ઇતિહાસની અટારીએથી ……………………… પ્રશિક્ષણના પગલાં
હઝરત અનસ રદિ. વર્ણન કરે છે કે ત્રણ વ્યક્તિઓ ઉપર આધારિત એક જૂથ અલ્લાહના પયગમ્બર સ.અ.વ.ના પુનિત પત્નીઓના ઘરે આવ્યું અને નબી સ.અ.વ.ની ઇબાદતો કેવી હતી એ જાણવા માંગ્યું. જે કંઇ તેમને બતાવવામાં આવ્યું તે જાણે તેમને ઓછી લાગી. જેથી તેઓ કહેવા લાગ્યા, કયાં નબી સ.અ.વ.ની જાત અને ક્યાં આપણે. આપ સ.અ.વ.ના તો આગળના અને પાછળના તમામ ગુનાઓ માફ કરી દેવામાં આવ્યા છે. અમે તો ગુનેગાર છીએ, આપણે હજુ વધારે ઇબાદત કરવી જોઇએ. જેથી તેમનામાંથી એકે કહ્યું, હું તો સમગ્ર જીવન આખી રાત નમાઝ પઢીશ. બીજીએ કહ્યું, હું જીવનભર રોઝા રાખીશ ક્યારેય રોઝા વગર નહીં રહું. ત્રીજીએ કહ્યું, હું હંમેશાં સ્ત્રીઓથી દૂર રહીશ. એટલામાં અલ્લાહના રસૂલ સ.અ.વ. આવી ગયા અને તેમને પૂછયુ, “શું તમે લોકો આ પ્રકારની વાતો કહી રહ્યા હતા?”, હું તમારા પૈકી સૌથી વધારે અલ્લાહથી ડરનારો છું અને તમારા બધાથી વધારે પરહેઝગાર છું. પરંતુ હું રોઝા (નફલ સ્વૈચ્છિક રોઝા) રાખું પણ છું અને નથી પણ રાખતો, હું રાત્રે (નફલ) નમાઝ પઢું પણ છું અને સૂઈ પણ જાઉં છું અને સ્ત્રીઓ સાથે નિકાહ (લગ્ન) પણ કરૃં છું. તો જે વ્યક્તિ મારા અનુકરણથી મોઢું ફેરવશેે તે મારામાંથી નથી.
(સર્વસંમત હદીસ)
આ તે ત્રણ વ્યક્તિઓની વાત છે જેઓ નબી સ.અ.વ.ના ઘરે આપ સ.અ.વ.ની ઇબાદત વિષે જાણવા આવ્યા હતા કે આપ સ.અ.વ. કેટલી ઇબાદત કરે છે. જ્યારે તેમને કહેવામાં આવ્યું તો તેમને આ ઇબાદતો ઓછી લાગી, પરંતુ તરત જ તેમની સમજમાં વાત આવી ગઈ કે અલ્લાહના નબી સ.અ.વ.ની જાત સાથે આપણી શું તુલના. આપ સ.અ.વ.ના તો બધા ગુના માફ થઈ ચૂક્યા છે. આ પ્રકારના લોકો ઇસ્લામી સમાજમાં ઘણા છે જેઓ એ નથી જાણતા કે ઇસ્લામ પોતાની બુનિયાદી તાલીમમાં, નૈતિક શિક્ષણમાં અને પોતાની પ્રશિક્ષણની પદ્ધતિમાં એક સ્વભાવિક દીન અને પ્રાકૃતિક જીવન વ્યવસ્થા છે. જેઓ એ વાતથી પણ અજાણ્યા છે કે માનવી છેવટે માનવી જ તો છે. તે ક્યારેક સાચું કામ કરે છે અને ક્યારેક તેનાથી ખોટું પણ થઈ જાય છે. તે ક્યારેક બુલંદ થઈ જાય છે અને ક્યારેક ગર્તામાં પણ પડી જાય છે. તેનું ઈમાન ક્યારેક વધી જાય છે તેમ ક્યારેક ઘટી પણ જાય છે. અને તેનો માનવીય ગુણ તેને ફરિશ્તો નથી બનવા દેતો, જેમનોે ગુણ એ છે કેઃ
“જેઓ ક્યારેય અલ્લાહના આદેશનો ભંગ કરતા નથી અને જે આદેશ પણ તેમને આપવામાં આવે છે તેનું ચુસ્તપણે પાલન કરે છે.” (સૂરઃતહ્રીમ-૬)
પ્રશિક્ષણ અને તરબિયતનો ઇસ્લામી તરીકો સ્પષ્ટ જાણકારી ઉપર આધારિત છે, જે માનવીય પ્રકૃતિ સાથે એવી રીતે સંકલન જાળવે છે જેવી તે છે. તેને ખબર હોય છે કે તેનામાં કેટલી હદે દૃઢતા અને શક્તિ છે તે તેની જરૂરત અને માંગણીઓથી પણ વાકેફ હોય છે અને તે તેવી તમામ ચીજોનો ખ્યાલ પણ રાખે છે. અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છેઃ “અલ્લાહ કોઈ પણ વ્યક્તિ ઉપર તેની શક્તિથી વધુ જવાબદારીનો બોજ નાખતો નથી.” (સૂરઃબકરહ-૨૮૬) વધુ ફરમાવ્યુંઃ “તેથી યથાશક્તિ અલ્લાહથી ડરતા રહો.” (સૂરઃતગાબુન-૧૬)
ઇસ્લામ એ વાતથી વાકેફ છે કે માનવી ખોવાઈ ગયેલી વસ્તુની તુલનામાં કેટલી હદે અશક્ત છે. તે જવાબદારીઓ અદા કરવામાં અને પાબંદી કરવાના મામલામાં પણ તેની કમજોરીથી વાકેફ છે. જેથી જેવી માનવીની પ્રકૃતિ છે, તે તેવી રીતે તેની સાથે ચાલે છે, અને તેના ઉપર એવી જવાબદારી નથી નાંખતોે, જેને તેના ખભા ઉપાડી ન શકે. પરંતુ તે સાથે તે માનવીને તેની કમજોર પ્રકૃતિ ઉપર છોડી પણ નથી દેતો, બલ્કે તેને મજબૂત અને પરિપકવ બનવાના પ્રયત્નો પણ સતત કરતો રહે છે.
ઇસ્લામ માનવીની પ્રાકૃતિક કમજોરી અને તેની તાકત અને સલાહિયતની સાથોસાથ ચાલે છે. પરંતુ તેની તે છુપાયેલી શક્તિને પણ નજર અંદાજ નથી કરતો જે દૃષ્ટાંતને વાસ્તવિક્તાનું સ્વરૃપ આપી દે છે. એટલા માટે ઇસ્લામની પ્રશિક્ષણ પદ્ધતિ એવી જાણકારી અને વાસ્તવિકતા ઉપર આધારિત છે જેના દાખલાઓ ચોમેર મળતા રહે છે અને એવા દૃષ્ટાંતો સાથે જોડાયેલી છે જે વાસ્તવિક જીવનને નજરઅંદાજ નથી કરતા.
જે વડીલ હોય તેની જવાબદારી છે કે જ્યારે પણ વ્યક્તિની વર્તણૂંક અને તેની વાતચીતમાં ખોટું થતું જણાય તો તેમના તેવા ખોટા ખ્યાલોની સુધારણા કરે. એટલા માટે જ અલ્લાહના રસૂલ સ.અ.વ. એ આ ત્રણ વ્યક્તિઓને કહ્યું કે, “જ્યાં સુધી મારો મામલો છે, હું તમારાથી વધુ અલ્લાહથી ડરનારો છું, તમારાથી વધુ પરહેઝગાર છું પરંતુ હું રોઝા પણ રાખું છું અને નથી પણ રાખતો, હું નમાઝ પણ પઢું છું અને સૂઈ પણ જાઉ છું અને સ્ત્રીઓથી નિકાહ પણ કરૃં છું. જે મારી સુન્નતથી મોઢું ફેરવશે તે મારામાંથી નથી.”
માનવશ્રેષ્ઠ સ.અ.વ.એ અહીં એ તાલીમ આપી છે કે સંતુલનનો માર્ગ જ સાચો અને યોગ્ય છે. અને એ બતાવ્યું કે યોગ્ય પ્રસંગ કે જરૂરત વગર સખ્તાઈ અખત્યાર કરવી મામલાને નષ્ટ કરી દેવા બરાબર છે.
તેથી જ અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યું, “દીન ખૂબ સરળ છે કોઈ પોતાની ઉગ્રતાના કારણે કદાપિ વર્ચસ્વ પ્રાપ્ત કરી શકતો નથી, બલ્કે દીન જ તેના ઉપર વર્ચસ્વ મેળવી લેશે.” (બુખારી)
હઝરત અનસ બિન માલિક રદિ.થી વર્ણન છે કે, અલ્લાહના રસૂલ સ.અ.વ. મસ્જિદમાં દાખલ થયા તો જોયું કે બે થાંભલા વચ્ચે એક રસ્સી બાંધેલી છે. આપ સ.અ.વ. એ પૂછયું કે આ રસ્સી કેમ છે? લોકોએ અરજ કરી કે આ રસ્સી હઝરત ઝૈનબ રદિ.એ બાંધી છે. તેઓ જ્યારે નમાઝ પઢતા પઢતા થાકી જાય છે તો તેના ઉપર ટેકો લઈ લે છે. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ કહ્યું કે આ યોગ્ય નથી. આ રસ્સીને ખોલી નાંખો. દરેક વ્યક્તિ જ્યાં સુધી ચુસ્ત અને સશક્ત હોય ત્યાં સુધી નમાઝ પઢે અને જ્યારે થાકી જાય તો બેસી જાય.
આ છે તે સંતુલિત માર્ગ, જેના ઉપર ચાલવાની તરબીયત આપણા પયગમ્બર સ.અ.વ.એ સહાબાએ-કિરામ રદિ.ને આપી હતી અને પાછળની પેઢીઓ પાસે પણ આ જ પદ્ધતિ અનુસાર આ જ માર્ગ ઉપર ચાલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.