હાલ ભારતમાં શિક્ષણ વ્યવસ્થા અને ખાસ કરીને યુનિવર્સિટીઓને કોઈ ખાસ પ્રકારનું ગ્રહણ લાગુ પડયું છે. શરૃઆતમાં પુણેની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ, હૈદરાબાદ યુનિવર્સિટીમાં દલીતદ્વેષી આક્રમતા, પશ્ચિમ બંગાળમાં જાદવપુર યુનિવર્સિટીમાં આંદોલન અને છેલ્લે જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રદ્રોહની વાતો એ દેશના બુદ્ધિજીવીઓ, નિસબત ધરાવતાં નાગરિકો અને મંડળોમાં અજંપો અને નિરાશાની લાગણી ફેલાવી દીધી છે. સરસ્વતીના મંદિરો ગણાતી યુનિવર્સિટીઓ અને શિક્ષણ જગતમાં અને તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થી જગતમાં રોષ ફેલાઈ ચુક્યો છે. અધુરામાં પુરું દેશની સર્વોચ્ચ સંસ્થા એવી સંસદમાં અત્યારે ફકત રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રદ્રોહની શુલ્લક વાતો કે વાદવિવાદ ચાલી રહ્યા છે તે એક દુઃખદ ઘટના કહી શકાય.
જેએનયુ એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી અને વિશ્વભરમાં માન્યતા ધરાવતું શૈક્ષણિક સંકુલ છે. જેએનયુના વિદ્યાર્થી મંડળના નેતા કન્હૈયા કુમાર પર અદાલતના કંપાઉન્ડમાં જ હુમલા થાય, મીડિયા પર પથ્થરબાજી થાય અને તેને રાષ્ટ્રદ્રોહના કાયદા હેઠળ અટકાયત કરવામાં આવે. શું સૂત્રોચ્ચાર હતા તે જાણો ઃ ભૂખ મરી સે આઝાદી, સંઘવાદ સે આઝાદી, સામંતવાદ સે આઝાદી, પુંજીવાદ સે આઝાદી, હે હક હમારા આઝાદી, હે જાન સે પ્યારી આઝાદી, આમ કહી વિદ્યાર્થીઓ આંદોલન કરે તેની રાષ્ટ્રદ્રોહ તરીકે ખપાવવામાં આવે છે. કન્હૈયા સામે કોઈપણ મજબૂત સાબિતી કે સાક્ષીઓ મળતા નથી તે જગજાહેર છે. જેએનયુના સિક્યુરીટી ગાર્ડ અને કોન્સ્ટેબલ એક સ્ટીંગ ઓપરેશનમાં એમ કહેતાં નજરે પડી રહ્યા છે કે, કન્હૈયા એ આ કાર્યક્રમમાં કોઈ સૂત્રોચ્ચાર કર્યા જ ન હતા. ઉપરાંત સાદા કપડામાં હાજર રહેલા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વ્યક્તિ પણ એમ જ કહે છે કે, કન્હૈયાએ કોઈ સૂત્રોચ્ચાર કર્યા ન હતા. તદ્ઉપરાંત સૌથી અગત્યની વાત તેણે આપેલ ભાષણની વીડિયો બોગસ હોવાનું પણ બહાર આવ્યું છે. બે અલગ અલગ વીડિયોનું મિક્ષિંગ કરીને ખોટી રીતે તેની સામે આ રાજદ્રોહનો કેસ ઊભો કરવામાં આવ્યો છે.
જેએનયુમાં કે દેશની કોઈપણ શ્રેષ્ઠ અને ઉચ્ચકક્ષાની કોલેજ કે યુનિવર્સિટીમાં દેશ વિરોધી વાતને કોઈપણ સમજદાર નાગરિક સમર્થન આપી શકે જ નહીં. વિદ્યાર્થીઓ યુવાનીમાં જુસ્સો, ઉત્સાહ દાખવી સંસ્થામાં ચાલતા જુદાજુદા રાજકીય પક્ષોના વિદ્યાર્થી મંડળોમાં તેઓ સભ્ય બનતા હોય છે. એનએસયુઆઈ, એબીવીપી કે ડાબેરી પક્ષના વિદ્યાર્થી મંડળો વધુ સક્રિય ભૂમિકા ભજવતાં નજરે ચડયા છે, આને કારણે આ બધી શૈક્ષણિક સંસ્થાઓમાં વિચારધારાઓનું સંમિશ્રણ પણ દેખાઈ આવે છે.
દેશની નાની-મોટી અનેક સમસ્યાઓ માટે ચર્ચા-વિચારણા કરી ઉકેલ લાવવા માટેનું સ્વાભાવિક સ્થળ સંસદ જ હોઈ શકે. નિખાલસ ચર્ચાની આવશ્યકતા છેલ્લા બે અઠવાડીયાથી નજર સમક્ષ આવતી નથી. તું તું મેં મેં કરતાં સંસદ સભ્યોને જોઈને લાગે છે કે, શૈક્ષણિક સંસ્થાઓના પ્રશ્ને સંસદ પણ જુદા જુદા વૈચારિક ફિરકાઓમાં વહેચાઈ ગઈ છે. શાંતિ, સદ્ભાવ, ભાઈચારાને અડચણ થાય તેવી વાત સંસદમાં કઈ રીતે થઈ શકે? વંચિતો, ગરીબો અઢળક પ્રશ્નો ઉકેલાવવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આવું ન ચાલી શકે.
સંસદની ચર્ચામાં એવું જણાઈ રહ્યું છે કે, એક વિચારધારાના લોકો જ રાષ્ટ્રવાદી છે, બાકીનાં બધા દેશદ્રોહી છે તે જરા પણ યોગ્ય નથી. શું દેશના અમુક લોકો જ રાષ્ટ્રભકત છે? રાજ્યસભાના નેતા અરૃણ જેટલી ત્યાં સુધી કહે છે કે, “અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ દેશના ટુકડા કરીને દેશની સામે યુદ્ધ કરવા તેમજ દેશની બરબાદીના સૂત્રોચાર કરવાની પરવાનગી નથી આપતી, શૈક્ષણિક સ્વાતંત્ર્યતાના નામે તિરસ્કારની ભાષા અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય કેવી રીતે હોઈ શકે.” સામે પક્ષ શાસક પક્ષના સંસદસભ્યો અને ધારાસભ્યો વિવાદાસ્પદ નિવેદનો કરતા રહે છે, બંધારણની વિરુદ્ધ બોલ્યા કરે છે, ગોડસેને રાષ્ટ્રભક્ત કહે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે, ગોડસે અને અફઝલ ગુરુ વિચારધારાને સમર્થન કરનારાઓને એક જ ધોરણે શા માટે રાષ્ટ્રવિરોધી ગણવામાં આવતા નથી. શું મહાત્મા ગાંધી આતંકવાદી હતા? તેમની હત્યા કરનારને રાષ્ટ્રભકત કેવી રીતે કહી શકાય? જો કન્હૈયા વગેરેને રાષ્ટ્ર વિરોધી ગણતા હોઈએ તો ગોડસેના સમર્થકો તે યાદીમાંથી બાકાત રહી શકે નહીં. કાશ્મીરમાં દેશદ્રોહી પ્રવૃત્તિઓ વિના રોકટોક રોજે રોજ ચાલે છે. પાકિસ્તાનનો ધ્વજ અને તેના તરફી સૂત્રોચ્ચાર દર શુક્રવારે થાય છે. તે રાજ્યના શાસનમાં કેન્દ્રનો શાસક પક્ષ ભાગીદાર છે ત્યાં આવા રાષ્ટ્રદ્રોહના પગલાં લેવાયા છે ખરાં! વડાપ્રધાન અને શાસકપક્ષના પ્રમુખએ પણ પક્ષના આવા તત્વોને કાબૂમાં રાખવા અત્યંત આવશ્યક છે. પક્ષની અંદર પણ જરૂરી સલાહ આપી તેને જો અનુસરવામાં ન આવે તો પગલાં લઈ દાખલો બેસાડવા જેવો છે.
એમ કહેવું અસ્થાને નથી કે, કેન્દ્ર સરકારે આર્થિક મોરચા પર પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે આવા મુદ્દાઓ ઉછાળવાને સમર્થન આપ્યું હોય. સરકાર વિરોધ પક્ષો, નાગરીકો અને વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દઈને એક હથ્યું શાસન અને એક જ વિચારધારા લાદવા માંગે છે. શાસકોને સવાલ જવાબ, ચર્ચા કે વિરોધી વાત પસંદ નથી પડતી તેવું જણાઈ રહ્યું છે. લોકતાંત્રિક પ્રણાલીમાં વાદવિવાદ, ચર્ચાની જરૂરીયાત સાથે આપસી સહયોગ અને સદ્ભાવના પણ જરૂરી છે. શાંતિપૂર્ણ અને અહિંસક અસહમતિનો અવાજ લોકશાહી તંત્રમાં અતિ આવશ્યક તથા આવકારદાયક ગણાવવો જોઈએ. કન્હૈયા કુમાર અને પત્રકારો ઉપરના હુમલાઓ એ તો અસહમતિના અવાજને રુંઘવાના ફાસીવાદી હુમલાથી કાંઈ જ કમ નથી. ખરેખર તો, કાંઇપણ કાયદાથી વિરુદ્ધ થયું હોય તો, કાયદાને તેનું કામ કરવા દેવું જોઈએ તેમાં કોઈપણ વિઘ્ન ઊભું ન કરવું જોઈએ. સાથોસાથ મહાવિદ્યાલયો અને શૈક્ષણિક સંસ્થાઓમાં શાસકોની અને પોલીસની દખલગીરી રોકવી જોઈએ. અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળુ ઘોંટીને આપણા દેશની લોકશાહી અને લોકતાંત્રિક સંસ્થાઓને ભય અને જોખમમાં મુકવાના સ્પષ્ટ સંકેત અત્યારે જણાઈ રહ્યો છે. વાણી સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, વિચાર સ્વાતંત્ર્ય વગેરે લોકશાહીનો આત્મા છે. તે શાસકોએ ન ભુલવું જોઈએ. પ્રજાને પોતાનો અભિપ્રાય, મત કે વિચાર રજૂ કરવાનો જે હક છે ત્યારે તે પ્રદર્શિત કરનારને રાષ્ટ્રદ્રોહ હેઠળ ખપાવી દેવાની વાત જરા પણ યોગ્ય નથી.
લે. ગૌતમ ઠાકર