(મક્કામાં અવતરિત થઈ * રુકૂઅ : ૧ * આયતો : ૯)
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧.વિનાશ છે દરેક તે વ્યક્તિ માટે જે (મોઢામોઢ) લોકોને મહેણાં મારવા અને (પીઠ પાછળ) બૂરાઈઓ કરવા ટેવાયેલ છે,
૨. જેણે ધન એકઠું કર્યું અને તેને ગણી-ગણીને રાખ્યું.
૩. તે સમજે છે કે તેનું ધન હંમેશા તેના પાસે રહેશે.
૪. કદાપિ નહીં, તે વ્યક્તિ તો ભાંગીને ભુક્કો કરી દેનારી જગ્યામાં ફેંકી દેવામાં આવશે.
૫. અને તમે શું જાણો કે શું છે તે ભાંગીને ભુક્કો કરી દેનારી જગ્યા ?
૬. અલ્લાહની આગ ! ખૂબ ધગધગાવેલી,
૭. જે હૃદયો સુધી પહોંચશે.
૮. તે તેમના ઉપર ઢાંકીને બંધ કરી દેવામાં આવશે
૯. (એ સ્થિતિમાં કે તેઓ) ઊંચા-ઊંચા સ્તંભોમાં (ઘેરાયેલા હશે).
આના મક્કી હોવા અંગે તમામ વિવરણકર્તાઓ સંમત છે અને આના વિષય અને વર્ણનશૈલી પર વિચાર કરતાં લાગે છે કે આ પણ મક્કાના આરંભિક કાળમાં ઊતરેલી સૂરઃઓમાંથી છે. આમાં કેટલીક એવી નૈતિક બૂરાઈઓની નિંદા કરવામાં આવી છે, જે અજ્ઞાનતાકાળમાં ધનના લોભી માલદારોમાં જોવા મળતી હતી. આ ધૃણાસ્પદ ચરિત્રને પ્રસ્તુત કર્યા પછી બતાવવામાં આવ્યું છે કે આખિરત (પરલોક)માં તે લોકોનો શું અંજામ હશે જેમનું આવું આચરણ છે. આ બંને વાતો એવી શૈલીમાં વર્ણવવામાં આવી છે જેનાથી શ્રોતાનું મનો-મસ્તિષ્ક આપોઆપ એ પરિણામ પર પહોંચી જાય કે આ પ્રકારના આચરણનો આ જ અંત હોવો જોઈએ, અને આમ તો દુનિયામાં આ પ્રકારનું આચરણ કરતા લોકોને કોઈ સજા થતી નથી, બલ્કે તેઓ ફૂલતા-ફાલતા જ જોવા મળે છે, તેથી આખિરતનું અસ્તિત્વમાં આવવું તદ્દન અનિવાર્ય છે.
આ સૂરઃને જો તે સૂરઃઓ સાથે સાંકળીને જોવામાં આવે, જે સૂરઃ ઝિલ્ઝાલથી અહીં સુધી આવે છે, તોે માણસ અૂબ સારી રીતે સમજી શકે છે કે મક્કા-મુઅઝ્ઝમાના આરંભિક કાળમાં કેવી રીતે ઇસ્લામની ધારણાઓ અને તેની નૈતિક શિક્ષાઓને લોકોના મનમાં ઊતારવામાં આવી હતી.