ઇઝરાયલને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરીના વકતવ્યથી પહેલાં પૂર્વીય યેરુશલેમ પાસેની યહૂદીઓ માટેના સેંકડો નવા મકાન બાંધવાની મંજૂરી પાછી ખેંચી લીધી છે. ઇઝરાયલે કબજા હેઠળના નાગરિક વિસ્તારોમાં ૪૯ર બિલ્ડીંગ પરમીટોની મંજૂરી અટકાવી દીધી હતી. હાલમાં પ લાખ ૭૦ હજાર યહૂદીઓ પશ્ચિમ કાંઠાના અને પૂર્વીય યેરુશલેમમાં મૌજૂદ છે.
ગત્ દિવસો દરમ્યાન સંયુકત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદે અમેરિકાની ગેરહાજરી સાથે સર્વાનુમતે એક ઠરાવને મંજૂરી આપી હતી જેમાં ઇઝરાયલને કબજા હેઠળના યેરુશલેમમાં યહૂદી વસાહતો વસાવવાથી મનાઈ ફરમાવી દીધી હતી. સામાન્ય રીતે અમેરિકા યુનોની સુરક્ષા પરિષદમાં ઇઝરાયલ વિરુદ્ધ રજૂ કરાનાર દરેક ઠરાવને ‘વીટો’ કરતો રહ્યો છે. પરંતુ આ વખતે તેણે ત્યાં ગેરહાજર રહી ઇઝરાયલ વિરુદ્ધના ઠરાવની મંજૂરીને મંજૂરીને નિશ્ચિત બનાવી દીધી હતી.
આથી ઇઝરાયલ ખૂબજ છંછેડાયેલ છે. સાથે જ ખુદ અમેરિકાની યહૂદી લોબીમાં પણ તીવ્ર બેચેની વ્યાપી ગઈ છે. આ દરમયાન કટ્ટર ઇઝરાયલ-પ્રિય નવા ચૂંટાયેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને જણાવ્યું છે કે તે ર૦મી જાન્યુઆરી સુધી ધૈર્ય રાખે, ત્યારબાદ બધું બદલાઈ જશે. યાદ રહે કે આ ટ્રમ્પના હોદ્દા સંભાળવાની તારીખ છે. અમેરિકાના વર્તમાન પ્રમુખ બરાક ઓબામાનું શાસન ટ્રમ્પ્ને સોંપતા પહેલાં પોતાના વકતવ્યમાં સેક્રેટરી ઓફ સ્ટેટ જ્હોન કેરીએ ચેતવણી આપી છે કે તેઓ દ્વિ-રાષ્ટ્રીય ઉકેલનું ભવિષ્ય ખતરામાં જુએ છે. તેમણે કહ્યુ કે અમેરિકા આ સંજોગોમાં ચુપકીદી ન સેવી શકે, જ્યારે કે હિંસા અને ઇઝરાયલ વસાહતો વસાવવાના પગલાંથી શાંતિ-પ્રક્રિયા ખતરામાં છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ ફલસ્તીનીઓ પોતાના વિસ્તારોમાં રહેવાના પૂરેપૂરો અધિકાર નહીં આપે ત્યાં સુધી સાચી શાંતિ સ્થપાઈ નહીં શકે. તેમણે કહ્યું કે નેક-નીય્યત વિના કંઈ નહીં થઈ શકે.
હાલમાં શાંતિ-પ્રક્રિયા ભયમાં છે. તેની સ્થાપના માટે યહૂદી વસાહતોનું ગેરકાનૂની નિર્માણ અટકાવવું ખૂબજ આવશ્યક છે. શાંતિ છિનવાતી જઈ રહી છે. વિસ્તારવાદી નીતિના કારણે ત્યાં શાંતિ અને સલામતી બંને ભયમાં છે. બળજબરીપૂર્વકનો કબજો અને ગેરકાનૂની નિર્માણ આમાં ઉમેરો કરી રહ્યા છે. પરસ્પર દુશ્મની વધતી જઈ રહી છે. આમાં ઇઝરાયલની હઠધર્મી વધુ ભાગ ભજવે છે. મધ્યપૂર્વમાં શાંતિ અને સલામતી સ્થાપવા માટે ઇઝરાયલની હઠધર્મી અને તેના ખોટા પગલા અટકાવવા ખૂબજ જરૂરી છે. જો અમેરિકા તથા અન્ય રાષ્ટ્રો ભવિષ્યમાં પણ આ રીતે યોગ્ય ભૂમિકા ભજવે તો આની શકયતા ઉજળી દેખાય છે. નહિતર આ વખતનો ઠરાવ પણ માત્ર કાગળ ઉપરની શોભા બનીને રહી જશે. આશા રાખીએ આ વખતે આવું ન બને !!!