મનુષ્યોને માનવ-મિત્રતાથી વંચિત કરી દેવા એ મનુષ્યો સાથેની સૌથી મોટી દુશ્મનાવટ છે
મારો આજનો દિવસ ખૂબ ચિંતાઓમાં વીતી ગયો, થયું એમ કે મેં પરમ દિવસે મારા બે બાળકો અને તેમની સાથે બે ભત્રીજાઓને એકલા કેરળથી દિલ્હી માટે ટ્રેનમાં મોકલ્યા. આ બાળકો પ્રથમ વખતે આટલા લાંબા પ્રવાસ પર નીકળ્યા હતા.
બંને બાળકોએ અત્યારે જ ૧૦મા ધોરણની પરીક્ષા આપી છે, જયારે મારા ભત્રીજાઓની પાંચમા અને છઠ્ઠા ધોરણની પરીક્ષાઓ સમાપ્ત થઈ ચૂકી છે. આજે એ બધાને બપોર પછી દિલ્હી પહોંચવાનું હતું, પરંતુ ભારત બંધના તથા એ દરમિયાન થયેલી હિંસાના કારણે ટ્રેન એક નાના સ્ટેશન ઉપર રોકાઈ ગઈ, સ્ટેશનનું નામ બન્મોર હતું, આગામી સ્ટેશન મોરીના હતું, અને તે પહેલાંનું સ્ટેશન ગ્વાલિયર હતું, બંને સ્થળે હિંસા ખૂબ વધારે વધી જવાના અને કરફ્યુ લાગવાના સમાચારો છે.
હવે રાત થવા લાગી હતી, સવારે સાડા દસ વાગ્યાથી ટ્રેન ત્યાં રોકાઈ હતી, અને સ્ટેશન ઉપર ન તો પાણી હતું, ન ખાવા માટે કોઈ સ્ટોલ હતું. ટ્રેનની કેન્ટીન પણ ખાલી થઈ ગઈ હતી. બાળકો જે ભાથું સાથે લઈ ગયા હતા એ પણ પૂરૂં થઈ ગયું હતું. ફોન ઉપર સંપર્ક હોવાના કારણે આખો દિવસ પરિસ્થિતિ નજર સમક્ષ રહી અને ધીમે ધીમે ચિંતા પણ વધી રહી હતી.
સાંજે સંપર્ક કર્યો તો ઘણાં સારા સમાચાર મળ્યા, બાળકોએ જણાવ્યું કે, આ વસ્તીના ઘણાં લોકો આવ્યા હતા અને તેઓ પોતાની સાથે ખૂબ ખાવાનું લઈને આવ્યા હતા. બરફ નાખીને પાણીના ટેન્કર પણ લાવ્યા હતા, અને ઠંડા શરબતથી ભરેલી ટાંકી પણ સાથે લાવ્યા હતા. વસ્તીના લોકોએ એક એક કોચમાં જઈને બધા લોકોને ખાવાની સાથે શરબત અને મીઠાઈઓ પણ આપી.
આતિથ્ય-સત્કારના આ સમાચાર સાંભળીને મને ઘણી ખુશી થઈ, ફક્ત એટલા માટે નહીં કે મારા બાળકોને પેટ ભરીને ખાવાનું મળી ગયું, બલકે આ માટે કે મારા બાળકોએ આ પ્રવાસમાં પોતાના દેશમાં વસનારા લોકોનો એક સારો ચેહરો જોયો, તેઓ માનવો સાથે સહાનુભૂતિ અને તેઓની નિઃસ્વાર્થ સેવાનું એક સરસ અને સુંદર દ્રશ્ય જાયું અને એક અમૂલ્ય પાઠ શીખ્યા જે શાળાના પુસ્તકોમાં પણ અત્યારે જાવા નથી મળતો અને જે શાળાના પુસ્તકોથી વધારે યાત્રાના નિરીક્ષણથી શીખવામાં આવે છે.
આટલા વધારે લોકોની ભરપૂર ખાવાની વ્યવસ્થા અને એ પણ કોઈ વળતર વિના, આતિથ્ય-સત્કારનું
એક ઉત્તમ ઉદાહરણ છે.
આ દેશના રહેવાસીઓ પાસે ઉચ્ચ મૂલ્યોની કેટલી કિંમતી મૂડી છે, બીજી બાજુ સાંપ્રદાયિક ચળવળો આ દેશમાં મનુષ્યોમાંથી આ મૂલ્યવાન મૂડી દૂર કરવાના પ્રયાસો કરી રહી છે. મનુષ્યોને માનવ-મિત્રતાથી વંચિત કરી દેવા એ મનુષ્યો સાથેની સૌથી મોટી દુશ્મનાવટ છે. આ દેશમાં નૈતિક મૂલ્યોના રક્ષણ માટે પણ આપણે બધાએ પોત-પોતાની ફરજ અવશ્ય યાદ રાખવી જોઈએ.
અલ્લાહનો આભાર છે ટ્રેન શરૂ થઈ ગઈ, અલ્લાહ બધા યાત્રીઓને પોતાના રક્ષણ હેઠળ રાખે કે જેથી બધા મંઝિલ સુધી પહોંચી જાય.