અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
૧૮૧. અલ્લાહે તે લોકોની વાત સાંભળી, જેઓ કહે છે કે અલ્લાહ નિર્ધન છે અને અમે ધનવાન છીએ. તેમની આ વાતો પણ અમે લખી લઈશું, અને આ પહેલાં જે તેઓ પયગંબરોને નાહક કતલ કરતા રહ્યા છે તે પણ તેમની કાર્યનોંધમાં અંકિત છે, (જ્યારે ન્યાયનો સમય આવશે તે વખતે) અમે તેમને કહીશું કે લો, હવે જહન્નમની સજાની મજા માણો,
૧૮૨. આ તમારા પોતાના હાથોની કમાણી છે, અલ્લાહ પોતાના બંદાઓ માટે જાલિમ (અન્યાયી) નથી.
૧૮૩. જે લોકો કહે છે કે, “અલ્લાહે અમને આદેશ આપી રાખ્યો છે કે અમે કોઇને રસૂલ ન માનીએ, જ્યાં સુધી તે અમારા સમક્ષ એવી કુરબાની ન કરે જેને (અદૃશ્યમાંથી આવી) આગ ખાઇ જાય.” આમને કહો, “તમારા પાસે મારા પહેલા ઘણાં રસૂલો આવી ગયા છે જેઓ ઘણી સ્પષ્ટ નિશાનીઓ લાવ્યા હતા અને એ નિશાનીઓ પણ લાવ્યા હતા જેનો તમે ઉલ્લેખ કરો છો, પછી જો (ઈમાન લાવવા માટે એ શરત મૂકવામાં) તમે સાચા છો તો તે રસૂલોને તમે શા માટે કતલ કર્યા ?”
૧૮૪. હવે હે નબી ! જો આ લોકો તમને ખોટા ઠેરવે છે તો તમારા પહેલાં ઘણાં રસૂલો ખોટા ઠેરવવામાં આવી ચૂક્યા છે, જેઓ સ્પષ્ટ નિશાનીઓ અને સહીફાઓ (દિવ્ય પુસ્તિકાઓ) અને પ્રકાશ આપનારા પુસ્તકો લાવ્યા હતા.
૧૮૫. છેવટે દરેક વ્યક્તિને મરવાનું છે અને તમે સૌ પોત પોતાનું પૂરેપૂરૃં વળતર કયામત (પુનર્જીવન)ના દિવસે પામવાના છો. સફળ ખરેખર તે છે જે ત્યાં દોજખ (નર્ક)ની આગથી બચી જાય અને જન્નત (સ્વર્ગ)માં દાખલ કરી દેવામાં આવે. રહી આ દુનિયા, તો આ માત્ર છેતરામણી વસ્તુ છે.
૧૮૬. મુસલમાનો ! તમને ધન અને પ્રાણ બંને પરીક્ષાઓમાંથી પસાર થવું જ પડશે અને તમે ગ્રંથવાળાઓ (યહૂદીઓ અને ખ્રિસ્તીઓ) અને મુશ્રિકો (અનેકેશ્વરવાદીઓ) પાસેથી ઘણી દુઃખદાયક વાતો સાંભળશોે. જો આ તમામ સંજોગોમાં તમે ધૈર્ય અને તકવા (સંયમ અને ઈશભય)ના માર્ગ ઉપર અડગ રહો તો તે ભારે હિંમતનું કામ છે.
૧૮૭. આ ગ્રંથવાળાઓને તે વચન પણ યાદ દેવડાવો જે અલ્લાહે તેમના પાસેથી લીધું હતું કે તમારે ગ્રંથની શિક્ષાઓને લોકોમાં ફેલાવવી પડશે, તેને છૂપાવી રાખવાની નથી. પરંતુ તેમણે ગ્રંથને પીઠ પાછળ નાખી દીધો અને થોડી કિંમતમાં તેને વેચી નાખ્યો. કેવો ખરાબ સોદો છે જે તેઓ કરી રહ્યા છે.
૧૮૮. તમે તે લોકોને સજાથી મુક્ત ન સમજો જેઓ પોતાના કરતૂકો પર ખુશ છે અને ઇચ્છે છે કે એવા કાર્યોની પ્રશંસા તેમને મળે જે ખરેખર તેમણે નથી કર્યા. હકીકતમાં તેમના માટે પીડાકારી યાતના તૈયાર છે.
૧૮૯. ધરતી અને આકાશોનો માલિક અલ્લાહ છે અને દરેક ઉપર તેને વર્ચસ્વ પ્રાપ્ત છે.
સૂરઃઆલે ઇમરાન – ૩ (મદીનામાં અવતરિત થઇ)