* ઉમ્મુલમુ’મિનીન હઝરત આઈશા રદિ. ફરમાવે છે કે, ‘પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિવસલ્લમ (હિરાની ગુફામાંથી) ઘરે પાછા ફર્યા. આપ ધ્રુજી રહ્યા હતાં. હઝરત ખદીજા રદિ. પાસે પધાર્યા અને કહ્યું, : મને ઓડાઢી દો, મને ઓડાઢી દો. તો આપને ઓડાઢી દેવામાં આવ્યાં. જ્યારે ભય દૂર થયો તો આપે હઝરત ખદીજાને તમામ ઘટના સંભળાવી અને કહ્યું: મને મારી જાન ભયમાં લાગે છે. તો હઝરત ખદીજા રદિ.એ કહ્યુંઃ હરગીજ નહીં, અલ્લાહના સોગંદ! અલ્લાહ આપને કદાપિ અપમાનિત નહીં કરે. આપ સગાં સાથે સદ્વ્યવહાર કરો છો, બીજાંના બોજ ઉપાડો છો, મોહતાજોને કામ આવો છો અને મહેમાનોની આગતાસ્વાગતા કરો છો અને સત્યકાજે આવતી મુસીબતોમાં મદદ કરો છો.’ (બુખારી બદઉલવહય)
સમજૂતી
નબી સલ્લલ્લાહુ અલૈહિવસલ્લમ ઉપર જ્યારે વહી ઉતરી તો ફરિશ્તાને જોવાનો આ પ્રથમ મોકો હતો તેથી આપ સલ્લલ્લાહુ અલૈહિવસલ્લમ સ્વભાવિક રીતે જ ભયભીત થઈ ગયાં અને ઘરે પહોંચીને હઝરત ખદીજા રદિ.ને આખી ઘટના કહી. ખદીજા રદિ. આપના ઉચ્ચ ગુણો અને રીતભાતથી બરાબર વાકેફ હતાં તેથી તેમણે પોતાના પ્રત્યાઘાત એવી રીતે આપ્યાં કે એક નેક અને ઉચ્ચ ગુણો ધરાવનાર તેમજ બુઝુર્ગ માણસ ઉપર શૈતાનની તો અસર ન થઈ શકે તેથી અલ્લાહ તરફથી ભલાઈ જ ઉતરી હશે.
નબી સલ્લલ્લાહુ અલૈહિવસલ્લમની ઉચ્ચ ગુણો અને ચારિત્ર્ય વિષે હઝરત ખદીજા રદિ.ના બોલ એ પુરવાર કરે છે કે નબી થયા પહેલાં પણ આપનું જીવન અત્યંત શુદ્ધ રહ્યું છે અને આપ નૈતિકતાના ખુબજ ઉચ્ચ સ્થાને હતાં.