બરાબર ધ્યાનમાં રાખો કે તમારા વચ્ચે અલ્લાહનો રસૂલ મોજૂદ છે. જો તે ઘણાં એવા મામલાઓમાં તમારી વાત માની લે તો તમે પોતે જ મુશ્કેલીમાં મૂકાઈ જાઓ. પરંતુ અલ્લાહે તમને ઈમાનનો પ્રેમ આપ્યો અને તેને તમારા માટે મનપસંદ બનાવી દીધું. (સૂરઃ સૂરઃ હુજુરાત-૪૯-૭)
પ્રેમ – જીવનને શણગારવા અને સુંદર બનાવવા માટેની ચાવી છે. દુનિયામાં લાખો લોકો છે જે અલ્લાહની નાફરમાની અને ગુનાના કાર્યો કરે છે. છતાં અલ્લાહની કૃપાનો દરિયો સતત વહી રહ્યો છે. પોતાના બંદા સાથે પ્રેમના કારણે જ આ શકય છે. હાર્દિક સંબંધી વગર પ્રેમના અંકુર ફૂટતા નથી. પ્રેમ જગતની આત્મા છે, શાંતિ અને સલામતીની જાન છે. જે રીતે એક ચૂંબકીય બળના અસરથી પૃથ્વી તથા બીજા ગ્રહો પોતાની જગ્યાએ કાયમ છે તેમની વચ્ચે કોઈ ઘર્ષણ કે અથડામણ થતી નથી તેવી જ રીતે પ્રેમ ભાવ એ માનવી સંબંધોને ખરાબ થતા બચાવે છે. માત્ર સંબંધો કેળવવાનું નામ પ્રેમ નથી બલ્કે સંબંધોને મજબૂતી આપવા થતા વિકસાવવાનું નામ પ્રેમ છે. અને આ ગુણ દિલી લગાવ વગર સંભવ નથી. પ્રેમ એક શક્તિનું નામ છે કે જો પ્રેમ નેતૃત્વના પદ પર બિરાજમાન થઈ જાય તો પછી ન કાયદાની જરૃર છે ન નીતિ નિયમોની… મોલાના રૃમીએ પ્રેમ વિશે કહ્યું છે કે પ્રેમ કડવુંને મીઠું, માટીને સોનુ, શત્રુતાને મિત્રતા, દુઃખદર્દને શિફામાં પરિવર્તિત કરી દે છે. પ્રેમ તકલીફને નેઅમત, કહરને કૃપા અને કેદને સ્વર્ગ બનાવી દે છે. આ વસ્તુ લોખંડને નરમ કરી દે છે. પત્થરને પિગલાવી દે છે અને મડદા શરીરને નવજીવન આપે છે. પ્રેમ ભવિષ્યને પ્રકાશિત બનાવે છે. પરંતુ પ્રશ્ન ઉભુ થાય છે પ્રેમ કોનાથી? એનો ઉત્તર છે સર્જનહારથી, દરેક માનવીથી, બધા જ સર્જનોથી એની કોઈ સીમા નથી એ સર્વવ્યાપી છે. જન્નત જે મો’મિનની મંઝિલ છે જીવનનો હાસિલ છે એનો આધાર પણ પ્રેમ પર છે. હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું તે જાતની સોગંધ જેના કબજામાં મારો જીવ છે તમે સ્વર્ગ (જન્નત)માં દાખલ થઈ શકતા નથી જ્યાં સુધી ઈમાન ન લાવો અને તમે ઈમાનદાર થઈ શકતા નથી જ્યાં સુધી એક બીજાથી પ્રેમ ન કરવા લાગો. /