બિહારમાં ચૂંટણીના બે ચરણ સમાપ્ત થઇ ગયા. આ વખતે ધારણા કરતાં વધુ મતદાન થયું. મતદાનની વધેલી ટકાવારીથી કોને ફાયદો થશે અને કોને નુકસાન જશે એ આવનારો સમય બતાવશે. પરંતુ ચૂંટણી સભાઓમાં જે રીતે વાયદાઓની લ્હાણી કરવામાં આવી અને આરોપ-પ્રત્યારોપના જે ઉદાહરણો અંકિત થયા તે ચર્ચાનો વિષય છે. ચૂંટણીમાં કરવામાં આવતી વાતોથી એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે કોઇ પણ પક્ષને જનતાની મૂળભૂત સમસ્યાઓથી કોઇ નિસ્બત નથી હોતી. ગમે તે રીતે લોભ, લાલચ, ધર્મ, જાતિ, ધાક-ધમકી,અને દબાણના શસ્ત્રોના ઉપયોગ દ્વારા પોતાના પક્ષને મત મળે અને સત્તા હાંસલ થઇ જાય. પછી ભોળી જનતા બે ટંકના રોટલા રળવાની તાલાવેલીમાં એટલી વ્યસ્ત થઇ જાય છે કે પૂછવાનો ટાઇમ જ નથી રહેતો કે જે આધાર પર મત મેળવ્યા હતા તેના પર કેટલો અમલ થયો.
પ્રધાનમંત્રીના મોઢેથી બિહારની ચૂંટણી સભાઓમાં જંગલરાજ-જંગલરાજની મોટા બૂમબરાડા સંભળાયા. આમ જોઇએ તો બિહારની આર્થિક અને માળખાગત સુવિધાઓની પરિસ્થિતિમાં કોઇ મોટો ફેર નથી પડયો છતાં નીતિશકુમારના નેતૃત્વમાં સરકારે રાજ્યને પ્રગતિના પંથે લઇ જવામાં સફળતા જરૃર મેળવી છે. બિહારમાં જંગલરાજ હોવાનું કહેતા પ્રધાનમંત્રીએ વિચારવું જોઇએ કે પોતે દેશમાં ક્યા ‘રાજ’ની સ્થાપના કરવા જઇ રહ્યા છે? જો પ્રધાનમંત્રી દેશને આદર્શરાજ તરફ દોરી જતા હોય તો બિહારમાં જંગલરાજ છે તેમ તેમનું કહેવું વાજબી ગણાય. પરંતુ પરિસ્થિતિ કઇંક જુદી જ છે.
ગયા મહિને દાદરીના બિસાડા ગામે મુહમ્મદ અખલાક નામની વ્યક્તિને ગૌમાંસ ખાવાની અને સંગ્રહવાની અફવાને લઇ ગામજનોએ મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધો. દેશની બહુમતિ ધરાવતી પ્રજાએ કાયદો અને વ્યવસ્થાને જાણે પોતાના હાથમાં લઇ લીધો હોય. દેશના સર્વોચ્ચ હોદ્દાએ બિરાજમાન વ્યક્તિની રહસ્મયી ખામોશી અને આવી ઘટનાથી સંપૂર્ણપણે આંખ આડા કાન કરવું દેશને અરાજક્તા તરફ દોરી જશે. દેશમાં ગાયની કતલ અને ગૌમાંસના સેવન પર કાયદો બન્યો છે જેમાં જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી જોગવાઇઓ કરવામાં આવી છે. એ જોગવાઇઓ અંતર્ગત કસૂરવાર વ્યક્તિને એક લાખનો દંડ તેમજ પાંચ વર્ષ સુધીની સજાનો ઉલ્લેખ છે. જો ઓરોપ પુરવાર થાય તો જ વ્યક્તિ આ સજાને પાત્ર ઠરે છે. પરંતુ અહીં પરિસ્થિતિ એ છે કે એક અફવાથી પ્રેરાઈને લોકોએ એક વ્યક્તિને બેરહમીથી મારી નાખી અને પાછળથી ફોરેન્સિક લેબનો રિપોર્ટ ગૌમાંસ નહીં હોવાનો ચુકાદો આવ્યો છે.
કન્નડ લેખક કલબુર્ગીને મારી નાખ્યા પછી સાહિત્ય એકાદમી એવાર્ડ પરત કરવાનો સિલસિલો શરૃ થયો. અત્યાર સુધી ૨૦થી વધુ સાહિત્યકારોએ એકેડમી એવોર્ડ પરત કર્યા છે, જે દેશ માટે ખૂબ જ શર્મનાક બાબત છે. રાજ્ય સ્તરના એક્ષટર્નલ અફેર મિનિસ્ટર જનરલ વી.કે.સિંહ બફાટ કરતા કહે છે કે હમણાં કેમ એવોર્ડ પરત કર્યાે? સાહિત્યકારો, લેખકો અને બુદ્ધિજીવીઓ દ્વારા આ રીતે એવોર્ડ પરત કરવા નાની-સૂની વાત નથી. સરકાર પ્રત્યે તેમના મનમાં કોઈ વિશ્વાસ બાકી ન રહ્યો હોય તેવું લાગે છે.
સત્તારૃઢ ભાજપના ઉત્તરપ્રદેશના એમ.એલ.એ. સંગીતસોમ, એમ.પી. સાક્ષી મહારાજ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વગેરેે બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. આ નેતાઓએ સરકારની ઊંઘ હરામ કરી નાંખી છે. તદ્દન બે જવાબદાર નિવેદનો અને વાણી-વિલાસને કારણે સરકાર ટીકાઓના ઘેરામાં આવી ગઈ છે. વર્તમાન પ્રધાનમંત્રી પૂર્વપ્રધાનમંત્રીને ‘મનમૌનસિંહ’ કહેતા હતા. આજે તેમણે પણ મૌન ધારણ કર્યું છે! તેમના મૌનના બે મતલબ હોઈ શકે; પ્રથમ તો તેમના તરફથી આવા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા કૃત્યો અને વાણી-વિલાસને છૂપો ટેકો અને સહમતી છે. બીજું તેમની પાસે તેમના પોતાના જ નેતાઓ અને આગેવાનોને સમજાવવા માટે પૂરતા શબ્દો નથી કે જેથી સાંપ પણ મરી જાય અને દંડો પણ સલામત રહે.
એક તરફ લોકશાહી અને બિનસાંપ્રદાયિક દેશમાં ‘સાંપ્રદાયિકતા’ને મજબૂતી મળે તેવા તમામ અવસરો પૂરા પાડવામાં આવી રહ્યા છે. બીજી તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. તુવેર દાળ તમામ રેકોર્ડ તોડી ૨૦૦ રૃા. કિલો વેચાઈ રહી છે. નવાઈની વાત છે દાળનો ભાવ ચીકન કરતાં વધી ગયા છે. આ સરકારે ગરીબની ‘દાળ રોટી’ પણ સલામત નથી રાખી.!!! દેશમાં સમસ્યાઓનો કોઈ પાર નથી અને આ સરકારના આગમન પછી સમસ્યાઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.
એન.જે.એ.સી. (નેશનલ જ્યુડિશરી એપોઇન્ટમેન્ટ કમીશન)નો કાયદો બનાવી દેશમાં ન્યાયિક પ્રક્રિયાને દૂષિત કરવાનો જે નાપાક પ્રયત્ન પાછલા વર્ષે કરવામાં આવ્યો હતો તેને સુુપ્રિમ કોર્ટે જોરદાર લપડાક આપી છે અને નિર્ભયતાપૂર્ણ પોતાના સ્વતંત્ર વજૂદનો પરચો બતાવતા એન.જે.એ.સી. ને બંધારણ વિરુદ્ધ કહી જજોની નિમણૂક કરવાની કોલેજિયમ સિસ્ટમ ફરી લાગુ કરવાનો જબરદસ્ત ચુકાદો આપ્યો છે. દેશની લોકશાહીની પરિસ્થિતિને જોતાં પ્રધાનમંત્રીના બિહારમાં જંગલરાજના બૂમબરાડા પાયાવિહોણા લાગે છે અને તેમના હસ્તક દેશમાં જંગલરાજ જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે. દેશમાં વર્તમાન સરકારે આદર્શ રાજની સ્થાપનાના પ્રયત્નો કરવા જોઈએ. ફકત વાતો કરી મનની વાત કહી ટ્વિટર કરી આદર્શ રાજ સ્થાપી શકાય નહીં. આદર્શ રાજની સ્થાપના માટે સૌથી પહેલો નિયમ છે કે કોઈપણ વ્યક્તિની નાહક હત્યા ન થવી જોઈએ. કોઈપણ રાજ્યમાં સૌથી મહત્વનો અંગ ‘માણસ’ છે કોઈ પ્રાણી નહીં. તેથી જ કુઆર્નમાં કહેવામાં આવ્યું છે, “જેણે કોઈ વ્યક્તિના ખૂનના બદલે કે ધરતી પર બગાડ ફેલાવવા સિવાય, કોઈ અન્ય કારણસર હત્યા કરી, તેણે જાણે કે સમગ્ર માનવ-જાતની હત્યા કરી અને જેણે કોઈને જીવન પ્રદાન કર્યું, તેણે જાણે કે સમગ્ર માનવ-જાતને જીવન પ્રદાન કર્યું.” (સૂરઃ માઇદહ-૩૨)
બીજું આદર્શ રાજ માટે જરૂરી છે કે દેશનો નેતા રાજનેતા હોય અને પોતે લોકો માટે આદર્શ હોય. પરંતુ પરિસ્થિતિ કંઇક જુદી જ છે. પ્રધાનમંત્રી માટે મહારાષ્ટ્રમાં તેમના જ સાથી પક્ષ શિવસેનાના સંજયરાઉત કહે છે કે “મોદીની ઓળખાણ ગોધરાથી છે”. તો પછી મોદીનો વિરોધ કરનારા લોકોને શુ પૂછવું!
આદર્શ રાજ જેમણે સ્થાપ્યું હતંુ અને જેમના સિદ્ધાંતો પર દેશ તથા રાજ્ય ચલાવવાના નિવેદનો ભૂતકાળમાં ગાંધીજી અને કેજરીવાલ કરી ચૂકયા છે તેવા હઝરત ઉમર રદિ. જેમની સત્તા આજથી ૧૪૦૦ વર્ષ પહેલાં આરબથી લઈને યુરોપ સુધી ફેલાયેલી હતી તે શામ (આજનો સીરિયા)ની મુલાકાતે ગયા જ્યાં તેમણે ત્યાંના ગવર્નર અબૂ ઉબાદા રદિ.ને મળ્યા. અને તેમનું ઘર જોવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમને એમ હતું કે રાજ્યના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજ્યા પછી તેમનું ઘર આલીશાન હશે. અબૂઉબાદા રદિ.એ કહ્યું કે, મારૃં ઘર જોઈ તમારી આંખો આંસુ સારસે. છતાં અમીરુલમોમીનીન હઝરત ઉમર રદિ.ના કહેવાથી અબુઉબાદાએ તેમને પોતાના ઘરે લઇ ગયા. ચાલતાં ચાલતાં શહેરની આખી વસ્તી પસાર થઇ ગઇ. ઉમર રદી.એ પૂછયું કે, હવે તો વીરાન જગ્યા જ છે તમારૃં ઘર ક્યાં છે? અબૂ ઉબાદા રદિ.એ દૂર એકાંતમાં આવેલી એક ઝૂંપડી તરફ ઇશારો કરતાં કહ્યું, તે મારૃં ઘર છે. ઝૂંપડીમાં એક નમાઝ પઢવાની ચાદર હતી, એક પ્યાલો હતો અને સૂકી રોટલીઓ હતી. અબૂઉબાદા રદિ.એ જણાવ્યું કે આ નમાઝ પઢવાની ચાદર પર જ ઊંઘી જાવ છું અને સ્ત્રી મને બે ત્રણ દિવસ માટે એકઠી રોટલી બનાવી આપે છે. આ રોટલીઓને પ્યાલામાં પાણી સાથે ખાઈ લઉ છું. ઉમર રદિ. આંખોથી આંસુ સરી રહ્યા હતા. આપ રદિ.એ કહ્યું, તમારી પાસે આટલો ઊંચો હોદ્દો અને મોટી સત્તા હોવા છતાં તમે બિલ્કુલ ન બદલાયા.
મોટી સત્તા અને હોદ્દાથી ભલભલા પોતાનો ધ્યેય ભૂલી દુનિયાની રંગીનીમાં રંગાઈ જાય છે. જેમ આજે દેશના નેતાઓ ભાન ભૂલી સત્તાના નશામાં મદમસ્ત અને બેફામ બન્યા છે. આદર્શરાજ માટે જરૂરી છે કે વ્યક્તિ પોતાની મોતને યાદ રાખે અને આ જીવનના દરેક પળનો હિસાબ એક અલ્લાહને આપવાનો છે તેવી શ્રદ્ધા રાખે. તેમજ મૃત્યુ પછીના અનંત જીવન વિશે વિચારે. આ આદર્શોને જ્યાં સુધી પોતાના વ્યક્તિત્વમાં ઢાળવામાં નહીં આવે ત્યાં સુધી આદર્શરાજની સ્થાપના શક્ય નથી.