હઝરત મૂસા અ.સ. એક મહાન નબી હતા. તેમના જમાનામાં બની ઇસરાઈલમાં એક વ્યક્તિ હતી, જેનું નામ કારૂન હતું. તે અપાર ધન-દોલતનો માલિક હતો. તે એકદમ પૂંજીવાદી માનસિકતા ધરાવતો હતો. તેને ધન એકઠું કરવાનો ખૂબ શોખ હતો. ધન એકઠું કરવામાં તે કાયદેસર અને ગેરકાયદેસર બધા માર્ગો અપનાવતો હતો. તેણે પોતાના ધનની સુરક્ષા અને તેના લેણદેણનો હિસાબ રાખવા માટે મુનશીઓ, ખજાનચીઓ, સશસ્ત્ર રક્ષકો, સૈનિકો અને ગુલામોનું એક સંપૂર્ણ નેટવર્ક બનાવી રાખ્યું હતું. તેના ખજાનાની ચાવીઓનું વજન એટલું વધારે હતું કે એક શક્તિશાળી જૂથ પણ તેને ઉઠાવવામાં તકલીફ અનુભવતું હતું.
કારૂન મિસ્રમાં બની ઇસરાઈલ સાથે રહેતો હતો. તે સમયે મિસ્રમાં ફિરઔનનું શાસન હતું. તેનો ફિરઔનના દરબારમાં ઘણો પ્રભાવ હતો. ફિરઔન બની ઇસરાઈલના વિરોધમાં તેનો ઉપયોગ કરતો હતો. તેણે બની ઇસરાઈલના નાશ માટે એક ખૂબ જ કપટી યોજના બનાવી હતી. તે બની ઇસરાઈલ અને હઝરત મૂસા અ.સ.ની બધી વાતો ફિરઔન સામે રજૂ કરતો હતો અને બદલામાં તેને ઘણું ધન મળતું હતું, જેને તે પોતાના ખજાનામાં એકઠું કરતો હતો.
કારૂન બની ઇસરાઈલની જ એક વ્યક્તિ હતી, પરંતુ પોતાના ધન અને સંપત્તિના કારણે તે તેમના પર અત્યાચાર કરતો હતો. તે તેમને નિંદનીય અને ઊતરતા સમજતો હતો. તેમને અણગમતી નજરે જાેતો હતો. તે પોતાની જ જનતાના વિરોધમાં જઈને ફિરઔનના સાથીઓમાં જાેડાઈ ગયો હતો. તેણે તેમની જ રીતો અપનાવી લીધી હતી. તે શાહી કપડાં પહેરીને શાન અને શોખથી ગરીબ લોકો સામે આવતો હતો.
કુર્આન મજીદમાં કારૂનની વાર્તા ખૂબ જ ઇબરતનાક રીતે અને શીખ આપનારી રીતે વર્ણવવામાં આવી છે. આ વાર્તાથી આપણને ખબર પડે છે કે કારૂન પોતાના અહંકાર અને ધનવાન હોવાના અભિમાનના કારણે દુનિયા અને આખેરત બંનેમાં નાશ પામ્યો.
એકવાર જ્યારે તે પોતાના ધન-દોલતનું પ્રદર્શન કરતો ફરતો હતો ત્યારે તેની પ્રજાના લોકોએ તેને કહ્યુંઃ “તું તારા આ ધન-દોલત પર ગર્વ ન કર. અલ્લાહતઆલાએ તને જે ધન આપ્યું છે તેમાંથી ગરીબો અને જરૂરિયાતમંદ લોકો પર ખર્ચ કર અને આખેરત માટે થોડું બચાવી રાખ. શાંતિથી જીવન જીવ અને કોઈ ઉપર અત્યાચાર ન કર.” આ સલાહ સાંભળીને કારૂનને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે ઠંડા સ્વરે કહ્યુંઃ “આ બધું ધન-દોલત મેં મારી બુદ્ધિ અને મહેનતથી મેળવ્યું છે. હું તેનો સૌથી વધુ હકદાર છું અને અલ્લાહે મારા માટે જ આ નક્કી કર્યું છે.”
કારૂન આવી રીતે પોતાના ધનનું પ્રદર્શન કરતો રહેતો. એક દિવસ તે પોતાના કુળના લોકો વચ્ચે આવી રીતે આવ્યો. તેની આ શાન જાેઈને દુન્યવી જીવનના મોહમાં પડેલા લોકો બોલ્યાઃ કાશ! આપણી પાસે એ બધું હોત જે કારૂન પાસે છે. તે તો ખૂબ જ નસીબદાર છે. ત્યાં કેટલાક જ્ઞાની લોકો પણ હાજર હતા. તેમણે તેમને કહ્યું કે તમે એવા ધનની ઇચ્છા કરી રહ્યા છો જે અન્યાયથી મેળવવામાં આવ્યું છે. તમારે સારા કામ કરીને પોતાના રબ પાસે તેનું પ્રતિફળ માંગવું જાેઈએ. આ એના કરતાં ઘણું સારૂં છે. અલ્લાહ તઆલાએ પોતાના નેક બંદાઓ માટે એવી એવી વસ્તુઓ તૈયાર કરી રાખી છે જેને કોઈ આંખે જાેઈ નથી, કોઈ કાને સાંભળી નથી અને કોઈના વહેમ કે ગુમાનમાં પણ નથી આવી.
પ્યારા બાળકો, કારૂનનો અહંકાર અને ઘમંડ અલ્લાહને પસંદ ન આવ્યો. તેથી અલ્લાહે તેને તેના મહેલ અને ખજાના સાથે જમીનમાં દફનાવી દીધો. તેને આવનારી પેઢીઓ માટે એક બોધપાઠ બનાવી દીધો.
વ્હાલા બાળકો, આ વાર્તામાંથી આપણને ઘણા બધા પાઠ મળે છેઃ
૧. સર્વ માનવો અલ્લાહ તઆલાની આદરણીય સૃષ્ટિના અંશ છે. તેથી તેમના પર અત્યાચાર ન કરવો જાેઈએ.
૨. અલ્લાહ તઆલાએ જે ધન-દોલત આપી છે, તેને એવી જગ્યાએ ખર્ચ કરવી જાેઈએ જ્યાં ખર્ચ કરવાથી અલ્લાહ ખુશ થાય છે.
૩. અલ્લાહે જે નેઅમતો આપેલી છે, તેના માટે અલ્લાહનો આભાર માનવો જાેઈએ. આનાથી લોકો પોતાને અન્ય કરતાં મોટા ન સમજે.
૪. અલ્લાહ જેટલું ધન આપે તેના પર સંતોષ માનવો જાેઈએ.
૫. જેના માટે અલ્લાહ સજાનો ર્નિણય કરે, પછી તેનાથી કોઈ બચી શકતું નથી.
૬. માલ વધારે હોય કે ઓછો હોય, તેનાથી અલ્લાહ ખુશ કે નારાજ થાય એવું બિલકુલ નથી. માલની માત્રાથી કોઈ વ્યક્તિનું સારાપણું નક્કી થતું નથી.
૭. જે લોકો કૃતઘ્ન હોય છે, નાશુક્રા હોય છે તેમને સફળતા મળતી નથી.
૮. અન્યાય કરીને લોકોનું ધન લેવું અને અલ્લાહનો આજ્ઞાભંગ થતો હોય તેવા કામોથી દુનિયામાં ફસાદ ફેલાય છે. અલ્લાહ ફસાદીઓને ક્યારેય પસંદ કરતો નથી.
૯. અલ્લાહે દરેક માણસને ધન આપીને એહસાન કર્યો છે. તેથી બદલામાં તેના બતાવેલ રસ્તા પર ખર્ચ કરીને તેના પર એહસાન કરવો જાેઈએ.
૧૦. અલ્લાહ અહંકાર, ઘમંડ અને કંજૂસી કરનારાઓને પસંદ કરતો નથી.
(આ વાર્તા કુઆર્નમાં સૂરઃ અલ-કસસમાં વર્ણવવામાં આવી છે)