોજીએ જ્યાં આપણને ભૌતિક પ્રગતિથી પરિચિત કરાવડાવ્યા છે ત્યાં રૃહાની એટલે કે આધ્યાત્મિક સ્તરે ખૂબ પાછળ ધકેલી દીધા છે. આ સમયે જ્યારે કે સમાજ ખતરનાક નૈતિક અદ્યઃપતનનો શિકાર છે અને અમુક હદ સુધી મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ તેના શિકાર બનતા જઈ રહ્યા છે. એસ.આઈ.ઓ. એ પોતાની પોલીસીમાં એ વાત શામેલ કરી છે કે આપણે પોતાનાથી જોડાયેલા અને વિદ્યાર્થીઓનો વૈચારિક રીતે સશક્ત બનાવીને તેમને આ નૈતિક અદ્યઃપતનથી બચાવવા માટે તેમનામાં આત્મશુદ્ધિની પ્રક્રિયાને ઉત્તેજન આપવાના પ્રયત્નો કરવામાં આવશે. આત્મશુદ્ધિ વ્યક્તિની પોતાની જરૂરત છે અને આ જરૂરતથી તે વાકેફ હોવો જોઈએ અને સામુહિકતાનું કામ એ છે કે આત્મશુદ્ધિ માટે વાતાવરણ બનાવે. આ બંને પાસાઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. વર્તમાન સંજોગોમાં જરૂરત છે કે દીનની ભાવનાને બળવત્તર બનાવવામાં આવે જે માટે આપણા પાસે મહત્વના સ્ત્રોત કુઆર્ન અને અલ્લાહના રસૂલ સલ્લ.નું જીવનચરિત્ર છે. જેનાથી આપણા લોકોને અને સમગ્ર મુસ્લિમ સમાજને જોડવાના પ્રયત્નો કરીશું.

પ્રશ્નઃ દેશની વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે કે મુસ્લિમ નવયુવાનોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, તેમનામાં નિરાશા અને ખાસ પ્રકારનો અંતિમવાદ જોવા મળે છે. એસ.આઈ.ઓ. આને નિર્મૂળ કરવા માટે શું કરવા ઇચ્છે છે?

ઉત્તરઃ ભારતમાં આતંકના રાજકારણનો એક અધ્યાય છે જે વૈશ્વિક પરિસ્થિતિથી સંકળાયેલો છે. ખોટા આરોપો આધિન નિર્દોષ મુસલમાન વિદ્યાર્થીઓ અને યુવાનોને પકડવામાં આવે છે અને છેલ્લા આઠ-દસ વર્ષોથી આ સિલસિલો ચાલુ જ છે. જોકે આ નવયુવાનોને એક પછી એક અદાલતોથી નિર્દોષ છૂટકારો મળી રહ્યો છે. તેમ છતાં આવા પરિણામે મુસ્લિમ સમાજમાં અસુરક્ષિતતા અને નિરાશાની કેફીયત ઉભી થઈ છે. આ સંદર્ભમાં ઉમ્મતના નવયુવાનોને હિંમત આપવાની અને તેમના કાર્યોને રચનાત્મક દિશા આપવી મહત્વનું કામ છે. તેમને ઉગ્રતા અને નિરાશાથી બચાવવા અત્યંત જરૂરી છે. ત્યાં બીજી તરફ આ સમસ્યાના નિરાકરણ માટે આ ક્ષેત્રમાં કામ કરતા અન્ય સંગઠનો અને સંસ્થાઓનો સાથ-સહકાર લઈને કાયદાકીય જાગૃતિ અને નૈૈતિક સહયોગ મેળવવાનું કામ કરવામાં આવશે.

પ્રશ્નઃ દેશના વિદ્યાર્થીજગતને આ મેગેઝીનના માધ્યમથી તમે શું સંદેશ આપવાનું પસંદ કરશો?

ઉત્તરઃ વર્તમાન સંજોગોમાં એસ.આઈ.ઓ. એ જે મહત્વનું કામ કરવાનું છે તે ઇસ્લામી ઉમ્મતને હિંમત અને બળ આપવાનું છે. તેમને તેમનું જીવનધ્યેય યાદ દેવાડાવવાનું અને આ અંધકારભર્યા માહોલમાં આશાનું સિંચન કરવાનું છે. આ કામ દેશમાં એસ.આઈ.ઓ. સિવાય કોઈ બીજું સંગઠન નથી કરી શકતું અને આ વર્તમાન સમયની તાતી જરૂરત છે. બીજી વાત એ કે જે ધ્યેય આધિન આપણે કાર્યરત છીએ તેની આપણા પ્રબળ સમાનતા ખૂબ જ જરૂરી છે. આ સભાનતા કેળવવા માટે આપણે પોતે આપણા મહત્વના સ્ત્રોથી જોડાઈ જઈએ. સંગઠનનો દરેક વ્યક્તિ કુઆર્નને સમજવાનો સીધો પ્રયત્ન કરે. તેને સમજવા માટે અરબી શીખી શકતો હોય તો અરબી ભાષા શીખવાનો પ્રયત્ન કરે. ત્રીજી વાત એ છે કે આપણે જે દેશમાં કામ કરી રહ્યા છીએ ત્યાં દીનની સ્થાપનાના કામ માટે અને અલ્લાહના માર્ગ તરફ દાવત આપવા માટે રણનીતિ બનાવવી જોઈએ. આ કામ માટે આપણને એક ઉત્તમ માર્ગદર્શન અલ્લાહના રસૂલ સલ્લ.ના જીવનચરિત્રમાંથી મળે છે જેથી સંગઠનના સહયોગીઓ ન માત્ર જીવનચરિત્રનું અધ્યયન કરે બલ્કે શોધકાર્ય કરે કે વર્તમાન સંજોગોમાં આપણને રસૂલ સલ્લ.ના જીવનચરિત્રમાંથી કેવી રીતે માર્ગદર્શન પ્રાપ્ત થાય. અને તે દ્વારા આપણે મુસ્લિમ સમાજને શું માર્ગદર્શન પુરૃં પાડી શકીએ. ચોથી મહત્વની વાત આપણા વ્યક્તિત્વ અને કિરદારની છે. વિશ્વમાં જે પણ મોટા મોટા પરિવર્તનો આવ્યા છે તેમાં વ્યક્તિત્વનો ફાળો અને તેની શક્તિઓ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. અલ્લાહના રસૂલ સલ્લ.નું વ્યક્તિત્વ જ આપની દાવતનું મહત્વનું શસ્ત્ર હતું. અંતિમ વાત એ કે આપણે આપણી યોગ્યતાઓને સામે રાખીને કોઈ એક ક્ષેત્રને નિશાન બનાવીએ અને પછી તે મેદાનમાં આપણી જાતને ઇસ્લામનો સાચો નમૂનો બનાવી દઈએ. આ માનવતાની મોટી સેવા ગણાશે. જેના દ્વારા આપણે સમાજ અને દેશને ઘણું બધુ આપવાની સ્થિતિમાં હોઈશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments