આપણા દેશની લોકસભાની ચૂંટણી છૂટા છવાયા ચમકલા સાથે પુરી થઇ. પરિણામો પણ આવ્યા અને ભાજપ આપ બળે ૨૮૩ સીટો મેળવી એન.ડી.એ. એ ૩૩૫ સીટો પ્રાપ્ત કરી. દુનિયાને આપણી સફળ લોકશાહીનું જ્ઞાન કરાવ્યું. ૧૯૮૪માં બે બેઠક જીતનાર ભાજપે ૨૦૧૪ની સામાન્ય ચુંટણીઓમાં ૨૮૩ બેઠકો પ્રાપ્ત કરી રેકર્ડ સર્જ્યો. સામે કોંગ્રેસે આઝાદી પછીની સૌથી કારમી હાર જોવી પડી અને માત્ર ૪૪ બેઠકોથી સંતોષ માનવો પડયો. પ્રજાના ફેંસલાને સ્વીકારી લેવો પડ્યો.
સપ્ટેમ્બર ૨૦૧૩માં નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ માટે જીતની તૈયારીની શરૃઆત કરી દેશભરમાં ખૂણે ખાંચે દરેક રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર, રેલીઓ, સભાઓ કરી ગુજરાત વિકાસ મોડલને માર્કેટીંગ કરવાનો પ્રયાસ કર્યો. સાથે જ જ્યાં જેવી જરૃર લાગી ત્યાં તેવા મુદ્દા ઉછાળી હવા બનાવવામાં આવી. ગુજરાતના વિકાસને આપણે ગુજરાતીઓ જાણીએ અને અનુભવીએ છીએ કે અહીં ક્યાં – કેવો – કેટલો અને કોનો વિકાસ થયો છે. પરંતુ મોદી સાહેબ નાની નાની બાબતોને પણ બહુ જ સારી માર્કેટીંગ કરવામાં અને અત્યારના ટેકનોલોજીના જમાનામાં વધુમાં વધુ અને ઉચ્ચ ટેકનોલોજીના મીડીયાનો ઉપયોગ કરી સામે વાળાને બચાવની સ્થિતિમાં મુકી દીધા અને શરૃઆતથી જ એવો હાઉ ઉભો કર્યો વાતાવરણ બનાવી લીધું કે ભાજપની મોદીની જીત નિશ્ચિત છે. આથી સામે વાળા બધા જ પક્ષો હતપ્રભ થઇ ગયા અને તેમની પાસે મોદીના વ્યક્તિગત વિરોધ કે ગુજરાત મોડલના વિરોધ સિવાય જાણે કોઇ મુદ્દો જ નથી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. આથી આ બધા પક્ષોના નેગેટીવ વલણે પણ મોદીને મોટો ફાયદો અપાવ્યો.
સંસદથી સડક સુધી પ્રજામાં પ્રસરી રહેલા વિરોધ – કમરતોડ મોંઘવારી – અકલ્પનીય ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓએ મોદીને પ્રચારનું મોકળુ મેદાન આપ્યું. અને ‘સૌનો સાથ સૌનો વિકાસ’ ના નારા સાથે દેશના યુવાનો – મહિલાઓ અને જાગૃત નાગરિકોને મોદીએ પોતાની વાક્છટા, માર્કેટીંગ પદ્ધતિ અને લેટેસ્ટ ટેકનોલોજી યુક્ત સોશ્યલ મીડિયાના સહારે મોદી સાહેબનો ઘોડો રેસમાં આગળ વધતો રહ્યો.
૧૯૭૫માં કોંગ્રેસે કટોકટી લાદી અને તે દરમિયાનના ઝુલ્મ અને જ્યાદતીના કારણે ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર થઇ. ઇન્દિરા ગાંધી પોતે પણ ચૂંટણી હારી ગયા. કોંગ્રેસના ભાગલા પડયા. ઇન્ડીકેટ-સીન્ડીકેટ બની. ઇન્દિરાગાંધીને હાથના પંજાનું નિશાન મળ્યું. ૧૯૭૮માં મૃતઃપ્રાય બેઠેલ કોંગ્રેસમાં ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્માં – વિજયનગર વિધાનસભા એસ.ટી. અનામત સીટ વિસ્તારની પ્રજાએ જગદીશ ડામોરને દેશભરમાં પંજાના નિશાન ઉપર સૌથી પહેલા ચૂંટી ગુજરાત વિધાનસભામાં મોકલી કોંગ્રેસને જીવીત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ આઠ દિવસમાં યુ.પી.ના આઝમગઢથી મોહસીના કિડવાઇ લોકસભામાં ચૂંટાઇ આવી કોંગ્રેસને ચેતના આપી. આમ કોંગ્રેસ માટે સારા દિવસો પણ ગુજરાત અને યુ.પી. એ બતાવ્યા અને આઝાદી પછીની શરમજનક હારના દિવસો પણ ગુજરાત અને યુ.પી.એ બતાવ્યા.
કોંગ્રેસ કેડરબેજ પાર્ટી જુનામાં જુનો પક્ષ – સંગઠનમાં મજબૂત અને વહીવટમાં કાર્યક્ષમ પરંતુ આ બધુ ૨૦૦૯ સુધી જળવાઇ રહ્યુ.. પણ ૨૦૧૦થી ૨૦૧૪ સુધીમાં કોંગ્રેસે પોતાની આ ઇમેજને ખોઇ નાખી. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસે તેના મતદારોને આપેલા વચનોનો અમલ ના કર્યો. વહીવટમાં પારદર્શકતા બતાવી ન શકી, ભ્રષ્ટાચાર અનેે મોંઘવારી ઉપર કાબુ ન કરી શક્યા જેથી મધ્યમ વર્ગને જીવવું મુશ્કેલ થઇ ગયું. કોંગ્રેસના નેતાગણમાં કોઇપણ મુદ્દા ઉપર કે નીતિઓ બાબતે સંકલનનો અભાવ વર્તાયો. સાથે જ નેતાગણના અતાર્કિક અને બેજવાબદારી ભર્યા નિવેદનો રહ્યા. રાજ્ય સ્તરે દરેક રાજ્યો ખાસ કરી ગુજરાત – રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તો યાદવાસ્થળીએ નખ્ખોદ વાળ્યું. આપસની ગ્રુપબાજીએ ગોર ખોદી અને કેન્દ્રએ કોઇ ધ્યાન ન આપ્યું. કોઇ કંટ્રોલ ન રાખ્યો પક્ષના નાનામાં નાના કાર્યકરોએ જુથ બંધીની આ હકીકતની નોંધ લીધી અને દિન પ્રતિદિન કાર્યકરો વિખેરાતા ગયા. જેથી પક્ષે જનાધાર ગુમાવ્યો. દેશની ૫૪૩ બેઠકો પૈકી મોટા ભાગની બેઠકો ગ્રામ્યવિસ્તારોમાં આવેલ હોવા છતાં અને શહેરી મતદારો હંમેશા ભાજપના કમિટેડ વોટર્સ ગણાતા હોવા છતાં શહેરોમાં પ્રચારનો મારો રાખ્યો અને ગામડાઓને રેઢા મુકી દીધા. અવગણના કરી જેથી બાવાના બેય બગડયા જેવી હાલત થઇ તે જ રીતે દેશની સૌથી મોટી લઘુમતી-મુસ્લિમોે માટે ઠોસ કદમ ઉઠાવવાના બદલે છીંછરી અને બિનજરૂરી વધારે પડતી જાહેરાતો કરી દેશના બહુમતી સમાજને મુસ્લિમોના તૃષ્ટિકરણની નીતિ બાબતે ગેરસમજો ઉત્પન્ન થઇ અને કોંગ્રેસ એટલે લઘુમતી અને લઘુમતી એટલે કોંગ્રેસ એવું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું. કોંગ્રેસે હકીકતમાં દેશના મુસ્લિમ લઘુમતી સમાજના ઉત્કર્ષ માટે કંઇક પણ કર્યું હોત તો સરકારની સચ્ચર કમીટીના રીપોર્ટમાં જે હકીકતો ખુલીને સામે આવી તેમ આ દેશમાં મુસ્લિમોની આર્થિક – સામાજિક – શૈક્ષણિક – અને રાજકીય પરિસ્થિતિ દેશના આદિવાસી અને હરિજન ભાઇઓ કરતા ખરાબ ન બતાવવી પડી હોત. જે હકીકત છે. પક્ષના મુસ્લિમ નેતાઓએ મુસલમાનોના પ્રતિનીધિ તરીકે પોતાને ઓળખાવી મોટા મોટા પદ-હોદ્દા મેળવ્યા પણ દેશના મુસ્લિમોની સાચી પરિસ્થિતિથી પક્ષના હાઇકમાન્ડને માહિતગાર ન કર્યા. માત્ર પોતાના પદ હોદ્દાઓ જાળવી રાખવામાં રહ્યા જેનું નેતૃત્વ કરતા હતા તેમનું ક્યાંય કોઇ ધ્યાન ન આપ્યું. જેથી મુસ્લિમ લઘુમતિ કોંગ્રેસથી દૂર થઇ ગઇ. કોંગ્રેસ પોતાના પક્ષની સરકાર વાળા રાજ્ય આસામમાં મુસ્લિમોની સામુહિક હત્યા અને ઝુલ્મને રોકવામાં નિષ્ફળ રહી. મુઝફ્ફરનગરના તોફાનોમાં મૌન રહી. ભૂતકાળમાં મુસ્લિમોની ઉપર થતા ઝુલ્મ અત્યાચારમાં ક્યાંય ક્યારેય પોતાની જવાબદારી નિભાવી નહીં. અને માત્ર આશ્વાસનો આપ્યે રાખ્યા. ‘પ્રિવેન્શન ઓફ કોમ્યુનલ એન્ડ ટાર્ગેટેડ વાયોલેન્સ’ બીલ પસાર ન કરાવી શક્યા. માઇનોરીટી કમિશનને કાનૂની દરજ્જો ના આપ્યો. સમાન તકોના કમિશનની રચના ન કરી, અનામત માટે ધાર્મિક બંધન દૂર કરવાના પ્રયાસ રૃપે આગળ ન વધ્યા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીને લઘુમતી દરજ્જા બાબતે નિર્ણય ના લઇ શકયા.
આમ કોંગ્રેસે દેશની મોટી લઘુમતી મુસ્લિમ સમાજના પ્રાણ પ્રશ્નો અને તેના સર્વાંગી વિકાસ માટે કોઇ ઠોસ કાર્યવાહી ન કરી. નારાજગી વ્હોરી. કોંગ્રેસે એમ માની લીધું કે મુસલમાનો ક્યાં જવાના છે તેઓ ભાજપને તો મત આપવાના જ નથી તો પછી જખમારીને કોંગ્રેસની સાથે જ રહેશે.
આ પરિસ્થિતિમાં મુસલમાનો ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં મુંઝવણ અનુભવી રહ્યા હતા. સાથે જ મનોમંથન કરી રહ્યા હતા. તેવી પરિસ્થિતિમાં ચૂંટણી દરમિયાન મોદીના અને ભાજપના કેટલાક નેતાઓના વાણી, વર્તન અને વ્યવહારે મુસ્લિમોને આકર્ષિત કર્યા. સાથે થોડીક હીંટ મળતા ભાજપે બિહારમાં ગુજરાતના મુસ્લિમોની સમૃદ્ધિ અને ખુશહાલી દર્શાવતી ફિલ્મો બતાવી. ગુજરાતના પ્રભાવશાળી મુસ્લિમોના ધાડા ઉતાર્યા આમ મુસ્લિમ પ્રભુત્વ વાળી બેઠકો મેળવવા પુરા પ્રયાસ કર્યા. જેમાં લાલુનું ‘માય’ ફેક્ટર મુસ્લિમ યાદવ ફેઈલ ગયું અને ભાજપે સફળતા મેળવી તે જ રીતે યુ.પી.માં લખનૌમાં ભાજપા પ્રમુખ રાજનાથસિંહે શિયા મુસ્લિમ ધર્મગુરૃઓ સાથેે બેઠકો કરી તો વારાણસીમાં મુસ્લિમ આગેવાનો અને મહિલાઓને આકર્ષવાના પ્રયાસ કરવામાં આવ્યા. સાથે જ ભાજપ અને મોદીએ જાતિવાદના રાજકારણમાંથી મુક્તિ અપાવવા અને માત્ર સૌના સરખા સર્વાંગી વિકાસ માટે જગહ જગહ જઇ વાયદા કર્યા. દેશના મુસ્લિમો અને સામાન્ય જનતા ભ્રષ્ટાચાર અને મોંઘવારી થી મુક્તિ ઇચ્છતા હતા અને બદલાવ ચાહતા હતા. જેથી સૌએ જાતિવાદના રાજકારણથી ઉપર જઇ ભારે મતદાન કર્યું અને મોદી સાહેબ માટે ભારતના વડાપ્રધાન પદનો રસ્તો આસાન કરી દીધો.
હવે જ્યારે નરેન્દ્રભાઇ મોદી ભારતના વડાપ્રધાન પદે બિરાજમાન થઇ રહ્યા છે આપ વાંચતા હશો ત્યાં સુધીમાં થઇ પણ ગયા હશે અને ભાજપે આપ બળે ૨૮૩ સીટ મેળવી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે અને એન.ડી.એ.ને ૩૩૫ સીટો મળી છે. ત્યારે માનનીય વડાપ્રધાન મોદીજીનેેે પોતે આપેલા વચનો પુરા કરવામાં કોઇ બાધ આવે તેમ લાગતુ નથી. ત્યારે મતદાતાઓ એ નાત-જાત કે ધર્મના વાડાઓને બાજુ ઉપર મુકી દેશના વિકાસને સામે રાખી મોદીજીના નવાભારતના સંદેશને કોંગ્રેસ મુક્ત ભારતના એલાનને ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને મોંઘવારીમાંથી પ્રજાને મુક્તિ અપાવવાના સતત એલાન કરતાં ભાષણો ઉપર દેશની પ્રજાએ સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસા સાથે ભારે મતદાન કરી સફળતા અપાવી છે. આથી માનનીય મોદીજીની જવાબદારી ઘણી વધી જાય છે.
કોંગ્રેસે હવે આ કારમા આઘાતમાંથી સવેળા બેઠા થઇ કામે લાગી જવાની જરૃર છે અને નેતાગણની ભૂલો ખામીઓ કોતાહીઓ કે અનઆવડતને દૂર કરી સબળ વિરોધપક્ષની ભૂમિકા ભજવવાની જરૃર છે. કારણ કે આપણી લોકશાહી દુનિયામાં વખણાય છે અને આપણી ચૂંટણી પદ્ધતિની પણ સરાહના થાય છે ત્યારે કોઇપક્ષ સ્પષ્ટ બહુમતના આધારે છાકટો બની બેહુદા નિર્ણય લઇ પોતાને પક્ષને કે દેશને નુકશાન ન કરે તે માટે સબળ વિરોધ પક્ષ જરૂરી છે.
આશા રાખીએ કે દેશના સામાન્ય નાગરિકોએ સભાનતા પૂર્વક પોતાની જવાબદારી સમજી દેશના અને નાગરિકોના સર્વાંગી વિકાસ માટે ભારે મતદાન કર્યું છે તેમ હવે સત્તાધારી પક્ષ ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પોતાના વચનો પાળે અને પ્રમાણિક પણે પોતાના વાયદાપુરા કરે સૌને સાથે રાખે સૌનો વિકાસ કરે અને દેશમાં સુલેહ સંપ શાંતિ જાળવી વિશ્વના નકશામાં ભારતને ઉચ્ચ સ્થાન અપાવે એ જ આશા.
સૃષ્ટિના સર્જનહાર અને પાલનહાર અલ્લાહથી પ્રાથના છે કે તે આપણા નેતાગણ અને આપણને સૌને સદ્બુદ્ધિ આપે અને આપણે સૌ મળી સહિયારા પ્રયાસથી આ દેશને એક અખંડ રાખી વિશ્વની મહાસત્તા બનાવવામાં સહભાગી બનીએ. આમીન.
abdulqadirmemon123@gmail.com