ભારતીય લેખક મુનશી પ્રેમચંદ ઇસાને બહુ જ સુંદર ઊર્દુ વાર્તાઓ લખી છે. તેમાંથી ઘણી બધી વાર્તાઓ ગામડામાં વસતા મધ્યમ વર્ગના મુસલમાનોના જીવન પર આધારિત છે.
ઈદના આ પ્રસંગે આપની સમક્ષ તેમના દ્વારા લખાયેલ એક સુંદર વાર્તા રજૂ કરૃં છું.
એક અનાથ બાળક તેની વિધવા દાદીમા સાથે રહેતો હતો. કુટુંબમાં દાદીમા અને પૌત્ર સિવાય કોઈ જ ન હતું. પોતાની શારિરીક નબળાઈ છતાં દાદીમા કામકાજ કરી ગુજરાન કરી લેતા હતા.
ઈદ આવી. દાદીમા એ પોતાના વહાલસોયા પૌત્રને થોડીક રકમ આપી. મિત્રો સાથે ઈદની ઉજવણી કરવા મેળામાં મોકલ્યો. તેના મિત્રોએ મેળામાં ચગડોળ અને બીજી રમતોમાં આનંદ માણ્યો પણ આ બાળક તેમની સાથે જોડાયો નહીં, અને પોતાના મિત્રોને મોજ-મસ્તી કરતા જોતો રહ્યો.
સાંજે જ્યારે બાળક ઘરે પાછો ફર્યો ત્યારે દાદીમા એ પૂછયું, “દિકરા, ઈદ કેવી રહી? શું તે એનો ભરપૂર આનંદ લીધો?”
“હાં” બાળકે કહ્યું.
“તે શું ખરીદ્યું? તારા રમકડાં ક્યાં છે? શું પૈસા ખૂટયા તો નથીને!” દાદીમાએ પ્રશ્નોનો વરસાદ વરસાવી દીધો.
થોડીવાર થોભ્યા પછી, બાળક શાંતિથી પીઠ પાછળથી ચીપીયો બહાર કાઢયો અને દાદીમાના હાથમાં મૂકી દીધો.
દાદીમાએ આશ્ચર્યચકિત થઈ પુછયું, “આ શું છે?”
નિર્દોષ ભાવે બાળકે જવાબ આપ્યો, “દાદીમા! કાલે તમે જ્યારે રોટલી બનાવતા હતાને ત્યારે મે તમારો હાથ દાઝી જતાં જોયો હતો. માટે આ ચીપીયો તમારા માટે લાવ્યો છું.”
એક સુંદર વાતા. એક અદ્ભૂત સંદેશ.
આજે અમારા ઈમામ સાહેબે ઈદના સંદેશમાં આવી જ કંઈક વાત કરી કે ઈદ એક ફકત નવા કપડા પહેરવાનાો, સ્વાદિષ્ટ મિઠાઈઓ ખાવાનો તથા પાણીની માફક પૈસા વાપરવાનો તહેવાર નથી. પણ રમઝાન માસના પુરેપુરા રોઝા રાખ્યા બાદ પ્રાપ્ત કરેલ ઉચ્ચતમ ગુણો જેવા કે સબ્ર અને વિનમ્રતા દ્વારા ઉજવણી કરવાનો તહેવાર છે. ઈદ ફકત મોલ, મોંઘા રેસ્ટોરન્ટો અને પાર્ક વગેરેમાં ઉજવવાનો તહેવાર નથી પણ જરૂરીયાતમંદોની જરૂરીયાતો પુરી કરી આનંદ મેળવવામાં છે.ઈદના આ તહેવાર નિમિત્તે આપણામાંથી કેટલા લોકો સાચે જ આપણા બિમાર સગાવહાલા કે પાડોશીની મુલાકાત લે છે?
આ વાર્તા મને એ વાતની યાદ અપાવે છે કે ઈદ એ વ્યક્તિગત ઉજવવાનો નહીં પણ સામુહિક ઉજવણીનો તહેવાર છે. આવતી ઈદે તમો કંઇ ખરીદી કરો ત્યારે તમારા નોકર અથવા ગરીબ પાડોસીના બાળકો માટે જરૃર કંઇ ખરીદજો અને પછી જો જો કે તમારા શીરખુરમામાં કેવો સ્વાદ ઉતરે છે.