નવી દિલ્હી,
સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા (SIO) દ્વારા ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચર સેંટર, નવી દિલ્હી ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઇસ્લામના જે સ્પષ્ટ અને તેજસ્વી મૂલ્યો છે તેને વિકસાવવા અને તેમાં ગતિ પેદા કરવા માટે આંતરરાષ્ટ્રીય એકેડમિક કોન્ફરન્સ “ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇસ્લામિક એકેડમિક કોન્ફરન્સ” તા. ૮ અને ૯ ઓકટોબર, ૨૦૧૬ના રોજ યોજાઇ ગઈ. કોન્ફરન્સમાં વિશ્વ પ્રસિદ્ધ બુદ્ધિજીવી તથા સંશોધકોએ ભાગ લીધો. મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમ્રી (અમીર, જમાઅતે ઇસ્લામી હિંદ)એ પ્રારંભિક સત્રની અધ્યક્ષતા કરી. મૌલાનાએ પોતાના પ્રારંભિક સંબોધનમાં જણાવ્યું કે મને આ વાતની અત્યંત પ્રસન્નતા છે કે આપણા દેશ ભારતમાં સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન એસ.આઈ.ઓ.એ શિક્ષણના વિકાસ માટે ખાસ ધ્યાન રાખીને આ કોન્ફરન્સનું આયોજન કર્યું તથા એના માટે પરંપરાગત અને આધુનિક વિષયોની પસંદગી કરી. આ કોન્ફરન્સમાં જે જ્ઞાાન પ્રકાશિત ચર્ચાઓ થશે તેમાં સંપૂર્ણપણે વિદ્યાર્થી સમુદાય તથા માનવતાને અત્યંત લાભ થશે અને સંશોધન માટે નવા વિષયો સામે આવશે. મૌલાના ઉમ્રીએ આગળ કહ્યું કે આ દુનિયાનો કાયદો છે કે જે કોમ શિક્ષણના ક્ષેત્રમાં આગળ હોય છે તે ન ફકત વિકાસના પથ ઉપર અગ્રેસર હોય છે બલ્કે વિશ્વ નેતા પણ બને છે.
કાર્યક્રમના આરંભમાં લઈક અહમદ ખાને સંક્ષિપ્તમાં કોન્ફરન્સના ઉદ્દેશ્યો ઉપર પ્રકાશ પાડયો. તેમણે કહ્યું કે શિક્ષણના ક્ષેત્રમાં જે સ્પષ્ટ અને તેજસ્વી મૂલ્યો છે તેમને વિકસાવવા માટે તથા તેમાં ગતિ પેદા કરવાના ઉદ્દેશ્યો સાથે એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયાએ આ આંતરરાષ્ટ્રીય ઇસ્લામિક એકેડમિક કોન્ફરન્સ (IIIAC)ના આયોજનનો નિર્ણય લીધો છે જેના પાછળ ત્રણ મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ્યો તરફ વિદ્યાર્થીઓ અને બુદ્ધિજીવીઓનું ધ્યાન આકર્ષિત કરાવવું છેઃ
૧. ઇસ્લામિક એપિસ્ટેમોલોજી (ઇસ્લામી જ્ઞાાનમીમાંસા)
૨. જુદી જુદી માન્યતાઓ (રાષ્ટ્ર-રાજ્ય, સિવિલ સોસાયટી તથા ઇસ્લામ)
૩. સાંસ્કૃતિક ડિસકોર્સ (શરીઅતના ઉદ્દેશ્યોના પ્રકાશમાં)
કાર્યક્રમમાં ઇસ્લામી જગતના ખ્યાતનામ લોકોએ હાજરી આપી, જેમાં મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમ્રી (અમીર, જમાઅતે ઇસ્લામી હિંદ), મૌલાના સૈયદ સલમાન હુસૈની નદવી (ડીન, ફેકલ્ટી ઓફ શરીયા, નદ્વતુલ ઉલમા, લખનઉ), ઇકબાલહુસૈન (રાષ્ટ્રીય અધ્યક્ષ, એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયા), અલિફ શકૂર (જનરલ સેક્રેટરી, એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયા), ઝફરુલ ઇસ્લામ ખાન (એડિટર ‘મિલ્લી ગેઝેટ’), પ્રોફેસર મોહસિન ઉસ્માની નદવી, મૌલાના અમીન ઉસ્માની નદવી (જનરલ સેક્રેટરી, ઇસ્લામિક ફિકહ એકેડમી), નુસરત અલી (ઉપપ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ), ડો. મુહમ્મદ રફ્અત (પ્રોફેસર, જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટી) વિગેરે હાજર રહ્યા. મૌલાના સલમાન હુસૈની નદવીએ મુસ્લિમ યુવાનાનું સીરત-એ-રસૂલ (સ.અ.વ.) તરફ ધ્યાન દોરવતાં કહ્યું કે યુવાનોને જોઈએ કે ઇસ્લામને પોતાના આદર્શ બનાવે તથા દૃઢ-સંકલ્પ સાથે સંપૂર્ણ માનવતા સુધી ઇસ્લામનો શાંતિ અને માનવતાના સંદેશને પહોંચાડવામાં પોતાનું યોગદાન આપે.
પ્રોફેસર ઝફરુલ ઇસ્લામ ખાને પોતાના પ્રવચનમાં કહ્યું કે સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા શુભેચ્છાને પાત્ર છે જેઓ શિક્ષણથી આગળ વધીને રિસર્ચ અને સંસોધન તરફ ઊતર્યા.
એન્જીનિયર મુહમ્મદ સલીમે જણાવ્યું કે આ દુનિયામાં કોમો તથા રાષ્ટ્રોના વિકાસની ઓળખ આ છે કે તેઓએ રિસર્ચની તરફ કેટલા પગલા ભર્યા.
ઇકબાલ હુસૈન (રાષ્ટ્રીય અધ્યક્ષ, એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયા)એ જણાવ્યું કે ઇસ્લામ એક યુનિવર્સલ દીન છે. આ ફકત ઇસ્લામના અનુયાયીઓ અને મુસલમાનોથી વાત નથી કરતો બલ્કે સંપૂર્ણ માનવતા માટે સંપૂર્ણ જીવનવ્યવસ્થા પ્રસ્તુત કરે છે. ઇસ્લામ જ દુનિયામાં એકમાત્ર દીન છે જેમાં વાસ્તવિક રૃપથી સંપૂર્ણ માનવતાની અનંત સફળતા સંભવ છે.
પ્રો. ડિડરીચ રીડ્ઝે (યુનિ. ઓફ બર્લિન) કહ્યું કે મુહમ્મદ સ.અ.વ.નું મદીનાનું બંધારણ એ ઇસ્લામમાં સહિષ્ણુતા, એકીકરણ અને વૈવિધ્યતાનું એક દૃષ્ટાંત છે. તેમણે વૈશ્વિકરણને આર્થિક પ્રવૃત્તિઓ સુધી સીમિત રાખવાને બદલે ધર્મને પણ તેમાં સામેલ કરવાની દલીલ કરી હતી. એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે મીડિયામાં પ્રવર્તતતા મુસ્લિમો અને ઇસ્લામ પ્રત્યેના પક્ષપાત વિશે કહ્યું હતું અને તેનો ઉકેલ વાતચીતની મદદથી લાવવું જોઈએ તેમ જણાવ્યું હતું.
પ્રો. મોહસિન ઉસ્માની (પૂર્વ પ્રોફેસર અંગ્રેજી અને વિદેશી ભાષાઓ)એ જણાવ્યું હતું કે ઇસ્લામી શિક્ષણ અને આધુનિક શિક્ષણમાં કોઈ તફાવત નથી. શિક્ષણનો તફાવત તો લાભદાયી અને બિનલાભદાયી જ્ઞાાનનો છે. મુસ્લિમ ઉમ્મતની સમૃદ્ધિ અને વિકાસ સાયન્સ અને ટેકનોલોજી પર આધારિત છે. મુસ્લિમોએ સાયન્સ અને ટેકનોલોજીમાં બીજા સમુદાયો સાથે સ્પર્ધા કરવી જોઈએ. તેમણે આરબ શાસકોની તેમના દેશોમાં સાયન્સ અને ટેકનોલોજી નહીં વિકસાવવા અને પશ્ચિમી દુનિયા પર નિર્ભર રહેવા બદલ ટીકા કરી હતી. સેશનને ડો. એરિક વિંકલે (ફેકલ્ટી ઇબ્ને અલ-આરાબી ફાઉન્ડેશન) પણ સંબોધિત કરતાં ઇબ્ને અલ-આરાબીની ફિલ્સૂફી અને યોગદાન પર પ્રકાશ પાડયો હતો.
બીજા દિવસના પહેલા ત્રણ સેશનમાં ત્રણ જુદા જુદા વિષયો સમાનતાની શોધમાંઃ એકતાની સંભાવના, રાષ્ટ્ર અને નાગરિકતાઃ સમસ્યાઓ અને કલ્પના, અને મીડિયા અને સાહિત્યઃ ખ્યાલોનો વિકાસ પર નિષ્ણાંતો અને પેપર પ્રસ્તુત કર્તાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ ભારપૂર્વક કહ્યું હતું કે ઇસ્લામ સાંસ્કૃતિક અને ધાર્મિક વૈવિધ્યતાને પ્રોત્સાહિત કરે છે.
પ્રથમ સેશનમાં સમાનતાની શોધમાં: એકતાની સંભાવના વિષય પર અધ્યક્ષ સ્થાનેથી બોલતાં મુસાફિર એચ. અસદી (ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટડીઝ ઇન પોલિટિકલ સાયન્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન યુનિ. ઓફ મૈસૂર) પ્રસ્તુત પેપર પર ટિપ્પણી કરી હતી અને કહ્યુ હતુંં કે આ પેપરોએ આપણા અને જુદી જુદી સાંસ્કૃતિક પ્રથા પર નવા તર્ક-વિતર્કોને ખુલ્લા પાડયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે ઇસ્લામ બીજી સાંસ્કૃતિક પ્રથાઓ સાથે ભળી જાય છે અને તેમની સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. મુસ્લિમોએ સાંસ્કૃતિક મિલાપ પર ચર્ચાનો આરંભ કરવો જોઈએ. માનવ હક્કોનો ઇસ્લામી દૃષ્ટિકોણ એ દુનિયાનો સૌથી સારો દૃષ્ટિકોણ છે, અને તે રાજકારણથી પર છે. તેને ભારતીય સંવિધાનમાં ત્યારે જ ઉમેરી શકાય જ્યારે રાજકારણમાં મુસ્લિમોનું સંખ્યાબળ મોટું હોય. નિસાર એ.સી., દિલાના તસ્લીમ કે.એ., મીર સુહિલ રસૂલ, સઈદા નૌશી ફાતિમા અને અઝહર અલીએ જુદા જુદા વિષયો પર તેમના પેપર પ્રસ્તુત કર્યા હતા. બીજા સેશનમાં રાષ્ટ્ર અને નાગરિકતાઃ સમસ્યાઓ અને કલ્પના વિષય પર નિવેદિતા મેનન (પ્રો. જેએનયુ) અને પ્રો. એમ.ટી. અન્સારી (પ્રો. એચસીયુ)એ વિષય પર પોતાના નિષ્ણાંત વિચારો રજૂ કર્યા હતા. પ્રો. મેનને રાષ્ટ્ર વિષેના પ્રશ્ન નહીં કરી શકવાના વિચારની આલોચના કરી હતી. તેણીએ કહ્યું કે રાષ્ટ્રેે ઉત્તરીય ભાગમાં રહતા લોકોમાં પ્રભુત્વ ધરાવે છે. ભારત વિષેેના ખ્યાલને બીજી રીતે વિચારવાનો માર્ગ મોકળો કરવો જોઈએ. નાગરિકતાની વર્તમાન પદ્ધતિની આલોચના કરતાં કહ્યું કે નાગરિકતાનો આધાર જન્મ સ્થળને બદલે કાર્યસ્થળ હોવું જોઈએ. તેણીએ ગેરકાનૂની સ્થળાંતર’ શબ્દનો પણ વિરોધ કર્યો હતો. આ શબ્દ સમગ્ર માનવ-જાતને ગેરકાનૂની ઠેરવે છે. આ એક વિવાહિત સ્ત્રીના બાળક જેવું લાગે છે.
આ જ વિષય પર બોલતાં ડો. અન્સારીએ કહ્યું કે બિનસાંપ્રદાયિકતા પર પ્રશ્ન કરવો એ વસ્તુ સૌથી વધુ બિનસાંપ્રદાયિક છે. રાષ્ટ્રવાદ પર બોલતાં તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદ એ એક બૂરાઈ જેવો લાગે છે. આપણે પહેલાથી જ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા દેશમાં જીવી રહ્યા છીએ. આપણી પાસે જુદા જુદા સમુદાયો હોવા જોઈએ. ભારતે બહુવિદ્ વ્યક્તિત્વને વાચા આપી છે અને તેમને સ્વીકાર્યું છે.
બીજા સેશનમાં મીડિયા અને સાહિત્યઃ ખ્યાલોનો વિકાસ વિષય પર અધ્યક્ષસ્થાનેથી બોલતાં ડો. ઝફરુલ ઇસ્લામ ખાને કહ્યું કે મીડિયાને કારણે ભારતીય મુસ્લિમોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેઓ મીડિયા પીડિત છે અને તેઆએ વિચારવું પડશે કે આ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળવું. તેમણે ટિપ્પણી કરતાં કહ્યું કે કોઈ પેપર ભારતીય પરીપ્રેક્ષ્યમાં મીડિયાની રચના કે કામગીરી પર પ્રસ્તુત થયું નથી. હસનુલબન્ના (વિખ્યાત પત્રકાર)એ પણ સેશનને સંબોધિત કર્યું હતું અને કહ્યું હતું કે મુસ્લિમોની એક ખાસ તસ્વીર જે મીડિયા દ્વારા બનાવવામાં આવી છે તેનો પ્રતિકાર કરવો પડશે. સાદ્ અહેમદ, નીતુ પ્રસાદ, સહલ બી. અને ડેશમોન્ડ ઓનયેમચી ઓકોચાએ તેમના પેપર જુદા જુદા વિષયો પર પ્રસ્તુત કર્યા હતા.
એક સમાન સેશનમાં પ્રો. સૈયદ અબ્દુલ મુનીર પાશા (હેડ ડિપાર્ટમેન્ટ ઓફ પોલિટિકલ સાયન્સ, જેએમઆઈ)એ પક્ષપાત અને સામાજિક બહિષ્કાર ખ્યાલો સંદર્ભો અને પડકાર વિષય પર પેપર પ્રેઝેન્ટેશન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતાં કહ્યું કે ઇસ્લામે તમામ મનુષ્યોને માનવ મૂલ્યો આધારિત સમાનતા બક્ષી છે, પરંતુ જાતિવાદના પરિણામે મનુષ્યજાત પક્ષપાત અને વંશભેદમાં રાજકીય સ્તરેથી મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે આપણે હાલની પરિસ્થિતિ જોઈએ તો ઇસ્લામી દિશા અને મુસ્લિમોના વલણમાં ઘણો તફાવત જોવા મળે છે. આ સમયની તાતી જરૃર છે કે ઇસ્લામની નીતિ પર આધારિત શિક્ષણ અને દિશા પર લોકો સમક્ષ અમલ કરવામાં આવે.
જાતિગત ઓળખઃ જિજ્ઞાાસા અને શોધ વિષય પર અધ્યક્ષ સ્થાનેથી બોલતા શીબા અસ્લમ ફેહમીએ કહ્યું કે મુસ્લિમ સમાજમાં જાતિ પક્ષપાત પુરુષ પ્રધાનતા અને અન્યાયી અમલ ઇસ્લામી શિક્ષણોની આડમાં આપણે છાવરવાની કોશિશ કરવી જોઈએ નહીં. સ્ત્રીઓ વિશે મુસ્લિમોના વલણમાં અને શિક્ષાણમાં ઘણો તફાવત છે.
સમાન સેશનમાં ઇસ્લામ અને રાજકારણ: વૈચારિક ચર્ચા અને તાર્કિકતા, વિસ્તૃત આર્થિક વિકાસ, ઇસ્લામી અધ્યયન અને સંશોધન પદ્ધતિઓ વિષયો પર અનુક્રમે ડો. જાવેદ ઝફર (રિસર્ચ ફેલો સેન્ટર ફોર સ્ટડીઝ અને રિસર્ચ હૈદ્રાબાદ), ડો. વકાર અનવર (ફેકલ્ટી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝ) અને ડો. નવેદ ઇકબાલ (પ્રો. ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી જેએમઆઈ) અધ્યક્ષ રહ્યા હતા.