દેશમાં છેલ્લા અઢીવર્ષથી સરકાર જેવું કંઇ હોય જ નહીં તેમ કટ્ટરવાદી તત્વો બેફામ અને બેકાબૂ બન્યા છે. દલીતો, પછાતો અને મુસ્લિમોનું લોહી ચાખી ગયેલા નરભક્ષકો અવારનવાર માનવ વસ્તીમાં ચઢી આવી ખુલ્લેઆમ નિર્દોષોનું લોહી વહાવી રહ્યા છે અને હાલની સરકારો આવા તત્વોને જાણે છુપા આશીર્વાદ હોય તેમ મૌન ધારણ કરી બેઠી છે. દાદરી કાંડ, ઉનાકાંડ, હરીયાણાનું મેવાત કાંડ હોય કે અમુક દિવસ પહેલાનું અમદાવાદનું કાંડ હોય આ તમામ કાંડોમાં કહેવાતા અહિંસક જીવદયા પ્રેમીઓ ગૌરક્ષાના નામે હિંસા પર ઉતરી આવી નિર્દોષોનો જીવ લેતા પણ ખચકાતા નથી તે સ્પષ્ટ રૃપે તરી આવે છે.
જે કોઈ પણ વ્યક્તિ ગુનેગાર હોય તેને સજા થવી જ જોઈએ એ માટે દેશના કાયદા મુજબ જે તે ગુનેગાર સામે કેસ ચાલવો જોઈએ. દેશ કે ગુજરાત રાજ્યમાં માત્ર ગાય કે ગૌવંશની કતલ પર જ પ્રતિબંધ નથી, પરંતુ દારૃ, જુગાર, તમાકુ કે ગુટખાના સેવન, સંગ્રહ અને વેચાણ પર પણ પ્રતિબંધ છે. દારૃ અને તમાકુ ગુટખાના સેવનથી લાખો પરિવારોના માળા પીંખાઈ રહ્યા છે. જ્યારે અસંખ્ય લોકો રીબાઈ રીબાઈને મોતને શરણે થઈ રહ્યા છે. આમ છતાં કહેવાતા જીવદયા પ્રેમીઓને આવા પરિવારની કોઈ ચિંતા નથી કારણ કે તેમનાથી તેમનો રાજકીય રોટલો શેકાવાનો નથી કે આર્થિક લાભ મળવાનો નથી તેમને તો માત્રને માત્ર ગાય કે ગૌવંશમાં જ વધારે સહેલાઈથી કોમી સ્વરૃપ આપી લાશોના ઢગલા પર રાજકારણની સીડી ચઢી શકાય છે. આથી દેશ કે ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીનો સમય નજીક આવે ત્યારે મતોની ખેતી કરવા માંગતો કોમવાદી તત્વો નફરતના બી રોપવાના શરૃ કરી દે છે. જેમાં નિર્દોષોના લોહીથી કોમવાદનું સિંચન કરી પાક તૈયાર કરે છે અને ચૂંટણી ટાણે આ પાક ઉતારવાનો શરૃ કરી સત્તાનો આસ્વાદ માણે છે.
અમદાવાદમાં પણ કહેવાતા બની બેઠેલા ગૌ રક્ષકો એ મુહમ્મદ ઐયુબ મેવ નામના યુવાનને બેરહેમીથી માર મારતા મુહમ્મદ ઐયુબે સારવાર દરમ્યાન હોસ્પિટલમાં જ દમ તોડી દિધો, ત્યારે જ હોસ્પિટલમાં હત્યારાઓને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ સાથે એકત્ર થયેલા ૫૦ થી વધારે મુસ્લિમ આગેવાનોને પણ જાણે કે લોકશાહીનું ગળુ ટુંપવામાં આવતું હોય તેમ તેમનો અવાઝ રૃંધીને તેઓની પણ ધરપકડ કરી માંયકાંગલી પોલીસ દ્વારા ‘ચોરી પર સીના ઝોરી’ જેવો નિંદનીય વર્તાવ કરવામાં આવ્યો. મુહમ્મદ ઐયુબ ગુનેગાર હતા કે નિર્દોષ તે સાબિત કરવાનું કામ પોલીસ કે કોર્ટનું છે. જ્યારે પોલીસને પણ કોર્ટની પરવાનગી વિના આરોપીને મારવાની કે રીમાન્ડ પર લેવાની સત્તા નથી તો આવા નરભક્ષકોને કોણે સત્તા આપી કે તેઓ હત્યા કરતા પણ ખચકાતા નથી? જો ગૌરક્ષકો અસંખ્ય પાંજરાપોળમાં, ઢોરવાડામાં કે ખુલ્લી સીમ તેમજ શહેરોમાં જાહેરમાર્ગો પર ટ્રાફિક પોલીસની જવાબદારી નિભાવતી ગાય કે ગૌવંશ સહીતના પશુઓ ઘાસચારા કે પાણીના અભાવે તડપી તડપીને દમ તોડી રહ્યા છે. ત્યાં જઈ તેને ઘાસચારો કે પાણી પુરા પાડતા કે તેમની સેવાચાકરી કરતા કોણ રોકે છે? રાજ્યમાં આવેલા તમામ પાંજરાપોળોમાં પશુઓની દેખભાળ કે સેવાચાકરી જ થાય છે એવું નથી કેટલાક પાંજરાપોળમાં તો પાછલા બારણે પશુઓનો વેપાર પણ થાય છે. અને અવારનવાર અખબારોમાં આ અંગેના અહેવાલો પણ પ્રસિદ્ધ થયેલા છે. આવા ધંધાધારી પાંજરા પોળ સામે ગૌરક્ષકો શા માટે આંખ આડા કાન કરે છે? કેટલાક કિસ્સામાં તો આવા બની બેઠેલા ગૌરક્ષકો જ દલાલની ભૂમિકા ભજવતા હોય છે અને પાંજરાપોળ વાળા અને કસાઈ બન્ને તરફથી મોટી રકમ પડાવે છે ત્યારે પોલીસ અને કોર્ટે આવા ગૌરક્ષકોનો ભૂતકાળ તપાસી તેઓ ખરેખર ગૌરક્ષક છે કે, પેટમાં દારૃ અને માંસ ભરી માત્રને માત્ર નાણા પડાવવા સારૃ ગૌરક્ષક બની બેઠેલા અસામાજિક તત્ત્વો છે તેની તપાસ કરવી જોઈએ.
ગુરૃ-ચેલાની ગંદી રાજનીતિના પરિણામે જ ગૌરક્ષાના નામે કેટલીક ગુંડા ટોળકીઓ દ્વારા દલિતો અને મુસ્લિમોને ટાર્ગેટ કરી વારંવાર તેમને રંજોડવાનો – હેરાન કરવાનો તેમજ તેઓ પર હુમલા કરી હત્યાઓ કરવાના બનાવો સામાન્ય થવા પામ્યા છે. એક સામાન્ય બુદ્ધિનો સવાલ છે કે કોઈ વ્યક્તિ ગૌહત્યાના ઇરાદે ગાયને લઈ જતો હોય તો પણ એમાં પોલીસ ભૂમિકા ભજવી કાયદાની રૃએ તેમના પર કાર્યવાહી કરવાની હોય છે નહીં કે ગૌરક્ષાની દુકાનો ખોલી રાજકીય અને આર્થિક રોટલા શેકનારાઓના એજન્ટોએ! એક જીવતા કે મૃત પશુ માટે જીવતા મનુષ્યની હત્યા કરવામાં આવે કે કોઈની બહેન-બેટીની ઇજ્જત લુંટવામાં આવે તે આપણી અસ્મિતા માટે લાંછનરૃપ ગણી શકાય. મુહમ્મદ ઐયુબ મેવની ઘટના એ દાદરી પાર્ટ-૨ છે, જેને સાંખી લઈ શકાય નહીં આ માટે આંદોલનો ચલાવવામાં આવે અને જ્યાં સુધી બની બેઠેલા ગૌરક્ષકોની ગુંડા ટોળીઓ ઉપર પ્રતિબંધ લગાવાય નહીં ત્યાં સુધી આંદોલનો યથાવત રહેવા જોઈએ.
ગુજરાતમાં હાલ તમામ સમાજ જાગૃત થયા છે અને પોતાના હકની માંગણી કરી રહ્યા છે ત્યારે પરાજય ભાળી ગયેલી સરકાર રાજ્યમાં ૨૦૦૨ની જેમ હિન્દુ-મુસ્લિમો વચ્ચે રમખાણો કરાવી પોતાનો રાજકીય રોટલો શેકવા માંગે છે. તેના ભાગરૃપે જ મુહમ્મદ ઐયુબ મેવની હત્યા કરાઈ છે. જો કોઈ એમ સમજતું હોય કે આ એક ઘટના માત્ર ઘટી છે તો તે તદ્દન ભૂલ ભરેલી માન્યતા છે. આ એક સોચી-સમજીને અંજામ આપવામાં આવેલું પૂર્વાયોજીત કાવતરૃં જ છે, જેમાં આખી ટીમ સુપેરે શામેલ છે જ.
આવા જ ગૌરક્ષકોની ગુંડાગર્દીની ઘટનામાં તાજેતરમાં ગત ૨૪ ઓગસ્ટના રોજ હરિયાણાના મેવાતમાં ૨૦ વર્ષીય મહિલા અને તેની ૧૪ વર્ષીય બહેન પર સામુહિક બળાત્કાર અને તેઓના કાકા-કાકીની હત્યા કરી દેવામાં આવી. આ પરથી સ્પષ્ટ પણે એવું પ્રતિત થતું જોવા મળી રહ્યું છે કે બની બેઠેલા ગૌરક્ષકો રૃપી ગુંડાઓ જેવા હિંસક પુરૃષોને બળાત્કાર કરવા માટે ગૌરક્ષા રૃપી હુકમનું પાનું સોંપવામાં આવ્યું છે. આ ઘટનાએ તટીય કેરળ પ્રદેશમાં દાયકાઓથી મુસ્લિમો અને દલિતો સામે ચાલી આવતી હિંસક ઘટનાઓનું અને બીફ પર પ્રતિબંધના પગલે બાકીના ભારતમાં જે હિંસા જોવા મળી રહી છે તેનું એક્ષટેન્શન છે. દિલ્હીની નિર્ભયા માટે ન્યાયની માંગ સાથે માર્ગો પર ઉતરી આવેલા સામાજિક સંગઠનો મેવાતની બન્ને બાનુંઓ પર થયેલા સામુહિક બળાત્કાર તેમજ હત્યાના આરોપીઓને પકડાવવા માટે ક્યાંક અલોપ થયેલા જણાય છે. હરિયાણાની બેશરમ સરકાર પાસે જાણે કોઈ અન્ય કામ ના હોય તે રીતે મેવાત વિસ્તારમાં માર્ગોની બન્ને બાજુઓ પર બેસી લારી-ગલ્લામાં બિરયાની વેચી સવારની મજૂરીથી રાતનું પેટીયુ રળતા ગરીબ અને પછાત લોકો પર બિરયાની તપાસના નામે નમુના લઈ રંઝાડવા માટે બિરયાનીમાં બીફ તો નથીને, એવી તપાસ કરવાની ક્ષૂલ્લક અને નિમ્ન કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવા નમુના લેવા માટે રાજ્યના ડીઆઈજી જેવા અધિકારીઓ ગૌ સેવા આયોગના ચેરમેન તેમજ ગૌરક્ષા દળના ઇન્ચાર્જ સાથે જઈને સામાન્ય નાગરીકોને આવી ક્ષૂલ્લક બાબતો માટે રંજાડે તે ખરેખર ઉચ્ચ અધિકારીઓ માટે શરમ સાથે, પ્રસાશન માટે ગંભીરતા અને સામાન્ય નાગરીકો માટે હાસ્યાસ્પદ બાબત છે.
હવે, સમયની તાતી જરૂરીયાત છે કે, બધા જ સમાજના સર્વે જાગૃત નાગરીકોએ રાજકારણીઓની મેલી મુરાદો બર લાવવાના ઇરાદાઓને પારખી દેશમાં શાંતિ, ભાઈચારો તેમજ માનવતા ખરા અર્થમાં સ્થાપિત થાય તે માટે પરિસ્થિતીની નજાકતને પારખી સમય અને સંજોગને આધીન તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવી જ પડશે.
લેખક જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના મીડિયા સેલના સેક્રેટરી છે.
Email: mfarukahemad@gmail.com