વ્યક્તિનું સ્વાસ્થ્ય ખૂબજ મહત્વની વસ્તુ છે. અલ્લાહે આપેલી મોટી ભેટ છે. એટલે જ આ કહેવત પ્રખ્યાત છે ‘જાન હૈ તો જહાન હૈ’ અને વાત પણ સો ટકા સાચી છે વ્યક્તિ જે કંઇ પ્રવૃત્તિઓ કે કાર્યો કરે છે તેનો એક મૂળ હેતુ સુખી થવાનો જ છે. સુખ મેળવવાની બાબતમાં વ્યક્તિ સ્વાર્થી સાબિત થયો છે. ‘પહેલું સુખ તે જાતે નર્યુ’ની વાત સાર્થ લાગે છે. તંદુરસ્તી અલ્લાહ તરફથી મળેલ એવું ઇનામ છે જેના વિષેમાં કાલે આખિરતના દિવસે અલ્લાહતઆલા પૂછપરછ કરશે કે મેં તને સ્વાસ્થ્ય આપ્યું હતું તેનો તે શું ઉપયોગ કર્યો. પરંતુ સ્વાસ્થ્ય થયું કેવી રીતે?!!! તેના માટે લોકોના પોતાના આચાર-વિચાર છે. એવા પણ ઘણા લોકો સવિશેષ છોકરીઓ સુંદર અને સ્વસ્થ દેખાવા માટે ‘ડાયટ’ કરે છે અને એટલી હદ સુધી કરે છે કે તેનાથી તેમના શરીરનેે ઘણું નુકસાન થાય છે. ગ્લેમરની આ ધૂનમાં ‘ઝીરો ફીગર’ કેવી-કેવી રીતો અપનાવે છે તે જોઈને નવાઈ લાગશે. સ્વાસ્થ્યનું એક બીજું ચિત્ર છે તે છે તંદુરસ્તી બનાવવા ખુબજ ખાવુ. આવા લોકો ખાઓે, પીઓે અને મજા કરોના સૂત્રમાં માને છે. જે મળે તે ખાઓે. ફાસ્ટ ફૂડ, તેલી પદાર્થ, મસાલેદાર વગેરે. મારી દાદી મને ખવડાવવા ખૂબજ મ્હેણા ટોણા મારતી. તેમની નજરમાં વધારે જમીશંુ તો વધુ સ્વસ્થ રહીશું તેવોે ખ્યાલ હતો. તેઓ વાત વાતમાં કહેતા હતા ‘ખાએગા નહીં તો ચલેગા કૈસે’. મારો એક મિત્ર તેનો ખાવાનો ગજબનો શોખ અને તેના કારણે તેનું વજન ખૂબજ વધી ગયુ હતું. બિમાર પડયો અને ડોક્ટરે કહ્યું, ભઈલા વજન ઓછું કર.
સ્વાસ્થ્ય માટેના બે દ્રષ્ટિકોણ છે. ખાવું જ નહીં અને ખાતા જ રહેવું. બંને શરીર માટે અઝાબ છે, નુકસાનકારક છે. બંને વચ્ચે સંતુલન જાળવવુ જોઈએ. હલાલ ખાઓે, સાદુ ખાઓ, ભૂખથી ઓછુ ખાઓે, ફળ ફળાદીનો ઉપયોગ કરો વગેરે. સમતુલિત આહાર લેવાથી જ વ્યક્તિ શારીરિક રૃપે સુખી અને સ્વસ્થ બને છે.
આ માત્ર એક ઉદાહરણ હતું કે વ્યક્તિ આહાર લેવામાં સંતુલન રાખે તો શરીર નિરોગી બને, મનમાં એકાગ્રતા, ધ્યાનશક્તિ અને બુદ્ધિમત્તામાં વધારો થાય. જીવનના દરેક પાસામાં આ નિયમ લાગુ પડે છે. જ્યાં સંતુલન ન થાય ત્યાં સમસ્યાઓ છે, હાનિ છે, અશાંતિ છે. એટલે જ જીવનની નૈયાને સુખે અને આનંદથી પાર લગાડવા આચાર-વિચાર, સ્વભાવ,ગુણો વગેરે દરેક વસ્તુમાં સમતુલન જાળવવાની જરૃર છે. જીવનમાં દોરડા પર કલાકારની જેમ ચાલતા શીખવું પડશે. દોરડા પર ચાલતી વ્યક્તિ જમણી કે ડાબી બાજુ જવા કરતા સીધું જ ચાલે છે અને તે કોઇ પણ બાજુ સહેજ રીતે ખસે તો નીચે પડી જશે.
વેપારી જ્યારે કોઈ વસ્તુ તોલીને આપે છે ત્યારે બંને પલડા સમાન રાખે છે. વજનનું પલડું નીચુ રાખશે તો ગ્રાહક સાથે છેતરપીંડી કહેવાશે અને તેને નુકસાન થશે. જ્યારે વસ્તુનું પલડું નીચુ રાખશે તે તેને પોતાને નુકસાન થશે. આવી જ રીતે જીવનના દરેક મામલામાં સંતુલન જાળવવુ જોઈએ. આ સંતુલન ના જાળવવાની ક્રિયાને જ અંતિમવાદ કહે છે અને આ અંતિમવાદે સમાજને જેે નુકસાન પહોંચાડયુ છે તે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ.
બે ઝઘડતી વ્યક્તિઓ વચ્ચે સુલેહ કરાવવાની હોય તો મધ્યસ્થીએ ન્યાયપૂર્વક વર્તવુ પડશે. કોઈ એક બાજુ ઢળી જશે તો પક્ષપાતી બની જશે અને ઝઘડો બંધ થવાને બદલે વધુ ગંભીરરૃપ ધારણ કરશે. અરે વારસાની વહેંેચણી પણ ભાઈઓમાં સરખી રીતે ન થાય તો કુટુંબમાં અશાંતિ પેદા થાય છે તો પછી દેશ આખામા સંસાધનોની વહેંેચણી સંતુલિત રીતે ન થાય તો વિદ્રોહ ઉત્પન્ન થશેે. નકસલવાદનું એક મુખ્ય કારણ આ જ છે. તે લોકો સમજે છે કે સરકાર અમારા રિસોર્સીસનો ઉપયોગ કરે છે પરંતુ અમને કોઈ સગવડ આપતી નથી.
હું એક પ્રવાસમાં હતો અને બે મિત્રો વાત કરતા હતા. એકેે કહ્યું યાર આપણાં દેશમાં ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે તેનાથી છુટકારો અશક્ય છે. તેને સમાજનું અભિન્ન અંગ સમજીને જીવવું પડશે. બીજો કહે છેે ભ્રષ્ટાચાર રોકી શકાય છે. આ બે વિચારો છે. બંને અંતિમવાદ છે. એક નિરાશાના ઘોર અંધારામાં ગરકાવ છે બીજો ખુશફહમીના રણપ્રદેશમાં ભટકે છે. બંને વિચાર સમાજના માળખાને ભાંગીનાખવા સક્ષમ છે. બંને વચ્ચેનો માર્ગ છે ‘આશા’. આશા સાથેે ક્યારેય રહીશું તો ધીરેધીરે આ સમસ્યા નિયંત્રિત થઈ જશે.
સ્વભાવમાં સંતુલનઃ
વ્યક્તિનો સ્વભાવ પ્રાકૃતિક છે તેના પર નિયંત્રણ લાદવાથી સંતુલન પેદા થાય છે અને તેની લગામ છોડી દેવાથી સમસ્યા ઊભી થાય છે. એક વ્યક્તિ કંજુસ છે જે માલ ગણી-ગણીને રાખે અને પોતાની જરૂરીયાતો પર પણ ખર્ચ ન કરે બીજી વ્યક્તિ છુટા હાથની છે દરેક વસ્તુમાં ૧ ના ૧૦૦ ખર્ચ કરે. બંને વસ્તુઓ યોગ્ય નથી. તેમની વચ્ચે સંતુલન પેદા કરવાની જરૃર છે. કેમકે કંજુસી લાગણીહીનતા, નિર્દયતા, લોભ, કઠોર હૃદયતા પેદા કરે છે. જ્યારે ફુઝુલ ખર્ચ અહંકાર, દેખાડો, કૃતઘ્નતા પેદા કરે અને દરિદ્રતાને આમંત્રણ આપે છે.
આવી જ રીતે એક છેડે ભૌતિકવાદ છે અને બીજા છેડે સન્યાસ છે. તેમની વચ્ચનો માર્ગ છે કર્તવ્યો (ફરજો)નું પાલન, બીજાના અધિકારોની અદાયગી એક વ્યક્તિ એટલી વિનમ્ર હોય કે તેની આંખો સામે કોઈ આબરૃ લૂંટાય તો પણ કોઈ અહસાસ ન થાય. બીજો વ્યક્તિ એટલો ક્રોધવાળો છે કે શાકમાં થોડૂંક નમક વધી જાય તો ઘરવાળીના હાડકા તૂટી જાય. બંને ગ્રુપોને સંતુલિત કરવાની જરૃર છે. આપણી વિનમ્રતા શત્રુની શક્તિ ન હોય અને આપણો ક્રોધ આપણી નિર્બળતા ન હોય. એવી જ રીતે એક તરફ કુવારાપણું છે. બીજી તરફ આવારાપણુ છે જ્યારે કે સંતુલિત સ્થિતિ ‘લગ્ન’ છે. ઉતાવળાપણું અને આળસુપણું બંને ગુણો નુકસાનકારક છે. તેમની વચ્ચેનો ગુણ છે સક્રીયતાપણું. આવી રીતે ડરપોકપણું અને જોશીલાપણું છે બંને વ્યક્તિના વ્યક્તિત્વને ખરાબ કરે છે, જ્યારે તેમની વચ્ચેનો ગુણ ઉત્સાહપણું છે. સ્થિતિથી પરેશાન થઈ એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. બીજો બીજાની હત્યા કરે છે જ્યારે તેમના વચ્ચેના ગુણ સંઘર્ષ અને ઘૈર્ય છે. જે વ્યક્તિના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાડે છે. હિંસા અને અહિંસા વચ્ચેનો ગુણ છે નિડરતા જે વ્યક્તિને હિમ્મતવાન બનાવે છે. જ્યારે પેલા બંને ગુણો વ્યક્તિને કાયર અને ક્રુર બનાવે છે.
આવી જ રીતે લોકોએ વિવિધ વ્યવસ્થાઓ ઘડી છે. જેમના થકી તેઓ સમાજમાં ન્યાય અને શાંતિ સ્થાપિત કરવા માગે છે. પરંતુ આ વ્યવસ્થાઓ અત્યાર સુધી સફળ થઈ શકી નથી. એક છેડે મૂડીવાદ છે તો બીજા છેડે સામ્યવાદ છે. બંને પ્રણાલીઓ સમાજની સમસ્યા દૂર કરવાના બદલે પોતે જ સમસ્યા બની ગયા છે. એક બાજુ રાજાશાહી છે તો બીજા કેટલાક દેશોમાં લેકશાહી છે, બંને જગ્યા સમસ્યાના ઢગલા છે. અત્યાચારના મિનારા છે. તેમની વચ્ચેની વસ્તુ ‘ડીવાઈન ડેમોક્રેસી’ (ખિલાફત) છે.
શ્રદ્ધા અને માન્યતા વ્યક્તિના નૈતિક અને આધ્યાત્મિક સિંચનમાં મહત્વનો ભાગ ભજવે છે. માનવને માનવતાની પરાકાષ્ઠા સુધી લઈ જાય છે પરંતુ ત્યારે જ જ્યારે તે સંતુલિત હોય. એક તરફ બહુદેવવાદના રસ્તે ચઢી તે દર-દરને નગર-નગર ઠોકર ખાતો કરે છે અને બીજી તરફ અંતિમવાદના વિચાર છે જે બંદા અને ઇશ્વર વચ્ચેના ભેદને જ ભૂંસી નાંખે છે. આ બંને અંતિમ બિંદુઓ વચ્ચે મહત્તવની ધારણા છે એકેશ્વરવાદ.
ચરિત્રમાં, મામલાઓમાં, માન્યતા અને શ્રદ્ધામાં, વિચારધારા અને દ્રષ્ટિકોણમાં સંતુલન જ વ્યક્તિત્વ વિકાસ, સમૃદ્ધિ, વિશ્વાસ, સત્ય અને જીવનના વિવિધ પાસાઓમાં યોગ્ય વર્તણુંક તરફ લઈ જાય છે અને તેના જ કારણે સમાજમાં શાંતિ અને ન્યાય સ્થાપિત થાય છે. ઝઘડાઓ અને મતભેદો નિયંત્રણમાં આવે છે. હિંસા અને ક્રુરતાને રોકી શકાય છે. વિવિધ ધર્મ અને સંસ્કૃતિના લોકોનુ સહઅસ્તિત્વ સંભવ અને આનંદમય બને છે. જો વિચારધારામાં સંતુલન ન હોય કે સ્વાર્થ ભળી જાય તો જાતિવાદ, ભાષાવાદ, ઊંચનીચ, ભેદભાવ, પ્રાંતવાદ, રાષ્ટ્રવાદ વગેરે જેવી સમસ્યાઓ જન્મ લે છે. બહુમતિ અને લઘુમતિ વચ્ચેના ઘર્ષણ વધે છે અને લોકશાહી એક સેક્યુલર સ્ટેટમાં નાગરિકોને મળતા મૂળભૂત અધિકારોનું હનન થાય છે.
ઇસ્લામમાં દરેક વસ્તુમાં બેલેંસ એટલે સંતુલન રાખવાનું શિક્ષણ આપવામાં આવ્યુ છે અને કોઈપણ મામલામાં અંતિમવાદ (extremism)ને પસંદ કર્યું નથી. અહીં સુધી કે ઇબાદતના મામલામાં પણ નહીં. ધર્મમાં કોઈપણ પ્રકારનો અંતિમવાદ ધર્મ સાથે જંગ સમાન છે.
હઝરત અબૂહુરૈરહ રદિ.થી રિવાયત છે તેનો ભાવાર્ર્થ છે, દીન આસાન છે, દીનથી જ્યારે પણ મુકાબલો કરવામાં આવશે તે સામાવાળાને પરાસ્ત કરી દેશે. તમે લોકો સત્યમાર્ગ પર ચાલો, કટ્ટરતાથી બચો અને અલ્લાહની દયા તથા મુક્તિ થી નિરાશ ન થાઓ. (બુખારી).
હઝરત જાબિર રદિ. એક હદીસમાં ફરમાવે છે કે આપ સ.અ.વ.ની નમાઝો અને ખુત્બા (પ્રવચનો) સંતુલિત થતા હતા. (મુસ્લિમ)
મુહમ્મદ સ.અ.વ.એ તેમના અનુયાયીઓને શિક્ષણ આપ્યું કે પોતાના દીનમાં અતિશયોક્તિ ન કરો.
કુઆર્નમાં અલ્લાહ આદેશ આપતા કહે છે, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! અલ્લાહ માટે સચ્ચાઈ ઉપર કાયમ રહેવાવાળા અને ન્યાયની સાક્ષી આપવાવાળા બનો, કોઈ જૂથની દુશ્મનાવટ તમને એટલા ઉત્તેજિત ન કરી દે કે તમે ન્યાયથી ફરી જાઓ. ન્યાય કરો, આ તકવા (અલ્લાહથી ડરવા) સાથે વધુ સુસંગત છે. અલ્લાહનો ડર રાખીને કામ કરતા કરો, જે કંઇ તમે કરો છો અલ્લાહ તેનાથી પૂરેપૂરો વાકેફ છે.” (સૂરઃમાઈદા-૮), “જેઓ ખર્ચ કરે છો તો ન ફિઝુલ (વ્યર્થ) ખર્ચ કરે છે ન કંજૂસી, બલ્કે તેમનો ખર્ચ બંને સીમાઓ વચ્ચે સંતુલન ઉપર સ્થિર હોય છે.” (સૂરઃફુરકાન-૬૭).
આજે સમગ્ર દુનિયામાં અને આપણા ભારત દેશમાં પણ મુસલમાનોની ભાવનાઓને દુભાવી તેમને ઉશ્કેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ક્યાંય પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ની ઠેકડી ઉડાડીને, ક્યાંય પવિત્ર કુઆર્ન સળગાવીને, ક્યાંક તેમના માસૂમ નવયુવાનોને જેલ ભેગા કરીને, ક્યાંય તેમના મહોલ્લા અને વસ્તી પર અત્યાચાર કરીને, તો ક્યાંય તેમની સ્ત્રીઓને બે આબરૃ કરીને. તેઓ સતત મુસલમાનોને છંછેડવાના પ્રયત્નો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આપણે ખુબજ સાવધાનીપૂર્વક આગળ વધવાનું છે અને અંતિમવાદથી દૂર રહેવાનું છે. એક છેડાનો અંતિમવાદ બીજા છેડા પર અંતિમવાદ પેદા કરે છે. જેના કારણે વિકટ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. સંસ્કૃતિઓ વચ્ચેના જંગમાં ન્યાય ઉપર કાયમ રહેવું મુશ્કેલ બની શકે પરંતુ આપણે ધૈર્ય ધારણ કરી સંતુલિત અને રચનાત્મક કાર્યો જ કરવા રહ્યા.
બ્રહ્માંડની રચનામાં પણ આ ગજબનું સંતુલન જોઈ શકાય છે. જો સૃષ્ટિમાં આ સંતુલન ન રહે તો તેનો વિનાશ નક્કી થઈ જાય. કુઆર્નમાં છે – “અને આકાશમાંથી અમે યોગ્ય હિસાબ અનુસાર ખાસ માત્રામાં પાણી ઉતાર્યું અને તેને ધરતીમાં થોભાવી દીધું, અમે તેને જેવી રીતે ઇચ્છીએ ગાયબ કરી શકીએ છીએ.” (સૂરઃમુ’મિનૂન-૧૮), “તે જે ધરતી અને આકાશોના રાજ્યનો માલિક છે, જેણે કોઈને પુત્ર બનાવ્યો નથી, જેના સાથે રાજ્યમાં કોઈ ભાગીદાર નથી, જેણે દરેક વસ્તુને પેદા કરી પછી તેનો એક અંદાજ (ભાગ્ય) નિશ્ચિત કર્યો.” (સૂરઃફુરકાન-૨), “સૂર્ય અનં ચંદ્ર એક હિસાબના પાબંદ છે તથા તારા અને વૃક્ષો સૌ સિજદામાં છે. આકાશને તેણે ઊંચું કર્યું અને તુલા સ્થાપિત કરી દીધી. તેનો તકાદો એ છેે કે તમે તુલામાં વિક્ષેપ ન નાખો.” (સૂરઃરહમાન-૫ થી ૮), “અને ચંદ્ર, તેના માટે અમે મંજિલો નિર્ધારિત કરી દીધી છે, ત્યાં સુધી કે તેમાંથી પસાર થતો તે પુનઃખજૂરની સૂકી ડાળી જેવો બનીને રહી જાય છે. ન સૂર્યના વશમાં છે કે તે ચંદ્રને જઇ પકડે અને ન રાત દિવસથી આગળ વધી શકે છે. સૌ એક-એક કક્ષામાં તરી રહ્યા છે.” (સૂરઃયાસીન ૩૯ અને ૪૦ )
અલ્લાહ તઆલાએ મુસલમાનોને ઉમ્મતે વસ્ત બનાવ્યા છે, “અને આવી રીતે તો અમે તમને (મુસલમાનોને) એક ‘ઉમ્મતે વસત – ઉત્તમ સમુદાય’ બનાવેલ છે, જેથી તમે દુનિયાના લોકો ઉપર સાક્ષી રહો અને પયગંબર તમારા ઉપર સાક્ષી રહે.” (સૂરઃબકરહ-૧૪૩)
સંતુલન પર કાયમ રહેવું આપણા બધાની અને વિશેષરૃપે મુસ્લિમ સમુદાયની જવાબદારી છે. અલ્લાહે આપણને વૈશ્વિક સમુદાયનો ભાગ બનાવ્યો છે અને આપણું મુખ્ય કામ અતિશ્યોક્તિ અને અંતિમવાદમાં જકડાયેલ સમગ્ર માનવતાને ઇસ્લામના સંતુલિત માર્ગ તરફ આમંત્રિત કરવાનો છે. તેના માટે આપણે આપણું જીવન સંતુલનમય બનાવવું જ રહ્યું. આ કાર્ય વગર શાંતિ સંભવ નથી. લોકો આજની દુનિયાને સમસ્યાઓના કાળા ડિબાંગ વાદળોમાંથી નિકળવાની જુદી-જુદી સલાહ આપી રહ્યા છે. વિવિધ મતો સાથે આવી રહ્યા છે. કોઈ શિક્ષણને તો કોઈ આર્થિક પ્રગતિને, કોઈ પ્રેમ અને ભાઈચારાને તો કોઈ માનવતાવાદને, કોઈ બીજુ જે કંઇ તેના પાસે જે છે તેમાં મસ્ત છે. કોઈની પાસે નમૂના નથી. માત્ર દાવા છે. બલ્કે આ દાવાની ચકાસણી કરશો તો દુનિયામાં આલોકો એ જ ઉત્પાત મચાવ્યો છે. આતંકવાદ સામે યુદ્ધના નામે આતંકવાદ ફેલાવ્યો છે. શાંતિની સ્થાપના કાજે અશાંતિ પેદા કરી છે. પ્રેમના નામે નફરતના વૃક્ષો વાવ્યા છે. અહિંસાના નામે હિંસા આચરવામાં આવી રહી છે. માનવતાવાદના નામે અમાનવીય કૃત્યો કરવામાં આવી રહ્યા છે. આ બધી વિચારધારા સંતુલિત નથી. અંદરથી ખોખલી છે એટલે તેમના દાવામાં નિષ્ફળ નિવડી છે. સમાધાન માત્ર એક છે, ઉપચાર બીજો કોઈ નથી અને તે છે ‘ઇસ્લામી જીવન વ્યવસ્થા’ અને આ કોઈ દાવો નથી ઐતિહાસિક વાસ્તવિક્તા છે. ષડયંત્ર અને પ્રોપેગન્ડાના ચશ્મા ઉતારીને નિષ્પક્ષ આંખે જુઓ. તમારી અંતરાત્મા પોકારી ઉઠશે ‘નથી કોઈ માર્ગ સિવાય ઇસ્લામના’. આ જ કારણ છે મુસલમાનો પર મધ્યપૂર્વ જ નહીં સમગ્ર દુનિયામાં આત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ઇસ્લામને બદનામ કરવા બધા જ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુસલમાનો પાસે આર્થિક શક્તિ છે ન તલવારની તાકાત છે. આ હકીકત છે કે દુનિયાભરમાં સૌથી વધુ ઝડપથી પ્રસરતો અને ફેલાતો ધર્મ ઇસ્લામ છે. કારણ કે કુઆર્ન કહે છે, “સત્ય આવી ગયું અને અસત્ય નાશ પામ્યું, અસત્ય તો નાશ પામવાનું જ છે.” (સૂરઃબની ઇસરાઈલ-૮૧)
– sahmed.yuva@gmail.com