સર ઉઠાકે અબચલનેમેં શરમ આતી હે
ઇતની હદ તક ગિર ગયા હે આદમી
મનુષ્ય આજે પ્રાણીઓના સ્તરથી પણ નીચે પહોંચી ગયો છે. જે કામ કરવામાં શેતાન શરમાવે તેવા કામ માણસ કરી રહ્યો છે. સત્યનિષ્ઠાની ઉણપના કારણે જીવનના વૃક્ષ પરથી નેતિકતાના પાંદડા ખરી પડયા છે. સ્વાર્થ, ભૌતિકવાદ, મનેચ્છાના જંતુઓએ જીવનરૃપી વૃક્ષના મૂળને બોદું કરી દીધું છે. ધાર્મિક સંમેલનો થઇ રહ્યા છે, મોટા મોટા સાધુ-સંતોના વ્યાખ્યાનનું આયોજન થઈ રહ્યું છે. ઈન્ટરનેટ જ્નરેશન એક બીજાને સૂફિયાણી વાતો અને સુવાકયો મોકલવામાં પાછા પડતા નથી. દરેક વ્યક્તિ બીજાને નસીહત કરવામાં ખૂબ જ સક્રિય દેખાય છે. યુવાનો ધર્મ તરફ વળી રહ્યા છે. પરંતુ ચારે કોર અશાંતિ, અરાજકતા, અને હિંસાનું વાતાવરણ છે. બળાત્કાર અને હત્યાની ઘટનાઓનું તાંડવ નૃત્ય થઈ રહ્યું છે. લઘુમતીઓ, સ્ત્રીઓ અને પછાત વર્ગ પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યો છે, ફૂલ જેવી માસૂમ બાળકીઓ પણ દાનવોની હવસની ભોગ બની રહી છે. મોટાભાગે મીડિયા પણ મૂડીવાદીઓના હાથનું રમકડું બની ગયું છે, લાગણીઓ ભડકાવવા અને કોમવાદ ફેલાવવાનું કામ ચાણકય બુદ્ધિથી કરી રહ્યું છે. પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક અને ગંભીર છે. દેશબાંધવો વચ્ચે એક બીજા પરથી વિશ્વાસ ઊઠી રહ્યું છે, વિવિધ પ્રકારની શંકા-કુશંકાઓ અને ભ્રમણાઓ વિદ્યુત તરંગોની જેમ હવામાં ફેલાઈ રહી છે.
કિતની આસાનથી એ માઈલ બેરાહરવીમેં
રાહ પર આયે તો ચલના દુશ્વાર હુવા
ડ્રગ માફિયાઓ જેમ વાયરસ ફેલાવી હડકંપ મચાવે છે અને પછી દવાની શોધ કરી લોકોની સાંત્વના લે છે અને સાથે સાથે અઢળક રૃપિયા મેળવી પોતાની મેલી મુરાદ પૂરી કરે છે તેમ ધર્મ-માફિયાઓ પણ પોતાનું વર્ચસ્વ રાખવા પોતાના અનુયાયીઓને નિમ્ન કક્ષાની સમસ્યાઓમાં ઉલઝાવી એક બીજાના વિરુદ્ધ પ્રેરે છે. બર્ડફ્લૂની જેમ ફેલાતી ધર્માન્ધતાધર્મની ઘોર ખોદી રહી છે. ધર્મવાણી વિલાસનું નહિ ધારણ કરવાનું નામ છે. તે શું ધારણ કરવા માગે છે. ધર્મસત્ય ધારણ કરવાની, પ્રેમ ધારણ કરવાની, સંસ્કાર અને નિખાલસતા ધારણ કરવાની શીખ આપે છે. સંયમ ધર્મનો આત્મા છે. તેને ધારણ કર્યા વગર ઈશ્વરનું સામીપ્ય પ્રાપ્ત કરવું અસંભવ છે. સંયમી વ્યક્તિ ભય રહિત અને લોભ રહિત હોય છે. દુર્ભાગ્યવશ આપણા દેશમાં લોકો ધર્મના નામે અધર્મ આચરી રહ્યા છે. આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તે ભૌતિકવાદી અને દંભની પરાકાષ્ઠાનો યુગ છે. અલ્લામા ઇક્બાલ રહ. એ કહ્યું છે,
મનકી દોલત હાથ આતી હૈ તો ફિર જાતી નહી
તનકી દોલત છાંવ હૈ આતા હૈ ધન જાતા હૈ ધન
આ સમસ્યાનું મૂળ કારણ અલ્લાહ (ઈશ્વર)પર ઈમાન(શ્રદ્ધા)નું ન હોવું અથવા તેનો સાચો પરિચયનો અભાવ છે. અલ્લાહ કોઈ વિશેષ કોમ, કબીલા કે જાતિ-જ્ઞાાતિનો નથી. તે સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર અને બધા જ માનવીઓનો પાલનહાર છે. આસ્તિક અને નાસ્તિક બધાની જરૃરિયાત પૂર્ણ કરનાર અને માર્ગદર્શક છે. એકેશ્વાવાદનો સિદ્ધાંત રંગભેદ અને ઊંચનીચ તથા દેશ-પ્રદેશના ભેદભાવ વગર એક તાંતણે જોડી શકે છે. કેમકે સમગ્ર સૃષ્ટિ તેનો પરિવાર છે.તેનાથી દૂર થતાં વ્યક્તિ રણમાં ભટકે છે. હફીઝ મેરઠીએ તેને કાવ્ય પંક્તિમાં સુંદર રૃપે રજૂ કરી છે.
મેં ભી ફિરું હું મારા મારા છોડ કે તેરે દામન કો
પેડ સે જો પત્તા ટૂટે હૈ આવારા હો જાએ હૈ
રમઝાન મુસલમાનોમાં અલ્લાહ પર શ્રધ્ધાને દૃઢ બનાવે છે. વ્યક્તિને સંયમી અને ધૈર્યવાન બનાવે છે. તેના ચરિત્રનું નિર્માણ કરે છે, મનેચ્છાઓ પર નિયંત્રણ કરતાં શીખવે છે, આધ્યાત્મિકતાની સાથે સામાજિકતા પેદા કરે છે. ભૂખ્યા-તરસ્યા લોકોની પીડાનું જીવંત અહેસાસ પેદા થાય છે, તેમની સેવા અને મદદ કરવાની ભાવના ઉત્પન્ન કરે છે.ખાન-પાન અને સહશયનથી રોકી માનવમાં બ્રહ્મચર્યક સન્યાસી જીવનના ગુણ પેદા કરવા રોઝાનું હેતુ નથી. ન જ અલ્લાહ રોઝા વડે માનવને જીવનના આનંદથી દૂર કરવા માંગે છે બલ્કે આ પ્રશિક્ષણ દ્વારા વ્યક્તિને જીવવાને કાબેલ બનાવવામાં આવે છે. જે વ્યક્તિ વિષમ પરિસ્થિતિમાં ખોટુ ન કરે. તે સામાન્ય પરિસ્થિતિમાં બૂરાઈ કેવી રીતે કરી શકે?!! આ મહિનાથી જે પ્રશિક્ષણ મળ્યું છે તેના પર કાયમ રહેવા સંકલ્પ કરવાનું નામ ઈદ છે જે અલ્લાહ તરફથી તેના બંદાઓ માટે એક ઇનામ છે. ઇક્બાલ રહ. કહે છે,
હૈ લોગ વહી જહાંમેં અચ્છે
આતે હૈં જો કામ દૂસરોંકે
દેશના જુદા જુદા રાજ્યો અને વિસ્તારોમાં છાશવારે બનતી હિંસાની ઘટનાઓથી વાતાવરણ દૂષિત બની રહ્યું છે.ગૃહ મંત્રાલયે આપેલા આંકડા મુજબ વર્ષ ૨૦૧૭માં દેશમાં સાંપ્રદાયિક હિંસાના ૮૨૨ બનાવો બન્યા છે, જેમાં ૧૧૧ લોકો માર્યા ગયા અને ૨,૩૮૪ ઈજાગ્રસ્ત થયા.ભારત જેવા મહાન દેશ કે જે વિવિધ ધર્મો,સંપ્રદાયો, ભાષાઓ અને ક્ષેત્રોમાં વ્હેંચાયલો છે, વારંવાર બનતી ઘટનાઓ તેની મહાનતાને કલંકિત કરે છે. ઇન્સ્ટીટયુટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વના ૧૬૩ દેશોમાં જે રિસર્ચ કર્યું છે તેર્ના રિપોર્ટ મુજબ વિશ્વના સૌથી ઓછા શાંતિપૂર્ણ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. તેમની યાદીમાં ભારતને ૧૩૬મું સ્થાન મળ્યું છે જે આપણા માટે ચિંતા અને દુઃખ ની વાત છે, દેશની ગરિમા પર લાંછન લગાડનારા વિદેશીઓ નથી બલ્કે આપણા પોતાના ભાઈબંધુઓ છે.
લોકોમાં વધતી આક્રમકતાના કારણે દેશમાં અસહિષ્ણુતાનો માહોલ વધી રહ્યો છે, લોકશાહી અને સ્વતંત્ર સંવાદનું સ્થાન સંકોચાઈ રહ્યું છે,કાયદા વ્યવસ્થા જાળવતું તંત્ર નિષ્ક્રિય, પક્ષપાતી કે ઢીલો પડી રહ્યો છે.ન્યાયતંત્ર પર પણ સાંપ્રદાયિકતાની તલવાર લટકી રહી છે.ન્યાયાધીશોની પ્રેસ કોન્ફરન્સની ઐતિહાસિક ઘટના તેની પ્રતીતિ છે. સરકાર વિરુદ્ધ ઊઠતી આવાજને દેશદ્રોહના ખાનામાં મૂકી દેવામાં આવી રહ્યું છે.પોલીસ તંત્ર સત્તાધીશોની કઠપૂતળી બની ગયું છે. કોમી સૌહાર્દનું નુકસાન નથી બલ્કે આર્થિક રીતે પણ દેશને નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. છતાં ઘણાં લોકો છે જેમને આ પરિસ્થિતિ દેખાતી જ નથી અને તેઓ આંખ આડા કાન કરે છે. શાયર કહે છે :
એ મોજે બલા ઉનકો ભી જરા દો ચાર થપેડે હલકેસે
કુછ લોગ અભી તક સાહિલસે તુફાનકા નઝારા કરતે હૈ
સંયમી વ્યક્તિ શુરવીર હોય છે અને વીરોને જ પડકારો શોભે છે. બારૃદના ઢેર જેવી વર્તમાન પરિસ્થિતિને આપણે બધાએ હળી-મળીને બદલવી પડશે. માત્ર દર્શક બની રહેવાથી કામ નહિ ચાલે.આ આપણા માટે મોટો પડકાર છે પરંતુ આપણે તેને ઝેલવીને જ જંપીશું. શાંતિ સાથે જ આર્થિક વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિ જોડાયલી છે. ઈદના આ મહાન પર્વે નિર્ધાર કરીએ કે એક જૂટથી રાષ્ટ્રનિર્માણની સાચી ભાવના પેદા કરીશું.નફરત અને ઘર્ષણના અંગારા ઓલવી સત્ય, સંયમ, પ્રેમ અને ભાઈચારાની જ્યોતિ પ્રગટાવીએ.
લે કે પેગામે મુહબ્બત કોઈ ઉઠે તો સહી
આજ ભી ઝૂલ્મકા માહોલ બદલ સકતા હૈ