Friday, November 22, 2024
Homeમનોમથંનતંત્રી લેખ ...

તંત્રી લેખ …

૧૬મી લોકસભાના ચૂંટણી જગંના એક પછી એક તબક્કા પુરા થઇ રહ્યા છે. દરેક રાજ્યમાં ઉત્સાહભેર મતદાન થઇ રહ્યું છે. ત્રાસવાદગ્રસ્ત અને નકસલવાદગ્રસ્ત રાજ્યોમાં જ્યારે ૭૦ ટકા જેટલું મતદાન થાય ત્યારે એટલું તો ચોક્કસ કહી શકાય કે ભારતની પ્રજા જવાબદારી પૂર્વક વર્તીને લોકશાહીના મહાપર્વને મન મુકીને મનાવી રહી છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ૭૦ ટકા જેટલું મતદાન થાય તે પણ શાંતિપૂર્વક પસાર થાય ત્યારે ચુંટણીપંચની પ્રશંસા કરવાનું મન થઇ આવે છે. લોકો હોંશે હોંશે લોકશાહીને મજબૂત બનાવતી આ પ્રક્રિયામાં જોડાઇ રહ્યા છે.

ચુંટણીઓ તો દર પાંચ વર્ષે આવે જ છે. વિધાનસભા કે સંસદની એ હકીકત છે. પણ અત્યારે આ ૧૬મી લોકસભાની ચુંટણીનો જે માહોલ ઉભો કરવામાં આવ્યો છે. તે ઘણી બધી રીતે ઘણો જ સુચક અને સમજવાલાયક છે. મોટા અને નાના દરેક પક્ષો અને કેટલીક ખાસ વ્યક્તિઓને પોતાના અસ્તિત્વનો સવાલ છે. કમરતોડ મોંઘવારી, અકલ્પનીય ભ્રષ્ટાચાર, વહીવટમાં પારદર્શકતાનો અભાવ, નેતાઓના અતાર્કિક અને બેજવાબદારીભર્યા નિવેદનો, હલકી કક્ષાની કોમેન્ટ, વ્યક્તિગત આક્ષેપોથી મતદારો મુંઝવણ અનુભવી રહ્યા છે. સમજદાર વર્ગ જાણે છે કે આ બેફામ નિવેદનબાજીમાં દેશની પ્રજાના મૂળ પ્રશ્નો કોરાણે મુકી દેવામાં આવ્યા છે. આ દેશના રાજકરણીઓ અને સત્તાભોગવતા લોકો એ ભારતની પ્રજાને વિવિધ પ્રલોભનો આપીને છેતર્યા જ કરી છે. અને ભારતની શાણી પ્રજાને ધોળે દિવસે તારાની જેમ હથેળીમાં ચાંદ બતાવવામાં આવી રહ્યા છે. ભારત જેવા વિશાળ દેશની ગુંચવાયેલી વ્યવસ્થા આવી રીતે કંઇ રાતોરાત બદલાઇ શકે જ નહીં. અવ્યવસ્થા અસમાનતા, અન્યાય વગેરેનો ઉકેલ લાવવો એ કોઇ નાનીસુની વાત નથી અને કોઇના માટે પણ સરળ નથી. સત્તા મેળવતા પહેલા અપાયેલા પ્રવચનો સત્તા મેળવ્યા પછી ભૂલી જવામાં આવતા હોય છે. ખુદ્દાર ભારતીય બધા જ પ્રકારની અછતની વચ્ચે પણ કોઇ કહેવાતા ચમરપંથી કે વિકાસની નરીવાર્તા કરનારાઓની જરા સરખી પણ આશ રાખ્યા વગર પોતાના વિકાસની રીતો પોતે જ શોધે છે. બધી જ સમસ્યાઓ હોવા છતાં સામાન્ય ભારતીય પોતાનો રસ્તો પોતે જ પસંદ કરે છે.

ભારતની આઝાદી પછી કોંગ્રેસે લગભગ પચાસ વર્ષો સુધી શાસન કર્યું છે. કોંગ્રેસે પણ આ પચાસ વર્ષો દરમિયાન હંમેશા ધર્મનિરપેક્ષતાની સાથે જ ચુંટણીઓ લડીને સફળ થઇ છે. પરંતુ તેની કથની અને કરણીમાં મહદ્ંશે પ્રતિકૂળતા પ્રતિત થઇ છે. બીજી બાજુ આર.એસ.એસ. તથા તેની રાજકીય વિંગ સમા ભાજપે તો તેનો ફાસીવાદી અને કટ્ટર હિન્દુત્વવાદી ચહેરો સ્પષ્ટ રૃપે ખુલ્લો કરીને તેના ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટે કોમી તોફાનો, નરસંહાર, નફરત વગેરેનો સહારો લઇને ભારતની ગંગા-જમુની સંસ્કૃતિને ભસ્મીભૂત કરી દિધી છે.

આજે એ પરિસ્થિતી છે કે, જેમાં દુનિયાની સૌથી મોટી લોકશાહીનો મહાપર્વ ઉજવાય રહ્યો છે. ત્યારે જનતાની ભૂમિકાની મહત્તા સવિશેષ વધી જાય છે. જનતાએ આવા સાંપ્રદાયિક સૌહાર્દ, ધર્મનિરપેક્ષ મુલ્યોને નજર સમક્ષ રાખી ઉમેદવારને ચુંટીને સંસદમાં મોકલવા જોઇએ. ફાસીવાદી માનસિક્તા અને ભાગલાવાદી રાજકારણને સંપૂર્ણ ઝાકારો આપવો જ પડશે. આપણે આપણા મતનું મુલ્ય સમજી તેનો યોગ્ય ઉપયોગ કરી મતદાન દ્વારા ફાસીવાદી તાકાતોને નશ્યત કરી તેમની હૈસિયત બતાવી સમગ્ર સમાજ અને દેશ સમક્ષ એક જવાબદાર નાગરીક તરીકેની પોતાની જવાબદારી અદા કરી રાજકારણ અને દેશને તમામ બુરાઇઓથી બચાવી સત્યમાર્ગના સાચા નિમંત્રક બની પોતાની જવાબદારી નિભાવીએ.

ખેર, રાજકીય ઉથલપાથલ સર્જાવાની સાથે કથિત વિકાસનો ફુગ્ગો ફુટીને અણધાર્યા પરિણામોના એંધાણ તો વર્તાઇ જ રહ્યા છે પરંતુ સાથે સાથે વિદ્યાર્થીજગતમાં પણ લગભગ વર્ષનો મોટો તહેવાર સમો પરીક્ષા પર્વ પૂર્ણ થવાને આરે છે, મહદ્ંશે પૂરી પણ થઇ ગઇ છે. ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સમિત તેમના કરીયર સંબંધે ચિંતીત પણ હશે જ. વિદ્યાર્થીઓઓમાં રહેલી પ્રતિભા કઇ અટકતી નથી પરંતુ તેે અવિરત પણે તેના લક્ષ્ય ને વધુ ઉંચે લઇ જવા સતત ગતિશીલ જ હોય છે કે જ્યાં સુધી તે પોતાના અંતિમબિંદુને સ્પર્શ ન કરી લે. ઇતિહાસને ઝંઝોળીએ તો અગણિત ઉદાહરણો સાથે આપણને સ્પષ્ટરૃપે પ્રતિત થાય જ છે કે જેમણે તેમની પ્રતિભાઓ માટે સંઘર્ષ કર્યા છે તેઓ ચોક્કસ પોતાના લક્ષ્યને સર કરવામાં સફળ રહ્યા છે. આ અંકમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને કરીયર સંબંધી સામે આવતી મુશ્કેલીઓના ઉકેલ લાવવા બહુ જ સુંદર માર્ગદર્શન કરવામાં આવ્યું છે. આશા છે કે આપ સૌ કરીયર સંબંધી પ્રસ્તુત અમારા આ નાનકડા પ્રયાસથી લાભાન્વિત થશો જ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments