ઇતિહાસની અટારીએથી …………………………………………………………… પ્રશિક્ષણના પગલાં
હાફીઝ અબુબક્ર અલબઝાઝે પોતાના સંગ્રહમાં હઝરત બુરેદા (રદી.)થી આ કથન નોંધ્યું છે કે, એક વ્યક્તિ પોતાની માં ને પોતાના ખભા ઉપર બેસાડીને કા’બાના તવાફ (પરિક્રમા) કરાવી રહ્યો હતો. તવાફ પછી તેણે અલ્લાહના અંતિમ વ્હાલા નબી સલ્લ.ને પૂછ્યું, “હે અલ્લાહના રસૂલ! શું મેં મારી માં નો હક અદા કરી દીધો?” અલ્લાહના રસૂલ સલ્લ.એ ફરમાવ્યું, “ના તમે તો તેના એક ઊંહકારનો હક પણ અદા નથી કર્યો.”
આટલું કર્યા પછી પણ તે એક ઊંહકારનો હક અદા નથી થયો, જે તેની માં એ ગર્ભ અને પ્રસુતિ દરમિયાન પરેશાની અને યાતના દરમિયાન કર્યો હતો. અંતિમ ગ્રંથ કુઆર્ન અને અલ્લાહના રસૂલ સલ્લ.ના કથનોમાં સંતાનોને વારંવાર એ શિખામણ આપવામાં આવી છે કે તેઓ મા-બાપ સાથે નેક વર્તાવ કરે, તે સામે મા-બાપને આ તાકીદ એક બે જગ્યાએ જ કરવામાં આવી છે કે તેઓ પોતાના સંતાન સાથે કેવા વર્તાવ કરે. તેનું કારણ એ છે કે સંતાનની તરબીયત, તેમની સારસંભાળ તોે મા-બાપની પ્રકૃતિમાં શામેલ છે.
મા-બાપની પ્રકૃતિ એ વાતે વિવશ છે કે તે જીવનની જમાનત માટે નવા વંશની પરવરિશ કરે. અલ્લાહ પણ આ જ ઇચ્છે છે. મા-બાપ પોતાના બાળક માટે પોતાનું શરીર, પોતાના અંગો અને પોતાની ઉંમર વેડફી નાંખે છે, તેમના માટે પોતાની પ્રત્યેક કિંમતી ચીજ કુર્બાન કરી દે છે અને જીભ ઉપર શબ્દ પણ આવવા દેતા નથી, બલ્કે તેઓ આ બધું તદ્દન સ્વાભાવિક અને સરળતાથી કર્યે જાય છે. એટલું જ નહીં, તેનાથી પણ વધીને એ કે તેઓ આ બધું કંઇક એવા પ્રકારની ખુશી અને આનંદ સાથે કરે છે જાણે પોતાના માટે કરી રહ્યા છે. એટલા માટે બાળકની સારસંભાળ માટે તેમની મમતા સહજ પ્રકૃતિ જ પુરતી છે, તેમને કોઈ બહારની શિખામણ કે તાકીદની જરૃર જ નથી પડતી. અલબત્ત બાળકને વારંવાર એ વાતની શિખામણને તાકીદની જરૂરત પડે છે કે તે તેના ઉપર ધ્યાન આપે, તેનો ખ્યાલ રાખે. જેણે તમારા માટે બધું કુર્બાન કરી દીધું, તમારા જીવન માટે યુક્તિઓ વિચારી, આયોજન કર્યું, જેમણે પોતાની ઉંમર, પોતાના શ્વાસ, પોતાની આત્મા, પોતાની તમામ શક્તિઓ અને યોગ્યતાઓ નીચોવીને પોતાના તે વંશને પાઈ દીધી, જે ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે. તેમણે જે કંઇ બલિદાનો આપ્યા છે, તેના એક અંશનો હક અદા કરવા માટે પણ સંતાન પાસે કંઇ જ નથી. ભલે તેઓ તેમની સેવા કરવા માટે અને તેમની કુર્બાનીનો બદલો આપવા કે હક અદા કરવા માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દે.
કુરઆન દ્વારા આ ચિત્રણ કે “તેની માતાએ કમજોરી પર કમજોરી સહન કરીને તેને પોતાના પેટમાં રાખ્યો અને બે વર્ષ તેના દૂધ છુટવામાં લાગ્યા.” આ મહાન બલિદાનની ઓળખ આપે છે. કેમકે માં પોતાની પ્રકૃતિ અને સ્વભાવના કારણે આ બલિદાનનો વધારે ભાગ સહન કરે છે અને હૃદયના ઊંડાણથી અત્યંત સ્નેહ-મમતા અને પ્રેમનો ઘોઘ વરસાવે છે.
માં ની આ ઉત્કૃષ્ઠ કુર્બાનીના કારણે જ અલ્લાહના રસૂલ સલ્લ.એ પેલા વ્યક્તિને જેણે પોતાની માં ને ખભે બેસાડીને તવાફ કરાવ્યા હતા, આમ કહ્યું, “તમે તેના એક ઊંહકારનો હક અદા નથી કર્યો.” તે જ રીતે એક વ્યક્તિએ આપ સલ્લ.ને પ્રશ્ન કર્યો કે મારા સદ્વર્તનના વધારે અધિકારી કોણ છે? તો આપ સલ્લ.એ ફરમાવ્યું, “તારી માં.” પૂછ્યું, પછી કોણ, આપ સલ્લ.એ કહ્યું, “તારી માં.” પૂછ્યું, પછી કોણ, આપ સલ્લ.એ કહ્યું, “તારી માં.” પૂછ્યું, પછી કોણ, આપ સલ્લ.એ કહ્યું, “તારો બાપ.”
કેમકે માં ને પ્રથમ અને બાપને બીજો દરજ્જો પ્રાપ્ત છે અને બંને ભેગા થઈને સમાજને પ્રથમ અંગને ઘાટ આપે છે, તેનું પોષણ કરે છે અને તેના સાચા નિર્માણ ઉપર જ સમાજના તંદુરસ્ત નિર્માણનો આધાર હોય છે, એટલા માટે આ જગતના અંતિમ ઇશ્વરદૂત સલ્લ.એ વાતના ખૂબજ આરઝૂમંદ રહેતા હતા કે વ્યક્તિ અને ખાનદાન દરમિયાન સ્નેહસંબંધ, મમતાયુક્તપ્રેમ અને લાગણીમય જોડાણનું આ ગઠબંધન ખૂબજ મજબૂત અને શક્તિશાળી હોય. જો પરિવારના સભ્યો વચ્ચે સામાન્ય પ્રેમ પણ ન હોય તો સમાજ પતન અને અદ્યોગતિના આધિન જતો રહે છે.
સૃષ્ટિના સર્જનહાર અલ્લાહનું આ ફરમાન કેટલું સત્ય છે કે, “તારા રબે ફેંસલો કરી દીધો છે કે તમે કોઈની ઉપાસના ન કરો, પરંતુ કેવળ તેની. માતા-પિતા સાથે સારો વ્યવહાર કરો. જો તમારા પાસે તેમાંથી કોઈ એક, અથવા બંને, વૃદ્ધ થઈને રહે તો તેમને ઊંહકારો પણ ન કહો, ન તો તેમને ધુત્કારીને જવાબ આપો, બલ્કે તેમના સાથે આદરપૂર્વક વાત કરો, અને નમ્રતા અને મહેરબાની સાથે તેમના સામે નમીને રહો અને આ દુઆ કર્યા કરો કે, ”પાલનહાર ! આમના ઉપર દયા કર જે રીતે તેમણે મમતા અને સ્નેહપૂર્વક મને બાળપણમાં ઉછેર્યો હતો.” (સૂરઃ બની ઇસરાઈલ-૧૭ઃ૨૩-૨૪)
કુરઆને વસીયત કરી છે કે ક્યારેય તેમને સંતાનના મોઢેથી કંટાળા અને ઊંહકારના શબ્દ ન સાંભળવા મળે.
મા-બાપની અવજ્ઞા એક સંકટ અને મુસીબત છે. જે સમાજમાં ફેલાઈ જાય તો સમાજને ખોખલું કરી નાંખે છે, અને પારિવારિક સંબંધોને નષ્ટ કરી નાંખે છે.
આ વાત ખાસ યાદ રહેવી જોઈએ કે કોઈ વ્યક્તિનું પોતાના મા-બાપ સાથે અવજ્ઞા અને નાફરમાનીનું વલણ તેના સંતાનને એ વિકલ્પ અને મૌકા પુરો પાડશે કે તે પણ તેના સાથે તેવા જ વ્યવહાર અને વર્તન કરે. કેમકે નમૂનો તેમના સામે જ છે. અને આમ, કમરા એક પછી એક સમાજની ઇમારતના કાંગરા ખરતા જાય છે. પરિણામે સમગ્ર ઇમારત જમીનદોસ્ત થઈ જાય છે.
પશ્ચિમની પારિવારિક વ્યવસ્થા
જે કોમો વિષે આપણે એ કલ્પના કરીએ છીએ કે તેઓ સુસંસ્કૃત અને સુસભ્ય છે, ત્યાં અઢાર વર્ષ અથવા તેનાથી પણ નાની ઉંમરે પહોંચતા સુધી તો સંતાન મા-બાપની અલગ થઈ જાય છે. પરિવારનો દરેક વ્યક્તિ પોતાને અલગ માર્ગ પકડી લે છે. માં પોતાના દીકરા કે દીકરીના સંજોગો પણ એમને એ તક નથી આપતા કે તેઓ પોતાની માં ઉપર વિદાયની એક અપલક નજર નાંખી શકે.
આ કંઇ સભ્યતા છે? આ સંસ્કતિ નથી, બલ્કે માનવી માટે લાંછન છે સભ્યતાનું પતન છે. તેના સામે ઇસ્લામી સભ્યતા અને સંસ્કૃતિ આધિન દરેક વ્યક્તિ અને આનંદમય અને સલામત સામુહિક જીંદગીની છત્રછાયામાં રહે છે. અલ્લાહના રસૂલ સલ્લ.એ ફરમાવ્યું, “જે વ્યક્તિ અલ્લાહ ઉપર અને પરલોકના દિવસ ઉપર ઈમાન ધરાવે છે, તેણે પોતાના મહેમાનનો આદર-સન્માન કરવું જોઈએ અને જે વ્યક્તિ અલ્લાહ અને પરલોક ઉપર ઇમાન ધરાવતો હોય તેણે દયાભાવના રાખવી જોઈએ અને જે વ્યક્તિ અલ્લાહ અને પરલોક ઉપર ઇમાન ધરાવતી હોય તેણે જીભથી સારી વાત કાઢવી જોઈએ નહીંતર ચૂપ રહેવું જોઈએ.”
ઇસ્લામનો પ્રચાર-પ્રસાર કરનારા અમુક નવયુવાનો મસ્જિદો, શાળાઓ અને દીનના વર્તુળોમાં અને લોકો વચ્ચે ખૂબ પ્રવૃત્તિમય દેખાય છે પરંતુ પોતાના મા-બાપ સાથે અત્યંત શુસ્ક વર્તન-વ્યવહાર કરે છે. તેમ છતાં તેઓ એમ સમજે છે કે તેઓ ખુબ સારૃં કામ કરી રહ્યા છે. કદાપી નહીં! તેઓ કોઈ જ સારૃં કામ નથી કરી રહ્યા. નવયુવાનો કે યુવતીઓ કોઈ પણ કામ કરે તો તેમાં પોતાના મા-બાપની મરજી અને પ્રસન્નતા પહેલાં જુએ. નહીંતર તેમની આ પ્રવૃત્તિઓ અને કામ માત્ર દંભ અને દેખાડો બની જશે અને જેમાં કોઈ ભલાઈ નથી પરિણામે બધું વ્યર્થ થઈ જશે.