પ્રેમ એક પવિત્ર શબ્દ છે. પ્રેમ થકી જ આ સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય છે. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ અને મૂડીવાદી લોકોના ભૌતિક સ્વાર્થ અને લાભો મેળવવાની માનસિકતાએ આજે પ્રેમનું કૃત્રિમ સ્વરૃપ લઈ લીધું છે. પરિસ્થિતિ આ છે કે સજ્જન વ્યક્તિને પોતાની જીભથી ‘પ્રેમ’ શબ્દ કાઢવામાં જ ધ્રૂજારી ચાળી જાય છે. તેને બદનામીની બીક લાગે છે. ‘વેલેન્ટાઈન ડે’ કશું નથી પરંતુ પૈસા વેેડફવા અને પશ્ચિમી સંસ્કૃતિ ફેલાવવાનું એક ષડયંત્ર છે.
આજે ક્ષણિક આકર્ષણ અને વાસનાને પ્રેમનું નામ આપી દેવાયું છે. વાસ્તવમાં આ કામેચ્છાનો પડછાયો છે. પ્રેમમાં વ્યાપકતા અને વિશાળતા છે, જ્યારે કે ‘વેલેન્ટાઈન ડે’ના નામે તેને અનૈતિક, સંકુચિત અને સીમિત કરી દેવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ કે સમાજ કદાપિ પ્રેમના વિરુદ્ધ હોઈ શકે નહીં. નૈતિક શિક્ષાઓમાં ‘પ્રેમ’ ધમાનો મૂળ સાર છે.
પ્રેમથી બાળકનો ઉછેર થાય છે, પ્રેમથી જ વ્યક્તિનું નૈતિક સીંચન થાય છે, ત્યાગ અને બલિદાનનું શિક્ષણ પ્રેમ જ આપી શકે, દુઃખ વેઠીને સુખ આપવાની કળા પ્રેમ જ શીખવે છે, પોતે ભૂખ્યા રહીને બીજાને જમાડવાની હિમ્મત પ્રેમ જ આપે છે, પ્રેમથી જ બે સમાજો અને ધર્મો વચ્ચે સૌહાર્દનું વાતાવરણ ઉત્પન્ન થાય છે, પ્રેમ એક એવી ઉર્જાનું નામ છે જે સમાજને જીવંત રાખે છે.
ઇતિહાસ સાક્ષી છે કે જે કામ તલવાર અને યુદ્ધથી શકય નથી બન્યું એ પ્રેમની સુનામીએ કરી બતાવ્યું. પ્રેમ કરનારા વ્યક્તિના મન-મસ્તિષ્કમાં શાંતિ હિલોડા લે છે; અને જ્યાં પ્રેમનો અભાવ છે ત્યાં અશાંતિ ઉદ્ભવે છે, હિંસા અને ખૂનામરકી જન્મ લે છે, જુલ્મ અને અત્યાચાર માથે ચઢીને બોલે છે, અને સમગ્ર સમાજ ભય અને આતંકના ઓથા હેઠળ બિનવિશ્વાસુ જીવન જીવે છે.
ઇસ્લામ ધર્મે પ્રેમના આ મહત્ત્વના કારણે જ તેના ઉપર ખૂબ જ ભાર મૂક્યું છે. કુઆર્નમાં કહેવાયું છે કે, ઈમાનવાળા લોકો સૌથી વધુ અલ્લાહને પ્રેમ કરે છે જે પ્રેમ, કૃપા અને દયાનો સાગર છે.
દુનિયામાં સૌથી મોટું પ્રેમનું પ્રતીક મા છે. તેથી જ તેને મમતાની મૂર્તિ કહેવામાં આવે છે. પરંતુ આપણો પાલનહાર તે માતાથી ૭૦ ગણું વધારે આપણાથી પ્રેમ કરે છે. વ્યક્તિ કોઈના રંગ-રૃપ કે જ્ઞાાન અથવા વિશેષ ગુણથી આકર્ષાઈને જે પ્રેમમાં પડે છે એ માત્ર તે વસ્તુનું ભૌતિક આકર્ષણ છે અને આ બધી વસ્તુઓ પણ નાશવંત છે. તમામ સુંદર ગુણો અને જ્ઞાાનનો મૂળ તો અલ્લાહ જ છે, અને તેની કૃપા અસીમ છે, અને તે અવિનાશી છે. દુનિયામાં આપણું જીવન ટકી રહે તે માટે અલ્લાહે સુંદર વ્યવસ્થા કરી છે. સૃષ્ટિની દરેક વસ્તુ મનુષ્યની સેવા માટે બનાવી છે. તેથી જ આપણેે તેને જ પ્રેમ કરવો જોઈએ. અર્થાત્ આપણા સર્જનહાર અલ્લાહને જ.
તેના પછી આપણા પ્રેમના વાસ્તવિક હકદાર આપણા માતા-પિતા છે. તેમને પ્રેમ ન કરવું એ માત્ર નૈતિક દૂષણ જ નહીં બલ્કે મોટી કૃતઘ્નતા છે. ત્યારબાદ આપણે પોતાના સગા-વ્હાલાઓને પ્રેમ કરવો જોઈએ કે જેમનાથી આપણે ઘણું બધુ શીખ્યા છીએ. ઇસ્લામે માત્ર મુસલમાનોને જ નહીં બલ્કે સમગ્ર માનવજાતિને પ્રેમ કરવાનું શિક્ષણ આપ્યું છે. આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે સમગ્ર સૃષ્ટિ અલ્લાહનું કુટુંબ છે. જે તેમની ઉપર દયા નથી કરતો તેમના ઉપર દયા કરવામાં નથી આવતી. વ્યક્તિ દુનિયામાં પોતાની જાતને સૌથી વધુ પ્રેમ કરતી હોય છે. આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે કોઈ વ્યક્તિ મો’મિન નથી હોઈ શકતી જ્યાં સુધી પોતાના ભાઈ માટે એ વસ્તુ પસંદ ન કરે જે પોતાના માટે કરે છે. ઇસ્લામ ધર્મે નાના જીવ-જંતુઓને પણ તકલીફ આપવાની મનાઈ ફરમાવી છે.
આજે નવયુવાનો અને વિદ્યાર્થી મિત્રો વેલેનટાઈનના નામે પ્રેમની જે અભિવ્યક્તિની વાત કરે છે વાસ્તવમાં તેની પાછળ કામાતુરતા છે. ‘મુહબ્બત જિસકો સમઝે થે વો એક પરતવ હવસ કા થા.’
આ વાસનામય કાદવથી પોતાના ચારિત્ર્યને કલંકિત ન કરો. પોતાના સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યોની રક્ષા કરજો. આવા ‘જે’ નિર્લજ્જને પ્રમોટ કરે છે અને અશ્લીલતાને વેગ આપે છે જે શૈતાનની ચાલ છે.
‘માનવ’ બે વસ્તુઓનું સંયોજન છે. એક શરીર બીજી આત્મા. પ્રેમએ આત્મીય ગુણ છે જે વ્યક્તિને પ્રગતિ, શાંતિ તરફ લઈ જાય છે. કામાતુરતાએ શારીરિક જરૃર છે, જેના પર નિયંત્રણ લાદવામાં ન આવે, તો વ્યક્તિનું નૈતિક પતન નિશ્ચિત છે. ઇસ્લામે આ કામેચ્છાને વિધિસર નિયંત્રિત કરી છે અને નિકાહ (લગ્ન)ને અડધું ઈમાન ગણાવ્યું છે. એટલે જ ઇસ્લામમાં સન્યાસ નથી. ઇસ્લામ આધ્યાત્મિક અને ભૌતિક પ્રગતિ-ઉન્નતિ વચ્ચે સંતુલન જાળવવાનું સુંદર શિક્ષણ આપે છે. હા, કોઈ પાત્ર તમને ગમે તો સભ્ય રીતે પોતાના વડીલો દ્વારા પયગામ મોકલાવી શકો. પરંતુ જ્યાં સુધી તમે નિકાહના બંધનમાં બંધાઈ ન જાવ ત્યાં સુધી કોઈ વિજાતીય પાત્રને એકલા મળવા, ડેટિંગ પર જવા તથા સાથે ફરવા જવાની પરવાનગી નથી આપતો; અને મોટા ભાગે ‘લવ સફર’ નિષ્ફળ જ નીવડે છે. તમને જે પાત્ર ગમે છે તેને પરણવા કરતાં તમે જેણે પરણ્યા છો તેને ગમશો અને પ્રેમ કરશો તો તમારૃ સમાજ જીવન પણ સફળ થશે અને અલ્લાહ પણ તમારાથી ખુશ થશે.!!!