તે ફરી આપણને બનાવવા આવી રહ્યા છે. મુરખ જ નહીં પરંતુ મુરખ ગુલામ બનાવવા.
હા ! ખરેખર જ આટલું જ ઘૃણાસ્પદ દૃશ્ય હશે. આપણને ખબર નથી પડતી. આપણી પર સીધી અસર નથી કરતાં ઉમેદવાર. આથી, અપ્રત્યક્ષ રીતે કરે છે ઇજાઓ!
સવાલ અંહિ એ છે કે સીધી અસર કેમ નથી કરતા ? કારણ માત્ર બે જ. એક તો આજે સમગ્ર ચુંટણી ભ્રષ્ટાચારના મુદ્દે લડવામાં આવી રહી છે. તો કેમ ભ્રષ્ટ ફરીથી ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે ? કારણ એક તો એ કે આપણે પૂછતા નથી આવો અણીયાળો સવાલ !
બીજુ, જ્યાં સુધી ન્યાયાલય સજા નથી આપતું, ત્યાં સુધી બધા ઈમાનદાર છે. ક્યું ન્યાયાલય ન્યાય કરશે ? દંડ આપશે ? સેશન્સ, જિલ્લા, ઉચ્ચ, સર્વોચ્ચ. બધામાં અપીલ, દલીલ અને વકીલ.
આથી, એ સિધ્ધ થવું અશક્ય જ હશે કે તમારો ઉમેદવાર ભ્રષ્ટ છે. પરંતુ આપણે તે સિધ્ધ કરવું જ પડશે. આપણે કરીશું. આપણી પાસે બુદ્ધિ છે અને બધું જ સમજીએ છીએ. બસ, કરો એટલું જ કે તેને નિર્મમતાથી હરાવી દો, આપણા બાળકો માટે જે સુંદર – સ્વસ્થ – સ્વચ્છ રાષ્ટ્રની કલ્પના આપણે કરીએ છીએ તેના અસલ શિલ્પી તો આપણે પોતે જ છીએ.
કારણ બીજુ તો, કહેવાતા વિકાસ અને કહેવાતી સિધ્ધીઓનો મિથ્યા દેખાડો. વિકાસની કોઠી પાછળ સંતાયો છે, માત્ર ભ્રમ, આંડબર અને આત્મસંમોહન.
નોર્મન મેઇલર અમેરિકાના એક મહાન નવલકથાકાર સાથે માનવ સ્વભાવના જાણકાર હતા. આજે જો તે જીવતા હોત તો નરેન્દ્ર મોદીને ચારેકોર ભારતમાં ફરીને અવનવા વાઘા પહેરીને પોતાના ઉપર જ પોતે સંમોહિત થાય છે તે જોઈને કહેતા કે આવા પોલિટીશીયન જે નાર્સિસ્ટને (સ્વ સંમોહિત – પોતાના ઉપર જ મોહી જનારા) છે તેને આવા સ્વભાવ થકી એક જનાવર જેવું બળ મળે છે ! જે સ્વભાવ માત્ર અમુક વઢકણી વહુઓ અને કુસ્તીબાજોમાં હોય છે. નાર્સિઝમ એ બહું જ ચર્ચાયેલું વિશેષણ છે જેને સેલ્ફ ડિસેપ્શન, સેલ્ફ લવ, વેનિટી (મિથ્યાભિમાન) પણ કહે છે. પરંતુ નરેન્દ્ર મોદી જેને ભારતના મનોવિજ્ઞાનીઓ આજે જગતના સર્વશ્રેષ્ઠ અને એક નંબરના નાર્સિસ્ટ કહે છે તેને સેમ્યુઅલ ટેલર કુલરીજે ચેતવ્યા છે કે ”તમે ભલે તમારા ઉપર મોહિત થતા હો, પણ અંદરથી તો બીકણ હો છો, હિંમતવગરના હો છો, તમે તમારા કોન્સિયસ (આત્મચેતના) સાથે ખેલ ખેલો છો, પરંતુ યાદ રાખો કે તમે તમારી સાચી જાતને તમારાથીયે સંતાડી શકશો નહીં. માટે જ લોકોનો સાચો પ્રેમ મેળવો.”
આવો, આવી ગુલાબી ગુલબાંગો વચ્ચે ગુજરાતની વરવી વાસ્તવિકતા તરફ કરીએ એક આંછેરી નઝર. ગુજરાતીમાં એક કહેવત છે ”ખાલી ચણો વાગે ઘણો”. બસ, આ જ પરિસ્થિતિ છે આપણા રાજ્યની. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની નિતીઓની દેશમાં સૌથી વધારે વરવી અસર ક્યાંય થઈ હોય તો તે ગુજરાતમાં થઈ છે જેને ગુજરાત મોડેલ કહેવામાં આવે છે તે હકીકતમાં કોર્પોરેટ સેક્ટરના હિત અને રાજ્યના હિતનું મેળાપીપણું – એકરારપણું છે. વિકાસનું આ ગુજરાત મોડેલ હકીકતે ગરીબ લોકોની જમીન અને રોટી ઝુંટવનારું – અમાનવીય – ક્રુર અને નિર્દય છે. અંહિયા સંમતિ મેન્યુફેક્ચર કરવામાં આવે છે અને ‘પ્રોફિટ ઓવર પીપલ’ની રાજ્યની કાર્યશૈલી છે. તો પ્રચારની શૈલી ગ્લોબેલિયન છે. એટલે કે એક જુઠ્ઠાણાને વારંવાર દોહરાવીને તેને જ સત્ય તરીકે રજૂ કરવામાં આવે છે.
રાજ્યમાં સત્યને દફનાવી દેવામાં આવ્યું છે અને મુક્ત અભિવ્યક્તિનું ગળું ઘોટી દેવામાં આવ્યું છે. સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારો કે જે લોકશાહીનો આત્મા છે તે અંહિયા જોજનો દૂર છે. સત્તામાં બેઠેલાએની નાગરિકોની અંગત જિંદગી ઉપરની ‘બાજનજર’નો પર્દાફાશ તાજેતરની સ્નૂપિંગની ઘટનાએ કર્યો છે. એના ઓછાયા નીચે રાજ્યનું વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર પણ છે.
દેશની સમાજ સુધારણા ચળવળમાં સ્વાતંત્ર્યસંગ્રામમાં ગુજરાતે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અરે ! ભ્રષ્ટાચાર સામેની લડત એટલે કે દેશમાં લોકનાયક જયપ્રકાશ નારાયણના આંદોલનની ભૂમિકા પણ અંહિના નવનિર્માણ આંદોલને બાંધી આપી હતી. પરંતુ, વિકાસના ગુજરાત મોડેલની વાહવાહ માટે માધ્યમો દ્વારા આંકડાઓનો મારો ચલાવવામાં આવે છે. તેની સામે રાજ્યમાં ગરીબી, બેકારી, કુપોષણ, આત્મહત્યાઓ, મહિલાઓ, દલિતો, લઘુમતીઓ અને નાગરિક અધિકારોના હનનના પણ મસમોટા આંકડા છે.
ગુજરાતને હળાહળ અન્યાયની બુમરાળ લોકોમાં ‘સંકીર્ણ પ્રદેશવાદ’ની લાગણીઓ ભડકાવવા માટે જ થાય છે. તે ભડકામણી ભારતની અંદર ‘ગુજરાત’ને ‘દેશ’ ચિતરવા તરફ સુધી દોરી જનારી છે. એ ખુબ ચિંતાનો વિષય છે કે વિકાસના ગુજરાત મોડેલનું આખા દેશમાં, આવનારી લોકસભાની ચુંટણી માટે મસમોટુ માર્કેટીંગ કરાઈ રહ્યું છે. ને રાજ્યના મુખ્યમંત્રીને દેશના ભાવિ વડાપ્રધાન તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમના વાણી, વર્તન અને વહીવટ એક ફાસીવાદી સરમુખત્યારથી જરાય ઓછા નથી. ગુજરાત મોડેલ કે જે એક મૃગજળથી વિશેષ કંઈ નથી તેના ભ્રમમાંથી મુક્ત થવું જોઈએ. ગુજરાત મોડેલનો પ્રચાર ખાલી ચણો વાગે ઘણો જેવો છે.
બીજી બાજુ જોઈએ તો મીડિયાને રીતસરની કઠપૂતળી બનાવીને ધંધે વળગાળ્યા છે અને અવનવા સર્વેને આધારે આખાયે દેશમાં ‘મોદીવેવ-મોદીવેવ’ની ચર્ચા ચકડોળે ચડાવી છે. જો તે આમ જ મોદીવેવની હવા ચારેબાજુ ફુંકાતી હોય તો પછી વારાણસીથી ઊભા રહેવાની જીદ કરીને તે બેઠક કેમ પડાવવામાં આવી, રાજકીય ગુરુએ પણ સલામત સીટની શોધ માટે નૌટંકી કરવાની શું કામ જરૃર પડી. ખુદ પક્ષ પ્રમુખે પણ હાથમાંથી કોડીયો ઝુંટવીને લખનઉ કેમ હડપ કર્યું. હીસાબ સીધો છે. બાકી નમો ભક્તો એ જાણતા નથી એટલે તેમના ભજનો આંખો બંધ કરીને ગા ગા કરે છે. બાકી તે પોતે એટલા શાતીર અને ગણતરીબાજ છે એ જાણતા ન હોય એવું ન બને. પરંતુ એ બહાને પોતાના નામના ડંકા આખા દેશમાં વાગે આની મજા લેવાની એમને ગમે છે અને આવડે પણ છે. રહી વાત જાદુઈ આંકડાની તો સીધુ સાદુ ગણિત છે જેમાં ૩પ રાજ્યોમાંથી ર૪માં તો તેનું કોઈ સંગઠન જેવું જ નથી અને બાકીના રાજ્યોમાં ધારે એટલું ઉકાળી શકે એવી કોઈ ગ્રાઉન્ડ રીયાલીટી છે જ નહીં આ તો માત્ર મિડીયા થકી એક વિશેષ વેવ ઊભો કરવામાં આવ્યો છે બાકી આવા ફાસીવાદી સરમુખત્યાર માટે તો દિલ્હી દૂર, એટલું જ નહીં પણ દિલ્હી શક્ય જ નથી.
મિત્રો, ખોટી ભ્રમણાઓમાં ભરમાયા વગર સમય છે સર્તકતા દાખવવાનો અને સજાગ થવાનો. આપણી પાસે બસ આ જ એક સમય છે આવા જુઠ્ઠા, ભ્રષ્ટ, આંડબરી, અભિમાની અને ફાસીવાદી નેતાઓને પાઠ ભણાવવાનો. આપણે આપણાં વિસ્તારના ઉમેદવારને બરાબરથી જાણી જોઈ પારખીને જ તેને આપણો પ્રતિનિધી બનાવીને દેશના કાયદા ઘડનારા ગૃહ એવા સંસદમાં મોકલીએ. આ વખતની સામાન્ય ચુંટણીઓમાં મારા – તમારા જેવા યુવા મતદારો પર જ પરિણામો સંપૂર્ણ કેન્દ્રિત થયેલા છે. ૫૪૩માંથી ૩૫૦ સીટો પર તો આ યુવા મતદારો જ નિર્ણાયક સાબિત થઇ શકે એ પરિસ્થિતી છે. ગઈ ચુંટણીમાં ૧ર કરોડથી વધુ મતદારોએ ભાગ લીધો હતો. અને આ સામાન્ય ચુટણીમાં ૧૦ કરોડ થી વધુ નવા યુવા મતદારો ભાગ લઈ રહ્યા છે. આથી આ વખતે યુવાન મતદારોની સંખ્યા એટલી બધી છે કે કોઈ પણ રાજકીય પક્ષ એની ઉપેક્ષા કરી શકે તેમ નથી. ગુજરાતમાં સાડા નવ લાખ યુવા મતદારો છે જેમાં સાબરકાંઠામાં સૌથી વધુ પ૦ હજાર જેટલા યુવા મતદારો છે. ટુંકમાં જોઈએ તો આપણા શહેરોમાં દર ત્રીજો માણસ યુવાન છે, આપણા દેશની અડધી વસતિ રપ વર્ષ કરતાં ઓછી ઉમરની છે. અને ૬પ ટકા જેટલી વસતી ૩પ વર્ષ કરતાં ઓછી ઉંમરની છે. આમ આગામી ર૦ર૦ સુધીમાં તો ભારત દુનિયાનો વધુમાં વધુ યુવાનો ધરાવતો દેશ બની જશે.
આ યુવાનો જ રાષ્ટ્રની અસલ ધરોહર છે, અસલ મુડી અને કરોડરજ્જુ. દુનિયાની ક્રાંતિઓ પર પણ જો નજર દોડાવીએ તો આ યુવાનો એ જ મોટી મોટી ક્રાંતિઓ આણી છે. ફ્રાન્સની ક્રાંતિ હોય કે પછી રશીયાની ક્રાંતિ હોય કે પછી ખૂદ આપણા દેશની આઝાદીમાં યુવાનોએ જ ચાવીરૃપ ભૂમિકા ભજવી છે. હા, યુવાનોને દોરનાર વડીલો હોય પણ એ વડીલોનું બળ તો યુવાનો જ હોય. ચીનમાં પણ માઓત્સેતુંગને યુવાનો એ જ ટેકો આપેલો ત્યાં ક્રાંતિ થઈ માઓત્સે તુંગ સામે પણ યુવાનો એ જ ક્રાંતિ કરેલી. નવી નવી શોધ અને ટેક્નિક આપનાર પણ આ યુવાઓ જ છે. આજે દેશમાં ટેકનોલોજીમાં નાવિન્યતા કે સંશોધનોમાં પણ આ યુવાપેઢી જ પાયામાં રહેલી છે. જો કોઈ યુવા વર્ગ આટલી મોટી ક્રાંતિઓ સર્જી શકે છે, ટેકનોલોજીના અદ્યતન સંશોધનોમાં પ્રવૃત્ત રહીને નાવિન્યતા બક્ષી શકે છે તો પછી જ્યારે દેશની ધૂરા સંભાળવા માટે કોઈ ભ્રષ્ટ, આંડબરી, ફાસીવાદી કે લાયકાત વિહોણાઓને કેવી રીતે ચુંટી શકે છે. આપણને આ એક તક મળી છે આ તકનો પુરો ઉપયોગ કરી કોઈ પણ લોભ, લાલચ કે દેખાડાથી આશક્ત થઇને નહીં પરંતુ આપણે સંપૂર્ણપણે જાગૃત રહી લાયક લોકોના હાથમાં જ આપણા દેશની ધૂરા સોંપવી જોઈએ.
પાંચ વર્ષમાં એક જ વખત આપણા હાથમાં આવતી આ ન્યાયની તુલામાં ન્યાય આપણે જ તોલવાનો છે અને દેશના સર્વાંગી હિત માટે યોગ્ય, જવાબદાર અને લાયક લોકોને આ તુલા સોંપવાની છે આથી તેનો પૂરેપૂરો જાગૃત રહી લાભ ઉઠાવી લઈએ.
આપણા સૌના સર્જનહાર પાલનહાર ઇશ્વર સમગ્ર માનવજાતના માર્ગદર્શક ગ્રંથ કુઆર્નમાં જણાવે છે કે ”ન્યાયના ધ્વજવાહક બનો” અને કુઆર્નમાં અન્ય એક જગ્યાએ પણ કહેવામાં આવ્યું છે કે, ”ન્યાય કરો કેમકે ન્યાયી લોકોને અલ્લાહ પસંદ કરે છે.”
આવો, આપણે મનભેદ કે મતભેદ દૂર કરી ખભેથી ખભા મિલાવી આપણા આ બિનસાંપ્રદાયિક દેશની એકતા, અખંડતા, સમૃધ્ધિ અને સૌહાર્દ માટે ઊભા થઈ આવેલ તકનો પુરો લાભ લઈ ભ્રષ્ટ, ફાસીવાદી અને ના-લાયક નેતાઓને ઝાકારો આપી દેશને ફરી સોનાની ચકલી બનાવવાના સહિયારા પ્રયત્નો કરીએ.