મેં તમને કેટલીવાર સમજાવ્યું કે બેટા ! પતંગ ઉડાડવા જેવો શોખ ન રાખો, તેનાથી બચો, પરંતુ તમે છો કે રોકાતા જ નથી, માનતા જ નથી. ખાલિદની અમ્મીએ પતંગ ઉડાડવાથી અટકવતાં કહ્યું.
ખાલિદે કહ્યું, ‘પરંતુ અમ્મી ! હું આખો દિવસ કયાં પતંગ ઉડાડું છું. જુઓ સવારે ઉઠીને શાળાએ જાઉં છું, ત્યાર પછી એક વાગ્યે પાછા ફરીને જમવા બેસું છું. એ પછી ગૃહકાર્ય (હોમવર્ક) કર્યા બાદ બે કલાક માટે ઉંઘી જાઉં છું ત્યારબાદ ૪ વાગ્યે ઉઠું છું, તો મૌલવી સાહેબ કુઆર્ન પઢાવવા આવી જાય છે. પછી અમારા ટયુટર આવી જાય છે. સાંજની ચા પીધા બાદ હું ટીવી જોઉં છું. આટલામાં સાંજ પડી જાય છે.’
‘આ તો ઠીક છે ખાલિદ બેટા ! આ તો હું પણ જાણું છું, પરંતુ તમે પતંગ ઉડાડવા સિવાય પણ બીજું કંઈક રમી શકો છો. હું તો થાકી ગઈ છું તમને સમજાવી સમજાવીને.’ તેની અમ્મીએ કંટાળીને કહ્યું.
ખાલિદના અબ્બુ એક સ્ટીલ મિલમાં મોટા અધિકારી હતા. તે પોતાના પિતાનો લાડકવાયો પુત્ર હતો અને આ જ લાડ-કોડ, લાડપ્યારે તેને ખૂબજ તોફાની કે ઉદ્ધત બનાવી દીધો હતો. તેની અમ્મીએ એક વખત પોતાના પતિને કહ્યું કે, ‘આટલો બધો લાડ-કોડ ન લડાવો, નહિતર તે બગડી જશે. હવે તો તે મારૃં કહ્યું પણ નથી માનતો. કેટલી વખત સમજાવી ચૂકી છું કે પતંગ ઉડાડવાથી દૂર રહો, કયારેક ધાબા વિ. પરથી પડી જવાશે.’
‘અરે બેગમ ! આટલા ખરાબ શબ્દો મોઢેથી ન ઉચ્ચારો. કોઈ પોતાની ઔલાદ માટે આવી વાતો કરે છે ?’ ઉસ્માન સાહેબ નારાજ થઈને કહેતા. ‘તો હું કયું જૂઠ કે ખોટું બોલું છું. તમે તો તેને અટકાવતા જ નથી. નહિતર હું તેની દુશ્મન તો નથીને ?’ ખાલિદની અમ્મી પણ થોડીક નારાજ થઈને કમરાની બહાર નીકળી ગઈ.
એક દિવસે ખાલિદ પોતાના ધાબા ઉપર ઊભો ઊભો પતંગ ઉડાડવાની તૈયારી કરી રહ્યો હતો. ખાલિદે પોતાના મિત્ર જમીલને કહ્યું કે ‘ચાલો યાર પેચ લડાવીએ.’ જમીલ પણ તૈયાર થઈ ગયો. અને બંને પેચ લડાવી રહ્યા હતા. ખાલિદ પતંગ ઉડાડવામાં એટલો તલ્લીન હતો કે ભાન ભૂલીને ખસકતાં ખસકતાં ધાબાના છેડા સુધી પહોંચી ગયો. ત્યારબાદ થોડોક જ પાછળ ખસ્યો તો પોતાનું સંતુલન જાળવી ન શકયો, અને ચીસ પાડીને નીચે પડયો. પાકી જમીન ઉપર ખાલિદ જોરદાર અવાજ સાથે પટકાઈને બેહોશ થઈ ગયો. જ્યારે તેને હોશ આવ્યો તો તે હોસ્પિટલમાં સૂતેલો હતો. તેના શીરાણે તેની અમ્મી રડી રહી હતી, અને તેના અબ્બુ પણ પરેશાન/ચિંતિત ઊભા હતા. ખાલિદે કણસતા અવાજે કહ્યું, ‘અમ્મી !’ તેની અમ્મીએ તરત કહ્યું ઃ ‘યા અલ્લાહ ! તારો લાખ લાખ આભાર છે કે મારો દીકરો હોશમાં આવી ગયો.’ પછી એ બોલી, ‘શું વાત છે મારા વ્હાલસોયા’ ખાલિદ બોલ્યો ‘અમ્મી મને શું થયું છે ?’ તેના અબ્બુ તરત જ બોલ્યા ‘બેટા ! ગભરાવાની કોઈ વાત નથી. ડૉકટરે કહ્યું છે કે હવે ભયની કોઈ વાત નથી. વાસ્તવમાં તમારી કરોડરજ્જુના મણકા ઉપર માર વાગી હતી, પરંતુ અલ્લાહતઆલાનો આભાર છે કે મણકાને મોટું નુકસાન પહોંચવાથી અને ફ્રેકચર થવાથી બચી ગયું.’
ખાલિદની અમ્મી રડતાં રડતાં બોલ્યાઃ ‘તમને મેં કેટલી વખત કહ્યું હતું કે, તમે ખાલિદને સમજાવો, એટલો લાડ ન લડાવો કે કોઈનું કહ્યું પણ ન માને.’ અલ્લાહે સ્હેજમાં જ બચાવી લીધો છે.’
બીજી બાજુ ખાલિદ મનમાં ને મનમાં ખૂબજ લજ્જિત હતો કે ખરેખર તેણે પોતાની અમ્મીનું કહ્યું ન માન્યું. આથી આ તકલીફ વેઠવી પડી રહી છે. અલ્લાહતઆલ મને માફ કરે. તમે (અલ્લાહે) મને બચાવી લીધો. હવે પછીથી હું મારા મોટાઓનીવાત સાંભળીશ. માનીશ અને તેના પર અમલ પણ કરીશ.’
તેણે રડતા રડતાં શર્મિંદગીપૂર્વક પોતાની અમ્મીની ગોદમાં માથું છુપાવી લીધું. અને અમ્મી તેને વ્હાલથી થપથપાવી તેના અશ્રુઓ લુછવા લાગી.