Thursday, November 21, 2024
Homeપયગામઈદનો સંદેશ

ઈદનો સંદેશ

અલ્લાહ-ઇશ્વરના નામથી જેઔ અત્યંત દયાવાન અને કૃપાશીલ છે, જે સર્વ શક્તિમાન અને સમગ્ર બ્રહ્માંડનો સર્જનહાર છે. આપણો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે. સંસારના બધા જ ધર્મોનું અહીં સુંદર સમન્વય થયેલું છે, અને દરેક ધર્મમાં તહેવારોનું એક ખાસ મહત્ત્વ છે. ઇસ્લામ ધર્મમાં માનવીની પ્રાકૃતિક બાબતોને ધ્યાનમાં રાખીને તહેવારો મનાવવાની એક ખાસ રીત આપી છે. ઈદ પવિત્ર રમઝાન માસમાં સતત એક માસના રોઝા રાખીને પોતાની મનેચ્છાઓ ઉપર સંયમ મેળવીને પ્રાપ્ત કરેલા વિજયના પરિણામ સ્વરૃપે ઇશ્વર તરફથી બંદાઓને આપવામાં આવેલું ઈનામ છે.

રોઝા શરીરને માટે નહીં આત્માની શુધ્ધીને માટે છે. તન અને મન માટે નહીં મનના વિકાસને માટે છે. ઇસ્લામે ભૂખ્યા અને તરસ્યા રહેવાને પણ ઈબાદત અને બંદગીનો ઉચ્ચ દરજ્જો આપ્યો છે. વર્ષ દરમ્યાન ભુખ અને તરસને છુપાવનાર ગરીબ માનવી પણ ગર્વભેર કહે છે કે આજે મેં રોઝો રાખ્યો છે, રોઝો માત્ર અને માત્ર અલ્લાહ અને ઇશ્વરની પ્રસન્નતા ખાતર પોતાની મનેચ્છાઓ ઉપર સંયમ મેળવવાનું નામ છે. ઈદની ખુશીના ખરા હકદાર એ લોકો છે જેણે રમઝાન દરમ્યાન રોઝા રાખ્યા, કુઆર્ન ઉપર આચરણ કરવાના આશયથી તેનું પઠન કર્યું, નેકી અને પુણ્યના કાર્યો કર્યા, અને પોતાની જાતને બુરાઈ અને પાપ કરવાથી રોક્યા, ઝકાત અને દાન દક્ષિણાથી ગરીબોની મદદ કરી. દિવસમાં પાંચ વખત સર્જનહારની સમક્ષ નમન કર્યું નમાઝ પઢી.

રમઝાન નિર્ધારિત સમય માટે માત્ર ભૂખ્યા તરસ્યા રહેવાનો અને કામેચ્છાથી રોકી જવાનો મહીનો નથી. આ ધૈર્યનો મહિનો છે અને હદીસમાં તેને મસાવાત સહાનુભુતિનો મહિનો પણ કહેવામાં આવે છે. રોઝા વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. વ્યક્તિમાં આધ્યાત્મિક અને શારીરિક ચારિત્ર્ય ઘડતરની સાથે સામાજિક સંવેદનશીલતા ઉત્પન્ન કરે છે. નેકી કરવાની શક્તિને બળવાન બનાવે છે અને બુરાઈ કરવાની ઇચ્છાને નિર્બળ કરે છે. રમઝાન માત્ર દિલને નહીં પરંતુ દુનિયાને બદલવાની શક્તિ ધરાવે છે. રમઝાન એક મુસ્લિમને સૈનિકની જેમ પ્રશિક્ષિત કરે છે. તેની અંદર ગજબનું અનુશાસન અને શિસ્તભાવને જન્માવે છે. અલ્લાહની આજ્ઞાાકારીતાની ભાવનાને પ્રબળ બનાવે છે. દુષ્કૃત્યોને નાથવાની શક્તિ અને શેેતાની કાર્યોથી બચવાની હિંમત પૂરી પાડે છે. વ્યક્તિ જ્યારે નમ્રતા અને વિનય સાથે અલ્લાહ સાથે દૃઢ સંબંધ સ્થાપિત કરે છે. ત્યારે અનામાં એવી રુહાની શક્તિનો સંચય થાય છે કે જેના પરિણામે તે બુરાઈઓના તોફાનોથી ટકરાઈ જવામાં કોઈ ખચકાટ અનુભવતો નથી. રમઝાનના રોઝાનો આશય આ જ છે કે એક વ્યક્તિમાં સંયમનો ગુણ એટલો વૃદ્ધિ પામે કે તે અલ્લાહનો પ્રિય બંદો બની જાય છે. જે રીતે નદીમાં ઘોડાપુર આવે છે ત્યારે તેનો વેગ અને પ્રવાહ એટલો તીવ્ર હોય છે કે તે ગામડાઓ, શહેરો, ખેતરોને વહાવીને લઈ જાય છે. શહેરો અને ગામડાઓને અસ્તવ્યસ્ત કરી નાંખે છે. એ જ રીતે આજે આપણા માનવ સમાજમાં માનવીઓની ઇચ્છાઓનું ઘોડાપુર આવ્યું છે જેણે માનવ સમાજ,દેશ અને વિશ્વને તબાહ અને બરબાદ કરી નાંખ્યું છે. પરંતુ જ્યારે એ જ નદી ઉપર બંધ બાંધી દેવામાં આવે છે તેના પ્રવાહને રોકી દેવામાં આવે છે અને નાની મોટી નહેરો દ્વારા એ જ પાણીને ગામડાઓ, શહેરો અને ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે તો તે માનવજીવનને જીવંત બનાવી દે છે. એ જ રીતે રોજા માનવીની મનેચ્છાઓ ઉપર બંધનું કામ કરે છે. મનેચ્છાઓ ઉપર સંયમ મેળવીને તેને સારા કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે. જે મનુષ્ય પોતાની ભૂખ તરસ અને કામેચ્છાઓ ઉપર કાબૂ મેળવી લે છે તેણે દુનિયાની કોઈ શક્તિ ખોટું કામ નથી કરાવી શકતી. આ જ રોજાનો મૂળ ઉદ્દેશ્ય છે.

આજે માનવ સમાજે પ્રગતિ તો ઘણી કરી લીધી છે, પરંતુ નૈતિકતાની દૃષ્ટિ તેનું અદ્યપતન થઈ રહ્યું છે. આજે પણ આપણો સમાજ સભ્ય હોવા છતાં ભ્રુણ હત્યા જેવું ઘ્રુણાસ્પદ કાર્ય થઈ રહ્યું છે. બેટી બચાવ અભિયાન છતાં આજે દીકરીઓનું પ્રમાણ ભયજનક હદે ઘટી રહ્યું છે. ભ્રુણ હત્યામાં આપણા ગુજરાત રાજ્યનો ચોથો નંબર છે. દર હજાર પુરુષોએ માત્ર ૯૨૬ સ્ત્રીઓનું પ્રમાણ છે. પોતાના મોજ-શોખમાં ભાગીદાર ન થઈ જાય માત્ર આ આશયથી પિતા પુત્રીના મોતના ફરમાન ઉપર સહી કરે છે અને માતા મનેકમને લાચાર થઈને સામાજિક દબાણને કારણે પોતાના પવિત્ર ઉદરને પુત્રીની કબર બનાવતા જરા પણ ખચકાટ નથી અનુભવતી.

આજથી ચૌદસોે વર્ષ અગાઉ પણ સ્ત્રીઓની પરિસ્થિતિ આવી જ હતી. દીરીના જન્મતાની સાથે જ તેને દફનાવી દેવામાં આવતી હતી. પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.એ કહ્યું કે દીકરીનો જન્મ જહેમત નહીં રહેમત છે. ઘરનું સૌન્દર્ય છે. માનવ સમાજને ઘડનાર છે. માનવ સમાજનું અડધુ અંગ છે. તેને મારો નહીં પરંતુ જીવન આપીને સારી શિક્ષા અને દીક્ષા આપો. સારી જગ્યાએ તેના વિવાહ કરાવો. હું તમને સ્વર્ગની બાંહેધરી આપું છું. જો આવું નહીં કરો તો નર્કની યાતના ભોગવવી પડશે. તમારો સર્જનહાર તમારી તરફ દ્રષ્ટી પણ નહીં કરે અને જીવતી દાટવામાં આવેલી દીકરીને પુછવામાં આવશે તને કયા અપરાધને કારણે દાટી દેવામાં આવી હતી? જોતજોતામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ લોકો દીકરીના જન્મ ઉપર આનંદ અને ખુશી મનાવવા લાગ્યા. પુત્ર અને પુત્રીને સમાન ગણવા લાગ્યા. વારસામાં અધિકાર આપ્યો. ખુબ જ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું.

સ્ત્રી સંબંધિત બીજી મુખ્ય સમસ્યા છે નિર્ભયા કાંડ. નિર્ભયા કેસને અનેક વર્ષો વીતી ગયા પછી આજે પણ અનેક નિર્ભયા કાંડ નિરંતર થઈ જ રહ્યા છે. દરરોજ અખબારોની હેડલાઈન આવા સમાચારોથી ગ્રસ્ત હોય છે. દેશમાં કાયદાનું શાસન હોવા છતાં આપણે આ અપરાધને રોકવામાં ખુલ્લેઆમ નિષ્ફળ રહ્યા છીએ. આજે ૭૦ વર્ષની વૃદ્ધા હોય કે માત્ર ૪ વર્ષની ઢીંગલી સમાન દીકરી કોઈ પણ સુરક્ષિત નથી. માર્ગ હોય કે વિદ્યામંદિર કોઈ જગ્યા સુરક્ષિત નથી. માનવી ભૌતિકતાની પાછળ દોડી રહ્યો છે. તેને પોતાની જાત ઉપર સંયમ નથી. મનેચ્છાઓનો ગુલામ બની ગયો છે. ભૌતિકતાની હરીફાઈએ સ્ત્રીને રમકડું અને બજારની એક વસ્તુ બનાવી દીધી છે. તેનાથી માતૃત્વની જવાબદારી છીનવી લેવામાં આવી છે જેના કારણે આવનાર પેઢી પ્રેમ અને માતૃત્વ ન મળવાને કારણે સંવેદનહીન બની રહી છે. દહેજ પ્રથા ખૂબ વિકરાળ સ્વરૃપે આગળ વધી રહી છે. સ્ત્રી શિક્ષણ, હેલ્થ એન્ડ હાઈજીન, ઘરેલુ હિંસા જેવા અનેક પ્રશ્નો ઉભા છે. આપણા સમાજમાં દિનપ્રતિદિન અપરાધોમાં વૃદ્ધી થતી જઈ રહી છે.

એવું લાગે છે કે માનનીય કાયદા નિષ્ફળ પુરવાર થઈ રહ્યા છે. ગુનાઓેનું વધતા પ્રમાણને જોઈને તેની રોકથામને માટે ઇશ્વરીય આદેશ અને કાયદાઓની આવશ્યક્તા લાગી રહી છે. આટઆટલા કાયદાઓ, પોલીસતંત્ર અને ન્યાયવ્યવસ્થા અને સજાઓ હોવા ઉપરાંત પણ માનવી ગુનાઓથી અટકાઈ નથી રહ્યો. માત્ર ઇશ્વરનો સંબંધ ડર અને ભય જો માનવીના દિલમાં હોય તો જ તે ખોટા કાર્યોથી રોકાઈ શકે છે. મનુષ્યમાં એ ભાવના જન્માવવાની જરૃર છે કે માનવીનું આ જીવન પરિક્ષાર્થી અને ઉત્તરદાયિત્વનું છે. આપણે આપણાં જીવનના પળ-પળના અને દરેક કર્મનો હિસાબ આપવાનો છે. જો આપણે આ જીવનમાં સદકર્મ કરીશું તો સ્વર્ગ પ્રાપ્ત થશે અને દુષ્કૃત્ય કરીશું તો નર્કની યાતના ભોગવવી પડશે. આ જ આસ્થા છે કે માનવીને આ જીવનમાં સદ્કર્મ કરવાને માટે પ્રેરીત કરે છે. અને દૃષ્કૃત્યથી રોકે છે. અંતમાં હું કહેવા માંગીશ કે આપણે એક સર્જનહાર પાલનહારના બંદાઓ અને દાસ છીએ. માનવી સિવાય પ્રકૃતિની દરેક વસ્તુ સૂર્ય, ચંદ્ર, ધરતી, વનસ્પતી બધા ઇશ્વરીય આદેશનું પાલન કરી રહ્યા છે. એટલે સૃષ્ટિમાં ક્યાંય પણ સંઘર્ષ કે ઘર્ષણ જોવા મળતું નથી. આ જ વસ્તુ માનવીને પણ પ્રેરીત કરે છે કે જો આપણે પણ ઇશ્વરીય આદેશનું પાલન કરીશું તો માનવ સમાજમાં પણ ન્યાય અને શાંતિની ચોક્કસ સ્થાપના કરી શકીશું. આપ સૌને હૃદયપૂર્વક વિનંતી છે કે આપણા સહુના પાલનહાર સર્જનહાર તરફ પાછા વળીએ તેના આદેશને જાણવા સમજવા અને આચરણ કરવાના પ્રયત્નો કરીએ કે જેથી એક સુંદર સમાજનું નિર્માણ શક્ય બને.

આવો! ઈદના આ પવિત્ર પર્વે આપણે દૃઢ સંકલ્પ કરીએ કે આપણએ સૌ જીવનના દરેક ક્ષેત્રમાં અલ્લાહના આદેશોને આધીન રહીશું. સંયમ પેદા કરીશું. માનવો પ્રત્યે દયા, કરૃણા પ્રેમ અને લાગણી રાખીશું. નૈતિકતાની પાબંદી કરીશું. વંચિતોના અધિકારો માટે લડીશું. સત્યની સ્થાપના કાજે સતત સંઘર્ષ કરીશું જેથી આપણા સમાજમાં શાંતિ, સલામતી અને સદ્ભાવનાનું વાતાવરણ ઉભું થાય. કુઆર્નમાં છે, “”લોકો ! બંદગી અપનાવો, પોતાના તે રબ (માલિક અને પાલનહાર)ની જે તમારો અને તમારા અગાઉ જે લોકો થઈ ગયા છે, તે સૌનો સર્જનહાર છે. તમારા બચાવની આશા આ જ રીતે થઈ શકે છે.” (સૂરઃબકરહ-૨૧)

(લેખક જમાઅતે ઇસ્લામી હિન્દ ગુજરાતના મહિલા વિભાગના સેક્રેટરી છે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments