અલ્લાહ તઆલાએ મનુષ્યને કેમ પેદા કર્યા? આ ખૂબ જ મહત્ત્વનું અને મૂળભૂત પ્રશ્ન છે. જવાબો જુદા જુદા હોઈ શકે પરંતુ તેના જવાબ શોધ્યા વગરનું જીવન ઘનઘોર જંગલ અને મંઝિલ વગરની યાત્રા જેવું છે. મનુષ્યના જીવનની સાર્થકતા આ પ્રશ્નના જવાબમાં છુપાયેલી છે. વ્યક્તિ શારીરિક રીતે હષ્ટપુષ્ટ હોય, બૌદ્ધિક રીતે ઉચ્ચ હોય, નૈતિક રીતે સારો હોય અને પ્રતિભા તથા કુશળતામાં શ્રેષ્ઠ હોય, પરંતુ જીવનના દૃષ્ટિકોણ અને ઉદ્દેશ્યથી વાકેફ ન હોય તો તે રણમાં ભટકતા મુસાફિરની જેમ અહીં તહીં ભટકતો રહેશે અને કુદરતે આપેલી બધી ભેટો નાશ પામી જશે. આ જ વાસ્તવિકતાને જાણવાથી વ્યક્તિને યોગ્ય માર્ગ મળે છે અને તે સફળતાના રસ્તે આગળ વધે છે.
વિચારધારાએ વ્યક્તિના જીવનનું ઘડતર કરે છે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ અને સમાજની સંતુલિત પ્રગતિ થાય છે. જીવનની મહિમાને સમજવામાં માણસ થાપ ખાય તો વ્યક્તિના મનની શાંતિ જ ખોરવાતી નથી. સમાજની શાંતિ પણ ડહોળાઈ જાય છે અને તે વાઇબ્રન્ટ બનવાને બદલે વાઇબ્રેટ થવા લાગે છે. સામાન્ય નિયમ છે કે કોઈ પણ વસ્તુનો શોધક જ તે વસ્તુ વિષે વધારે પ્રકાશ પાડી શકે છે. કેમકે શરૃઆતથી લઈને અંત સુધીના બધા ચરણોને એ જ વ્યક્તિ સારી રીતે જાણે છે. બીજું આ બાબતે પણ વિચારવું જોઈએ કે જો જે તે ઉદ્દેશ્ય માટે જે વસ્તુ બનાવવામાં આવી છે તેના સિવાય કોઈ બીજા ઉદ્દેશ્યમાં તેનો ઉપયોગ કરીશું તો ઊંઘું જ વળશે. દા.ત. પેસ્ટીસાઈડનો ઉદ્દેશ જંતુઓનો નાશ કરી સારો પાક લણવાનો છે, પરંતુ જો શરીરના બેકટેરિયાનો નાશ કરી સ્વાસ્થ્ય મેળવવા પ્રયત્ન કરશો તો જીવનથી હાથ ધોવા પડશે. એટલે જ જીવનના ઉદ્દેશ વિષે માનવીનો સર્જનહાર અલ્લાહ જ સચોટ રીતે બતાવી શકે. કુઆર્નમાં પરમ કૃપાળુ અલ્લાહ ફરમાવે છે, “મેં જિન્નાતો અને મનુષ્યોને આના સિવાય બીજા કોઈ કામ માટે પેદા કર્યા નથી કે તેઓ મારી બંદગી (ઉપાસના) કરે.” (સૂરઃ ઝારિયાત-૫૬)
અહીં એક પ્રશ્ન થઈ શકે કે અલ્લાહને આપણી ઇબાદતની શી જરૃર, અત્યારે તેના ઊંડાણમાં ન જતા એટલું જ કહીશ કે ઇબાદતમાં અલ્લાહના માન-મરતબા, બુલંદી અને ભવ્યતા તથા ઉચ્ચતામાં કોઈ ફરક એટલે વધારો થતો નથી અને એની અવજ્ઞાથી પણ તેની ઝાત પર કોઈ અસર થતી નથી. તે નિસ્પૃહ છે. ઇબાદતનો આદેશ આપણી ભલાઈ માટે છે.
બીજો પ્રશ્ન આ છે કે વળી આ ઇબાદત શું છે? ઇબાદતનો અર્થ માત્ર પૂજા-અર્ચના એટલે બંદગી નથી, તેના અર્થમાં ગુલામી, વફાદારી અને આજ્ઞાપાલન પણ સામેલ છે. આ બંદગી, વફાદારી અને આજ્ઞાપાલન માત્ર વ્યક્તિગત જીવનમાં જ કરવાના નથી. બલ્કે સામૂહિક જીવનને આવરી લે છે. જેમ અલ્લાહની યાદથી માનવના હૃદયને શાંતિ મળે છે તે જ રીતે સામૂહિક જીવનમાં તેના આદેશોના પાલનથી શાંતિ સ્થપાય છે. માનવીનું સામૂહિક જીવન જ વધારે જટિલ અને ગૂંચવણ ભર્યું છે. પારિવારિક કાયદા, સમાજશાસ્ત્ર, અર્થતંત્ર, રાજનીતિ વગેરે જેવા વિષયો માત્ર તેના માર્ગદર્શનની જરૃર છે. સામાન્ય શબ્દોમાં એમ કહી શકાય કે “પૃથ્વી પર માનવ જીવનનો ઉદ્દેશ વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં અલ્લાહની ઇબાદત છે.”
હવે ત્રીજો પ્રશ્ન અહીં આ ઊભો થાય છે કે ઇબાદતનો હક અદા કર્યો ક્યારે કહેવાશે? જ્યારે વ્યક્તિ તેની શક્તિ પ્રમાણે પોતાના જીવનના દરેક વિભાગમાં અલ્લાહની ઇચ્છા મુજબનું આચરણ કરશે. તેમાં જેટલી કમી રહેશે અલ્લાહની ઇબાદતમાં પણ એટલી કમી કરી લેખાશે. વાસ્તવિકતા આ છે કે વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં ઇબાદત કરી જ શકતો નથી જ્યાં સુધી તે સમાજ, રાજ્ય કે દેશની વ્યવસ્થા સત્ય ધર્મને આધીન ન થઈ જાય. કેમકે ઈમાનદાર, ઈશભય રાખનારા, ઉત્તરદાયી, સ્વચ્છ ચરિત્રના લોકો જ સારા પ્રબંધક હોઈ શકે છે. આવા લોકોનું નિર્માણ માનવ નિર્મિત વ્યવસ્થા કરી શકે છે નહીં કે અશુદ્ધ ધર્મ.
તમે કહી શકો કે જો તમારી વાત સાચી હોય તો જે સાચા ધર્મ-પુરુષો અને નબીઓ અલ્લાહ તઆલાએ મોકલ્યા છે તેનો આગમનનો આશય પણ આ જ હોવો જોઈએ કે તેઓે ધર્મ આધારિત સમાજની રચના કરે. હું કહીશું કે તમારો નિષ્કર્ષ સાચો છે. કેમકે અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છે, “તેણે તમારા માટે દીન (ધર્મ)ની તે જ પદ્ધતિ નક્કી કરી છે જેનો આદેશ તેણે નૂહને આપ્યો હતો અને જેને (હે મુહમ્મદ !) હવે તમારા તરફ અમે વહી દ્વારા મોકલ્યો છે, અને જેનો આદેશ અમે ઇબ્રાહીમ અને મૂસા અને ઈસાને આપી ચૂક્યા છીએ, એ તાકીદ સાથે કે આ દીન (ધર્મ)ને સ્થાપિત કરો અને તેના મામલામાં વહેંચાઈ ન જાઓ. આ જ વાત આ મુશ્રિકો (અનેકેશ્વરવાદીઓ)ને ભારે નાપસંદ પડી છે જેના તરફ (હે મુહમ્મદ !) તમે એમને આમંત્રણ આપી રહ્યા છો. અલ્લાહ જેને ચાહે છે, પોતાનો બનાવી લે છે અને તે પોતાની તરફ આવવાનો માર્ગ તેને જ દેખાડે છે, જે તેના તરફ વળે.” (સૂરઃ શૂરા-૧૩)
અને સત્ય ધર્મ આધારિત સમાજનું નિર્માણ કરવાનો ઉદ્દેશ આ છે કે સમાજમાં ન્યાયની સ્થાપના થાય. જીવનના દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિને સમાનતા, ગૌરવ અને ન્યાય મળે. આ જ મુબારક કાર્ય કરવા માટે અલ્લાહ તઆલાએ ધર્મ ગ્રંથો રૃપી માર્ગદર્શન આપ્યું છે.
“અમે પોતાના રસૂલોને સ્પષ્ટ નિશાનીઓ અને માર્ગદર્શનો સાથે મોકલ્યા અને તેમની સાથે ગ્રંથ અને તુલા ઉતાર્યા જેથી લોકો ન્યાય ઉપર કાયમ થાય, અને લોખંડ ઉતાર્યું જેમાં ઘણું બળ છે અને લોકો માટે ફાયદાઓ છે. આ એટલા માટે કરવામાં આવ્યું કે જેથી અલ્લાહ એ જાણી લે કે કોણ તેને જોયા વિના તેના અને તેના રસૂલોની મદદ કરે છે. નિઃશંક અલ્લાહ ખૂબ શક્તિશાળી અને પ્રભુત્વશાળી છે.” (સૂરઃ હદીદ-૨૫)
આપણે જાણીએ છીએ કે ધર્મ એ હિંસા, રમખાણ, દંભ, નિર્દયતા, અસમાનતા, સ્વાર્થ અને સ્વછંદતા, ઝૂઠ, અસહિષ્ણુંતા, અહંકાર અને અન્યાયનું નામ નથી બલ્કે ઈશપરાયણતા, ત્યાગ, પ્રેમ, સમાનતા, ન્યાય, નિષ્ઠા, સચ્ચાઈ અને મનની વિશાળતાનું નામ છે. આ વાત આપણી સામે બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે કે અલ્લાહની ઇબાદતનો સંપૂર્ણ હક સત્ય ધર્મની સ્થાપના થકી જ અદા કરી શકાય. બીજા સરળ શબ્દોમાં કહી શકાય કે સત્ય ધર્મની સ્થાપના દરેક વ્યક્તિ ઉપર ફરજ છે.
ફરી પ્રશ્ન થશે કે તેની સ્થાપના આપણે હવે કેવી રીતે કરીશું? તેનો જવાબ મારે આપવાની જરૃર નથી. ઉપર જે આયતોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાં એ સ્પષ્ટ છે. તે છે કે બધા વિખવાદો ભૂલી એકજૂટ થાવો. સંસારમાં દરેક યુગમાં સમસ્યાઓ રહી છે, સ્વરૃપો નવા હોઈ શકે સમસ્યાઓ નવી નથી. અને આ પણ હકીકત છે કે આ સમસ્યાઓ ક્યારેય હલ થઈ નથી. ઇતિહાસ જોઈ શકો છો. આપણે ભારતની જ વાત કરીએ તો આઝાદી પહેલાં પણ સમસ્યાઓ હતી અને આજે પણ છે. આપણું ભારત ભ્રષ્ટાચાર, ભ્રૂણ હત્યા, મોંઘવારી, બેરોજગારી, અશ્લીલતા, નગ્નતા, લઘુમતિઓ, દલિતો અને આદિવાસીઓ પર અત્યાચાર, માનવ અધિકારોની પાયમાલી, બંધારણીય હક્કોનું હનન, અસંતુલિત આર્થિક નીતિ, બળાત્કાર, સ્ત્રીનું શોષણ, આત્મહત્યાઓ, ગરીબી, એક બીજાનો અનાદર, સ્વાર્થપણું, આંધળી ધાર્મિકતા વગેરે જે સમસ્યાઓ છે તેનો ઉકેલ માત્ર સત્યધર્મની સ્થાપના થકી થઈ શકે છે. હવે જો આપણી પાસે પ્રકાશ હોય અને અંધકારમાં ભટકતી દુનિયાને માર્ગ નહીં દેખાડીશું તો કેટલા અસંવેદનશીલ અને નિર્દયી કહેડાવીશું. માણસ પાણી પાણીની બૂમો પાડતો હોય અને આપણે પાણીની ટાંકી પોતાની પાસે રાખ્યા છતાં તેમને નહીં આપીશું તો આ કૃત્ય દાનવતા અને જુલ્મ છે.
“કે પછી તમારું કહેવું એમ છે કે ઇબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક, યાકૂબ અને યાકૂબના સંતાનો સૌ કોઈ યહૂદી અથવા ખ્રિસ્તી હતા ?” કહો, ”તમે વધારે જાણો છો કે અલ્લાહ ?” તે વ્યક્તિ કરતાં વધારે જાલિમ કોણ હશે, જેની પાસે અલ્લાહ તરફથી એક સાક્ષી હોય અને તે તેને છુપાવે ? તમારા કૃત્યોથી અલ્લાહ અજાણ તો નથી.” (સૂરઃ બકરહ-૧૪૦)
પરંતુ અફસોસ છે કે આપણે સાચા ધર્મની સ્થાપના કરવા એક મંચ પર આવવાને બદલે રોજ બરોજ દૂર જઈ રહ્યા છીએ. વિશેષ રૃપે મુસલમાનોમાં વિખવાદ ચરમસીમાએ છે. જે લોકો પણ સમાજમાં ભાગલા પાડવાના કાર્ય કરી રહ્યા છે તેમના ષડ્યંત્રને નિષ્ફળ બનાવવાની જરૃર છે. મુસલમાનોમાં આ કૂટ પાડવાનું કાર્ય આયોજન બદ્ધ રીતે થઈ રહ્યું હોય તેવું લાગે છે. સૂફી કોન્ફ્રન્સ વહાબીઓને આતંકવાદ સાથે જોડવાની કોશિશ અને બીજી બાજુ સઉદીઓની ચાપલૂસી શેની ચાડી ખાય છે. હાલમાં મધ્યપ્રદેશમાં તબલીગી જમાઅતના ઇજ્તેમાનો વિરોધ અમુક કહેવાતા સુન્ની મુસ્લિમો દ્વારા થયો. વ્યક્તિની સુધારણાનું કાર્ય કરતી એક જમાઅતનું કાર્યક્રમ ન થાય તેના માટે જે લોકો ધરણા પર બેઠા હતા તેમની સંકુચિતતાનો પરિચય કરાવે છે. ઇસ્લામે તો દુશ્મનોને શરણ આપવાની શિક્ષા આપી છે. વિરોધીઓને ભલો જવાબ આપવાની તાલીમ આપી છે. ધર્મ પર ચાલવાની આઝાદી આપી છે. વિરોધ કરીને તેઓ કયા ઇસ્લામનો પરિચય કરાવી રહ્યા છે. અને ભારતમાં તો દરેક ધર્મ અને સંપ્રદાયને પોતાની વાત મૂકવાની સ્વતંત્રતા છે. બનાવના કાર્ય સામે વિરોધ કરવો એ ફાસીવાદી માનસિકતાની અસર છે. જેમણે પોતાને સાચા મુસ્લિમ સમજીને વિરોધ કર્યો હોય તેમ પોતાના દિલોને તપાસ કરવાની જરૃર છે. કેમકે ઈર્ષ્યા, અહંકાર, સંકુચિતતા ઈમાન સાથે ભેગી થઈ શકતી નથી. ગૌણ મતભેદોને ત્યાગી ધર્મની સ્થાપના માટે આગળ આવવું જોઈએ.
ઇન્કિલાબના નારા લગાવવાથી પરિવર્તન આવી શકતું નથી. ન પરિવર્તનની ઇચ્છઓ કરવાથી બદલાવ આવી શકે છે. તમે સમાજને બદલવા માંગતા હોવ તો પોતાની જાતને બદલો. પોતાના દિલમાં દરેક માનવી માટે પ્રેમ કરો. ભલે કોઈ તમારા વિચારોથી સંમત હોય કે ન હોય. ત્યાગ ભાવના અને ધૈર્યથી જીવનને સુશોભિત કરો. સારો આનંદ અને સુઃખ આપણને શોધતો આવશે.
“વાદળોની ગર્જના તેની પ્રશંસાસહ તેની પવિત્રતાનું વર્ણન કરે છે અને ફરિશ્તાઓ તેના ભયથી ધ્રૂજતા-ધ્રૂજતા તેની તસ્બીહ (પવિત્રતાનોે જાપ) કરે છે. તે કડાકા બોલાવતી વીજળીઓને મોકલે છે અને (ક્યારેક) તેમને જેના ઉપર ચાહે છે બરાબર એ જ હાલતમાં પાડી દે છે જ્યારે લોકો અલ્લાહ વિષે ઝઘડી રહ્યા હોય છે. વાસ્તવમાં તેની ચાલ ઘણી જબરજસ્ત છે.” (સૂરઃ રઅ્દ-૧૩)
સાચો ધર્મ એ જ હોઈ શકે છે જે માનવ સમસ્યાઓનો ઉકેલ આપતો હોય અને જ્ઞાતિ અને ધર્મના વાડાથી ઉપર ઊઠીને સમગ્ર માનવતા માટે જીવવાનો આદેશ આપતો હોય.
“હવે દુનિયામાં તે ઉત્તમ સમુદાય તમે છો, જેને મનુષ્યોેના માર્ગદર્શન અને સુધારણા માટે મેદાનમાં લાવવામાં આવેલ છે. તમે ભલાઈની આજ્ઞા આપો છો, બૂરાઈથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન ધરાવો છો. આ ગ્રંથવાળાઓ ઈમાન લાવ્યા હોત તો તેમના જ હિતમાં વધુ સારું હતું. જો કે તેમનામાંથી કેટલાક લોકો ઈમાનદાર પણ જોવા મળે છે, પરંતુ તેમના મોટા ભાગના લોકો અવજ્ઞાકારી છે.” (સૂરઃ આલે ઇમરાન-૧૧૦)