કાશિફની ઉંમર ૯ કે ૧૦ વર્ષની હતી.તેના ઘર હાલત ગરીબીની હતી. તેના પિતા બીજાઓને ત્યાં છૂટક મજૂરી કરતા હતા. તેમને કયારેક કામ મળતું, તો કયારેક ન મળતું.તેની માતા પણ બીજાઓને ત્યાં ઘરકામ કરતી હતી. કાશિફ ચોથા ધોરણમાં ભણતો હતો. શાળામાંથી છૂટયા બાદ તે મોટેભાગે પોતાના મિત્રો સાથે રમ્યા કરતો હતો અને રાત્રે પોતાના મોટાભાઈ સાથે દીવાના પ્રકાશમાં અભ્યાસક કરતો હતો.
એક દિવસે કાશિફની માતાએ તેને બે રૃપિયાની નોટ આપી દુકાનેથી પ૦ પૈસાનું નમક લાવવા કહ્યું. એ ગામમાં એક જ દુકાન હોવાના કારણે ત્યાં ખૂબજ ભીડ રહેતી હતી, પહેલા જમાનાની વાત છે કે જ્યારે નમક આજની જેમ પેક પેથલીમાં મળતું ન હતું, બલ્કે મોટા મોટા થેલાઓમાં સમુદ્રથી નીકળેલ આખું નમક મોટેભાગે વપરાતું હતું. દુકાનદાર એ નમકના થેલામાં એક ખાલી નાનો ડબ્બો માપ માટે રાખતા હતા, અને એ ડબ્બાની મદદથી નમક વિ. આપતા હતા. કાશિફ દોડતો દોડતો દુકાને પહોંચ્યો ત્યાં ખૂબ જ ભીડ હતી. થોડીવાર સુધી તે ચુપચાપ ઉભો રહ્યો. ત્યારબાદ તે દુકાનદારથી વારંવાર નમક માટે કહેવા લાગ્યો, કેમ કે તેને પોતાના મિત્રો સાથે રમવા જવાનું હતું.
દુકાનદારે તેના વારંવાર બૂમાબૂમ કરવાના કારણે તેની પાસેથી પૈસા લીધા અને નમકના બે ડબ્બા કાશિફની સાથે લાવેલ કપડાની થેલીમાં નાખી દીધું. અને ૪ રૃપિયા પ૦ પૈસા પાછા આપ્યા. જેવા જ કાશિફે પૈસા જોયા તે મનમાં ને મનમાં ખુશ થયો. કેમ કે તેણે ફકત બે રૃપિયા આપ્યા હતા, પરંતુ દુકાનદારે તેને નમક અને ૪ રૃપિયા પ૦ પૈસા પાછા આપ્યા. એ ખુશી ખુશી પોતાની અમ્મી પાસે પહોંચ્યો. તેને એવું હતું કે વધુ પૈસા જોઈને તેની અમ્મી પણ ખુશ થઈ જશે. કાશિફે પોતાની અમ્મી પાસે નમકની થેલી અને પૈસા આપીને કહ્યુ કે આજે દુકાન ઉપર બહુ ભીડ હોવાના કારણે આસિફચાચાએ વધુ પૈસા પાછા આપી દીધા. કાશિફની અમ્મીએ જ્યારે જોયું કે દુકાનદારથી ભૂલ થઈ ગઈ છે. તેણે ભીડના લીધે બેના બદલે પાંચ રૃપિયાની નોટ સમજીને કાશિફને વધારે રકમ પાછી આપી દીધી છે. કાશિફની અમ્મીએ વધારાની રકમ પાછી આપી આવવા કાશિફને કહ્યું અને સાથે જ તેને આ પણ કહ્યું કે તમારે આ વધારાની રકમ ત્યાં એ જ વખતે પાછી આપી દેવી જોઈતી હતી.
કેમ કે આપણા મઝહબમાં કોઈની પણ પાસેથી આ રીતની વધારાની રકમ લેવી જાઇઝ નથી. આપણે હંમેશા સાચું બોલવું જોઈએ. અને જો બીજાઓથી ભૂલ થઈ પણ જાય તો ઘટતું કરવું જોઈએ.
કાશિફ વધારાની રકમ લઈને દુકાનદાર પાસે પહોંચ્યો અને તેને એ વધારાની રકમ પાછી આપી દીધી. આ જોઈને દુકાનદાર તેનાથી બહુ જ પ્રભાવિત થયો, અને તમામ ગ્રાહકો સામે તેની ઈમાનદારીની પ્રશંસા કરી. આ જોઈને કાશિફને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. તેણે હવે પછી જીવનભર કયારેય કોઈનાથી પણ આ રીતે વધારે રકમ નહીં લેવાનો સંકલ્પ કર્યો.