ધર્મ અને આસ્થાના નામે અંધશ્રદ્ધાનું જેવું ગાંડપણ ભારતમાં જોવા મળે છે તેવું કદાચ ભાગ્યે જ બીજે ક્યાંક જોવા મળશે. ધાર્મિકતા પણ એક નશો છે, જો સાચી રીતે ના સમજાય તો નુકસાનકારક છે. એક બાબત સમજી લેવાની જરૂર છે કે ધર્મ અથવા આસ્થા જો સાચી રીતે સમજવામાં આવે તો તે પ્રેમ, ભાઈચારો અને વિવેકપૂર્ણ વ્યવહાર ને જન્મ આપે છે, પરંતુ તેનાથી ઉલટ જો ધાર્મિકતાનો સાચો મર્મ ના સમજાય તો કટ્ટરવાદનો જન્મ થાય છે અને કટ્ટરવાદ એ આતંકવાદ નું મૂળ છે.
કહેવાય છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ આ એક સર્વોપરી સત્ય નથી. હા, એ વાત સાચી છે કે આજે દુનિયામાં વિવિધ જગ્યાએ ફેલાયેલા આતંકવાદનું મૂળ ફક્ત ધાર્મિક કટ્ટરવાદ નથી, પરંતુ એક સત્ય એ પણ છે કે ધાર્મિક કટ્ટરવાદ પોતે પણ આતંકવાદનું પોષક રહ્યું છે. દુઃખદ વાત આ છે કે આજે દરેક પ્રકારની આતંકી પ્રવુત્તિઓને કોઈ એક જ ધર્મ સાથે સાંકળી લેવામાં આવી રહી છે, જયારે કે હકીકતમાં વૈશ્વિક આતંકવાદનું મૂળ એ રાજકારણીય કુટનિતિઓનું પરિણામ છે.
ભારતદેશ આજે ત્રણ પ્રકાર ના આતંકવાદ સામે ઝૂઝી રહ્યું છે
1. સરહદ પારથી ફેલાતો આતંકવાદ –
પાકિસ્તાન અને ચીન તરફથી અવાર નવાર થતા હુમલાઓ એ બે દેશો વચ્ચેની કુટનિતિઓનું પરિણામ છે જેને ધર્મ સાથે કઈ જ લેવા દેવા નથી. પરંતુ દુર્ભાગ્યે દેશમાં ખાસ કરીને પાકિસ્તાન તરફથી થતી કોઈ પણ આતંકી પ્રવૃત્તિઓના દોષ નો ટોપલો મુસલમાનોના માથે ફોડવામાં આવે છે, જેને વિવિધ રાજકીય પક્ષો પોતાની સત્તા અને સમૃદ્ધિ માટે ઉપયોગ કરી રહ્યા છે. હકીકત આ છે કે ભારત આજે પાકિસ્તાન કરતા વધારે ચીનની અવરચંડાઈઓનો વધારે ભોગ બન્યું છે જે વારંવાર ભારતીય સીમાં ઉલ્લંગન કરે છે.. જેને અરુણાચલ અને કાશ્મીરનો ખુબ જ મોટો ભૂમિ ભાગ ભારત પાસેથી પડાવી લીધો છે, અને જે પાકિસ્તાનનો ખુલ્લો સમર્થક પણ છે. ચીન પાકિસ્તાનને આર્થિક અને સૈન્ય મદદ કરીને ભારતને ભીંસમાં રાખવા માંગે છે અને પાકિસ્તાનનો ઉપયોગ કરીને તે ભારતની આર્થિક રથયાત્રાને રોકવા માટે દરેક પ્રકાર ના તિકડમ અપનાવી રહ્યું છે.
2. નક્સલી આતંકવાદ –
નક્સલી આતંકવાદ એ ભારતની પોતે ઉભી કરેલી આંતરિક સમસ્યા છે જેની સામે ભારત ઘણા વર્ષોથી લડી રહ્યો છે અને એના ખુબ જ ગંભીર પરિણામો અવાર નવાર આપણને સાંભળવા મળે છે. નક્સલ આતંકવાદ ભારતીય રાજનીતિની અસફળતાઓનું પરિણામ છે. હકીકત એ છે કે આજે નક્સલ આતંકવાદ થકી આપણે જેટલા સૈન્યના જવાનો અને સરકારી સંપત્તિઓ ગુમાવી છે તે સરહદ પારથી થતા નુકસાનોથી પણ કંઈક ઘણી વધારે છે. દુર્ભાગ્યે આજે નક્સલ આતંકવાદ ભારતીય રાજનિક પક્ષોની કુટનિતિઓનો એક હિસ્સો બની ગયો છે, જેને આપણે પોતે જ પોષી રહ્યા છે. નક્સલવાદના નાગને જો નાથવામાં નહિ આવે તો હજુ પણ આવનારા દિવસોમાં સૈન્યના હજારો જવાનોના જાનની બલીઓ ચઢતી જ રહેશે… હજારો સ્ત્રીઓ વિધવાઓ થતી રહેશે… હજારો બાળકો અનાથ થતા રહેશે… અને આપણી નપુંશક સરકારો એમની મૃત્યુશય્યા પર હવામાં ગોળીબારી કરી ને પોતાની રાજનીતિક ખીચડી પકાવતી રહેશે.
3. ધાર્મિક આતંકવાદ –
સદભાવના અને ભાઈચારાની ગૌરવ ગાથાઓથી પ્રખ્યાત ભારત દેશ આજે ધાર્મિક કટ્ટરવાદ થકી ધાર્મિક આતંકવાદને હત્થે ચડી ગયું છે. તત્કાલીન ભાજપ સરકારના સત્તામાં આવ્યે પછીના 2 વર્ષોમાં ભારતના બહુસંખ્યક સમાજમાં અલ્પસંખ્યકો પ્રત્યે અચાનક જ કટ્ટરતા અને ધાર્મિક ઉન્માદનું પ્રમાણ વધી ગયેલું જોવા મળી રહ્યું છે. આ વાતાવરણને બગાડવામાં વિવિધ હિન્દૂ સંગઠનો ખાસ કરી ને RSS, બજરંગદળ, વિશ્વ હિન્દૂ પરિષદ, ગૌ-રક્ષક સેના અને એમના સાથે સંલગ્ન અન્ય સંગઠનોનો અગ્રીમ ફાળો રહ્યો છે. દેશનું દુર્ભાગ્ય એ છે કે તત્કાલીન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતે પણ RSSના જ કાર્યકર્તા છે અને સંગઠન જોડે વર્ષોથી સક્રિય છે. આ કારણોસર તેઓ પોતે ઉપરોક્ત સંગઠનોની કટ્ટરવાદી વિચારશેલી અને કાર્યપધ્ધતિના પ્રેરક બની રહ્યા છે. તેમના આગેવાની હેઠળની ભાજપ સરકાર આવા ધાર્મિક ઉન્માદી સંગઠનો ને નાથવામાંમાં સદંતર નિષ્ફળ અને આડકતરી રીતે સહાયક બની રહી છે. આજ કારણોસર, દેશમાં આજે અલ્પસંખ્યકો માં અસુરક્ષાની ભાવના વધી છે.
ખાસ કરીને આજકાલ ‘ગૌ-રક્ષા સેના’ એ દેશભરમાં જે આતંકી ઉત્પાત મચાવ્યો છે, તેના લીધે મુસલમાનો અને દલિતોની હત્યાઓનું પ્રમાણ વધી ગયું છે. ગૌ રક્ષાના નામે ચાલતા આવા સંગઠનો દેશમાં એક પ્રકારનું ગુંડારાજ ચલાવે છે, અને આવા લંપટોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનું સમર્થન પ્રાપ્ત હોય છે. સાચી હકીકત આ છે કે આવા અસામાજિક તત્વોને ગાયની રક્ષા સાથે કઈ જ લેવા દેવા નથી. ગાય તેમના માટે ધાર્મિક પશુ કરતા રાજકીય પશુ વધારે છે. વિવિધ રાજનીતિક દળોની રાજનીતિ આજકાલ ગાયને ફરતે ફરી રહી છે. મોહમ્મદ અખ્લાકની નિર્મમ હત્યાથી શુરુ થયેલી એમની ‘ગૌ રક્ષા’ની ગંદી રાજનીતિ આજે વ્યક્તિગત હેરાનગતિથી ખુબ આગળ વધી ને હત્યા અને લૂંટફાટના એક સુનિયોજિત ષડયંત્રમાં પરિવર્તિત થઇ ચુકી છે.
ગૌ રક્ષાની વાત ખાસ એટલા માટે કરવી છે કેમકે આ મુદ્દાને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી પણ એને ધાર્મિક મુદ્દો બનાવીને અલ્પસંખ્યકો વિરુદ્ધ ધાર્મિક કટ્ટરતા ઉભી કરવા માટે એનો ઉપયોગ થયી રહ્યો છે. આજકાલ એકદમ સુનિયોજિત રીતે ગૌ રક્ષાના નામે ‘ગૌ હત્યા’નો ધંધો ચાલી રહ્યો છે. ગૌ રક્ષાના નામે જપ્ત કરેલા પશુઓને ગૌ રક્ષકો પોતે જ કતલખાનાઓમાં વેચી દે છે અને ખુબ મોટી રકમ કમાય છે. આ રકમનો હિસ્સો સ્થાનીય પોલીસ અને નેતાઓ સુધી પહોંચે છે અને ગૌ રક્ષક ના વેશમાં ફરતા ગુંડાઓ અને અપરાધીઓને આ કારણે જ રાજકીય સરણ હાસિલ છે.
તે દેશ કે જેમાં 80 ટકા હિંદુઓ હોય, અને ગાય ને પવિત્ર ધાર્મિક પશુ માનતી હોય- તેમ છતાં તે દેશ આજે વિશ્વમાં માંસ નિર્યાતમાં નંબર 1 સ્થાન પર હોય ત્યારે આ 80 ટકા હિંદુઓના ધાર્મિક દંભ ઉપર ખુબ જ હસવું આવે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતે જ આ ‘પિન્ક રેવોલ્યૂશન’ના કર્તાધર્તા છે. એક તરફ તો દેશ માંસ નિર્યાતમાં દુનિયામાં સૌથી આગળ જેનું ગૌરવ ખુદ વડાપ્રધાન લે છે, દેશમાં 4 અગ્રણી કતલખાનાઓના માલિકો હિન્દૂ પોતે જ હોય જેઓ વડાપ્રધાન શ્રીને બહોળું ચૂંટણીફંડ આપે છે ત્યારે ગૌ રક્ષાના નામે અલ્પસંખ્યકોની થતી હેરાનગતિ અને હત્યાઓનું રાજકારણીય ષડયંત્ર બંધ થવું જોઈએ. મોદીજીના આગેવાની હેઠળની ભાજપ સરકાર જો ખરેખર પોતાને સાચા હિન્દુવાદી અને હિંદુઓની શુભેચ્છક માનતી હોય તો મોદીજી એ બોલ-બચ્ચન વચનોને બંધ કરીને દેશના બધા જ કતલખાનાઓ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. અગર તેઓ આવું નથી કરી સકતા તો મને આ કહેવામાં કોઈ સંકોચ નથી કે તેઓ ઇતિહાસમાં પ્રથમ એવા વડાપ્રધાન તરીકે યાદ રાખવામાં આવશે જેઓ ‘માનવ રક્ષા’ અને ‘ગૌ રક્ષા’ બંને ધર્મને બજાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. છાતી છપ્પનની થઇ જવાથી કઈ થતું નથી અગર એ છપ્પન ઇંચની છાતીમાં એક કચવાયેલું કલેજું હોય તો.
આજે દેશ બહારથી પ્રેરિત આતંકવાદથી તો આપણે લડી લઈશું, પણ ધર્મ અને રાજનીતિને ભેટે ચડી ગયેલો આ જે આંતરિક આતંકવાદ છે તેને રોકવો એ આપણા સૌ સમક્ષ એક પડકાર છે. સમયની માંગ એ છે કે આપણે સૌ ધાર્મિક ઉન્માદથી બચી ને રહીયે. દેશની પ્રગતિમાં આર્થિક, વૈજ્ઞાનિક, વૈચારિક અને સામાજિક ઢબે સહાયરૂપ બનીયે – એ જ એક સાચા દેશભક્તની નિશાની છે. અગર આપણે ગઁભીરતાથી આ વિશે નહિ વિચારીયે, સામાજિક સદભાવનાનું વાતાવરણ નહિ બનાવીયે અને ધાર્મિક ઉન્માદમાં ભટકતા રહીશું તો પછી જયારે કે દુનિયાના બાકી દેશો આર્થિક અને વૈજ્ઞાનિક સફળતાઓની સિદ્ધિઓ ગણાવી રહ્યા છે ત્યારે આપણે ગૌ મૂત્રમાં સોનું અને ગોબરમાં યુરેનિયુમ શોધવામાં જ રહી જઇશુ..
Email: hamzarx@rediffmail.com