Thursday, November 21, 2024
Homeઓપન સ્પેસતમારા ઊંટની શું હાલત છે?

તમારા ઊંટની શું હાલત છે?

ખ્વાત બિન જુબૈર રદી. પોતાનો એક બનાવ વર્ણવે છે. તેઓ કહે છે કે અમે અલ્લાહના રસૂલ સ.અ.વ.ના સાથે મક્કાથી બહાર મર્રુઝ્ઝહરાનમાં પડાવ નાંખ્યો. હું મારા તંબુની બહાર નીકળ્યો તો જોયું કે અમૂક સ્ત્રીઓ વાતો કરી રહી હતી. તેમણે મને પોતાની તરફ ધ્યાનાકર્ષિત કરી દીધો. હું મારા તંબુમાં પાછો ગયો અને મારા પાસે જે સૌથી ઉમદા લિબાસ હતો તે પહેરીને તે સ્ત્રીઓ પાસે આવીને બેસી ગયો. એટલામાં અલ્લાહના રસૂલ સ.અ.વ. ત્યાં પધાર્યા. આપ સ.અ.વ. મને જોઈને બોલ્યા, “અબુ અબ્દુલ્લાહ!” મેં આપ સ.અ.વ.ને જોયા તો હું ડરી ગયો અને ભયના કારણે બેચેન અને પરેશાન થઈ ગયો. મેં બહાનું બનાવીને કહ્યું, “હે અલ્લાહના રસૂલ સ.અ.વ. મારૃં ઊંટ ભડકી ગયું હતું અને હવે હું તેને બાંધવા માટે રસ્સીની શોધમાં છું. હું આ સ્ત્રીઓથી દોરડુ માંગવા આવ્યો હતો.” મારુ આ કારણ સાંભળીને આપ સ.અ.વ. ત્યાંથી જતા રહ્યા. હું આપ સ.અ.વ.ના પાછળ પાછળ આપના તંબુમાં પહોંચી ગયો. આપ સ.અ.વ.એ પોતાની ચાદર મારા ઉપર નાંખી દીધી. અને ઝાડીઓમાં જતા રહ્યા. પોતાની હાજત પૂરી કરીને વઝુ કર્યું. પછી મારા પાસે પાછા આવ્યા, તે વખતે આપના વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું. આપ સ.અ.વ.એ મને પૂછયું, “અબુ અબ્દુલ્લાહ! તમારા ઊંટના ભડકવાની હવે શું હાલત છે?” તે પછી આપ સ.અ.વ. તે સ્થળથી કૂચ કરી ગયા. રસ્તામાં જ્યાં પણ આપ સ.અ.વ.નો મારાથી સામનો થતો તો આપ ફરમાવતા, “અલ્લાહની સલામતી થાય તમારા ઉપર હે અબુ અબ્દુલ્લાહ! તમારા ઊંટના ભડકવાની શું સ્થિતિ છે?” જ્યારે મેં આ હાલત જોઈ તો મેં મદીના પહોંચવામાં ઉતાવળ કરી અને મસ્જિદે નબવીની મજલીસોમાં બેસવાનું છોડી દીધું.

ઘણા દિવસો પછીની વાત છે, હું મસ્જિદ ખાલી થઈ જાય તેની રાહ જોતો હતો. જ્યારે મસ્જિદ તદ્દન ખાલી થઈ ગઈ તો હું મસ્જિદમાં ગયો અને નમાઝ પઢવા ઊભો થઈ ગયો. આ દરમ્યાન અલ્લાહના રસૂલ સ.અ.વ. આપના કોઈક હુજરામાંથી બહાર નીકળી આવ્યા. આપ સ.અ.વ.એ બે ટુંકી રકઅતો અદા કરી. મેં નમાઝમાં વિચાર્યું કે આપ સ.અ.વ. મસ્જિદમાંથી જતા રહે અને મને એકલો છોડી દે. આ નિયત સાથે મેં નમાઝને લાંબી કરી દીધી. આ જોઈને આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “અબુ અબ્દુલ્લાહ!  તમે નમાઝ જેટલી લાંબી પઢવા ચાહો, પઢી લો, પણ જ્યાં સુધી તમે નમાઝ પૂરી નહીં કરી લો હું અહીં ઊભો જ રહીશ.” આ સાંભળીને મેં મારા મનમાં કહ્યું કે હું અલ્લાહના રસૂલ સ.અ.વ.થી મારી પેલી હરકત બાબતે માફી માંગી લઈશ. જ્યારે મેં નમાઝ પૂરી કરી લીધી તો આપ સ.અ.વ.એ પૂછયું, “સલામતી થાય તમારા ઉપર અબુ અબ્દુલ્લાહ! તમારા ઊંટના ભડકવાની હાલતનું શું થયું?” મેંે અરજ કરી, તે જાતના સૌગંધ જેણે આપને સત્ય સાથે અવતરિત કર્યા છે, મેં જ્યારથી ઇસ્લામ કબૂલ કર્યો છે મારું ઊંટ ક્યારેય ભડકયું જ નથી… મેંે તે દિવસે આપના સામે જૂઠ કહ્યું હતું. આપ સ.અ.વ.એ ત્રણ વાર ફરમાવ્યું, “અલ્લાહ તમારા ઉપર રહેમ કરે.” આ પછી આપ સ.અ.વ.એ આ બાબતે ક્યારેય પ્રશ્ન ન કર્યો. (હદીસ સંગ્રહ તિબરાનીમાં ઉલ્લેખિત)

આ બનાવમાં આપણા સામે એક એવું પાત્ર અને વ્યક્તિત્વ છે જે ખુદ પોતાની જીભથી આપણા માટે શિખામણ અને બોધ પૂરો પાડે છે. એક ઉચ્ચ સહાબી રદી.એ અમુક સ્ત્રીઓને જોઈ અને માનવીય નિર્બળતાથી વિવશ થઈને તેમના તરફ આકર્ષાયા. પોતાની મનેચ્છાઓ આધિન થઈને એ કર્યું કે સારા કપડાં પહેર્યા અને સ્ત્રીઓ પાસે જઈને બેસી ગયા. અને જ્યારે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ આ દૃશ્ય જોયું અને પુછપરછ કરી તો બહાનું બતાવીને કહી દીધું કે હું તો મારું ઊંટ જે ભડકીને ભાગી ગયું હતું તેની શોધમાં નીકળ્યો છું.

અલ્લાહના અંતિમ રસૂલ સ.અ.વ. જેમને તમામ માનવો માટે કૃપાવાન અને દયાવાન બનાવીને મોકલવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિને તેની ક્ષણિક નિર્બળતા કે ગુના સબબ એમ જ કંઇ થોડા જવા દેતા? આપ સ.અ.વ. આ પ્રકારની વાતને નજરઅંદાજ પણ કેવી રીતે કરી દેતા જ્યારે કે આપતો એવા વડીલ અને મુરબ્બી હતા  જેઓ પોતાના સાથીઓને પવિત્ર અને નિર્મળ અને અલ્લાહથી ડરનારા હોય તેવા બનાવવા માંગતા હતા અને તેમના અંતર અને શરીરને પ્રત્યેક ગંદકીથી દૂર રાખવા મહેનત કરતા હતા. આપ સ.અ.વ. હઝરત ખ્વાત રદી. સાથે કડકાઈ નથી કરતા, બલ્કે ઇશારા અને સંકેતથી વાત સમજાવે છે. અને તેમના સ્વમાનનો એટલો ખ્યાલ રાખે છે કે મજાકના અંદાજમાં પ્રશ્ન કરે છે કે, તમારું ઊંટ ભડકી જતુ હતું તેની શું હાલત છે – હવે ભડકે છે કે નહીં?

અલ્લાહના રસૂલ સ.અ.વ.ને સૌથી મોટો વાંધો હઝરત ખ્વાતના જૂઠથી હતો. જ્યારે ખ્વાતને વિશ્વાસ થઈ ગયો કે અલ્લાહના રસૂલ સ.અ.વ. આ મામલાનો ખુલાસો કર્યા  વગર છુટકો નથી અને આ ગુનાથી છુટકારો પણ મળશે નહીં. કેમકે પોતાની આ વર્તણુક અને ગુનામી પૂછપરછ બચવા માટે તેમણે જે જૂઠનો સહારો લીધો હતો તે જૂઠ આ વર્તણુંક કરતાં પણ વધારે સખત હિસાબ અને પૂછપરછનું કારણ બની ગયું. એટલા માટે કે અલ્લાહના રસૂલ સલ્લ. સમીપ જૂઠથી વધારે ઘૃણાપાત્ર કોઇ ચીજ ન હતી. આ જ કારણ છે કે જ્યારે  આપ સ.અ.વ. ને કોઇ સહાબી રદી. વિષે એ ખબર પડતી કે તેઓ જૂઠ બોલે છે તો આપ સલ્લ.ના મનમાંથી એ વાત ત્યાં સુધી ન નીકળતી જ્યાં સુધી આપને એ જાણ ન થઇ જાય કે તે વ્યક્તિએ પશ્ચાતાપ કરી લીધો છે અને તૌબા કરી લીધી છે.

માનવ ઉપકારક સલ્લ.નો સુધારણા અને પ્રશિક્ષણનો તરીકો એ હતો કે આપ સલ્લ. લોકોને સારી વાતોની શિખામણ આપતા હતા. સ્નેહ,પ્રેમ અને આત્મીયતા સાથે બોધ આપતા અને સતત પ્રેમાળ પધ્ધતિમાં ધ્યાન દોરતા અને હૃદયપૂર્વક દુઆઓ દ્વારા તેમના અંદરની બૂરાઇઓને તેમના અંતરમાંથી કાઢી નાંખતા. આપ સલ્લ. ત્યાં સુધી ચેનથી ન બેસતા જ્યાં સુધી એ ન જાણી લેતા કે એ સંબંધિત વ્યક્તિએ પોતાના ગુનાની ક્ષમાયાચના કરી લીધી છે. આ બનાવમાં પણ આપણે જોઇએ છીએ કે અલ્લાહના રસૂલ સલ્લ. છેવટ સુધીના તમામ પ્રયત્નો કરીને તે સહાબા રદી.ના મનમાંથી જૂઠનો ડંખ કાઢી નાંખે છે. અને તેઓ પોતાના કૃત્ય બદલ માફી માંગી લે છે.

આ હતી એ આદર્શ મોઅલ્લીમની મનેચ્છાઓની બિમારીઓનો ઇલાજ કરવાની પધ્ધતિ. ઇલાજ કરવાના આ પ્રયત્નો એક બે વાર જ નહીં બલ્કે ધીરજ અને મક્કમતા સાથે ત્યાં સુધી ચાલતા રહેતા જ્યં સુધી રોગી તદ્દન રોગમુક્ત ન થઇ જતો. આજે પણ માનવ સમૂદાય અને મુસ્લિમ સમાજ એવા જ સંઘર્ષશીલોનો મોહતાજ છે જે સમાજને દરેક પ્રકારની ગંદકી અને રોગથી મુક્ત કરે. નહીંતર સમાજનું એક અંગ પણ રોગજન્ય હોય તો સમગ્ર સમુદાય અને સમાજનું શરીર રોગિષ્ઠ અને મૃતપ્રાય બની જાય છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments