સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત બહુચર્ચિત ફિલ્મ આખરે તારીખ ઠેલવાતા ઠેલવાતા વિરોધના વંટોળ વચ્ચે ચલચિત્રના ૩૦૦થી વધુ દૃશ્યો તેમજ ‘પદ્માવતી’ના ‘i’ના કાપ સાથે ‘પદ્માવત’ તરીકે ૨૫ જાન્યુઆરી ૨૦૧૮એ રજુ થઈ.
આ ફિલ્મ ૧૬મી સદીના સૂફી મલિક મોહમ્મદ જાયસીના મહાકાવ્ય ‘પદ્માવત’ પર આધારિત છે, જે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીના રાજ્યકાળના ૨૨૫ વર્ષ પછી લખાયેલ હતું. રાજપુત ગૌરવને વર્ણવતુ આ મહાકાવ્ય ચિત્તોડની સૌંદર્યવાન ‘રાણી પદ્મીની’ નામના કાલ્પનિક પાત્ર પર આધારિત છે. તેમાં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજી અને ચિત્તોડના રાજા રતનસૈન ઐતિહાસિક પાત્રો છે. કાવ્યની વાર્તા પ્રમાણે રાજા રતનસૈન દ્વારા દેશનિકાલ પામેલા બ્રહ્મણ દરબારી રાઘવ ચેતન દ્વારા રતનસૈનની રાણી પદ્મીનીના સૌંદર્યના વર્ણનથી આકર્ષિત અલાઉદ્દીન ખિલજી રાણીને પામવા ચિત્તોડ પર ચઢાઇ કરે છે. યુદ્ધમાં રાજા રતનસૈનના મૃત્યુ સાથે રાણી પદ્મીની આત્મદાહ (જૌહર) કરી લે છે એડીચોટીનું જોર લગાવવા છતાં અલાઉદ્દીન રાણીને પામી શકતો નથી અને ફકત મહેલો-ઇમારતોથી બનેલા ચિત્તોડને જ જીતી શકે છે તેવા કટાક્ષ અને સંદેશ સાથે કાવ્ય પૂર્ણ થાય છે.
આ મહાકાવ્ય આધારિત ફિલ્મ પદ્માવતીના નિર્માણની શરૃઆતથી જ રાજપૂત વર્ગના વિવિધ જુથોએ ફિલ્મમાં મુસ્લિમ શાસક અલાઉદ્દીન અને રાણી પદ્મીનીના પ્રણય દૃશ્યો દર્શાવીને રાણીની પવિત્રતાને અપમાનિત કરી છે તેવા આક્ષેપો સાથે ફિલ્મનો વિરોધ કરવાનું શરૃ કર્યું. શરૃઆતમાં ફિલ્મના સેટને આંગ ચાંપવાથી માંડી સેટ પર સંજયલીલા ભણસાલીને શારીરિક ઈજા પહોંચાડવાના બનાવો બન્યા. ધીમે ધીમે આ વિરોધનું નેતૃત્વ રાજપૂત કરણી સેનાએ લીધું. જેમણે ભણસાલીના શિરચ્છેદ અને દિપિકા પદુકોણના નાક કાપી નાખવાની ધમકીઓ આપવા માંડી. વિરોધ એટલો વધ્યો કે ફિલ્મની રીલીઝની તારીખ પાછી ધકેલવી પડી. આખરે સુપ્રીમ કોર્ટના આદેશ પછી દરેક રાજ્યમાંથી પ્રતિબંધ હટાવી ૨૫,જાન્યુઆરી ફિલ્મ રીલીઝ થઈ. પરંતુ કેટલાયે પ્રદેશોમાં કરણી સેના દ્વારા બંધના એલાન સાથે થીયેટરો અને પબ્લીક ટ્રાન્સપોર્ટને આંગ ચાંપવાના બનાવો શરૃ થયા. રાષ્ટ્રપ્રેમની બાંગ પોકારવાવાળા કેટલાંય fringe તત્ત્વોએ દેશની કરોડોની સંપત્તિને આગમાં ઝોંકી દીધી. નાના ભૂલકાંઓની સ્કૂલ બસનું અપહરણએ ઘટનાક્રમનું સૌથી વધુ કરુણાત્મક અને આઘાતજનક પાસું હતું. તત્કાલીન ગુજરાત અને રાજસ્થાનની ચૂંટણી અને પેટાચૂંટણીઓમાં રાજપૂતોના મતોનું નુકશાન ન વેઠવા, દેશના સૌથી મોટા રાજકીય પક્ષે એવાં કોંગ્રેસ અને ભાજપ તરફથી જાણે મૂક સંમત્તિ પ્રાપ્ત હોય તેમ કોઈ પણ પ્રકારની વખોડણીના સૂર ન સાંભળ્યા. પરંતુ શું ખરેખર સંજયલીલા ભણસાલીએ રાજપૂત ગૌરવ અને રાણી પદ્મીનીની પવિત્રતાને દાગદાર કરતાં દૃશ્ય ફિલ્માવ્યા છે! ફિલ્મ જોતાં એવું એક પણ દૃશ્ય દર્શાવેલ નથી. એથી ઊલ્ટું, જાણે વર્ગ વિશેષની લાગણીઓને સંતોષવા રાજપૂતોના શૌર્ય, નીતિમત્તા, સદ્ગુણો, સ્ત્રીરક્ષા અને પ્રજા રક્ષાને વાસ્તવિકતાથી દૂર પરાકાષ્ઠાએ દર્શાવવા એ અતિશ્યોક્તિ જ કહી શકાય. જ્યારે સુલતાન અલાઉદ્દીન ખિલજીને ક્રૂર, લાગણીવિહિન, મનેચ્છાઓનો ગુલામ, સત્તા લાલસુ, સિદ્ધાંતોને નેવે મૂકનાર બહારવટિયા મુસ્લિમ શાસક તરીકે દર્શાવવું એ પણ ઇતિહાસ સાથે ચેડાં કરવા કરતાં ઓછુ ન આંકી શકાય. તેમ છતાં દેશના મુસ્લિમ વર્ગની સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન લાગણીઓના પ્રવાહમાં વહી જવાથી દૂર શાસકને ધર્મ/ જાતિના અરીસાથી જોવાને બદલે સુશાસનના પેરામીટરથી આંકવાની તેમજ ઇતિહાસને જેમ છે તેમ સ્વીકારવાની વૃત્તિ બિરદાવવા લાયક છે.
ઉપરાંત પતિના મૃત્યુ સાથે પત્નિની સતી પ્રથાને જે ભારતીય ઇતિહાસમાં કાળા અક્ષરોમાં લખવામાં આવ્યો છે તે આત્મદાહ (જૌહર)ની ઘટનાને શૂરવીરતા અને આત્મસન્માનની ઉચ્ચતમ શ્રેષ્ઠાએ પ્રતિપાદિત કરવું એ ક્યાં સુધી વ્યાજબી છે? *