Thursday, November 21, 2024
Homeપયગામઈદનો સંદેશ : કુઆર્ન અને હદીષના પ્રકાશમાં

ઈદનો સંદેશ : કુઆર્ન અને હદીષના પ્રકાશમાં

આ વકતવ્ય વેલ્ફેર પાર્ટી ઓફઇન્ડિયાના જનરલ સેક્રેટરી જનાબ મુહમ્મદ શફી મદની સાહેબ દ્વારા ૧૭/૭/૧૬ના રોજ આંબેડકર હોલ, સરસપુર, અહમદાબાદ ખાતે ઈદ મિલન કાર્યક્રમ પ્રસંગે આપવામાં આવ્યો હતો. વકતવ્યમાં રજૂ કરવામાં આવેલી વાતો ખૂબ જ મહત્ત્વપુર્ણ હોઈ અત્રે લેખ સ્વરૃપે પ્રસ્તુત કરવામાંઆવી રહી છે.

ઈદનો સંબંધ રમઝાન માસથી છે અને રોઝાએ ઇસ્લામનો મહત્ત્વનો સ્તંભ છે. રોઝાનો મૂળભૂત હેતુ જે છે એ તકવા છે, સંયમ છે, ઇશભય અને ઈશભક્તિ છે, અને હૃદયપૂર્વક પોતાની જાતને ઇશ્વરને સમર્પિત કરવું છે. આ એક મહીનાનો સતત પ્રશિક્ષણ છે. આ પ્રશિક્ષણ દ્વારા આપણો પ્રભુ આપણો અલ્લાહ આપણો ઇશ્વર ઇચ્છે છે કે આપણે બધા જ દુર્ગુણોથી બચી જઈએ જે આપણી જાતને તો નુકશાન કરે જ છે પણ તેના કારણે આપણો આખો સમાજ તેનું નુકશાન ભોગવે છે. અને આ જ પ્રશિક્ષણ દ્વારા આપણે આપણા અંદર એવા ગુણો ઉત્પન્ન કરીએ જે આપણી જાત માટે પણ નફાકારક હોય અને એની સાથે સાથે આખાય સમાજ માટે એ ફાયદાકારક બની શકે. ઇસ્લામે જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતો મૂળભૂત રીતે આખાય માનવ સમાજ માટે છે. ક્યાંય એમ નથી કહ્યું કે આ ફકત મુસ્લિમો માટે છે. એનું કારણ એ છે કે ઇસ્લામ એક પ્રાકૃતિક ધર્મ છે. કુઆર્નમાં પ્રભુ-અલ્લાહ-ઇશ્વર એમ કહે છે, “અલ્લાહના નજીક ધર્મ માત્ર ઇસ્લામ છે.” (સૂરઃઆલે ઇમરાન – ૧૯) એટલે, ઇસ્લામ એક જીવન વ્યવસ્થા છે અને એના દ્વારા આખુ જીવન વ્યતિત કરવાનું છે અને આની આખી વ્યવસ્થા છે તે આ સૃષ્ટિના સર્જનહાર-પાલનહાર પ્રભુ-ઇશ્વર-અલ્લાહે આપેલી છે. અને આ કોઈ નવીન વસ્તુ નથી. ઇસ્લામ એ મૂળભૂત માનવોનું ધર્મ છે. એ આજે નથી આવ્યો. એને લાવનારા મુહમ્મદ પયગમ્બર સ.અ.વ. સાહેબ નથી. આ મૂળભૂત રીતે આ દુનિયા ઉપર માનવનું સર્જન થયું એ જ દિવસે અલ્લાહે આ માનવને ધરતી ઉપર સારી રીતે જીવવા માટેની એક જીવન વ્યવસ્થા આપી અને એ જીવન વ્યવસ્થા જે છે એ ધર્મ છે અને એનું સંબંધ ઇસ્લામ સાથે છે.

ઇસ્લામ જેવી રીતે કહેવામાં આવ્યું છે કે તેના મૂળભૂત અર્થ મુજબ “શાંતિ” છે. એ ‘સ-લ-મ’ અને ‘શાંતિ’માંથી પેદા થયો છે peace જેને કહેવામાં આવે છે. એ શાંતિ ફકત બહાર દેખાતી શાંતિ નથી પણ આત્માની શુદ્ધિ સુધી પહોંચેલી છે. આ જે ઇસ્લામ મૂળભૂત સિદ્ધાંત આપે છે એમાં મહત્તવના બે સિદ્ધાંતો છે. એક હુકુકુલ્લાહ એટલે અલ્લાહના હક્કો અને બીજું હુકુકુલઇબાદ એટલે કે બંદાઓના હક્કો. આ બે મૂળભૂત પાયા ઉપર આખાય ઇસ્લામ ધર્મની રચના થયેલી છે. એને જ્યારે આપણે સમજીશું ત્યારે સાચા અર્થમાં ઇસ્લામનો સંદેશ આપણી સામે આવી શકે છે. જ્યારે આપણે હુકુકુલ્લાહ અને હુકુકુલઇબાદની વાત કરીએ ત્યારે એમાંથી જે વસ્તુ સામે આવે છે એ ‘વહદતે ઇલાહ’ અને ‘વહદતે ઇંસાન’નો એક સિદ્ધાંત સામે આવે છે કે અલ્લાહ ફકત એક છે. એનો કોઈ ભાગીદાર નથી. એને જ આ બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે અને આ બ્રહ્માંડનું અંત પણ એ જ કરશે. એ જ આ પૃથ્વીને ચલાવી રહ્યો છે અને આ બ્રહ્માંડમાં જે કંઇ પણ છે તેને પણ એ જ ચલાવી રહ્યો છે. એ જ શક્તિમાન છે. એ જ તાકતવાર છે. એના જેવા કોઈ શક્તિમાન નથી. મૃત્યુનો માલિક પણ એ જ છે અને જીવનનો માલિક પણ એ જ છે. એ અલ્લાહ-પ્રભુ-ઇશ્વરની જ પુજા અને ઉપાસના કરી શકાય. એની સાથે જ એમ કહ્યું કે સર્વ માણસો એ અલ્લાહના બંદાઓ છે. કુઆર્નમાં પણ એ કહેવામાં આવ્યું છે, “લોકો, અમે તમને એક પુરુષ અને સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (જાતિઓ) અને કબીલા (બિરાદરીઓ) બનાવી દીધી જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (અલ્લાહથી ડરનાર, સંયમી) છે. નિશ્ચિતપણે અલ્લાહ સર્વજ્ઞાા અને સુમાહિતગાર છે.” (સૂરઃહુજુરાત – ૧૩). આ મૂળભૂત શિક્ષણ આપવામાં આવ્યું છે કે અલ્લાહની નજરમાં સર્વ માનવો સમાન છે. સમાનતા ઇસ્લામનો સૌથી મહત્ત્વનો પાયો છે અને સમાનતા ઉપર આ ધર્મ રચાયો છે.

એક હી સફ મે ખડે હો ગએ મેહમૂદો અયાઝ
ન કોઈ બંદા રહા ન કોઈ બંદા નવાઝ

મસ્જિદ સુદ્ધાંમાં જે અલ્લાહનો ઘર છે ત્યાં પણ કોઈ ફેરફાર નથી. બાદશાહ દાખલ થાય, વડાપ્રધાન દાખલ થાય, મુખ્યપ્રધાન દાખલ થાય જ્યાં જગ્યા મળે ત્યાં એમને ઉભા થઈ નમાઝ પઢવાની છે અને પેલો મજૂરને જો પહેલી હરોળમાં જગ્યા મળે તો પહેલી હરોળમાં ઉભા થઈ જવાનું છે. મજૂરની બાજુમાં તેમનો માલિક ઉભો થઈ શકે છે એટલા માટે જ આ પંક્તિ છે કે ‘એક હી સફ મે ખડે હો ગએ મેહમૂદો અયાઝ – ન કોઈ બંદા રહા ન કોઈ બંદા નવાઝ’.

મુહમ્મદ સ.અ.વ. સાહેબે પાડોશીના હક્કો બતાવ્યા છે. પાડોશીના તમારા ઉપર હક્કો છે અને પાડોશીઓ સાથે તમારે સદ્વર્તન કરવાનું છે. આપ સ.અ.વ. એટલે સુધી પાડીશોના હક્કો બતાવતા રહ્યા કે આપના સાથીઓને એમ લાગ્યું કે કદાચ મુહમ્મદ સ.અ.વ. સાહેબ અમારા વારસાઈ હક્કોમાં દિકરા-દિકરીઓ સાથે પાડોશીઓને પણ શામેલ કરી દેશે. પુછયું કે આ પાડોશી કોઈ મુસલમાન હોવો જોઈએ. કહ્યું કે, ના. એ પાડોશી ખ્રિસ્તી પણ હોઈ શકે, એ પાડોશી યહુદી પણ હોઈ શકે. ત્યાં આરબમાં કોઈ હિન્દુ વસ્તો હોત તો મુહમ્મદ સ.અ.વ. સાહેબ જરૃર કહેતા કે હિન્દુ પણ હોઈ શકે છે, એ જૈન પણ હોઈ શકે છે બૌદ્ધ પણ હોઈ શકે છે. આપ પાડોશીના હક્કો એટલે સુધી પહોંચાડી દીધા.

આજથી સાડા ચૌદસો વર્ષ પહેલા મુહમ્મદ પયગમ્બર સ.અ.વ. સાહેબના શિક્ષણને જોઈએ તો આજે આપણે જે બંધારણીય હક્કોની ચર્ચા કરીએ છીએ અને છેલ્લા ૧૦ વર્ષોમાં આપણે ઘણાં બધા એક્ટ બનાવ્યા છીએ. આપણે નવા એક્ટ જે બનાવ્યા એમાં ‘રાઈટ ટુ એજ્યુકેશન’ એક નવો કાયદો આવ્યો કે દરેક ભારતીય બાળકને શિક્ષણ મળવું જોઈએ અને ફરજીયાત મળવું જોઈએ. એટલા માટે આપણે નક્કી કર્યું કે પ્રાથમિક શિક્ષણ મફત આપવું જોઈએ. કોઈ બાળક શિક્ષણ વગર ન રહી જાય. બાળમજૂરી પર એટલા માટે પ્રતિબંધ લાવ્યા. આ શિક્ષણની વાત દરેકને શિક્ષણ મળવું જોઈએ એ અધિકારની વાત સાડા ચૌદસો વર્ષ પહેલા કરી અને પયગમ્બર મુહમ્મદ સ.અ.વ. સાહેબે કહ્યું કે, “દરેક મુસ્લિમ સ્ત્રી-પુરુષ માટે શિક્ષણ પ્રાપ્ત કરવું ફરજીયાત છે.” અને એમને આખી વ્યવસ્થા ઊભી કરાડાવી.

આજે આપણે ‘રાઈટ ટુ ઇન્ફોર્મેશન’ની વાત કરીએ છીએ કે આ કાયદો આપણા માટે બહુ શુભ છે. આજે ખરેખર આપણે બધા એમ માનીએ છીએ કે આ કાયદાથી આપણને ઘણી બધી જાણકારીઓ મળી શકે છે. એક જમાનામાં આપણને કોઈ માહિતી મળી જ ન શકે. ઘણા વર્ષો પહેલા માહિતી મેળવવી હોય તો લોઢાના ચણા ચાવવા પડતા પણ હવે આ માહિતી અધિકારનો કાયદા એ આપણા માટે ઘણી આસાની પેદા કરી દીધી છે. આપણે જે ઇચ્છીએ એ માહિતી મળી જાય. આ માહિતી અધિકારનો કાયદો સાડા ચૌદસો વર્ષ પહેલા લાગુ હતો. ઇસ્લામના બીજા ખલીફા હઝરત ઉમર રદી.ના જમાનામાં ગવર્નર જ્યારે નિમણુંક થાય ત્યારે ગવર્નરની નાણાંકીય પરિસ્થિતિ શું છે, એની મિલ્કતો શું છે, એના પાસે રોકડા પૈસા કેટલા છે, કેટલા જર-ઝવેરાત છે એની લિસ્ટ એમને સ્ટેટને સુપ્રત કરવું પડતું. અને જ્યારે ગવર્નરીમાંથી કાર્યકાળ પુરું થાય ત્યારે ફરીથી એને જોવામાં આવતું કે હવે લિસ્ટ શું છે. જોવામાં આવતું અને આશ્ચર્ય લાગશે કે એ ગવર્નરોની મિલ્કત ઓછી થતી હતી વધતી નથી. એ ઓછી એટલા માટે થતી હતી કે એમને જે કંઇ પણ સ્ટેટ તરફથી આપવામાં આવતું હતું એ એટલું ઓછું આપવામાં આવતું હતું કે જેનાથી પુરી રીતે પોતાના ભરણ-પોષણ કરી લે. એ ગવર્નર માટે એ વાત આવી કે આ ગવર્નર એવા છે કે અઠવાડિયામાં એક વખત ઘરથી બહાર નિકળતા જ નથી. અમને મળવું હોય તો મળવું મુશ્કેલ છે. હઝરત ઉમર રદી.એ પુછયું કે “મામલો શું છે? એક આખો દિવસ પ્રજાથી તમે વિમુખ કઈ રીતે રહી શકો?” એમને કહ્યું કે “મારા માટે એક જ જોડ કપડા છે. આખા અઠવાડિયામાં મારા કપડા જ્યારે ગંદા થાય છે. એક દિવસ મને મળે કે એ કપડાને મને ધોવા પડે છે.” તમે વિચાર કરો કે એ કેવો સમાજ હશે? લોકાયુક્તના કાયદાની આપણે ઘણી ચર્ચાઓ કરી. ચર્ચાઓ નહીં પણ એક આખી લડત આપવી પડી. અને લડત પછી આ લોકાયુક્તના કાયદા તરફ આગળ વધ્યું એમાં પણ ઘણી બધી અડચણો સાથે કે ભાઈ એ પ્રધાનમંત્રી બની ગયો કે મુખ્યમંત્રી બની ગયો હવે એમને કોઈ પુછી ન શકે કે તમે ક્યાંથી કમાવ્યા છો? આ તો આપણો નાગરિક અધિકાર છે.

પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી બનાવવાવાળો કોણ? મુખ્યમંત્રીને મુખ્યમંત્રી બનાવવાળો કોણ? આપણે નાગરિક. અને આપણને અધિકાર જ નહીં કે આપણે પુછી શકીએ કે આ બંગ્લો ક્યાંથી બનાવ્યો. તારા પાસે તો મોટર સાયકલ પણ એવી ભંગાર હતી અને આજે તુ એમએલએ બની ગયો તો તારી પાસે લાખો રૃપિયાની કાર આવી ક્યાંથી. આ નાગરિકને પુછવાનો અધિકાર નહીં? પણ ઇસ્લામે સાડા ચૌદસો વર્ષ પહેલા અધિકાર આપી દીધો. ઉમર રદી. મસ્જિદમાં ઊભા છે. જુમ્આનો પ્રવચન આપી રહ્યા છે. એક સ્ત્રી ઊભી થાય છે અને ઉમર રદી.ને પુછે છે કે “ઉમર! આપે જે આ ઝબ્બો પહેર્યો છે એ કેવી રીતે બન્યો. એ ઝબ્બાનો કાપડ તો બયતુલમાલમાંથી દરેકને એક સરખું આપવામાં આવ્યું હતું અને એ તો એટલું ટુંકું હતું કે અમારા જેવી સ્ત્રીઓનો પણ એક ઝબ્બો ન બન્યો. આ તમારા જેવા લાંબા માણસનો ઝબ્બો કેવી રીતે બની ગયો?” હઝરત ઉમર રદી.એ કહ્યું, “મા! તારો પ્રશ્ન સાચો છે. અને ઉત્તર હું નહીં આપું એ ઉત્તર મારો દિકરો અબ્દુલ્લાહ બિન ઉમર આપશે.” અને અબ્દુલ્લાહ જે એમના પુત્ર હતા એ ઊભા થઈને કહ્યું કે “મારા ભાગે જે કપડો આવ્યો હતો એ પણ મે મારા પિતાને આપી દીધા અને આ બે કપડા ભેગા કરીને મારા પિતાએ ઝબ્બો બનાવ્યો છે. ” આપણે શું લોકાયુક્તની વાત કરીએ છીએ. આપણે કયા અધિકારની વાત કરીએ છીએ. આપણે કયા દેશની વાત કરીએ છીએ. આ દેશ જે વેલ્ફેર સ્ટેટ તરીકે આપણે ઊભો કર્યો હતો. આ દેશ જેની આઝાદી માટે આપણે લોહી વહેડાવ્યું હતું. આ દેશ જેના સ્વપ્નો આપણે જોયા હતા. એ દેશ ક્યાં ગયો. આજે પણ આ જે ઇસ્લામી શિક્ષણો છે એ અંગુલીનિર્દેશ કરે છે કે તમારો એક પ્રભુ છે, અલ્લાહ છે, તમારી accountabilty નાગરિક સુધી ન હોય તો ન હોય પણ તમે પ્રભુ સમક્ષ એક દિવસ ઉપસ્થિત થવાના છો અને તમારા દરેક કર્મોને હિસાબ આપવાનો છે. આ જ્યારે મનમાં બેસી જાય ત્યારે મોટામાં મોટો રાષ્ટ્રપતિ હોય કે પ્રધાનમંત્રી હોય એને ચિંતા રહે કે કાલે મરવાનું છે અને મરીને અલ્લાહ-પ્રભુ-ઇશ્વર સમક્ષ ઉપસ્થિત થવાનું છે. અહીંયા મને કોઈ જોતુ હોય કે ન જોતું હોય પણ એ મને જોઈ રહ્યો છે અને સતત જોઈ રહ્યો છે અને કાલે જ્યારે હું અલ્લાહ સમક્ષ ઉપસ્થિત થાઉ ત્યારે મારી પરિસ્થિતિ ખરાબ ન થાય. અને આ પ્રશિક્ષણ આ રોજા આપે છે.

આપણે ત્યાં મનરેગાનો કાયદો બન્યો. આ કાયદામાં ગામડા સુધી રોજી પહોંચાડવાની વાત હતી. ગામડાના માણસને ઓછામાં ઓછા ૧૦૦ દિવસની રોજી મળી જાય. સાડા ચૌદસો વર્ષ પહેલા મુહમ્મદ પયગમ્બર સ.અ.વ. સાહેબે કહ્યું કે તમે કોઈ મજૂર પાસે મજૂરી કરાવો એનો પરસેવો સુકાય એ પહેલા એને એની મજૂરી ચુકવી દો નહીં તો તમે અપરાધીત છો. મજૂરની મજૂરી પરસેવો સુકાય એના પહેલા એની મજૂરી ચુકવી દો. આપણે આજે શું કરીએ છીએ. સ્ટેટ શું કરે છે? પેલા શિક્ષકને, પેલા પોલીસવાળાને બધાને કોન્ટ્રાક્ટ ઉપર રાખે. શિક્ષક જેનું કામ રાષ્ટ્રનિર્માણનું એને કહે કે તને ૩૫૦૦ રૃપિયામાં નોકરી કરવાની. તનોે ૬૦૦૦ રૃપિયામાં નોકરી કરવાની. એના પરસેવાની વાત તો દૂર રહી એનું શોષણ થઈ રહ્યું છે. ઇસ્લામ કહે છે કે આ ઘણું મોટું અપરાધ છે અને આ અપરાધની સજા પણ બતાવી દેવામાં આવી.

એક નવો કાયદો ફુડ સિક્યુરિટીના નામે આવ્યો છે. ભારતના દરેક નાગરિકને ખાવાનું પહોંચવું જોઈએ. એ ભુખ્યો ન રહેવો જોઈએ એ સ્ટેટની જવાબદારી છે. આવો કાયદો આપણે અત્યારે બનાવ્યું છે અને કેટલો અમલ થશે એ બધાને ખબર છે. સાડા ચૌદસો વર્ષ પહેલા વૃદ્ધ પેન્શન નક્કી કરવામાં આવ્યું, વિધવા પેન્શન નક્કી કરવામાં આવ્યું, બાળ પેન્શન નક્કી કરવામાં આવ્યું. સમાજનો કોઈ વ્યક્તિ ભુખ્યો ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી.

કાનુનની વાત આવે છે ત્યારે કહેવામાં આવે છે કે ઇસ્લામે જે ફોજદારી કાનૂન આપેલા છે એ બહુ ક્રુર છે. ચોરી કરે તો એના હાથ કાપી નાંખો. આપણે તો આટલું જ સમજ્યા છીએ કે ઇસ્લામ કહે છે કે ચોરી કરે તો હાથ કાંપી નાંખવાનું અને આવું કરાતું હશે. આ કાયદો એટલો સ્પષ્ટ છે કે ચોરી કરે તો એનું હાથ જરૃર કાપો પણ એના પહેલા જુઓ કે એને ચોરી કેમ કરવી પડી છે. જો ચોરી એટલા માટે કરવી પડી છે કે એના રોજગારની અને ખાવાપીવાની વ્યવસ્થા જો સ્ટેટે નથી કરી તો એ ચોરી કરી તો પછી એનો હાથ ન કાપી શકાય. પણ સ્ટેટે આખી જવાબદારી લીધી છે છતાંય એ કામચોર છે અને કાર્ય નથી કરતો અને ચોરી કરે છે તો એનો હાથ કાપી નાંખો. એટલા માટે કાપવાનો છે કે સમાજ સામે નક્કી થઈ જાય આ એવો વ્યક્તિ છે. સમાજના બધા જ લોકોને પાઠ મળી જાય કે આની સજા આ થઈ શકે. એટલું પણ નહીં કે અંધાધુધ ચલાવી નાંખવાનું. સાડા ચૌદસો વર્ષ પહેલા આ કાયદો આપી દેવામાં આવ્યું.

રાઈટ ટુ ફ્રીડમ આપ્યું. રાઈટ ટુ સ્પીચ આપ્યું. સ્વતંત્રતા અને દરેક પ્રકારની સ્વતંત્રતા સાથે જીવવાનો હક આપ્યો. નાનામાં નાનો માણસ પણ સ્વતંત્રતા સાથે જીવી શકે છે. આજે આપણે ત્યાં ફકત hate, hate અને hate છે. આજે આપણો રાજકારણી બોલે છે તો એના મોઢામાંથી ફુલ ઝરતા નથી બલ્કે તિરસ્કારો નિકળે છે. આપણે કેવી વ્યવસ્થા અને સમાજ ઉભો કર્યો છે. આપણે કેટલી બધી તોડફોડ કરી નાંખી છે. ઇસ્લામ કહે છે કે આ બધુ નહીં ચાલે.

આજે ઇસ્લામની આખી તસ્વીર બગાડી દેવામાં આવી છે. મુસલમાનોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. આજે જ્યાં પણ કંઇક બનાવો બને ત્યારે મુસલમાનોને આતંકવાદી બનાવીને રજૂ કરવામાં આવે છે. આવું જ કૃત્યુ કોઈ બીજો કરતો હોય તો ઉગ્રવાદી હોઈ શકે અને કોઈ બીજું નામ અપાય પરંતુ જ્યારે મુસલમાનોનું નામ આવે ત્યારે આતંક આવે છે. હું કોઈ બચાવ નથી કરી રહ્યો, હું સ્પષ્ટ કહું છું ઇસ્લામ સિદ્ધાંતો આપ્યા છે કે કોઈ એક વ્યક્તિને પણ ગેરકાનુની રીતે કત્લ કરી નાંખે તો એ સમગ્ર સમાજ અને સમગ્ર માનવતાનું કતલ છે અને કોઈ એક વ્યક્તિને બચાવી લેવામાં આવે તો સમગ્ર સમાજ અને સમગ્ર માનવતાને બચાવવાની વાત છે. આપણને જોવું પડશે કે જ્યારે ન્યાય અને સમાનતાની વાત કરતા હોઈએ તોે દરેક નાગરિકને એક નજરે જોવું પડશે. આપણાં બંધારણમાં કોઈ પહેલો કે બીજો નાગરિક એમ નથી. જ્યારે કોઈ આવું તફાવત કરે તો એ બંધારણનું વિદ્રોહ કરી રહ્યો છે એ રાષ્ટ્રનું વિદ્રોહ કરી રહ્યો છે. ઇસ્લામે આ ફરક નથી કર્યો. ઇસ્લામી સ્ટેટમાં રહેવાળા બિનમુસ્લિમોને જેટલા હક અને જેટલા અધિકાર આપ્યા છે વાંચો તો ખબર પડશે. ફકત અધિકાર મૌખિક નથી આપ્યા એ અધિકારોને લાગુ કરવામાં આવ્યા. આજે જ્યારે આપણે બંધારણીય હક્કોની વાત કરીએ તો કોઈ એક એવો અધિકાર નથી કે ઇસ્લામે આજથી સાડા ચૌદસો વર્ષ પહેલા ન આપી દીધો હોય અને એની સાથે સાથે ઇસ્લામે શીખવ્યું છે કે તમારે સંયમી જીવન જીવવું છે. મુહમ્મદ પયગમ્બર સ.અ.વ. સાહેબે કેટલી સરસ વાત કરી છે કે યોદ્ધો એ નથી કે કોઈ યુદ્ધ મેદાનમાં યુદ્ધ જીતી લે યોદ્ધો તો એ છે જે પોતાના ગુસ્સાને કાબુમાં કરે.

આજે સૌથી મોટો પ્રશ્ન સહિષ્ણુંતાનો છે. રસ્તામાં જતાજતા જો એક સાયકલ સ્કૂટરથી અથડાઇ જાય તો આપણે મારા-મારી પણ ઉતરી આવીએ છીએ. ઇસ્લામ તો આમ માફીની વાત કરે છે. મક્કામાંથી મુહમ્મદ સ.અ.વ. સાહેબ અને એમના સાથીઓને કાઢી મુકવામાં આવ્યા. એમને હિજરત કરવી પડી. પોતાનું વતન છોડવું કોઈ આસાન કામ નથી. વતનની સાથે બધું માલ-મિલ્કત, જમીન જાયદાદ બધું જ છોડીને ત્યાંથી હિજરત કરી મક્કામાંથી મદીનામાં આવી ગયા. પછી મદીનામાં એમને નવા લોકો મળ્યા અને એમને એક સ્ટેટ ઉભું કર્યું અને જોરાવર બન્યું. પછી જ્યારે મુહમ્મદ સ.અ.વ. સાહેબ મક્કા તરફ પ્રયાણ કર્યો મક્કાને જીતવા માટે નહીં પણ મક્કામાં જે કા’બા છે ત્યાં તવાફ કરવા માટે એટલી નિખાલસતા સાથે જઈ રહ્યા છે. જ્યારે મક્કા પહોંચી રહ્યા છે તો એક સાથી હાથમાં ઝંડો લઈને ઉભા છે અને તે કહે છે આજે બદલાનો દિવસ છે, આજે આપણે દાખલ થઈશું અને મક્કાવાસીઓએ જે જુલ્મ કર્યા છે એનો બદલો લઈશું. મુહમ્મદ પયગમ્બર સ.અ.વ. સાહેબે એમને સાંભળી રહ્યા છે અને રોકે છે. હાથમાંથી ઝંડો લઈ લે છે અને કહે છે કે તમે આ ઝંડાના કાબેલ નથી ઝંડો બીજા કોઈ સાથીના હાથમાં આપે છે અને કહે છે આજે બદલાનો દિવસ નથી ક્ષમાનો દિવસ છે. આજના દિવસે બધા જ દોસ્તો અને દુશ્મનો માટે ક્ષમા છે. એટલે સુધી કે મુહમ્મદ સ.અ.વ. સાહેબની દુશ્મનીમાં જે સૌથી આગળ હતા એ અબુ સુફિયાન માટે કહ્યું કે જે અબુ સુફિયાનના ઘરમાં જતો રહેશે એને પણ ક્ષમા. આ ક્ષમા, દયા, પ્રેમ અને માતૃભાવની હંમેશા શીખ આપવામાં આવી છે.

અંતે મારા મુસ્લિમ ભાઈઓથી એક વિનંતી છે કે આપણે કુઆર્ન અને અલ્લાહના રસૂલ સ.અ.વ.ની સીરત અને શિક્ષણને જાણવામાં ઊણા ઉતર્યા છે. આપણને એ શિક્ષણો ઉપર ચાલવું પડશે અને આ જ શિક્ષણ મુજબ સમગ્ર જીવન વ્યતિત કરવું પડશે. આ શિક્ષણ મુજબ આપણી જાતને , ઘરને, સમાજને બનાવવો પડશે. એના દ્વારા એક આદર્શ સમાજ બનાવવું પડશે. તો આજે જે લાંછન લાગેલું છે અને ખોટા આક્ષેપો થઈ રહ્યા છે તેને દૂર કરી શકીશું. એના સિવાય કોઈ બીજો માર્ગ નથી.

અને મારા બિનમુસ્લિમ ભાઈઓથી પણ વિનંતી છે મુસલમાનોને જોઈને ઇસ્લામ અને મુહમ્મદ પયગમ્બર સ.અ.વ. સાહેબ કોઈ ખ્યાલ બાંધવાની જરૃર નથી. આપણી સામે અત્યારે પણ કુઆર્ન અને મુહમ્મદ પયગમ્બર સ.અ.વ. સાહેબની જીવની મોજૂદ છે. એના દ્વારા ઇસ્લામને સમજવાનો પ્રયાસ કરો. કદાચ તમને એ કુઆર્ન અને મુહમ્મદ પયગમ્બર સ.અ.વ. સાહેબની સીરતનો દર્પણ જે બનશે એમાં જે દેખાય એ ખરેખર કુઆર્ન અને સુન્નતને માનવાવાળો મુસલમાન છે. એ ખરેખર સાચો મુસલમાન છે. એ એવો મુસલમાન છે જેના માટે કહેવામાં આવ્યું છે કે એ મુસલમાનથી તેનો અલ્લાહ ખુશ થશે.

આ કેટલી બાબતો મને કહેવાની હતી. હું અલ્લાહ-પ્રભુ-ઇશ્વરથી પ્રાર્થના કરું છું કે આપણને સત્ય વાત સમજવાની અને તેનું પાલન કરવાની શક્તિ અને તાકત આપે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments