અમુક દિવસો પહેલા મારા કેટલાક મિત્રો ‘ગોડ્સ લેન્ડ’ કહેવાતા કેરાલાની સોહામણી યાદો વાગોળતા હતા ત્યારે મારા મનમાં આપણા વડાપ્રધાને કેરળમાં કરેલી જુમલેબાજી યાદ આવી. જુમલેબાજી એટલે કહું છું કે તેવો પોતે જાણે છે, મુસ્લિમો પ્રત્યે તેમની વિચારધારા અને કરણી શું છે. સંઘ વિચારક પંડિત દીનદયાળને ટાંકી કહેતા હતા કે “મુસલમાનો કો પૃસ્કૃત કરે ઔર નહીં ઉનકો તિરસ્કૃત કરે બલ્કે ઉનકા પરિષ્કાર કરે. મુસલમાનો કો વોટકી મંડી કા માલ ઔર ન હી ઘૃણા કી વસ્તુ સમજે”. જોકે કેરળ જેવા પ્રાંતમાં બોલવાનું થાય તો મુસલમાનોની સંવેદના અને તેમનું દિલ જીતવા માટે આવું કહેવું જ પડે. પરંતુ એક નજર ૧૪ વર્ષના ઇતિહાસ પર નાખી લેજો. નરોડા પાટીયાથી, ગુલબર્ગ સોસાયટીથી, સરદારપુરાથી, દીપડા દરવાજા વગેરે અનેક જગ્યા સામુહિક નરસંહારથી મુસલમાનો “પૃસ્કૃત” થયા છે. તેમને આર્થિક રીતે પાયમાલ કરવા આયોજનબદ્ધ ષડયંત્રો થયા છે. ગુજરાત મોડેલની ગુલબાંગો મારવામાં આવે છે પરંતુ આજે ગુજરાતના મુસ્લિમ વિસ્તારોને જોઈ લો ત્યાં સરકારે શું સવલતો આપી છે. અરે નાના પોકેટ જવા દો એ વિસ્તારોને જોઈ લો જ્યાં મુસલમાનો મોટી સંખ્યામાં રહે છે. કોઈ બેંક છે? કોઈ સરકારી હોસ્પિટલ છે? કોઈ કોલેજ છે? કોઈ એસટી સ્ટેન્ડ છે? કોઈ મેદાન છે? પાણી અને સડકની કોઈ વ્યવસ્થા છે? કોઈ લોન મળે છે? પાંચ લાખની આબાદી છતાં કોઈ મુસ્લિમ એમપી કે એમએલએ નથી એવી રીતે સીમાંકન કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારો છે જ્યાં મુસલમાનોને ધંધા માટે દુકાન કે રહેવા માટે મકાન મળતું નથી… વગેરે. કોઈ ગીતકારે સાચું જ લખ્યું હશે “સમઝેગા કોન યહાં, દર્દ ભરે દિલ કી ઝુબાં, જાયે તો જાયે કહાં” અહીં મેં માત્ર મુસલમાનોની વાત કરી પરંતુ દલિતો, આદિવાસીઓની પરિસ્થિતિ પણ ખરાબ છે.
વડાપ્રધાન જ્યારે એમ કહે કે હું મારી મુસ્લિમ બહેનો અને માતાઓને હક અપાવીને રહીશ. તલાકના વિવાદને પાર્ટી કે વિપક્ષનો મુદ્દો ન બનાવો ત્યારે એવું લાગે કે “મુહમ્મદ બિન કાસિમ” તેની બહેનની વ્હારે આવ્યો હોય. પરંતુ તેને ઝકિયા જાફરી દેખાતી નથી, ન બિલ્કીસ દેખાય છે, ન અખ્લાકની માતા દેખાય છે, ન ગુજરાત નરસંહારમાં બળાત્કારની ભોગ બનેલી બહેનો દેખાય છે, ન ઇશરતજહાં દેખાય છે અને ન જ કોસર દેખાય છે. ભારત દેશની રાજનીતિ મુસ્લિમોના વોટથી નહીં તેમના ખૂનથી સિંચવામાં આવી છે. ૧૯૪૮ હૈદ્રાબાદની ઘટનાથી લઈ જમશેદપૂર સુધી, ૧૯૬૭માં રાંચીથી લઈને ૧૯૬૯ના અહમદાબાદ સુધી, ૧૯૭૦માં ભીવંડીના રમખાણોથી લઈને ૧૯૭૯માં પશ્ચિમબંગાળ સુધી, ૧૯૮૦માં મુરાદાબાદથી લઈને ૧૯૮૩માં આસામ ૧૯૮૫માં અહમદાબાદ, ૧૯૮૭માં મેરઠ, ૨૦૦૨માં ગુજરાત, ૨૦૧૩માં મુઝફ્ફનગર, આસામ વગેરેનો ઇતિહાસ જોઈ જાઓ. મુસલમાનો વધારે ભોગ બને છે છતાં જેલોમાં તેમની જ સંખ્યા વધારે જોવા મળે છે.
સત્તા ભી, પોલીસ ભી, સરદાર ભી તુમ્હારા હૈ
તુમ ઝૂટ કો સચ લિખ દો અખબાર ભી તુમ્હારા હૈ
સમાચાર પત્રોમાં તમે વાંચો છો આ દેશમાં એક સંગઠન ખુલ્લેઆમ ત્રિશુલ વહેંચે છે. ટ્રેનીંગ આપે છે તેમને કંઈ વાંધો નથી અને મુસલમાનોના કેસમાં શાક કાપવાની છરી પણ હથિયાર બની શકે છે. ઢાકા આંતકવાદી હુમલાના બે વ્યક્તિ એક શિક્ષિત ધર્મ પ્રચારકને ફોલો કરતા હતા જો કે (આ સમાચારને પણ બાંગ્લાદેશ અખબારે રદ કર્યો કે અમે એવી ખબર છાપી નથી) છતાં તેને બહાનું બનાવી તેની સંસ્થાને પ્રતિબંધિત કરવામાં આવે છે. અને પ્રજ્ઞાા ઠાકુર જેવી સાધવી સાથે બીજેપીના નેતાના ફોટો સમાચારોમાં ધૂમ મચાવે છે છતાં કશું થતું નથી. મુસ્લિમ મુક્ત ભારત, તેમની સ્ત્રીઓ સાથ બળાત્કાર કરવા, તેમની હત્યા કરવા જાહેરમાં પ્રવચનો થાય તોય સરકાર કશું કરતી નથી.!!!
ગૌમાંસ પર પાબંદીની વાત અને તેમની જ પાર્ટીની સરકાર બીજા રાજ્યમાં પરવાનગી આપી છે. એક બાજુ ગૌસેવાની વાત બીજી બાજુ બીફ એક્ષ્પોર્ટમાં વિશ્વમાં અગ્રેસર. કાલ સુધી એફડીઆઈ, જીએસટી, મનરેગા વગેરે યોજનાઆનો વિરોધ અને સત્તા સંભાળતા જ તેની પ્રશંસા, કાલે નિર્ભયા મામલે આંદોલન કરતા હતા આજે બળાત્કારના ગુનાઓ વધારો છતાં કોઈ આવાજ નથી. કાલે મોંઘવારી ના બુમબરાડા આજે કોઈ એક શબ્દ પણ મોં થી નીકળતો નથી. કાલે ભ્રષ્ટાચાર બાબતે કોંગ્રેસને આડે હાથ લેતા હતા. પોતાના પાર્ટીના માણસો (શિવરાજ, લલિત, રમણ સિંહ) તેમાં સંડોવાયેલા છતાં કોઈ કાર્યવાહી નહીં. કાલે વિપક્ષ તરીકે સરકારી નીતિઓનો વિરોધ કરતા હતા તો બરોબર હતું આજે કોઈ સરકારને પ્રશ્ન પૂછે તો રાષ્ટ્ર્દ્રોહી !!! અરે, સરકાર જ નહીં ભકતો પણ આવા છે (આવું કરે તો જ ભક્ત કહેવાય) પરિસ્થિતિ આ છે કે સરકાર ખોટું પગલું ભરે, સમજાય કે ખોટું છે છતાં તેની તરફદારી કરે સફાઈ આપે.
મેં આઈના દીખાઉ ઇસસે પેહલે બોલ પડતે હૈ
ખુદ અપની સફાઈ મેં ચેહરે બોલ પડતે હૈ
કાલ સુધી માજી વડાપ્રધાનને મનમોનસિંહ કહેતા હતા અને જરૂરી ગેર જરૂરી રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મુદ્દે નિવેદનો આપતા હતા. આજે એવું નથી. અખ્લાકની હત્યા થાય કે વેમુલા આત્મહત્યા કરવા મજબૂર થાય. ઉતરાખંડમાં યુવાનેને ફાંસી આપી વૃક્ષ પર લટકાવી દેવામાં આવે. આસામમાં મુસ્લિમો પર હુમલા થાય કે મલકાનગીરીમાં આદિવાસીઓનું સામુહિક એન્કાઉન્ટર, એટલીમાં બીફના મુદ્દે છોકરી અને સ્ત્રી પર સામૂહિક બળાત્કાર થાય કે નજીબને ગાયબ કરી દેવામાં આવે એમના મોઢામાંથી સાંત્વનાનો એક શબ્દ નથી નીકળતો.
એક બાજુ આઝમ ખાન કે અકબરૃદ્દીન ઓવેસી કંઈ બોલી જાય તો તેમનો વિરોધ થાય અને ધરપકડ પણ થાય અને બીજી બાજુ સાધવી, સાક્ષી, યોગી મહારાજ કે તોગડિયા ઝેર ઓકે અને કાયદેસર ઉશ્કેરણી કરે તો પણ કાઈ થતું નથી. તમે વાણી સ્વતંત્રના દાયરામાં રહીને બોલો તો ગુનેગાર બની શકો અને અમુક તત્વો અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે તો પણ કોઈ ગુનો બનતો નથી કે નોંધ લેવાતી નથી.
હમ આહ ભી કરતે હૈં તો હો જાતે હૈ બદનામ
વો કતલ ભી કરતે હૈં તો ચર્ચા નહીં હોતી
આરએસએસ આજ સુધી ભારતીય ધ્વજને ફરકાવતી ન હતી અને આજે પણ પોતાના મુખ્ય મથક પર ધ્વજવંદન કરતી નથી. પરંતુ મદ્રસાને નિશાન બનાવવામાં આવે છે. જો કે મોટાભાગે મદ્રેસા ૧૫મી ઓગષ્ટે ધ્વજ ફરકાવે છે. હામીક અન્સારી પ્રોટોકોલ મુજબ ધ્વજને સલામી ન આપે તો ટોક ઓફ ધી ટાઉન બને છે અને વડાપ્રધાન રાષ્ટ્રીયગાન પર ઉભા ન રહે તો પણ કશો ફેર પડતો નથી.
વિમુદ્રીકરણના મુદ્દે આમ નાગરિકોને જે તકલીફ ભોગવવી પડી રહી છે તેનાથી કોઈ અજાણ નથી. સામાન્ય લોકોને ૨.૫ લાખ લગ્ન માટે આપવાની વાત કરે છતાં એ પણ મળતા નથી. અને પોતાની પાર્ટીથી સંલગ્ન નેતાઓને ત્યાં ૫૦૦ કરોડનો ખર્ચ થાય તો પણ કોઈ તપાસ થતી નથી. કાલે ઘોષણા કરતા હતા કે ૨.૫ લાખથી વધારે ખાતામાં હશે તો તપાસ કરવામાં આવશે હવે તેને ઘટાડી ૨ લાખ કરી ગરીબ વર્ગનું જીવન મુશ્કેલીમાં મૂકી દીધું છે. અને બીજી બાજુ રાજનૈતિક પાર્ટીને તેમાંથી બાકાત કરી દીધી છે. મોટા મોટા ધુરંધરો તેના વડે પોતાનું નાણું સફેદ કરી લેશે. મહેશ શાહને કાલાધન બાબતે ધરપકડ કરવામાં આવે તો તેને શાહી ટ્રીટમેન્ટ મળે છે કેમકે તેના છેડા મોટા રાજનૈતિક માથાઓ સાથે જોડાયેલા છે અને નાના વેપારીઓને ફસાવવામાં આવે છે.
સત્તા પર ન હતા તો કાળુધન ભારત લાવવાનો વાયદો કરતા હતા પરંતુ સ્વીસ બેંકોમાં તેમની પાર્ટીના સમર્થકોના ઘણા પૈસા હોવાથી હવે ૨૦૧૯ સુધીનો સમય માંગે છે કે જેથી તેઓે સગેવગે કરી શકે. અને સામાન્ય જન માટે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો માટે કોઈ સમય આપવામાં આવ્યો નથી બલ્કે અમુક સ્થળો પર ચલાવવા જે મોહલત આપવામાં આવી હતી તેમાં પણ કાપ મુકી દીધી.
અછત અને વાવણીની સીઝન ફેલ થવાથી ખેડૂતોને ઘણું વેઠવુ પડયું છે. તેમના દેવાઓ માફીને પાત્ર નથી જો કે ઘણા ખેડૂતોએ કંગાળ થવાને કારણે આત્મહત્યા કરવા જેવું ઘૃણિત પગલું ભર્યું છે પણ સરકારની કોઈ રહમ નજર નથી. જ્યારે અદાણી અંબાણી વગેરે જેવા ‘અતિદરિદ્ર’ના કરોડો રૃપિયાને સરળતાથી રાઈટ ઓફ કરી દીધા. વાહ, ફિદા તેરે ઇન્સાફ પે હો જાઉં.
રાહુલ ગાંધી લાઈનમાં ઉભા રહી પૈસા કાઢે તો રાજાકીય સ્ટંટ અને પોતાની વૃદ્ધ માતાને કતારમાં ઉભી રાખે તો કશું નહીં. રાહુલ કહે કે મને લોકસભામાં બોલવાની તક આપવામાં આવી રહી નથી જોકે તેમાં સચ્ચાઈ હતી તો મીડિયા, ભક્તોને હાસ્યપદ લાગે અને પ્રધાનમંત્રી આવું બોલે જોકે ખોટું છે તો તેને સાચું માની લેવામાં આવે. અસીમાનંદને સાધવી પ્રજ્ઞાાને જામીન મળે તો કાયદેસર છે અને શાહબુદ્દીનને જામીન મળે તો ઉહાપોહ કરવામાં આવે છે. આમીર ખાનની પત્ની કહે કે દેશમાં ડર લાગે છે તો ચારેબાજુથી લોકો તેના ઉપર તુટી પડે અને પ્રધાનમંત્રી પોતે બોલે કે મારા જીવને ખતરો છે તો એ હકીકત કહેવાય.!!! વાહ આશ્ચર્યમ.
કોઈ વ્યક્તિ પોતાની મરજીથી સમજી વિચારીને કોઈ લોભ લાલચ વગર ઇસ્લામ ધર્મ અંગીકાર કરે તો ટીકા ટિપ્પણી થાય. અને ઘરવાપસીના નામે જોર જુલમથી હિંદુ બનાવવામાં આવે તો કોઈ ગુનો બનતો નથી. બૌદ્ધ ધર્મ સ્વીકાર કરતો હોય તોય સ્વીકાર્ય. મદ્રેસાઓ પોતાના ધર્મ સંસ્કૃતિ મુજબ શિક્ષણ આપે તો જુનવાણી માનસિકતા કહેવાય અને ગુરૃકુળ અને આશ્રમોમાં હિંદુ ધર્મની સંસ્કૃતિ મુજબ શિક્ષણ આપવામાં આવે તો આધુનિકતાવાદી.
ન્યાયલયને જુઓ બાબરી મસ્જિદના કેસમાં આસ્થા કાયદાથી ઉપર થઈ જાય છે. જ્યાં બાબરી મસ્જિદ છે તે સ્થળ રામજન્મ ભૂમિ છે તેના કોઈ ઐતિહાસિક પુરાવા નથી. હિંદુ ધર્મના વિદ્વાનો પણ તેને સ્વીકારે છે. પરંતુ મુસ્લિમ પર્સનલ લોની વાત આવે જનું કાયદાકીય પ્રાવધાન છે છતાં કહેવામાં આવે કે ધર્મ કાયદાથી ઉપર નથી. કમાલની બુદ્ધિ છે!!
ઉનામાં દલિત ભાઈઓને ઢોર માર મારવામાં આવે અને બીજા કેટલાક રાજ્યોમાં દલિત ભાઈઓ પર દમન ગુજારવામાં આવે તો કહેવું પડે મેરે દલિત ભાઈઓ કો મત મારો મારના હૈ તો મુજે મારદો. અને મુસ્લિમ યુવાનોની હત્યા સુધ્ધાં કરી દેવામાં આવે તો તેમના દિલ રાખવા માટે બે શબ્દો પણ મોઢામાંથી નિકળતા નથી.
ભોપાલમાં અંડરટ્રાયલ આરોપીનું એન્કાઉન્ટર થાય તો આ આરોપીઓને આતંકવાદી તરીકે ચીતરવામાં આવે અને ભુલ્લરસિંહ જેલમાંથી ફરાર થાય જો કે ખાલિસ્તાની આતંકવાદી છે તો અપરાધી તરીકે દર્શાવવામાં આવે. ૧૯૯૨ અને સંસદ હુમલાના આરોપીઓને ફાંસી આપી દેવામાં આવે અને રાજીગાંધીના હત્યારા અત્યાર સુધી જેલમાં જ છે. રાષ્ટ્રીયગીત વગાડતા સમય કોઈ ઉભો ન થાય તો તેને ફટકારવામાં આવે અને કોઈ ગાંધીજીના હત્યારાને હીરો તરીકે રજુ કરે તો તેની રાષ્ટ્રભક્તિ પર કોઈ શંકા ન થાય. ક્યારે ક એવું લાગે છે આપણે ત્યાં ન્યાયપ્રણાલીની એક આંખ ફૂટી ગઈ છે…
લવ-જિહાદનું અભિયાન છેડી મુસ્લિમો પ્રત્યે ગેરસમજો બલકે નફરત ફેલાવવા પ્રયત્ન કરવામાં આવે છે. દબાણ કરી આવી વાર્તા ઘડી કાઢવામાં આવે અથવા સામાન્ય લવમેરેજને તેમાં ખપાવવામાં આવે છે. જોકે સત્તા પક્ષ સાથે જોડાયેલા ઘણા નેતાઓના જમાઈ મુસ્લિમ છે. કોઈ મુસ્લિમ છોકરી બિનમુસ્લિમ સાથે પરણી જાય તો તેને ખોટું ઠેરવતા નથી, ન આવા લગ્નોને લવરામાયણ તરીકે ચિતરવામાં આવે છે. બલ્કે જમીની હકીકત આ છે કે મુસ્લિમ છોકરાઓને નિશાન બનાવી તેમને પરણવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે. તેના તરફથી આંખ આડા કાન કરવામાં આવે છે.
ઇન્સાફના પલ્લાં સમાન હોવા જોઈએ. કાયદાનું શાસન હોવું જોઈએ તેના મુજબ જે ગુનેગાર છે જેટલો છે તેેને તેટલી સજા થાય તેનો વાંધો નથી. પરંતુ એક બાજુ નિર્દોષો ઉપર જુલમ ગુજારવામાં આવે અને બીજી બાજુ અપરાધીઓને છોડી મૂકવામાં આવે તો યોગ્ય નથી. ૧૦ વર્ષ, ૧૪ વર્ષ, ૨૩ વર્ષ જેલની કાલકોથરીમાં કાઢયા પછી સન્માન સામે નિર્દોષ છુટી જાય છે. તેમને કોઈ વળતર આપવામાં આવતું નથી.
પરદો મુસ્લિમ સ્ત્રી કરે છે તો તેમને પીડિત, વંચિત અને રૃઢીવાદી ન જાણે શું શું બિરુદ આપવામાં આવે છે. એ જ સ્કાર્ફ ખ્રિસ્ત નન પહેરે તો સન્માનને પાત્ર છે, યહુદી સ્ત્રી પરદો કરે તો આધુનિકતાવાદી છે, હિંદુ સ્ત્રી પરદો કરે તો સંસ્કારી છે અને આદિવાસી સ્ત્રી પાલવ કાઢે તો તેમની સંસ્કૃતિ છે.
કોઈ મુસ્લિમ ‘નામનો’ યુવાન ઉશ્કેરણીમાં આવી કે ગેરમાર્ગે જતો રહેવાથી કોઈ હિંસાત્મક પ્રવૃત્તિ કરે તો તે આતંકવાદી.
ખ્રિસ્ત દેશ અમેરિકા ઇરાકને અફઘાનિસ્તાને કોઈ યોગ્યકારણ વગર તબાહ બરબાદ કરી નાખે તો વોર ઓન ટેરર છે. ચીન અને બર્મામાં બૌદ્ધો મુસ્લિમોનો સામુહિક નરસંહાર કરે તો ન્યાયિક પગલું છે. મહારાષ્ટ્રમાં મનસે કરે તો પ્રાંતવાદ છે અને ઉત્તર પૂર્વના લોકો કરે તો નકસલવાદ છે. આસામના બોડો કરે તો જાઈઝ છે. હિંસાના કૃત્યને બે ચશ્માંથી કેમ જોવામાં આવે છે??
સવાલ કોઈ હોગા નહીં તુમસે તુમ્હે યે હક દિયા હૈ હમને
લહુંકો ચાહો જામ લિખ દો સુબ્હ કો ચાહો શામ લિખ દો
એટલી બધી ઘટનાઓ જેનો ઉલ્લેખ કરી શકાય લખાણ ખુબ જ લાંબુ થઈ જશે. સરકાર, મીડિયા કે અમુક (અ)સામાજિક તત્ત્વોની બેવડી નીતિ અને કોઈ વસ્તુને પારખવાના બેવડા માપદંડ સરળતાથી જોઈ શકાય છે. આ ખુબ જ નીચલી કક્ષાની માનસિકતા છે. ન્યાયના ધારાધોરણ સૌના માટે સરખા હોવા જોઈએ. પક્ષપાતી વલણ એ ચારિત્ર્યિ ખામી છે અનૈતિકતા છે. બલ્કે ભયાનક પ્રકારનો દંભ છે. આવા મુલ્યો અને છિતરપીંડી કોઈ પણ ગતિશીલ અને સભ્ય સમાજ માટે ઘાતક હોય છે. એક બાજુ અમુક સંગઠન જાણી જોઈને આ ભ્રમણાઓ ફેલાવે છે કે આ દેશ હિંદુઓનો હોવા છતાં અહીં તેમના અધિકારોનું હનન થાય છે અને મુસ્લિમોને વધારે પંપાળવામાં આવે છે. જોકે વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આપણે સહુ ભારતના સમાન નાગરિક છીએં. તેમની વચ્ચે સુમેળ અને પ્રેમનું વાતાવરણ બને અને ગેરસમજો દૂર થાય તેના સુનિયોજિત કાર્યક્રમો થવા જોઈએ. સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની હિંમત કેળવવી જોઈએ. કેળવવી પડશે. તો જ ભારતનું સારા અર્થમાં નવનિર્માણ શક્ય બનશે. *
(sahmed.yuva@gmail.com)