ઇતિહાસના અટારીએથી ………………………………… પ્રશિક્ષણના પગલાં
હઝરત અબુહુરૈરહ (રદી.) વર્ણન કરે છે કે, અલ્લાહના અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે, “એક વ્યક્તિ પોતાના એક ભાઈથી મળવા માટે બીજી વસ્તિમાં ગયો. અલ્લાહે તેના રક્ષણ અને નિરીક્ષણ માટે તેના રસ્તામાં એક ફરિશ્તો મોકલ્યો. જ્યારે તે તેના પાસે આવ્યો તો તેનાથી પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો? તે વ્યક્તિએ કહ્યું, આ વસ્તિમાં મારો એક ભાઈ રહે છે. તેનાથી મળવા માટે આવ્યો છું. ફરિશ્તાએ પૂછ્યું, શું તેનો તમારા ઉપર કોઈ ઉપકાર છે, જેનો બદલો ચૂકવવા તમે આવ્યા છો? તેણે કહ્યું, ના, બસ મને તેનાથી અલ્લાહના માટે પ્રેમ છે. ફરિશ્તાએ તેનાથી કહ્યું કે હું અલ્લાહનો ફરિશ્તો છું મને અલ્લાહે તમારા પાસે મોકલ્યો છે કે હું તમને બતાવી દઉં કે જેવી રીતે તમે પોતાના ભાઈથી પ્રેમ કરો છો અલ્લાહ પણ તમારાથી પ્રેમ કરે છે.” (હદીસસંગ્રહ-મુસ્લિમ)
આ કિસ્સો એક એવા વ્યક્તિનો છે, જે પોતાના દીની ભાઈથી મુલાકાત કરવા માટે બીજી વસ્તિમાં જઈ રહ્યો હતો. અલ્લાહ તઆલાએ એક ફરિશ્તો મોકલ્યો કે એ જાણી શકાય કે તે પોતાના ભાઈથી કયા હેતુ આધિન મળવા જઈ રહ્યો છે? મુલાકાતનો હેતુ બંને વચ્ચે કોઈ સંબંધ છે, કે તેનાથી તેનો કોઈ સ્વાર્થ સંકળાયેલો છે, કે તેણે તે વ્યક્તિ સાથે કોઈ ભલાઈ કરી હતી, જેનો બદલો આપવા માટે તે જઈ રહ્યો હતો કે પછી કોઈ અન્ય વાત હતી? તેના જવાબમાં તેણે કહ્યું કે તે તેનાથી મુલાકાત એટલા માટે કરવા માંગે છે કે તે તેનાથી માત્ર અલ્લાહ માટે પ્રેમ કરે છે. તેના ઉપર ફરિશ્તો તેને ખુશખબર આપે છે કે તમારા આ અલ્લાહ કાજેના પ્રેમના કારણે અલ્લાહ પણ તમારાથી પ્રેમ કરે છે.
બોધ અને શિખામણ
આ કથામાં સૌથી મહત્વનો બોધ જે આપણને મળે છે તે અલ્લાહની પ્રસન્નતા માટે પ્રેમ અને ભાઈચારો છે. ભાઈચારો ઇસ્લામી સમાજની સ્થાપના અને નવરચનામાં બુનિયાદી સ્તંભની હૈસિયત ધરાવે છે. તેનાથી સમાજના લોકો વચ્ચેના સંબંધો અને સંપર્કો મજબૂત બને છે. અલ્લાહના રસૂલ સ.અ.વ એ મદીનામાં ઇસ્લામી સમાજની સ્થાપના કરી તો અકીદો અને આસ્થા પછી ઇસ્લામી રાજ્યની મહત્વની આધારશીલા આ ભાઈચારો જ હતો. જેમ ઈમાનના વગર ભાઈચારો નથી અને ભાઈચારા વગર ઈમાન નથી, જો ભાઈચારો હોય અને તેના પાછળ ઈમાન ન હોય તો તે માત્ર સગવડિયો સંબંધ કે પરસ્પર સ્વાર્થયુક્ત મુલાકાત બની જાય છે અને જો ઈમાન હોય પરંતુ તેના સાથે ભાઈચારો ન હોય તો તે ઈમાન અધૂરૃં છે. અલ્લાહ તઆલા કુઆર્નની સૂરઃહુઝુરાતમાં ફરમાવે છે, “મોમીન તો પરસ્પર ભાઈ ભાઈ છે.”
પ્રસિદ્ધ સહાબી હઝરત ઉબાદા બિન સામીત રદી. વર્ણન કરે છે કે અલ્લાહના અંતિમ રસૂલ સ.અ.વ એ કહ્યું કે, “અલ્લાહ ફરમાવે છે કે, જે લોકો મારા માટે પરસ્પર પ્રેમ કરે છે તેમના માટે મારો પ્રેમ ચોક્કસ થઈ ગયો અને મારો પ્રેમ તે લોકો માટે પણ ચોક્કસ થઈ ગયો જેઓ મારા માટે પરસ્પર સદ્વર્તન કરે છે. તે લોકો માટે પણ મારો પ્રેમ ચોક્કસ છે જેઓ મારા માટે એક બીજાને શિખામણ આપે છે અને તે લોકો માટે પણ મારો પ્રેમ વાજિબ થઈ ગયો, જેઓ મારા માટે એક બીજાથી મુલાકાત કરે છે અને જેઓ મારી પ્રસન્નતા કાજે પરસ્પર એકબીજા ઉપર ખર્ચ કરે છે. મારા ખાતર પરસ્પર પ્રેમ કરનારા દિવ્યપ્રકાશ (નૂર)ના આસનો ઉપર હશે અને તેમનું સ્થાન અને મરતબો ઉપર અંબિયા સત્યનિષ્ઠો અને શહીદો પણ ઈર્ષ્યા કરશે.” (હદીસસંગ્રહઃ અહમદ-ઇબ્નેહબ્બાન-હાકિમ)
વાસ્તવમાં ભાઈચારો અલ્લાહના રહસ્યમાંથી છે. આ લોકોના વિચારો અને કલ્પનાઓથી ઘણું ઉચ્ચતર છે અને તેને કોઈ કસોટી કે ત્રાજવાથી માપી કે તોલી નથી શકાતુ. તેનાથી અંતરાત્મા સંતુષ્ટ થઈ જાય છે અને મન થોડીક જ ક્ષણોમાં ભરાઈ જાય છે. આના આધારે બે મોમીન એક થઈ જાય છે, એકરૃપ થઈ જાય છે. જ્યારે કે તેનાથી અગાઉ તેઓ એકબીજા માટે અજાણ્યા હતા અને તેઓ એકબીજાથી મળ્યા પણ ન હતા. બસ તેઓ અચાનક એકમેકના ભાઈ બની જાય છે અને તેમના વચ્ચે એટલી સમીપતા થઈ જાય છે કે તેમનામાંથી કોઈપણ પોતાના ભાઈની જુદાઈ સહન નથી કરી શકતો.
ભાઈચારાનો અર્થ બે આત્માનું પરસ્પર એક થઈ જવું અને બે દીલ એક જાન થઈ જવું છે. આ તો એક એવંુ પવિત્ર વ્યસન છે જે અલ્લાહ તઆલા પોતાના મોમીન બંદાઓને પીવડાવે છે, જેને પીતાવેંત જ તેમની નસોમા પ્રેમ દોડવા લાગે છે. તેમના શરીરમાં રક્તના સાથે પરિભ્રમણ કરવા લાગે છે અને તેમના ચહેરાઓ પર છલકાવા લાગે છે. દ્વિતિય ખલીફા હઝરત ઉમર રદી. વર્ણન કરે છે કે, અલ્લાહના રસૂલ સ.અ.વ. એ ફરમાવ્યું કે, “અલ્લાહના બંદાઓમાં અમુક લોકો એવા છે જેઓ ન તો અંબિયા છે ન શહીદો, પરંતુ કયામતના દિવસે અલ્લાહથી તેમના સંબંધ ઉપર અંબિયા અને શહીદો સુદ્ધાં ઈર્ષ્યા કરશે.” અલ્લાહના પયગંબર સ.અ.વ.એ કહ્યું, “તે લોકો અલ્લાહની પ્રસન્નતા માટે પરસ્પર પ્રેમ કરે છે, જો કે તેમના વચ્ચે કોઈ ખૂનનો કે ભૌતિક સંબંધ નથી હોતો. ખુદાના સૌગંધ, તેમના ચહેરા નૂરની જેમ ચમકી રહ્યા હશે અને તેઓ નૂરમાં જ ઓતપ્રોત હશે. જે દિવસે લોકો ભયભીત હશે, પણ તેમને કોઈ ભય નહી ંહોય, બીજા લોકો શોકમય હશે પરંતુ તેમને કોઈ શોક નહીં હોય.” પછી અલ્લાહના રસૂલ સ.અ.વ. એ કુઆર્નની આ આયત પઢી જેમાં કહેવામાં આવ્યું છે, “સાંભળો! જેઓ અલ્લાહના મિત્રો છે તેમના માટે કોઈ ભય અને દુઃખની શક્યતા નથી.” (સૂરઃયુનૂસ-૬૨)
આમ મુસ્લિમ સમાજનો આધાર અને બુનિયાદ તેનો અકીદો (આસ્થા) અને પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારો છે.