માનવ એ ઈશ્વરનું અનુપમ સર્જન છે. તેની ઘણી બધી વૃત્તિ પશુવૃત્તિથી મળતી આવે છે. પરંતુ કેટલીક વસ્તુઓ તેમનાથી ભિન્ન છે, જે માનવને સર્વે સજીવોમાં સૌથી શ્રેષ્ઠ બનાવે છે. માનવીનો પોતાનો એક સ્વભાવ, ભાવનાઓ,પસંદ-નાપસંદ, આચાર અને વિચાર હોય છે, જે દરેકના જુદા જુદા હોઈ શકે છે. બીજી બાજુ આ પણ વાસ્તવિકતા છે કે મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે પશુઓની જેમ એકલો જીવી શકતો નથી. દરેક વ્યક્તિને પ્રગતિ કરવા અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા બુદ્ધિ, જ્ઞાન અને સ્વતંત્રતા આપવામાં આવી છે. માનવીની આ વિવિધતા સમાજની શોભામાં વધારો કરે છે. જેમ એક બગીચાની જાળવણી અને સુરક્ષા માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે તેમ માનવ સમાજની સુંદરતાને ટકાવી રાખવા માટે કેટલાક કાયદા-કાનૂનની જરૂર પડે છે. માનવ સમાજને સિદ્ધાંતો અને કાયદાઓ દ્વારા બંધનકર્તા બનાવવામાં ન આવે અને દરેક વ્યક્તિને કંઈ પણ કરવાની સ્વતંત્રતા આપી દેવામાં આવે તો જંગલરાજ જ થઈ જાય. સમાજ વેર-વિખેર થઈ જાય અને ભય, આતંક અને અસુરક્ષાની ભાવના પેદા થઈ જાય.
કાયદાઓ વિશે સાચા-ખોટા, યોગ્ય-અયોગ્ય, અલ્પકાલીન કે દુરોગામી હોવા વિષે ચર્ચા થઈ શકે. પરંતુ આ વાસ્તવિકતા છે કે સમાજની શાંતિ ટકાવી રાખવા માટે તે અત્યંત જરૂરી છે. હું ફક્ત કહેવાતા પ્રવર્તમાન સભ્ય સમાજનીજ વાત નથી કરતો, પરંતુ આદિમાનવો પણ કેટલાક કાયદાઓના પાબંદ હતા. આજે પણ જંગલમાં વસતા આદિવાસીઓને જોઈ લો, તેમના બધા સમાજમાં પણ કાનૂન જોવા મળશે.
જે સમાજ કે દેશમાં કાયદાની સત્તા હોતી નથી તે લાંબા સમય સુધી ટકી શકતો નથી. કાયદાની સત્તાજ જે તે સમાજ કે દેશને બળવાન અને મજબૂત બનાવે છે. જ્યાં કાયદાની ઘોર ખોદવામાં આવે તો તે સમાજ પોતાના હાથેજ ખતમ થઈ જાય છે.ન્યાયની ઝંખના એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે; જયારે કાયદો વાસ્તવમાં ન્યાયની સ્થાપના કરવા માટેની મહત્વની જરૂરિયાત છે. જે કાયદો ન્યાયની સ્થાપનાના ન કરી શકે અને પંગુ હોય, તેવા રાજ્યમાં અરાજકતા, અશાંતિ, હિંસા અને માનવીય અધિકારોનું હનન સામાન્ય થઈ જાય છે. કાયદામાં ત્રુટિ હોય અથવા કાયદાને લાગુ કરવામાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત હોય તો પણ વર્ગ-વિગ્રહ અને ઝગડાની નોબત આવે છે. જે રાજ્યમાં કાયદાના ઉલ્લંઘનને “ઉત્કૃષ્ટ વર્તન” સમજવામાં આવતું હોય, મવાલી-ગુંડાઓની શાન ઠેકાણે લાવવાના બદલે તેમને પ્રોત્સાહન આપવામાં આવતું હોય, તો એ સમાજનો વિનાશ નક્કી જ છે. ન્યાય એ દરેક માનવના અંતરામતાનો અવાજ છે. જે પણ આ પ્રકૃતિની વિરુદ્ધ જાય છે તે અશાંતિ અને હિંસા નોંતરે છે.
તેથી જ કુઆર્ને મુસલમાનોને વિશેષ તાકીદ કરી છે કે તેઓ દરેક પ્રકારના પક્ષપાતથી ઉપર ઊઠી ન્યાયની સ્થાપનાને ચોક્કસ બનાવે.
“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! ન્યાયના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનારા બનો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરુધ્ધ અસર સ્વયં તમારા પર અથવા તમારા માતા-પિતા અને સગાઓ પર જ કેમ ન પડતી હોય. મામલાથી સંબંધ ધરાવનાર પક્ષ ચાહે ધનવાન હોય કે ગરીબ, અલ્લાહ તમારાથી વધુ તેમનો શુભેચ્છક છે, આથી પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરીને ન્યાયથી હઠો નહીં અને જાે તમે અધૂરી અને પક્ષપાતપૂર્ણ વાત કહી અથવા સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કંઈ તમે કરો છો અલ્લાહને તેની ખબર છે.” (સૂરઃ નિસા-૧૩૫)
એટલું જ નહિ, પયગંબરને મોકલવા અને કુઆર્નના અવતરણનો હેતુ પણ આ જ દર્શાવવામાં આવ્યો છે.
“અમે પોતાના રસૂલોને સ્પષ્ટ નિશાનીઓ અને માર્ગદર્શનો સાથે મોકલ્યા, અને તેમની સાથે ગ્રંથ અને તુલા ઉતાર્યા જેથી લોકો ન્યાય ઉપર કાયમ થાય”, (સૂરઃ હદીદ- ૨૫)
ઇસ્લામી ઇતિહાસમાંથી એક દૃષ્ટાંત આપું છે, જેથી અંદાજો આવી શકે કે કુઆર્નના શિક્ષણ ઉપર આધારિત એક ન્યાયપૂર્ણ સમાજ કેવો હોય છે!! એક સ્ત્રીએ ચોરી કરી લીધી, તપાસ કરતાં માલૂમ પડ્યું કે તે એક પ્રતિષ્ઠિત કુટુંબથી સંબંધ ધરાવે છે. કોઈ વ્યક્તિએ એવો મત પ્રગટ કર્યો કે તેને સજાથી બચાવવા કોઈ એવી વ્યક્તિને આપ સ.અ.વ.ની સેવામાં મોકલવામાં આવે જેની ભલામણનો આપ સ્વીકાર કરી શકે. અંતે સમજાવટ પછી ભલામણ માટે હઝરત ઝૈદ રદિ.ને મોકલવામાં આવ્યા. આપ સ.અ.વ.એ તેમની ભલામણ સાંભળી તો નારાજ થયા અને કહ્યું કે સાંભળો! જો મુહમ્મદ સ.અ.વ.ની પુત્રી ફાતિમા ચોરી કરત તો તેના પણ હાથ કાપવામાં આવત. યાદ રાખો! ન્યાય જયારે પક્ષપાત કે ભલામણની ભેટ ચઢી જાય છે તો તે પોતાની વિશ્વસનીયતા ખોઈ બેસે છે, અને લોકોનો વિશ્વાસ ઊઠી જાય છે.
બીજી મહત્વની વાત આ છે કે ન્યાય પ્રક્રિયા હંમેશાં સ્વતંત્ર હોવી જોઈએ. જો તે રાજનૈતિક દબાણને વશ થઈને ચુકાદાઓ સંભળાવશે તો અન્યાય કરશે. અને આવી પરિસ્થિતિમાં લોકોમાં કાયદો પોતાના હાથમાં લેવાની ભાવના વેગ પકડશે.ત્રીજી વસ્તુ જે મહત્વની છે, તે એ કે ન્યાય પ્રક્રિયા એટલી લાંબી ન હોવી જોઈએ કે તેની સાર્થકતા જ નષ્ટ થઈ જાય. ચોથી વસ્તુ ન્યાય પ્રક્રિયા પૂર્ણ થતા પહેલાં કોઈ પણ પ્રકારની મીડિયા ટ્રાયલ બંધ થવી જોઈએ. બલ્કે ખોટી સૂચના અને જનતાને ગેરમાર્ગે દોરવા સારૂ મીડિયા ઉપર પણ કાયદાકીય પગલા લેવા જોઈએ.
હવે ઉપરની વિગતો સામે રાખીને જુઓ કે આપણા દેશ અને દુનિયામાં આજે શું થઈ રહ્યું છે. ગૌરક્ષકોના અત્યાચાર હોય કે મોબ લીન્ચિંગની ઘટનાઓ, બાબરી મસ્જિદનો ચુકાદો હોય કે તેની શહીદીના જવાબદારોને છોડી મૂકવા, “તોહીને રિસાલત” (blasphemy) ની ઘટનાઓ હોય કે ધર્મ સ્થાનો ઉપરની પાબંદી, માસૂમ બાળકીના બળાત્કારીની જમાનત હોય કે બળાત્કારીઓના એન્કાઉન્ટર ; ક્યાંક ન્યાયની ઉણપ દેખાય છે તો ક્યાંક પક્ષપાત નજરે પડે છે. ક્યાંક કાયદાનું ઉલ્લંઘન છે તો ક્યાંક અધિકારોનું હનન કરનારાઓને પ્રોત્સાહન. આ બધી વસ્તુઓ કોઈ પણ સમાજને અંદરથી ખોખલો બનાવી દે છે. જો આપણે એક સુંદર, સભ્ય અને શાંતિમય સમાજની રચના કરવા માંગતા હોઈએ તો ન્યાયની સ્થાપના કરવી જ રહી, અને તેના માટે સૌથી મહત્વનો નિયમ આ છે કે કાયદાની સર્વોપરિતા લાગુ કરવામાં આવે. કોઈ પણ પ્રકારના આગ્રહ, દબાણ, લોભ,લાલચ કે ભયથી ઉપર ઊઠીને ન્યાયાલયે પોતાના ચુકાદા બિલકુલ નિષ્પક્ષ રીતે આપવા જોઈએ.