ઇતિહાસની અટારીએથી …………….. પ્રશિક્ષણના પગલાં
એ વાત નિઃશંક છે કે વ્યક્તિ અને સમાજના નિર્માણ અને ઘડતરમાં કાઈદ અને આગેવાનનું વ્યક્ત્વિ ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે જ અલ્લાહના અંતિમ રસૂલ સ.અ.વ.ના વ્યક્તિત્વએ કાઈદ, આગેવાન અને માર્ગદર્શકનો એવો શ્રેષ્ઠ નમૂનો અને આદર્શ ઊભો કર્યો જેના તરફ સ્વંય કુઆર્ન આ શબ્દોમાં ઈશારો કરે છે.
“હકીકતમાં તમારા માટે અલ્લાહના રસૂલ સ.અ.વ.માં એક ઉત્તમ આદર્શ છે.” (સૂરઃઅહઝાબ-૨૧)
અલ્લાહના નબી સ.અ.વ.નું વ્યક્તિત્વ તે છે, જેનું ઉદાહરણ કુઆર્ને આપ્યું છે અને આપણી તાલીમ અને તેના અર્થઘટનનો સંબંધ આપ સ.અ.વ.ના વ્યક્તિગત જીવન, આપના વિચારો, મામલાત, ભાવના અને લાગણી સાથે જોડી દીધો છે. જો દા’વતી મિશનને કાર્યરત રાખવા માટે અલ્લાહના રસૂલ સ.અ.વ.નું વ્યક્તિત્વ અને વજૂદ લાઝમી ઠેરવવામાં આવ્યુ હોત તો આ દા’વત સમગ્ર માનવસમાજ માટે ક્યારેય ન હોત, ન આપ સ.અ.વ. અંતિમ ઈશદૂત હોત અને ન કયામત સુધી આવનારા તમામ લોકોના મામલાત આપ સ.અ.વ.ને સુપર્દ કરવામાં આવ્યા હોત.
ઉહદના યુદ્ધમાં આ અફવા ફેલાઈ ગઈ કે મક્કાના લશ્કરે અલ્લાહના રસૂલ સ.અ.વ.ને શહીદ કરી દીધા છે અને તેમનામાંથી કોઈ કે આ વાતનું એલાન પણ કરી દીધું. આનાથી મુસલમાનોમાં ગભરાટ ફેલાઈ ગયો અને યુદ્ધવીરોમાં હતાશા અને બેચેની ફેલાઈ ગઈ. અમુક મુસલમાનો તદ્દન નિરાશ થઈ ગયા તેમની સમજમાં જ ન આવ્યું કે હવે શું કરીએ? અમુક લોકોએ યુદ્ધ કરવું જ ત્યજી દીધું અને પોતાના શસ્ત્રો ફેંકી દીધા. મુસલમાનો આ સખત વ્યગ્રતા અને પરેશાનીમાં લિપ્ત હતા કે હઝરત અનસ બિન નઝર રદી. આગળ વધ્યા અને મુસલમાનોથી કહ્યું, “શું વાત છે તમે પોતાના હાથોથી શસ્ત્રો કેમ ફેંકી દીધા?” તેમણે ઉત્તર આપ્યો, “અલ્લાહના રસૂલ સ.અ.વ.ને શહીદ કરી દેવામાં આવ્યા, હવે અમે કોના માટે લડીએ?” હઝરત અનસ બિન નઝરે કહ્યું, “અલ્લાહના પવિત્ર રસૂલ સ.અ.વ.નું જીવન ખત્મ થઈ ગયા પછી તમે જીવિત રહીને પણ શું કરશો? ઊઠો, ઊભા થઈ જાવ, જે ચીજ ઉપર અલ્લાહના રસૂલ સ.અ.વ.એ જાન કુર્બાન કરી દીધી છે તેના ઉપર તમે પણ તમારી જાન કુર્બાન કરી દો.” આ સાંભળીને એકાએક તે બધા ઊભા થઈ ગયા અને પોતાની તલવારો ઝાટકીને મક્કાના અસત્યવાદીઓ તરફ આગળ વધ્યા અને આગના લપકારાની જેમ શત્રુઓ ઉપર તૂટી પડયા. ઉચ્ચ સન્માનીય સહાબી સાબિત બિન વિદાહ રદી.ની હાલત એ હતી કે તેઓ પોતાની કોમને બહાદૂરીપૂર્વક મરી જવા અથવા શત્રુઓને મારી નાંખવા માટે ચીસો પાડી પાડીને ઉશ્કેરતા હતા. તેઓ કહેતા જતા હતા, “હે અન્સાર ભાઈઓ! જો મુહમ્મદ સ.અ.વ. શહીદ થઈ ચૂક્યા છે તો જાણી લો કે, અલ્લાહ તઆલા જિંદા અને હયાત છે જે હંમેશા રહેનારો છે તેને મોત નથી આવતી. તમે લોકો પોતાના દીન ખાતર લડતા રહો.” તદ્દન આ જ વાત અલ્લાહના રસૂલ સ.અ.વ.ના ગાઢ સાથી અને પ્રથમ ખલીફા હઝરત અબુબક્ર રદી.એ તે દિવસે કહી હતી, જે દવિસે અલ્લાહના અંતિમ રસૂલ સ.અ.વ. મૃત્યુ પામ્યા હતા અને આપના મૃત્યુના સમાચાર સાંભળીને મુસલમાનો વિહવળ બની ગયા હતા – ત્યારે હઝરત અબુબક્ર રદી.એ મુસલમાનોથી સંબોધન કરતા ફરમાવ્યું, “જે વ્યક્તિ મુહમ્મદ સ.અ.વ.ની ઇબાદત કરતો હતો, તે જાણી લે કે મુહમ્મદ સ.અ.વ. વફાત પામ્યા છે અને જે વ્યક્તિ મુહમ્મદ સ.અ.વ.ના રબની ઇબાદત કરે છે તેને જાણ થાય કે અલ્લાહ જિંદા છે અને હંમેશા જીવિત રહેવાનો છે. તેને ક્યારેય મોત નહીં આવે. પછી તેમણે કુઆર્નની આ આયત લોકો સામે પઢી…
“મુહમ્મદ તે સિવાય કંઈ નથી કે માત્ર એક રસૂલ છે. તેમના પહેલાં બીજા રસૂલો પણ થઈ ગયા છે, પછી શું જો તેઓ મૃત્યુ પામે અથવા કતલ કરી નાખવામાં આવે તો તમે લોકો ઊલટા પગે પાછા ફરશો ? યાદ રાખો ! જે પાછો ફરશે તે અલ્લાહનું કંઈ બગાડશે નહીં, અલબત્ત જે અલ્લાહના કૃતજ્ઞા બંદા બનીને રહેશે, તેમને તે તેનો બદલો આપશે.” (સૂરઃ આલે ઇમરાન-૧૪૪)
આ બનાવોથી એ વાત સ્પષ્ટ થઇને જાણવા મળી કે દા’વતના મિશનમાં આગેવાન વ્યક્તિત્વ, સરદારનું માર્ગદર્શન મહત્વનું અને બુનિયાદી હોય છે. બીજું એ કે નેતૃત્વમાં સ્કુર્તિ, પ્રફુલ્લતા અને ઉષ્ણતા તેમજ વિવિધતા હોવી જોઈએ. એક કાઈદના જતા રહ્યા પછી બીજા કાઈદ અને આગેવાને તરત જ જગ્યા સંભાળી લેવી જોઈએ.
એકવાર જ્યારે ઇખ્વાનુલ મુસ્લિમીન (Muslim Brotherhood) ના સર્વોચ્ચ આગેવાન ઇમામ હસનુલ બન્ના શહીદ રહ. અને આપના ઇખ્વાની સાથીઓ સખત અજમાઈશ અને સંકટમાં ઘેરાઈ ગયા તો તેમનાથી પૂછવામાં આવ્યું કે, “જો તમને કતલ કરી દેવામાં આવે તો તમારી જગ્યા કોણ લેશે?” હઝરત ઈમામ હસનુલ બન્ના રહ.એ કહ્યુ, “તમારામાં જે સૌથી વધારે વડીલ હોય તેને ચૂંટી લેશો અને તમે બધા મળીને તેની મદદ કરજો.” આ છે ઇસ્લામી નેતૃત્વનો સાચો અને સ્થાયી સ્વભાવ અને આ છે તેનું કિરદાર. એક વાત એ પણ છે કે કાઈદ અને નેતા માત્ર નબી, ખલિફા કે શાસક જ નથી હોતો બલ્કે પ્રત્યેક તે કાર્યકર જેના ઉપર કોઈપણ જવાબદારી હોય, તે પોતાની જવાબદારીની સીમા સુધી આગેવાનીની જવાબદારી પર નિયુક્ત હોય છે. તેની આ જવાબદારી છે કે તે દા’વતની બુનિયાદ અને આધાર ઉપર લોકોથી સંબંધો અને સંપર્કો સ્થાપિત કરે ન કે પોતાની વ્યક્તિગત હેસિયતથી. ઇસ્લામના આધારો ઉપર સંબંધો કાયમ થાય અને વિકાસ પામે ન કે વ્યક્તિ કે વ્યક્તિઓના જૂથના આધારે. અલ્લાહ તઆલાની જાતને કેન્દ્ર બનાવીને તે બુનિયાદના આધારે લોકોથી દા’વતી સંપર્કો રાખે. આવું થાય તો તે વ્યક્તિ સાચા અર્થમાં કાઈદ અને આગેવાન કહેવાશે અને આ જ સ્વરૃપે દા’વતનું વાહન શાંતિ અને સરળતાપૂર્વક સાચા પથ ઉપર પ્રયાણ કરી શકશે.
અલ્લાહના અંતિમ રસૂલ સૈયદના મુહમ્મદ સ.અ.વ.ની તરબીયત અને સાનિધ્યમાંથી નીકળનારા સૌ પ્રથમ પંક્તિના મુસલમાનો કયાદત અને નેતૃત્વના આ જ અર્થને આ જ સમજ સાથે સમજી લીધો હતો અને પચાવી લીધો હતો. હવે પાછળના લોકોએ પણ કયામત સુધી નેતૃત્વને આ જ અર્થમાં સ્વીકારવું પડશે તો જ ઇસ્લામ અને ઇસ્લામની દા’વત તેના અંતિમ બિંદુ સુધી પહોંચી શકશે. *