ઇસ્લામ નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે તે શાંતિ તથા સલામતીનો સંદેશ આપે છે. એક મુસ્લિમ વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિથી મળે છે તો સૌથી પહેલા સલામતીની પ્રાર્થના કરે છે. ‘અસ્સલામુ અલયકુમ’ એટલે તમારા પર સલામતી થાય અને તમે અલ્લાહની અમાનમાં રહો. આ પ્રથમ સંદેશ છે જે એક બીજાથી મળતી વખતે પહોંચાડાય છે. ઇસ્લામમાં એક બીજાને સલામતીનો આ સંદેશ પહોંચાડવું ખુબજ મહત્ત્વની બાબત છે. આ એક વાક્યથી જ નોંધપાત્રપણે વાત સ્પષ્ટ થઈ જાય છે કે ઇસ્લામ શાંતિ તથા સલામતીનો સંદેશવાહક છે. પરંતુ એની સરખામણીમાં આજના સમયમાં ઇસ્લામને ફિત્નો તથા દુષ્ટતાથી જોડી કાદવ ઉછાળવામાં આવી રહ્યું છે. ઇસ્લામને આતંકવાદ ફેલાવવાવાળો ધર્મ માનવામાં આવી રહ્યો છે. જોકે, એક બાજુ આપણા દેશમાં આ ગીત બહુ જ જોર-શોરથી ગવાય છે કે ‘મઝહબ નહીં શિખાતા આપસ મેં બેર રખના’.
આ વાત સત્ય છે અને ઇતિહાસ પણ સાક્ષી છે કે ઇસ્લામ હંમેશા શાંતિ-સલામતી અને ભાઈચારો-પ્રેમનો સંદેશ આપતો રહે છે. આનો ધ્યેય આ છે કે ધરતી ઉપર ફિત્નો અને દુષ્ટતા સમાપ્ત થાય અને શાંતિ-સલામતી અને ન્યાયનો માહોલ પ્રચલિત થાય. તેથી ઇસ્લામી ઇતિહાસનું જો અધ્યયન કરવામાં આવે તો જોવા મળશે કે ઇસ્લામ શરૃઆતથી જ શાંતિ-સલામતીનો સંદેશ લઈને આવ્યો છે. ઇસ્લામ પહેલા અજ્ઞાાની-યુગમાં લોકા થોડીક વાત ઉપર લડાઈઓ અને ખુનામરકી કરતા અને કૌટુંબિક અને વંશીય યુદ્ધ સદીઓ સુધી ચાલતું હતું. જીવનની કોઈ કિંમત ન હતી. શક્તિશાળી શ્રીમંત લોકો ગરીબો અને કમજોરોને સતાવતા અને વિવિધ પ્રકારની હિંસા કરતા. માલિકી અને ગુલામીનું વર્તન સામાન્ય હતું. ધરતી ઉપર દરેક જગ્યાએ ફિત્નો અને દુષ્ટતા સ્થાપિત હતી. મનુષ્યોની ખરીદી અને વેચાણ ચાલતું હતું. આમ મનુષ્ય પોતાના જીવનનો ઉદ્દેશ્ય ભુલી ગયો હતો. નૈતિક મુલ્યોનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. આવામાં ઇસ્લામ એક ઉમ્મીદની કિરણ બનીને દુનિયા સમક્ષ આવ્યો અને આખી દુનિયાને એ શાંતિ-સલામતીનો સંદેશ આપ્યો જેનું ઉદાહરણ ક્યાંય નથી મળતું. ઇસ્લામે ‘તકરીમે બની આદમ’ એટલે મનુષ્યએે મનુષ્યોનો આદર કરવું અને મનુષ્ય જીવનને માન આપ્યું.
કુઆર્નમાં છે, “જેણે કોઈ વ્યક્તિના ખૂનના બદલે કે ધરતી પર બગાડ ફેલાવવા સિવાય કોઈ અન્ય કારણસર હત્યા કરી, તેણે જાણે કે સમગ્ર માનવ-જાતની હત્યા કરી અને જેણે કોઈને જીવન પ્રદાન કર્યું, તેણે જાણે કે સમગ્ર માનવ-જાતને જીવન પ્રદાન કર્યું.” (સૂરઃ માઇદહ-૫ઃ૩૨).
બીજી જગ્યાએ ફરમાવ્યું, “લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (જાતિઓ) અને કબીલા (બિરાદરીઓ) બનાવી દીધા જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (અલ્લાહથી ડરનાર, સંયમી) છે. નિશ્ચિતપણે અલ્લાહ સર્વજ્ઞા અને સુમાહિતગાર છે.” (સૂરઃ હુજુરાત-૪૯ઃ૧૩). એટલે મનુષ્યનો એક ગર્વ ખતમ કરી દેવામાં આવ્યો કે કોઈ ઉચ્ચ નથી તમે બધા બરાબર છો. પરંતુ આજે આખી દુનિયામાં આપણે જોઈ શકીએ છીએ કે આ આધાર પર જ ઉપદ્રવ (દુષ્ટતા) થઈ રહ્યો છે. ઇસ્લામે મહાનતા અને શ્રેષ્ઠતાનો માપદંડ ‘તકવા’ (સંયમ, અલ્લાહનો ડર)ને બનાવ્યું અને આ જ એ વસ્તુ છે જેથી મનુષ્ય અદ્રષ્ટ અલ્લાહનો ડર દૃદયમાં રાખે છે અને ખુલ્લે-છુપે દરેક સ્થિતિમાં અલ્લાહથી ડરે છે. અને જ્યારે મનુષ્ય ‘તકવા’ની એ મંઝિલ સુધી પહોંચી જાય છે તો તેનાથી કોઈ ગુનો અને ખોટુ કામ નથી થતું. ધરતી ઉપર શાંતિ-સલામતીનું વાતાવરણ ઉભું કરવા માટે આ વસ્તુ બહુ જ મોટું પાત્ર ભજવે છે કે મનુષ્ય બીજા મનુષ્યોનું સન્માન અને આદર કરી તેને આદરણીય સમજે અને દમન ન ગુજારે. આ જુસ્સો જ્યારે પેદા થશે તો જ શાંતિ-સલામતીે સ્થાપિત થઈ શકે છે નહીંતો સંપત્તિ અને હોદ્દો લોકોમાં અભિમાન પેદા કરે છે અને પોતાની જાતને મોટી સમજવા લાગે છે. આ ઘમંડ અને અભિમાન મનુષ્યને પોતાના પાલનહારની યાદથી ગાફેલ કરી દે છે. તેથી આના પરિણામે ધરતી ઉપર દુષ્ટતા ફેલાય છે. મનુષ્ય, મનુષ્ય નહીં બલ્કે જાનવર બની ગેરકાયદે ખુનામરકી ફેલાવે છે. અશ્લીલતા અને બુરાઈનું બજાર ગરમ થઈ જાય છે. ઇસ્લામ આ બધી વસ્તુઓને મનુષ્યજાતિ માટે ખૂબ જ ખતરનાક બતાવે છે અને નૈતિકમુલ્યોની સુરક્ષા માટે આહ્વાન કરે છે. ઇસ્લામ આખા વિશ્વમાં શાંતિ-સલામતી ચાહે છે, મોહબ્બતની તાલીમ આપે છે. અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ સ.અ.વ.એ પાડોસીઓ સાથે સારા વર્તાવનો હુકમ આપ્યો અને ફરમાવ્યું, “મને આશા છે તે મુસ્લિમ નથી, મને આશા છે તે મુસ્લિમ નથી, મને આશા છે તે મુસ્લિમ નથી. પૂછવામાં આવ્યું તે કોણ છે હે અલ્લાહના રસૂલ સ.અ.વ.? આપ સ.અ.વ.એ ફરમાવ્યું, જેનો પાડોસી તેના દમનથી સુરક્ષિત ન હોય.” પાડોસીની વ્યાખ્યા કરતા જણાવ્યું બંને બાજુના ૪૦ ઘરો એટલે પાડોસી કે પછી આમાં મુસ્લિમ હોય કે ગેરમુસ્લિમ અથવા બીજા કોઈ ધર્મના માનનારા હોય બધા જ પાડોસી કહેવામાં આવશે. તેમની સાથે સારો વર્તાવ કરવો તેમના સુઃખ-દુઃખમાં શામેલ થવું જરૂરી છે. તમે જોશો કે માનવ ભાઈચારા અને પ્રેમનનું આવું ઉદાહરણ શાંતિ-સલામતીના વાતાવરણને સ્થાપિત કરવા માટે કેટલું જરૂરી છે.
યુદ્ધના સમયે પણ ઇસ્લામે કમજોર નિર્બળ વૃદ્ધ વ્યક્તિઓ, મહિલાઓ અને બાળકો પર બળ પ્રયોગ કરવો પ્રતિબંધિત ઠેરવ્યો. આટલા સુધી કે લીલીછમ ખેતીને નાશ કરવાથી રોકયા. દુશ્મન સાથે પણ નેક વર્તાવ કરવાનો આદેશ આપ્યો અને કેદીઓના સંબંધમાં પણ આ જ હુકમ આપ્યો કે એમની સાથે ખરાબ વહેવાર ન કરો. વિજય અને સફળતા મળ્યા પછી લોકો ઉપર પોતાની ધાક જમાવવી, લોકોને ડરાવવું ઇસ્લામની શાન નથી. મક્કા વિજયના દિવસે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ બધા જ દુશ્મનો માટે જાહેર માફીની જાહેરાત કરી આ દુનિયાને એવું શિક્ષણ આપ્યું કે ઇસ્લામ શાંતિ-સલામતીનો સંદેશ લઈને આવ્યો છે અને જો કોઈ આવું કહે છે કે ઇસ્લામ બળ પ્રયોગથી ફેલાયો છે તો આ વાત બિલ્કુલ ખોટી છે. ઇસ્લામ તો નૈતિક મુલ્યો અને મોહબ્બતથી હૃદયમાં સ્થાન પામવાવાળો ધર્મ છે.
માનવતાના પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ પણ શત્રુઓના હૃદયને પોતાના ચારિત્ર્યથી જીતી લીધું. એ વૃદ્ધ મહિલાની પ્રખ્યાત ઘટના જે પયગંબર સ.અ.વ. ઉપર કચરો નાંખતી હતી. પરંતુ જ્યારે તે બીમાર થઈ તો આપ સ.અ.વ.એ તેમની મુલાકાત કરવા ગયા. એ વૃદ્ધ મહિલા પર આ કાર્યની ઘણી અસર થઇ અને ઇસ્લામ સ્વીકારી લીધો.
એક બીજી ઘટના છે. એક શત્રુએ અચાનક એક દિવસે આપ સ.અ.વ.ની તલવાર લઇને કહ્યું, હવે તમને મારાથી કોણ બચાવશે? આપ સ.અ.વ.એ ફરમાવ્યું અલ્લાહ આ સાંભળતા જ તલવાર હાથથી પડી ગઈ. આપ સ.અ.વ.એ તલવાર ઉઠાવી અને આ જ પ્રશ્ન તેનાથી દોહરાવ્યો પરંતુ આપ સ.અ.વ. તેના પર કોઈ વાર ન કર્યો બલ્કે તેને સ્વતંત્ર છોડી દીધો. એ જ રીતે ઘણાં મુસ્લિમ શાસકોએ વિજયના પ્રસંગે ન તો લોકોની પ્રાર્થનાસ્થળો ધ્વસ્ત કર્યા અને ન તો રક્તપાત કર્યો બલ્કે આપણએ એ જોઈએ કે ભારતના બધા જ મુસ્લિમ શાસકોએ અહીંયાના બિનમુસ્લિમ ભાઈઓ સાથે એવું નેક વર્તાવ કર્યું કે પ્રેમનું શાંતિ-સલામતીની એક શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવે છે.
ઇસ્લામે દયાની તાલીમ આપતા કહ્યું, “જે લોકો પર દયા નથી કરતો અલ્લાહ પણ તેના પર દયા નથી કરતો.” બીજી જગ્યાએ ફરમાવ્યું, “દયા અને ક્ષમા કરવાવાળા લોકો પર અલ્લાહ પણ દયા કરે છે તેથી તમે ધરતીવાળાઓ પર દયા કરો આસમાનવાળો તમારા ઉપર દયા કરશે.”
આ બધી તાલીમાતના સંદર્ભે આ વાત પુરી જાણકારી સાથે કહી શકાય છે કે ઇસ્લામ પોતાના માનનારાઓ પર શાંતિ-સલામતીનો સંદેશ પહોંચાડવાની તાલીમ આપે છે. અને મનુષ્યને જીવવાનો માર્ગ દેખાડયો. તમામ સર્જનોમાં ‘અશરફુલ મખ્લુકાત’ તમામ સર્જનોમાં બહેતર બનાવી મનુષ્યના દરજ્જાને વધાર્યો છે. માનવતાને આ ઉચ્ચ દરજ્જા ઉપર પહોંચાડી દીધું કે જ્યાં તેમનું સ્થાન ફરિશ્તાઓથી પણ ઊંચું થઈ જાય છે. મનુષ્યે જ્યારે પણ તેના ખરા હોદ્દો પર રહી પોતાનું કાર્ય કર્યું ત્યારે નેક અને સારા લોકોના ઇતિહાસ રચાયા. પરંતુ જ્યારે મનુષ્ય પોતાના ખરા હોદ્દાથી દૂર થયો ત્યારે ધરતી પર દુષ્ટતા ફેલાઈ. તેથી ઇસ્લામ હંમેશા શાંતિ-સલામતીનું શિક્ષણ આપે છે પરંતુ અફસોસ કે આજે ઇસ્લામને આતંકવાદથી જોડી તેની છબી બગાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ઇતિહાસના પુસ્તકોથી ખોટી તસવીર ઉભારવામાં આવી રહી છે. આજે જરૂરત એ વાતની છે કે શાંતિ-સલામતીના આ સંદેશને લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે.*