Sunday, November 24, 2024
Homeમાર્ગદર્શનકુર્આનસંબંધો બગાડવાથી દૂર રહો

સંબંધો બગાડવાથી દૂર રહો

“લોકો ! પોતાના રબ (માલિક)થી ડરો, જેણે તમને એક જીવથી પેદા કર્યા અને તે જ જીવથી તેનું જોડું બનાવ્યું અને આ બંનેથી ઘણાં પુરુષો અને સ્ત્રીઓને દુનિયામાં ફેલાવી દીધા. તે અલ્લાહથી ડરો જેના નામે તમે એકબીજાથી પોતાના હક્કો માગો છો, અને રિશ્તા-નાતાઓેના સંબંધો બગાડવાથી દૂર રહો. વિશ્વાસ રાખો કે અલ્લાહ તમારા ઉપર દેખરેખ રાખી રહ્યો છે.”   (સૂર : અન્-નિસા-૪ઃ૧)

 

કોઈ મુસ્લિમ વ્યક્તિ જ્યારે પોતાના નવા જીવન એટલે વૈવાહિક જીવનની શરૃઆત કરે છે ત્યારે જે આયતોનું પઠન કરવામાં આવે છે તેમાંથી એક આ આયત છે. બે અજનબી વ્યક્તિનું જ નહીં બે કુટુંબ નિકાહના માધ્યમથી જોડાય છે. તેમની વચ્ચે પારસ્પરિક સંબંધો સ્થાપિત થાય છે. બે નહીં અનેક સ્વભાવોનું જોડાણ થાય છે. ખાવા, પીવા ને જીવવાની વિવિધ રીતભાતોનું સંગમ થાય છે. જીવનની પગદંડી ઉપર ચાલતા ઘણા ઘણાં એવા અવસરો આવી જાય છે કે જેનાથી તેમની વચ્ચે ઝઘડા તકરાર કે વિખવાદ થાય. આવી પરિસ્થિતિમાં મનમેળાપ થઈ જાય અને બંને પાત્રો અને કુટુંબો ન્યાય પર કાયમ થાય તેના માટે ઉપરની આયતમાં હિદાયત કરવામાં આવી છે. બલ્કે તેમની વચ્ચે થતી બોલાચાલી કે ઝઘડાનું કારણ પણ દર્શાવવામાં આવ્યું છે. હું શ્રેષ્ઠ છું મારા માતા પિતા જ સાચા છે, મારૃં ખાનદાન ઉચ્ચ છે, અમારા લોકોની જીવવાની રીત સારી છે, તમારી બહેનમાં તો બુદ્ધિ નથી તમારી મમ્મીને કશી ખબર જ નથી પડતી, તમારા ભાઈઓ તો બિલકુલ નકામા છે વગેરે જેવા ટોણાં-મહેણાં સાંભળવામાં આવે છે, સામાની વ્યક્તિથી આ બધું સહન થતું નથી અને તે પણ તીવ્ર પ્રતિક્રિયા આપવા લાગે છે; અને પરિણામે ઘર નર્કાગાર બની જાય છે. અહંકાર અને ઘમંડ એ પક્ષપાત અને લડાઈનું મૂળ છે. જે વ્યક્તિનું હૃદય આ ગંદકીથી ભરાઈ જાય તો ભલે દુનિયાથી શ્રેષ્ઠતમ સુગંધનો ઉપયોગ કરવામાં આવે પરંતુ તેની ગંદકીની દુર્ગંધ આવતી જ રહેશે. અને આ ગંદકી બીજા ઘણા નૈતિક રોગોનું સ્ટોરરૃમ બની જશે. એટલે આ આયતમાં આ હકીકતથી પડદો ઉઠાવવામાં આવ્યો છે કે તમારા બધાનું મૂળ એક જ છે. એટલે જ બીજાની કદર કરો પોત-પોતાની ફરજ અદા કરો, કોઈ વ્યક્તિ ઉપર શારીરિક કે માનસિક અત્યાચાર ન કરો. તેનું શોષણ ન કરો. તમે માનવ તરીકે જે કંઇ ઇચ્છો છો એ બધું સામેવાળાને પણ આપો. એનો આદર કરો. એની વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ ન મારો. કોઈ વસ્તુ તમને પસંદ ન પડે તો યોગ્ય રીતે તેની સુધારણા માટે પ્રયત્ન કરો પરંતુ તેનાથી નફરત ન કરો. એ પણ તમારા જેવું એક અસ્તિત્વ છે તેના અધિકારો અને સ્વતંત્રતાની રક્ષા કરો. અને આ બધું અલ્લાહની હિદાયત પ્રમાણે કરો. જે ઘરમાં માનવ-હક્કોનું હનન થતુ હોય તે ઘર આખરે સુખી કઈ રીતે બની શકે.

બે વ્યક્તિ કે બે ખાનદાનો માટે જ આ  વાત સત્ય નથી. હકીકતમાં બે કોમો, બે દેશો, બે ધર્મો, બે સંસ્કૃતિઓ, બે વંશો, અને જુદા જુદા રંગો, બે સમુદાયો વચ્ચે જે અણ બનાવનો રમખાણો, યુદ્ધો કે હુમલાઓ થતા રહે છે તેના મૂળમાં બીજા પ્રત્યે નફરત કે પોતાની શ્રેષ્ઠતા કે શક્તિ સાબિત કરવાની માનસિકતા જ કાર્યરત્ હોય છે. જે વ્યક્તિ કે સમુદાય બીજાનું ખોટુ કરે તે શ્રેષ્ઠ કેવી રીતે હોઈ શકે? તેને શુભ કઈ રીતે કહી શકાય? જે નૈતિક સ્તરે સારો છેે તે જ  વ્યક્તિ શ્રેષ્ઠ હોઈ શકે. શક્તિના બળે વિજયી સેનાને શ્રેષ્ઠ ન કહેવાય. પરંતુ એ શ્રેષ્ઠ પણ બની શકે જો તે વિજયી વિસ્તારમાં જુલ્મ ન કરે, ત્યાંના લોકોના અધિકારોનું હનન ન કરે, વિજય સરઘસોના અહંકારયુક્ત મદમસ્ત નશામાં નિર્બળો ઉપર અત્યાચાર ન કરે.

સિંહ હરણનો શિકાર કરવા ઘાતમાં બેસે છે, કૂતરો બિલાડીને પકડવા દોડે અને બિલાડી ઉંદરને ઝપટવા દોડે છે. આ પ્રાણીવૃત્તિ છે. તેમના જીવનને ટકાવવાની જરૂરત હોઈ શકે પરંતુ એક માનવ-સમાજમાં આ વૃત્તિ યોગ્ય નથી. અને કૂતરા તો બીજા વિસ્તારના કૂતરાને જોઈ ભસવા લાગે છે. જો એક માનવ બીજા રંગ, વંશ, જાતિ, ધર્મ કે દેશના વ્યક્તિને જોઈ ક્રૂરતા આચરે તો એ તેની માનવ-વૃત્તી ન કહી શકાય. વ્યક્તિ મોંઘા કપડામાં કે અમૂલ્ય આભૂષણોમાં નથી શોભતો બલ્કે તે તો નૈતિક વસ્ત્રોને ગ્રહણ કરવાથી શોભે છે. વ્યક્તિ જો શ્રેષ્ઠ બનવા માંગતો હોય તો તેણે દરેક સંજોગોમાં નૈતિક અને માનવ-મૂલ્યોની સુરક્ષા કરવી જોઈએ.

રંગ, વંશ, ધર્મ કે જાતિના લોકો આખરે એક જ કુટુંબના છે અને બધા આપસમાં ભાઈ-બહેન છે. બલ્કે એક જ જાતિના બે પડછાયા છે. એક બીજાના પૂરક છે. આ જ વાસ્તવિકતાને હઝરત મુહમ્મદ સ.અ.વ.એ આ શબ્દોમાં બયાન ફરમાવી જેનો ભાવાર્થ છે, કોઈ આરબને કોઈ બિનઆરબ ઉપર, કોઈ ગોરાને કોઈ કાળા ઉપર, બિન આરબને આરબ ઉપર અને કોઈ કાળાને કોઈ ગોરા ઉપર કોઈ શ્રેષ્ઠતા પ્રાપ્ત નથી.  તમે બધા આદમની સંતાન છો અને આદમ માટીથી પેદા થયા છે. આ જ હકીકતને બીજી જગ્યા એમ વર્ણવામાં આવ્યું છે. “લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (જાતિઓ) અને કબીલા (બિરાદરીઓ) બનાવી દીધા જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (અલ્લાહથી ડરનાર, સંયમી) છે. નિશ્ચિતપણે અલ્લાહ સર્વજ્ઞા અને સુમાહિતગાર છે.” (સૂરઃ હુજુરાત-૧૩)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments