એક ઓફિસમાં છેલ્લા એક મહિનામાં બે ઘટનાઓ ઘટી.
(ઘટના ૧) ઓફિસમાં નવયુવાનો કામ કરે છે તેમાંનો એક બાહોશ અને હોશિયાર કર્મચારી મોબાઈલ જાવામાં ગુમ હતો. બોસે જાયું તો તે કર્મચારી ધૂમ ધડાકા સાથે મોબાઈલની અંદર કોઈ ગેમ રમી રહ્યો હતો. પૂછતાં માલૂમ પડ્યું કે તે ‘પબ્જી’ રમી રહ્યો હતો. બાસને નવાઈ લાગી. આ તો કેવી ગેમ છે કે તે તેમાં આટલો બધો તલ્લીન થઈ ગયો?
(ઘટના ૨) એક બીજા કર્મચારીએ આૅફિસમાં એક અર્થહીન વીડિયો બનાવી અને તે વીડિયો તેને ‘ટીકટોક’ પર અપલોડ કરી. કર્મચારીને ચાલુ આૅફિસમાં વીડિયો બનાવવાનો કોઈ ખેદ ન હતો. બોસે ઠપકો આપ્યો તો કર્મચારીને લાગ્યું કે તેને આ બાબતે ઠપકો આપવાની કોઈ જરૂર ન હતી.
આ બે ઘટનાઓ વાંચી વાચકને કોઈ નવાઈ નહીં લાગે. ઊલ્ટું એમ થશે કે એમાં નોટિસ લેવાની કોઈ બાબત છે જ નહીં. પરંતુ આ ઘટના નવયુવાનોની માનસિકતાને છતી કરે છે. કે જેઓ વાસ્તવિક દુનિયાથી દૂર જઈ આભાષી દુનિયા (Virtual World)માં પોતાની અક્કલ અને સમય બંને વેડફી રહ્યા છે.
પબ્જી એક એવી ગેમ છે જેમાં લોકો એકલા અથવા ગ્રુપમાં લડાઈ કરે છે. તમામ ખેલાડીઓનો એકમાત્ર ધ્યેય બીજાને મારી દેવાનો હોય છે. અને ‘વીનર’ બની જવાનો હોય છે. આ ગેમ નવયુવાનોમાં ખૂબ પ્રચલિત છે. આ ગેમના કારણે નવયુવાનોમાં એક એવી માનસિકતા વિકસિત થાય છે કે ગેમમાં રહેલ દરેક ખેલાડી પોતાનો દુશ્મન છે. તેનું અસ્તિત્વ તેને Success/ Win સુધી પહોંચાડશે નહીં. આ ગેમ દ્વારા લોકોમાં પરસ્પર દ્વેષ અને બદલાની ભાવના પેદા થાય છે. હકીકતમાં ખેલાડી એક એવી દુનિયા માટે વિચારતો હોય છે અને યોજના બનાવતો હોય છે જેનો હકીકતથી કોઈ સંબંધ નથી. તેવી જ રીતે ટીકટોકનું પણ છે. ટીકટોક એક સોશ્યલ્ વીડિયો ઍપ છે, જેમાં ૩૦ સેકન્ડની મર્યાદામાં વીડિયો બનાવી શકાય છે. મોટા ભાગના લોકો ટીકટોકનો ઉપયોગ ફકત ગીત-સંગીત અને મજાક મસ્તી માટે કરે છે. ટીકટોક ખૂબ જ ટૂંકા સમયગાળામાં વધારે યુઝર્સ બનાવી શકવામાં સફળ થયો છે. તેનું એકમાત્ર કારણ નવયુવાનોનું તેની તરફ આકર્ષણ છે. નવયુવાનીની ઉંમરમાં પોતાની જાતને લોકો સુધી પહોંચાડવામાં એક અનેરો આનંદ પ્રાપ્ત થાય છે. આ જ આનંદને હાંસલ કરવા માટે ટીકટોક પર મોટાભાગના નવયુવાનો જાવા મળે છે.
પબ્જી અને ટીકટોક બંને સમય વેડફવાનું એક સાધન છે, જેમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ બંને એપ્લીકેશન નવયુવાનોમાં માત્ર સમયના વેડફાટ સુધી જ મર્યાદિત નથી બલ્કે તેના દ્વારા સામાજિક સંબંધોમાં વધતું જતું અંતર, પરસ્પર દ્વેષભાવમાં વૃદ્ધિ, પરોક્ષ રીતે નવરા બનાવવાનું કારણ અને સૌથી વધુ નૈતિક અધ-પતનની ગર્તામાં વધુ ને વધુ ઊંડાણમાં પડતા જવાના પ્રમાણમાં પણ વધારો થતો જઈ રહ્યો છે.
ફિલ્મો, ટી.વી. અને મોબાઈલમાં વોટ્સએપ અને યુ.ટ્યુબ વિ.માં પહેલાંથી જ સમાજનું યુવાધન ગળાડૂબ હતું અને એ બધું ઓછું હોય તેમ હવે આ બે-ચાર નવી વસ્તુઓએ તો જાણે કે મહિલાઓ, પુરુષો, યુવાનો અને કિશોરાવસ્થાવાળા બાળકોના સમય, સંબંધો અને નૈતિકતા ઉપર જાણે કે બુલ-ડોઝર જ ફેરવી નાખ્યો છે. કોઈ કોઈના કહ્યામાં દેખાતો નથી, નાના-મોટાના માન-સન્માન જાણે કે ક્યાંય ખોવાઈ ગયા છે. જે તે વયની અને જે તે હોદ્દાની જવાબદારી સુદ્ધાં કોરાણે મુકાઈ ગઈ છે. અને સૌથી વધુ દુઃખ, અફસોસ અને ચિંતાની વાત તો આ છે કે આમાં લાગેલા લોકો અને કેટલીક હદે તેમના વાલીઓને પણ આમાં કોઈ જ બગાડ કે બૂરાઈ જણાતી નથી.
આવામાં સમાજના સમજુ કે બુદ્ધિજીવી વર્ગની આ જવાબદારી છે કે તે પોતાનાથી શક્ય હોય ત્યાં સુધી આ બૂરાઈને અટકાવવા ભરપૂર પ્રયત્નો કરી છૂટે. જેથી તેઓ અહીં અને આખિરતમાં પોતાના સર્જનહાર-પાલનહાર સમક્ષ પણ કહી શકે કે મેં મારી હદ સુધી તમામ પ્રયત્નો કર્યા છે. –•–