Friday, November 22, 2024
Homeપયગામકોમવાદના ગાંડાતુર આખલાને લગામ કસો

કોમવાદના ગાંડાતુર આખલાને લગામ કસો

દેશની વર્તમાન પરિસ્થિતિ જોઈને મન ચિંતાતુર બની જાય છે. આપણા જ ઘરમાં પરાયા હોવાનો એહસાસ થવા લાગે છે. જે દેશની સ્વતંત્ર ચળવળમાં હિંદુ અને મુસ્લિમ ભાઈઓએ હળીમળીને ભાગ લીધો હતો અને ભારતને અંગ્રેજ મુક્ત કરવા જે યોગદાન આપ્યું છે તે ઇતિહાસના પૃષ્ઠો પર જોઈ શકાય છે. પરંતુ જાણી જોઈને અમુક લોકો તે હકીકતને છુપાવવા માગે છે. એ ભારત દેશ જે એકતા અને અખંડતાનો પ્રતિકસમ હતો તેની આ ઓળખ ખંડિત થવા લાગી અને સ્વતંત્ર ભારતમાં એક ખાસ માનસિકતા અને વિચારધારા ધરાવતા લોકોના તે ઉશ્કેરણીજનક ભાષણો અને ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવાની ચળવળે વેગ પકડયો. ધીમે ધીમે તેઓ મજબૂત થયા અને દેશની રાજનીતિ પર પ્રભાવિત થવા લાગ્યા. વર્તમાન સરકારને આવી જ માનસિકતા ધરાવતા લોકોનું પીઠબળ છે. આ ‘ઓપન સિકરેટ’ છે, અને તેથી જ તેઓ ઇચ્છે તે કરી રહ્યા છે, મન ફાવે તેમ વર્તી રહ્યા છે, વર્તમાન સમયને તેઓ સોનેરી તક ગણી તેનો ભરપૂર ઉપયોગ કરવા માગે છે અને તેના માટે વિવિધ નામોથી ચળવળ ચલાવી રહ્યા છે. દેશ અને સમાજમાં નફરતનું વાતાવરણ પેદા કરી રહ્યા છે. વિશેષ ધર્મ અને સમુદાય વિશે ગેરસમજો ઉભી કરી રહ્યા છે. વહીવટીક્ષેત્રે પણ પક્ષપાત થતો દેખાઈ રહ્યો છે. પરંતુ અફસોસની વાત આ છે કે વર્તમાન સરકાર કોઈ યોગ્ય પગલા લઈ રહી નથી. આપણા પ્રધાનમંત્રી જેઓ ‘બોલકણા’ના નામથી પ્રખ્યાત હતા અને મનમોહનસિંહ પર શાંત રહેવા બદલ ટિપ્પણી કરતા હતા. મને આજે સાપ સૂંઘી ગયો છે. દેશની આંતરિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. લો એન્ડ ઓર્ડરની આબરુ લુંટાઈ રહી છે. પરંતુ સરકારે મૌનવ્રત ધારણ કર્યું હોય તેવું લાગે છે. એવું લાગે છે ગુજરાતમાં ઉપવાસ કરીને દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હીમાં મૌનવ્રત ધારણ કરીને ભવિષ્યના આયોજનની રૃપરેખા તૈયાર કરાઈ રહી છે. અથવા જાણી જોઈને આંખ આડે કાન કરાઈ રહ્યા છે.

ગુજરાતના રમખાણો બદલ ભૂતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈએ ‘રાજધર્મ’ ન પાળવાના બરુદ આપ્યું હતું. હવે જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ભારતીય નાગરિકો તરફથી પણ તેમને આવું જ બિરુદ આપવામાં આવશે.. નાગાલેન્ડના ધામપુરમાં બળાત્કારના ખોટા આરોપ બદલ એક વ્યક્તિની ક્રુર હત્યાની ઘટના હોય કે ભારતના વિવિધ રાજ્યોમાં એક સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવતા રમખાણો હોય, બી.જે.પી.ના એમ.એલ.એ., પ્રધાનો કે સાધુ-સંતો તરફથી કરવામાં આવતી ઘૃણાસ્પદ અને ઉશ્કેરીજનક અને નિમ્ન કક્ષાના નિવેદનો હોય કે ધાર્મિક સ્થળો પર કરવામાં આવતા સુનિયોજીત હુમલાઓ હોય. બધા દુનિયાભરમાં આપણા દેશની નામોશીના કારણ બની રહ્યા છે. ભારતની ‘સેક્યુલર’ છબી ‘ભીમશૈયાએ’પડી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે.

સરકારનું મૂળ કામ કોઈપણ દેશની પ્રણાલીને વ્યવસ્થિત રીતે ચલાવવાનું હોય છે. તમામ નાગરિકોને તેમના અધિકારો પૂરેપૂરા મળે તેની તકેદારી રાખવાનું હોય છે. કોઈ પક્ષપાત કે પુર્વગ્રહ વગર પોતાના નાગરિકોની સુરક્ષા અને તેમને વિકાસ માટે સમાન તકો પૂરી પાડવાનું હોય છે. સરકાર બહુમતિથી જરૃર બને છે પરંતુ તે માત્ર બહુમતિ માટે નથી હોતી. જે દેશમાં લઘુમતિઓના જાન, માલ અને અધિકારો સુરક્ષિત ન હોય તે દેશ કદી પ્રગતિ કરી શકતો નથી. બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર કોઈ ખાસ સમુદાય કે સંસ્કૃતિ કે વિચારધારા ના લોકોની ‘સેવક’ નથી હોતી કે જેમને શક્તિશાળી બનાવવાની જવાબદારી તેના માથે હોય પરંતુ દેશનો ‘સેવક’ એટલો પરાક્રમી તો હોવો જોઈએ કે તે તેના નાગરિકોને મજબૂત કરી શકે. દેશ સેવાનું બીડુ ઉપાડનાર પ્રધાનમંત્રીજીએ તેમનો ધર્મ (રાજધર્મ) પાળવો પડશે. નહિંતર સમાજમાં આંતરવિગ્રહની સ્થિતિ પેદા થઈ શકે છે.

સામાન્ય સમજશક્તિની વાત છે કે કોઈ પણ નાગરિકના જાન, માલ કે સંપત્તિનું નુકસાન આખરે દેશનું જ નુકસાન છે. એ માત્ર કોઈ સમુદાય કે ધર્મનું નુકસાન નથી. સરકારે ચૂંટણી અગાઉ આપેલા ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના વાયદાને પૂરી કરવાની તક મળી છે અને તેણે તેના માટે સમર્પિત થવું જોઈએ. લઘુમતિ સમાજ સાથે બનતી એક પછી એક ઘટનાઓ અફસોસજનક છે. તેમની ધરણાઓ, સત્તા આરૃઢ લોકોથી મુલાકાતો કે આવેદનપત્રો નિર્રથક અને પ્રભાવહીન સાબિત થઈ રહ્યા છે. પોલીસને છુટોદોર આપી દેવામાં આવ્યો હોય તેવી અનૂભુતી થઈ રહી છે. બરોડાની ઘટના હોય કે સાંસરોદની, હાંસોટના રમખાણ હોય કે દેવગઢબારિયાનો જુલ્મ પોલીસની ભુમિકા નરી આંખે જોઈ શકાય છે. હવે તો સ્ત્રી મુખ્યપ્રધાનના રાજમાં સ્ત્રીઓની આબરૃ સલામત રહી નથી. ૬ વર્ષની બાળકી અને ૭૧ વર્ષની વૃદ્ધા પણ બળાત્કારનો ભોગ બની રહી છે.

જે લોકો ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે એમને મારો પ્રશ્ન છે શું તેઓ જે જઘન્ય કૃત્ય અને ઘૃણા ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છો શું તે તેમના ધર્મગ્રંથોનું શિક્ષણ છે? ચાલો, માની લઈએ ભારતની સેક્યુલર છબી નાબૂદ કરી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરીએ તો પછી શું આવા રાષ્ટ્રમાં લઘુમતિઓની કેવી દયનીય સ્થિતિ થઈ જશે તે સ્પષ્ટ પણે અનુભવી શકાય છે. અને કોઈપણ ન્યાયપ્રિય વ્યક્તિ આવી ધાર્મિક વ્યવસ્થાથી સંમત નહિ હોય જ્યાં નાગરિકો સાથે ફરક કરવામાં આવતો હોય બલ્કે તેમને ગુલામીની અવસ્થામાં લઈ જવામાં આવે. અથવા ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર કરવામાં આવે. મે જ્યાં સુધી ધર્મોનું અધ્યયન કર્યું છે તેમાં ક્યાંય ઘૃણાની વાત દેખાતી નથી. અનૈતિકતા અને અસત્ય કહેવાનું દર્શાવાયું નથી. મારો નિષ્કર્ષ ખોટો છે અથવા હિંદુ રાષ્ટ્ર માટે થનગનતા લોકોની સમજ ખોટી છે. કોઈ એક વાત સાથે તમારે સંમત થવું પડશે. મને વિશ્વાસ છે તમે મારા મંતવ્ય સાથે સંમત થશો. કેમકે સહિષ્ણુંતા, સહનશીલતા, પ્રેમ, ભાઈચારો ધર્મોનું એક સરખું શિક્ષણ છે અને ઘૃણાની રાજનીતિ તો ‘વસુધૈવ કુટુમ્બકમ’ના દ્રષ્ટિકોણથી પણ વિરૂદ્ધ છે.

સમસ્યા એ નથી કે તેઓ રાજનીતિમાં ધર્મની વાત કરે છે સમસ્યા આ છે કે ધર્મ અધર્મિઓના હાથનું રમકડુ બની રહ્યો છે. હવે ખંડણીખોર, અપહરણકર્તા અને તડીપાર થતા દુર્જનોને સત્તા અપાઈ રહી છે અને ધર્મગુરૃઓનો સાઈલન્ટ અને જાહેર સપોર્ટ તેમને મળી રહ્યો છે. તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સાચા વિદ્વાનોએ તેમને ખુલ્લા પાડવા જોઈએ. તેમની જાહેરમાં નિંદા કરવી જોઈએ અને ધર્મનું વાસ્તવિક ચિત્ર લોકો સમક્ષ રજૂ કરવું જોઇએ. ‘રબ ભી ન રૃઠે ઔર શૈતાન ભી ખુશ’ જેવી નીતિ યોગ્ય નથી.

આપણા જેવા સમજુ અને જવાબદાર નાગરિકોની જવાબદારી છે કે તેઓ મૂલ્યરહિત રાજનીતિનો ભાગ ન બને, સ્વાર્થી અને ભ્રષ્ટાચારી નેતાઓને બહારનો માર્ગ દેખાડે. તેમનો સાોશ્યલ ઓડિટ કરે. તેમણે કરેલા વાયદાઓને પુરા કરાવવા ચળવળ ચલાવે. સરકારની અનીતિઓ સામે અડીખમ ઉભા રહે. ન્યાય સામે બંડ પોકારે અને સમાન નાગરિક અધિકારો આપવાનો અનુરોધ કરે. કેવી વિડમ્બના છે કે જુલિયસ રિબેરો જેવા લોકો કે જેમણે દેશસેવા માટે ઘણું બધુ કર્યુ છે પણ ભારતમાં પોતાની જાતને અજનબી અનુભવી રહ્યા છે. નિરાશ થવાની કે ભયભિત થવાની જરૃર નથી. બંધારણે આપેલા અધિકારો પ્રાપ્ત કરવા હિંમતભેર આગળ આવવું પડશે. નાના મોટા એવા સંગઠનો જેઓ બંધારણીય મૂલ્યો અને નાગરિક અધિકારો માટે કાર્યરત છે ભેગા મળી સરકાર સામે લડત આપવી પડશે, સંઘર્ષ કરવો પડશે. લોકજાગૃતિ માટેના કાર્યક્રમો અને અભિયાનોનું આયોજન કરવું પડશે. આ જ દેશપ્રેમી અને ન્યાયપ્રિય હોવાની દલીલ છે. બલ્કે ધર્મનું શિક્ષણ પણ આ જ છે કે નિર્બળને સહકાર આપો. પીડિતને મદદ કરો. રાજધર્મનું પાલન કરો. મને ખબર નથી કે નફરતની રાજનીતિ કરનારા લોકોનું ધર્મ જ્ઞાન કે ધર્મપાલન કેટલું છે પરંતુ ઇસ્લામે એક સિદ્ધાંત આપ્યો છે અને તે આ છે કે પોતાના ભાઈની મદદ કરો ચાહે તે જાલિમ હોય કે મજલૂમ. મુહમ્મદ (સ.અ.વ.)ના અનુયાયી (સહાબા રદી.)એ પૂછ્યું કે અલ્લાહના પયગમ્બર મજલૂમની મદદ તો સમજમાં આવે છે જાલિમની મદદ કેવી રીતે કરીએ!? મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યું તેને જુલ્મ કરવાથી રોકવું. રાજધર્મ કેવી રીતે પાળી શકાય તેનું ઉદાહરણ ખિલાફતથી લઈ શકાય છે કે તે અલ્લાહના નેક બંદાઓ એ કેવી રીતે શાસન કર્યું. નાગરિક અધિકારોની સુરક્ષા અને ન્યાયના જે દૃષ્ટાંતો રજૂ કર્યા તે બેનમૂન છે. માનવ તો ઠીક પ્રાણીઓ પ્રત્યે પણ તેઓ એટલા સંવેદનશીલ હતા કે તેઓ કહેતા કોઈ દરિયાના કાંઠે બકરીનું બચ્ચું પણ તરસથી મૃત્યુ પામી જશે તો તેના માટે ઉમર (રદી.) પોતાને જવાબદાર માનશે. તેઓ સત્તારૃઢ થયા તો જાહેરમાં તેમણે કહ્યું કે, “લોકો હું તમારો પ્રધાન નિયુક્ત કરવામાં આવ્યો છું. જોકે હું તમારામાં સૌથી શ્રેષ્ઠ નથી. જો હું સારા કાર્યો કરૃં તો મારી મદદ કરો અને બુરાઈ તરફ જઉં તો મને સીધો કરી નાખજો. સત્ય અમાનત છે, ઝૂઠ ખિયાનત છે. તમારામાંનો નિર્બળ વ્યક્તિ મારા નજીક શક્તિશાળી છે, અહીં સુધી કે હું તેનો હક તેને પાછો અપાવી દઉં અને તમારામાંનો બળવાન વ્યક્તિ મારા નજીક કમજોર છે અહીં સુધી કે હું તેનાથી બીજાઓનો હક અપાવી દઉં…” અને સમગ્ર જીવન આ સિદ્ધાંતોને વળગેલા રહ્યા.

તેઓ આરબના વિશાળ પ્રદેશના શાસક હતા છતાં અહંકાર અને આંડબરથી દૂર રહ્યા. તેઓ લાખોના સૂટ નહોતા પહેરતા પરંતુ તેમનો દબદબો દુનિયા આખામાં હતો. તેઓ થીગડાં મારેગા વસ્ત્રો પહેરતા અને સાદગીનું જીવન જીવતા. પરંતુ રોમ અને ઈરાન જેવી શક્તિઓને તેમણે પરાસ્ત કરી. તેઓ આપણા ‘લાડલા સેવક’ની જેમ વૈભવી કારો અને હોટલોમાં ફરી લોકોની સેવા નહોતા કરતા પરંતુ રાત્રિના અંધકારમાં ગલી-ગલી નગરનગર વેશભૂષા બદલીને લોકોની પરિસ્થિતિ જાણવા નિકળતા. અપંગો અને નાદારોની સેવા કરતા. તેમના રાજમાં સ્ત્રીઓ એટલી સલામત હતી કે હાથમાં સોનું લઈને સનઆ (ઇરાક)થી મદીના સુધી એકલી સફર કરતી પણ તેમને અલ્લાહ સિવાય બીજા કોઈનો ભય નહોતો લાગતું. તેમના રાજમાં નિર્ભયા કાંડ નહોતું સર્જાતું ન જ સ્ત્રીભ્રુણની હત્યા કરવામાં આવતી. તેઓે પબ્લિક ફંડને ઉત્સવો અને મેળાઓમાં નહોતો વેડફતા. એક એક પાઈનો સદ્ઉપયોગ કરતા. તેઓ મોતના ભયે કે ષડયંત્ર કાજે નિર્દોષોનું એનકાઉન્ટર નહોતા કરાવતા પરંતુ અપરાધીઓને સખત સજા કરતા.

આ કેટલો મોટો વિરોધાભાસ છે. રામચંદ્રે સત્તાનું ત્યાગ કરી વનવાસ વહોર્યો હતો અને રામભકતો સત્તા પર આરૃઢ થવા સ્વાર્થપણું અપનાવે છે ભિષ્મે પણ યુધિષ્ઠરને રાજધર્મ પાળવાની શિખામણ આપી હતી, પરંતુ તેમના ચાહકો ‘કાળધર્મ’ પાળી રહ્યા છે. ગીતા તો નિખાલસભાવે સુકર્મ કરવાનું શિક્ષણ આપે છે અને ભક્તો કુકર્મોના નમૂના બની રહ્યા છે. ધાર્મિક વિદ્વાનો, અધ્યાત્મિક ગુરૃઓ અને જાગૃત નાગરિકોએ એક મંચે અથવા પોતપોતાના મંચથી આવા દંભીઓ, કપટીઓ અને માનવશત્રુ લોકોથી દેશને બચાવવા પ્રયત્નશીલ થવું જોઈએ અને નફરતના કારોબાર કરનારા લોકોની ‘ઘર વાપસી’ કરાવવી જોઈએ. આપણે “ન્યાય લાવો, દેશ બચાવો”ના સૂત્ર હેઠળ મોટાપાયે અભિયાનો ચલાવવા પડશે.

‘જેવું દૂધ તેવું ઘી’ની જેમ રાજનેતાઓ પણ આપણામાંથી આવ્યા છે. તેમનામાં જે ખરાબીઓ છે ઓછા વત્તાઅંશે આપણામાં પણ જોવા મળે છે. આપણે કોઈને શત્રુ સમજીશું તો કોઈ આપણને બીવડાવશે. આપણે વ્યક્તિગત રીતે આત્મમંથન કરીએ. આપણા અંદર ક્યા નૈતિક દૂષણો છે તેને નાબૂદ કરીએ. કોઈ વ્યક્તિ કે સમુદાય પ્રત્યે માનસમાં જે વિકૃતિ અને ગેરસમજ છે તેને દૂર કરીએ. એક બીજાને સમજીએ, ધર્મનું પાલન કરીએ, સંયમ તથા ઇશ્વરનો ભય પોતાના અંદર પેદા કરીએ. સારા કાર્યોમાં એક બીજાને મદદરૃપ થઈએ અને અન્યાય, અત્યાચાર અને જુલ્મ સામે દિવાલ બની ઉભા થઈ જઈએ. તો જ આપણે સશક્ત, વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણનું સ્વપ્ન સાકાર કરી શકીશું.

રાજધર્મ આ છે કે કોઈપણ સ્તરે કોઈપણ નાગરિક તે બહુમતીથી સંબંધ ધરાવતો હોય કે લઘુમતિથી, કોઈપણ ધર્મ અને જ્ઞાતિથી સંબંધ ધરાવતો હોય કે પ્રાંત અને ભાષાથી કોઈના ઉપર જુલ્મ ન થાય અને નાગરિક ધર્મ આ છે કે તેઓ આ જુલ્મ સામે ઉભા થાય.

જો સોતે હૈ નહી કુછ ઝિક્ર ઉનકા, વો તો સોતે હૈ,
મગર જો જાગતે હૈ ઉનમે ભી બેદાર કિતને હૈ

—- sahmed.yuva@gmail.com —-

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments