ગુજરાતમાં મુસલમાનોની વસ્તી 9% ની આસપાસ છે 2002 ના જઘન્ય નરસંહાર પછી મુસલમાનનો શાંતિથી રહી રહ્યા છે. પહેલાં પણ શાંતિથી જ રહેતા હતા અને તેમના તરફથી કોઈ નાનો સરખો પણ વાંધાજનક પ્રશ્ન સામાજિક કે પછી રાજકીય સ્વરૂપે સપાટી પર આવેલ નથી. પ્રજા પણ શાંતિથી હળી-મળીને અહીં રહેછે. થોડાક છમકલાં બાદ કરતા કોઈ મોટા તોફાનો પણ થયાં નથી. આમ છતાં પણ આપણા રબર સ્ટેમ્પ, દિલ્હી તરફ સતત મોં રાખીને બેસેલા મુખ્યમંત્રીએ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મોટા ઉપાડે એમપી તથા યુપીની તર્જ ઉપર ગુજરાતમાં પણ લવ જેહાદના કાયદા નું એલાન કરીજ દીધું અને વિધાનસભામાં મોટા ઉપાડે બહુમતીના જોરે બિલ પાસ પણ કરી દીધું. 2003માં આજ ભાજપની સરકારે, મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારેજ, ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમન કાયદો બનાવ્યો હતો. આજે ૧૮ વર્ષના વહાણા વાઈ જવા પછી એ જ બિલ નવા સ્વરૂપે મુકવાની શું જરૂર ઊભી થઈ તે બાબતે ગૃહ મંત્રીશ્રી વિધાનસભામાં કોઈ દલીલથી સમજાવી શક્યા નથી. કોઈ આંકડા પણ તેઓએ આપ્યા નથી કે જેનાથી પ્રજાની સમક્ષ આ બીલની જરુરીયાત નું મહત્વ સમજી શકાય.આંકડા છુપાવવાની રમત એ સ્પષ્ટ રીતે બતાવે છે કે કોઈ આંકડા જ નથી. ઊલટાનું તેનાથી વિરુદ્ધ મુસ્લિમ દીકરીઓ ને ભગાડી જવાના એકસો ઉપરાંત કેસ સાબિતી સાથે આપવાની કોંગ્રેસના ધારાસભ્યે રજૂઆત કરી છે, તે સમજવી રહી. ટૂંકમાં નવા શીશા માં એજ જૂનો દારૂ ભરી પ્રજાને ભરમાવવાનો પ્રપંચ અજમાવ્યો છે.
સંઘ પરિવારનો એજન્ડા બહુ સ્પષ્ટ છે. એક તરફ આવા હાકલા પડકારા કરી એવો માહોલ બનાવવો કે જાણે દીકરીઓ રોજ મુસલમાનો સાથે ભાગી જઈ રહી છે અને બીજી બાજુ મુસ્લિમ છોકરીઓને કેમ ફસાવવી તેના નફ્ફટાઈ થી વિડિયો મૂકી સ્પષ્ટ રીતે કોમવાદી માહોલ ઉભો કરવો. આજના આ આધુનિક જમાનામાં પણ સંઘ તથા સરકાર એમ માને છેકે, દીકરીઓ પોતાના સાથીની પસંદગીમાં નતો વિચારવા સ્વતંત્ર છે ન તો પોતાનો સાચો સાથી પસંદ કરી શકેછે. ઊલટાની તે એટલી બેવકૂફ છે કે સહેલાઈથી વિધર્મી યુવાનની પ્રેમ જાળમાં ફસાઈ જાય છે. શાળામાં તેઓને શપથ લેવડાવવામાં આવેછે.ફક્ત હિંદુ બહેનો માટેજ આવા ઉશ્કેરણીજનક ભાષણો આપવા અને બીજા ધર્મની બહેનો માટે ચૂપ રહેવું અને પોતાના યુવાનોને બીજા સ્ત્રોતો થકી ઉલ્ટાના ઉશ્કેરવા, આ તેમની નફ્ફટાઈની પરાકાષ્ઠા છે અને બહેનો નું સ્પષ્ટ અપમાન છે. આનો વિરોધ તો ખુદ બહેનોએજ કરવો જોઈએ. જેના વિરુદ્ધ તમે રોજ આટલું ઝેર ઓકી રહ્યાછો તેની સાથેજ કેમ તે ભાગી જાય, એ જો સાચું હોય તો તેનું આત્મમંથન કરવું જોઈએ. કમનસીબી એ છે કે કોઈ બહેનો ની સંસ્થાઓ કે સિવિલ સોસાયટી પણ આ બાબતે બોલતી હોય તેવું જણાતું નથી.હિન્દૂ ધર્મતો ખુબજ સહિષ્ણુ છે પછી આપણા દેશમાં આટલી પ્રચંડ બહુમતી 85 ટકા હોવા છતાં ધર્માંતરણ નો કાયદો લાવવોજ કેમ પડેછે તેનું પણ આત્મમંથન થવું જોઈએ. મુસલમાનનો સામાજિક રાજકીય શૈક્ષણિક કે આર્થિક કોઈપણ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન ધરાવતા નથી. તેઓ કોઈને નડતા પણ નથી. છતાં જેમ કોરોના મહામારીમાં શરૂઆતમાં જ તબલીગી જમાત નો મુદ્દો ઉછાળી મુસલમાનોને નીચાજોણું કરવા સારુ મીડિયાનો બેફામ ઉપયોગ કરવામાં આવ્યો અને ગુજરાતમાં પણ જે રીતે ચગાવવામાં આવ્યું તે સ્પષ્ટ રીતે અહીંનું કોમવાદી માનસ છતું કરે છે. આ બિલ હવે રાજ્યપાલની સહી કર્યા પછી કાયદો બની જશે. તેમાં સજા નો વધારો ખૂબ જ આકરો કરી માહોલ ગરમ બનાવવાનો મિથ્યા પ્રયત્ન કરેલ છે.આ કાનૂન નિર્દોષ ને સજા ન આપવાના પ્રાકૃતિક સિદ્ધાંત નું પણ સીધું ઉલ્લંઘન કરેછે.1954 ના સ્પેશિયલ મેરેજ એકટ નો પણ છેદ ઉડાડી દેછે. વિધાનસભામાં માનનીય મંત્રીશ્રી જાડેજા એ જે રજૂઆત કરી છે તે વિધાનસભાના ઇતિહાસમાં કદાચ સૌથી ગંદી અને કોમવાદી રજુઆત હશે તેમ કાયદાવીદ ફૈઝાન મુસ્તુફાનું માનવું છે.ધર્માંતરણ થી રાષ્ટ્રાન્તરણ નો આક્ષેપ તેઓ કરી રહ્યા છે.પ્રાસ બેસાડવાનો મોદી સાહેબની નકલનો કદાચ વાહિયાત નમૂનો!!
અહીંની હાઇકોર્ટના જજ સાહેબો પણ દીકરી હિન્દુ હોય તો વિપરીત વલણ અપનાવેછે, તેમ મર્હુમ એડવોકેટ માનનીય ગિરીશ પટેલ નામ સાથે કહેતા. સુપ્રીમ કૉર્ટે પણ હાદિયા કેસમાં NIA ને તપાસ સોંપી હતી તે આપણી સામેછે. અને છતાં આપણા મંત્રી એજ ગપ્પાં મારી ખોટી સઁસ્થાઓ નો હવાલો બેશરમીથી આપી રહ્યા છે.ખુદ મંત્રીજી નું મંતવ્ય IPC 153A અનેB મુજબ તેમની નબળી માનસિકતા બતાવે છે.
મુસ્લિમો શું કરે ?
આ પરિસ્થિતિ માં મુસ્લિમોએ શું કરવું જોઈએ તે પણ સમઝી લેવું જોઈએ. આપણે પણ પિતૃસત્તાક સમજ મુજબ ફક્ત દીકરીઓને ચારિત્રવાન બનાવવાની સલાહ આપતાં રહીએ છીએ અને દીકરાઓ માટે ખુલ્લું મેદાન કદાચ છોડી દઈએ છીએ, જે બિલકુલજ ઉચિત નથી. આપણે આપણા સુંદર અખલાકનું નિદર્શન કરી આપણા દેશબંધુઓ ના દિલ જીતી લેવા જોઈએ. આપણું ચારિત્ર્ય જ એવું હોય, ખાસ કરીને આપણા યુવાનોનું કે તેની સાક્ષી ખુદ આપણા હિંદુ ભાઈ બહેનો અને તેમના કુટુંબ આપે. ઇસ્લામમાં વ્યભિચાર ખૂબ જ ગંભીર ગુનો ગણવામાં આવે છે. કોઈ મુસ્લિમ યુવાન આમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા હોય તે આપણો સમાજ કબૂલ જ ન કરી શકે કેવું વાતાવરણ ઉભું થવું જોઈએ. ફક્ત કુરાન તથા પેગંબર સાહેબના જીવન ચરિત્રના પ્રશિક્ષણ થકી જ આ ઘડતર થઈ શકે છે, જે આપણે સૌ સ્વીકારીએ પણ છે.
તો, આવો આપણે આપણા ઘરોને આપણા સંતાનોને સાચું ઇસ્લામી શિક્ષણ આપી સાચા મુસ્લિમ બનાવીએ.
કદાચ, આમ થશેતો થોડાજ સમયમાં પરિસ્થિતિ બદલાઈ જશે.
અલબત્ત હાલ આને કાનૂની રીતે તો પડકારવુંજ રહ્યું…
(લેખ સાભાર… શાહીન સાપ્તાહિક)