ટેકનોલોજી ક્ષેત્રે સદંતર વિકાસના કારણે આપણે ડીજીટલ યુગમાં પહોંચી ગયા છીએ. સોશ્યલ મીડિયાએ લોકોના જીવન પર એવા પ્રભાવ પાડ્યો છે કે માણસો વચ્ચેની તમામ ભૌતિક દૂરીઓ અને દીવાલો મટી ગઈ છે. ટેકનોલોજી વડે માણસો વચ્ચે જ્યાં સંવાદ અને સંદેશાવ્યવહારને સહજ બન્યો છે ત્યાં તે બીજા માણસોની મનોસ્થિતી સુધી પહોંચવામાં પણ ઘણી આગળ નીકળી ગઈ છે. એવું કહેવામાં કોઈ અતિશયોક્તી ગણી ન શકાય કે માણસના વિચારો અને તેની વિચારધારાઓ પણ સોશ્યલ મીડિયાના કારણે ઉઘાડી થઈ ગઈ છે. પહેલાના માણસ જ્યાં વ્યવહારિક જણાય ત્યાં જ પોતાની અને પોતાના વિચારોની ઓળખ છતી કરતા હતા, પરંતુ આ યુગમાં દરેક માણસની ઓળખ માત્ર અમૂક બટન દબાવીને મેળવી શકાય તેટલી આસાન બની ગઈ છે. આના કારણે આજના યુગનો માણસ બીજા માણસનું પ્રોફાઈલીંગ કરતો થયો છે અને તેના પર જે સહજ વિશ્વાસ પહેલા કરી લેતો તે વિશે હવે સાવધ થઈ ગયો છે. આમ ટેકનોલોજીએ લોકો ફિઝીકલ દૂરીઓ જરૃરથી ઓછી કરી હશે પરંતુ મનો વચ્ચેના તફાવત વધારી દીધો હોય તેવું જણાય છે.
આ માણસો વચ્ચેની પરસ્પર દૂરી હંમેશથી માનવ સમૂદાય માટે મોટું વિઘ્ન રહી છે. ક્યારેક આ દૂરીઓ માણસોમાં નરસંહાર કરાવે છે, ક્યારેક ચૂંટણીઓમાં ધ્રુવીકરણ કરાવે છે, ક્યારેક ઉંચનીચ અને અસ્પૃશ્યતાના દાનવોને ઉભા કરે છે, ક્યારેક પરિવારમાં પતિ-પત્ની વચ્ચે, ક્યારેક પિતા-પુત્ર વચ્ચે ક્યારેક ભાઈઓ વચ્ચે અવિશ્વાસ ઉભો કરે છે. આવા સમયમાં એસ.આઈ.ઓ. નું આ અભિયાન “Bridge the Gap, Bring the Change” અર્થાત્ “દૂરીઓ ઘટાડો અને બદલાવ લાવ” તે ખરેખર સમયની તાતી જરૃર છે.
૨૦૧૪ના લોકસભા પરિણામો પછી ઘણાં લોકો ચિંતીત થઈ ગયા હતા કે સ્પષ્ટ બહુમતિ મેળવીને ભાજપ સરકાર એવી રાજનીતિ કરશે કે કોમો વચ્ચેની દૂરીઓ વધશે અને લઘુમતિઓ તથા વંચિતોમાં અસુરક્ષાની લાગણીઓ વધૂ ઘેરી થશે. પરંતુ આવા સમયમાં પણ ઘણા લોકોએ વારંવાર કહ્યું હતું કે કોમો વચ્ચે સંવાદ વધશે તો આવનારા દિવસો એટલા કઠીન નહીં હોય અને નવ મહિનામાં જ જાણે તેમના વિચારોને અક્ષરો-અક્ષર સાચા ઠરાતા હોય તેમ દિલ્હીની વિધાનસભા ચૂંટણીઓએ સાબિત કરી દીધું. ભારત દેશ હંમેશથી જ વૈવિદ્યપૂર્ણ રહ્યો છે અને માણસો વચ્ચેની જે માનવ સહજ દૂરીઓ છે તે છતાય સતત તમામને સમાવતો આવ્યો છે.
એસ.આઈ.ઓ. દ્વારા જે આ દૂરી ઘટાડવાનો પ્રયાસ આદરવામાં આવ્યા છે તેનો સૌ પ્રથમ સંદેશ વિદ્યાર્થી સમાજ માટે જ છે. વિવિધ કોમો અને વિચારધારાઓ ધરાવતા લોકો કામ અર્થે, ધંધા અર્થે અને રોજ રોજના કામો માટે એક બીજાના સંપર્કમાં તો આવે છે પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી રહેઠાણ માટે પોત પોતાના ઘેટો (Ghetto) બનાવી લીધા છે. આમ એકબીજાના રીતી રિવાજો અને આસ્થાઓ વિશે ચર્ચા કરવાના જૂજ મોકાઓ જ મળે છે. પરંતુ વિદ્યાર્થી કાળમાં આ મોકાઓ પુષ્કળ માત્રામાં પ્રાપ્ત હોય છે. તેથી જ વિદ્યાર્થીઓએ હવે માત્ર એકબીજાને સારૃ લગાડવા માટે અથવા કોમી સદ્ભાવ સુધી સંવાદને સીમિત ન રાખવું જોઇએ. પરંતુ આગળ વધીને એવી નિખાલસ ચર્ચા કરવી જોઈએ કે એક હિંદુ પોતાની આસ્થાઓ અને વિચારો મુસલમાન સામે આસાનીથી મુકી શકે, અને મુસલમાન પણ પોતાની આસ્થાઓ હિંદુ સમક્ષ તેવી જ આસાનીથી મૂકે. હિંદુને જો માંસાહારના કારણે અજૂગતુ મહેસુસ થતું હોય તો પોતાની વાત ખૂબ સ્પષ્ટ રીતે કહે અને મુસલમાન પણ પોતે મૂર્તિપૂજાને કેમ અનુચિત ગણે છે તે વાત મૂકે.
આમ કપરા પ્રશ્નો અને વિચારોની આપ-લે થાય. મૃત્યુ પછી જીવન વિશે શું આસ્થાઓ પ્રવર્તમાન છે તે લોકો એક બીજા સમક્ષ મૂકે. આમ કરવાથી મનમાં જે કટુ લાગણીઓના બોજ સાથે જીવતા લોકોને એક બીજા સાથે અને તેમના વિચારો સાથે રહેવાની આવડત કેળવાશે. અને પછી માત્ર દંભ ખાતર સેક્યુલરીઝમ કે ધર્મનિરપેક્ષતાની આડ લેવાની જરૃર નહીં પડે. આવી નિખાલસ ચર્ચાઓની જરૃર માત્ર વિદ્યાર્થી સમાજને નહીં પરંતુ દરેક સમાજને છે. માત્ર આંતર ધાર્મિક બાબતોમાં નહીં પરંતુ પોતાના ધર્મમાં પણ જરૃર છે કે જ્યાં એક સામાન્ય યુવાન પોતાના ઉલેમાઓ અને મૌલાનાની વાતો અને તેમના વિચારોને પડકારી શકે. આ પ્રકારના સંવાદ માટેના બદલાવમાં જેઓ તૈયારી બતાવશે તેઓ ચોક્કસથી મોટુ પરિવર્તન લાવી શકશે. આ અભિયાનથી આશા રાખીએ કે પરિવર્તન આવે અને સારા માટે આવે.