બાંગલાદેશ જમાઅતે ઇસ્લામીના અધ્યક્ષ મૌલાના મુતીઉરરહમાન નિઝામીએ બલિદાન (પ્રાણ ન્યોછાવર કરીને) આપીને સત્યમાર્ગને વિશેષ પ્રકાશીત કરી દિધો, જેથી તેમના પછી આ માર્ગે ચાલનારાઓની સફર સરળ થાય અને ચાલનારાઓ પોતાને સ્વર્ગના હકદાર માની શકે જેમાં સૌપ્રથમ હકદાર સત્યમાર્ગ કાજે શહાદતે વ્હોરનારાઓ છે. મૌલાના મુતીઉરરહમાન જે રાજનૈતિક ષડયંત્રના શિકાર થયા તેની શરૃઆત ૨૦૦૯માં થઇ હતી. બાંગલાદેશમાં સાત વર્ષ પછી જ્યારે ૨૦૦૮માં ચુંટણી થઇ ત્યારે ત્યાંની પ્રજા બેગમ ખાલીદા ઝીયાથી એવી જ રીતે નારાઝ હતી જે રીતે અહિંયાની પ્રજા બે વર્ષ પહેલા મનમોહનસિંહથી નારાજ હતી જેના પરિણામે હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ શેખ હસીના વાજીદે પણ જનઆક્રોશનો લાભ ઉઠાવી જીત હાંસલ કરી. સત્તા પ્રાપ્તિ પછી શેખ હસીના વાઝીદે એવા કોઇ લોકકલ્યાણના કાર્યો ન કર્યા કે જેથી ત્યાંની પ્રજા તેમને ફરીથી ચુંટે. જેવી રીતે પાણીથી નિકળતાની સાથે જ માછલી તડપવાનું ચાલુ કરે છે એવો જ હાલ રાજનેતાઓનો સત્તા છુટ્યા પછી થાય છે. એટલા માટે તેઓ કોઇ પણ સંજોગોમાં ખુરશીથી અટ્કયા રહેવા જ માંગે છે. એટલા જ માટે શેખ હસીના વાઝીદે બરાબર ચૂંટણી પહેલા જ યુદ્ધ અપરાધીઓનો મુદ્દો ઉઠાવ્યો. ફાસીવાદી રણનીતી હેઠળ રાષ્ટ્રભાવનાને ભડકાવી ફરીથી ચુંટણી જીતવાનું ષડયંત્ર તૈયાર કર્યું અને ચુંટણી જીતી ગઇ પરંતુ તેના પછી પણ તે જ દ્વેષપુર્ણ ક્રુર રાજનિતીનો અમલ કરવામાં આવી રહ્યો છે. એ સાચું છે કે બાંગલાદેશ જમાઅતે ઇસ્લામી પાકિસ્તાનથી વિભાજન ના વિરોધમાં હતી પરંતુ તે એક રાજનૈતિક નિર્ણય હતો. આજ સિંધ્ધાંતને વળગી રહેનારી બીજા પણ અનેક પ્રશ્રો પુર્વ બાંગલાદેશ એટલે કે પુર્વ પાકિસ્તાન માં હતા જેવા કે, મુસ્લિમ લીગ, જમીઅતુલ ઉલમા પાકિસ્તાન, ચિન સમર્થક, કોમ્યુનિસ્ટ પાર્ટી વગેરે, પંરતુ વૈચારીક મતભેદના આધાર પર માત્ર રાજનૈતિક લાભ ખાટવા પ્રજાને ભ્રમિત કરવી એ એક નિંદનીય અપરાધ ગણી શકાય.
ભારતની આઝાદી સમયે કોંગ્રેસ અને મુસ્લિમ લીગમાં બાંગલાદેશના વિભાજનને લઇને મતભેદ હતો. પંરતુ વિભાજન પછી મુસ્લિમ લીગ ભારતની રાજનિતીમાં સક્રિય ભુમિકા ભજવતી રહી છે. જો કે તે કેરળની રાજ્ય સરકારમાં પણ સામેલ રહી હતી. ખાન અબ્દુલગફ્ફાર ખાનની અવામી નેશ્નલ પાર્ટી પણ પાકિસ્તાન નિર્માણની એવી જ રીતે વિરૃધ્ધમાં હતી જેવી રીતે જમાઅતે ઇસ્લામી પાકિસ્તાન વિભાજનના વિરૃધ્ધ હતી. પરંતુ અવામી નેશ્નલ પાર્ટી પણ પાકિસ્તાનનો એક મુખ્ય પક્ષ છે અને લાંબા સમય સુધી રાજસત્તામાં પણ રહ્યો છે. પરંતુ બાંગલાદેશી વડા પ્રધાને પારસ્પરિક મતભેદોમાં પાયા વિહોણા આરોપો લગાવીને રાજનૈતિક શત્રુતામાં બદલી દિધું છે.
બાંગલાદેશના ઇતિહાસને પુર્વ પાકિસ્તાનથી અલગ કરીને જોવાનો કોઇ જ અર્થ સરતો નથી.જનરલ અય્યુબ ખાનની તાનાશાહી સામે જમાઅતે ઇસ્લામીએ ખુલીને જાહેરમાં આંદોલનો ચલાવ્યા હતા. અને તેના જ કારણે અત્યારે જેવી રીતે શેખ હસીના વાઝીદે જમાઅતના નેતાઓની દુશ્મન બની બેઠી છે તેવી જ રીતે જનરલ ઐયુબ ખાને પણ કાદીયાનિયતનું બહાનું આગળ ધરીને મૌલાના મોદુદીને ફાંસીના ફંદા સુધી પહોંચાડ્યા હતા જો કે પાછળથી નસીબનો નિર્ણય આડે આવ્યો, ઐયુબખાનના વિરોધમાં પાકિસ્તાની લોકતાંત્રિક આંદોલન, વિપક્ષનો સંયુક્ત મોરચો અને લોકતાંત્રિક એક્શન કમિટીના ગઠબંધનમાં હસીનાના પિતા શેખ મુજીબુરરહમાન અને અવામી લીગ પણ શામેલ હતી. જો કે આ તો બાંગલાદેશની સ્થાપનાના પહેલાની વાત છે પરંતુ ૧૯૮૦ના દશકામાં પણ લોકતંત્રની સ્થાપના માટે ચલાવવામાં આવેલ આંદોલનમાં બાંગલાદેશ નેશ્નલ પાર્ટી અને જમાઅતે ઇસ્લામીની સાથે અવામી લીગ પણ હતી. સંજોગવશાત તે આંદોલન જે તાનાશાહી સૈન્યના વિરોધમાં ચલાવવામાં આવ્યું હતું તે હાલમાં સંસદમાં હસીના વાઝીદનું સહયોગી છે. જેવી રીતે આજે અવામી લીગ એ ભુલી ચુકી છે કે જનરલ ઇરશાદ લોકતંત્રનો શત્રુ હતો એવી જ રીતે અવામી લીગને એ વિચાર ન આવ્યો કે તે તથાકથિત યુદ્ધ અપરાધીઓેને સાથ આપી રહી છે અને તેના અનુસાર જે યુદ્ધ અપરાધીઓ છે તે દેશમાં લોકતંત્રનો ફેલાવો કરી રહ્યા છે.
બાંગ્લાદેશના બંધારણમાં સંશોધન કરાવીને નિષ્પક્ષ અધિકારી દ્વારા દેશમાં ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ જમાઅતે ઇસ્લામી એ પહેલી વાર પ્રસ્તુત કર્યો હતો. જનરલ ઇરશાદની જાતીય પાર્ટી અને અવામી લીગે પણ તેમાં સાથ આપ્યો હતો. હવે પરિસ્થિતિ તે છે કે ખુદ શેખ હસીના વાઝીદે આ પ્રસ્તાવને પોતાના પગ નીચે કુચડી દિધો છે. ગત ચૂંટણીઓમાં આ જ કારણે બીએનપી અને જમાઅતે ચૂંટણીબહિષ્કાર કર્યો હતો જે મહદઅંશે સફળ રહ્યો હતો. માત્ર ૧૦ ટકા જેટલા જ મતદાતાઓની ભાગીદારીથી થયેલી હિંસક ચૂંટણીઓમાં હસીનાવાઝીદ ફરીથી સત્તારૃઢ થઈ અને લોકતંત્રના પડદા પાછળ દમનકારી યોજનાઓની શરૃઆત કરી દીધી.
આ આશ્ચર્યજનક બાબત છે કે આ પહેલા શેખ હસીનાના પક્ષ અવામી લીગને ત્રણવાર શાસન કરવાનો મોકો મળ્યો પરંતુ તે દરમ્યાન પિતા અને પુત્રી બન્નેને ક્યારેય જમાઅતે ઇસ્લામીને યુદ્ધઅપરાધોમાં સામેલ હોવાનું યાદ ન આવ્યું પરંતુ ૨૦૧૦માં અચાનક હસીના વાઝીદને આ સાક્ષાત્કાર થઈ ગયો. ૧૯૮૦ પછીથી જમાઅતે ઇસ્લામી એક રાજનૈતિક પક્ષની રીતે રાષ્ટ્રીય ચૂંટણીઓમાં ભાગ લેતી રહી છે. ૧૯૯૧ની ચૂંટણીમાં જમાઅતે ઇસ્લામીને સંસદની ૧૮ સીટો મળી હતી, ત્યારે કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો જેથી અવામીલીગના અમીર હુસેને જમાઅતને ગઠબંધન સરકારમાં સામેલ થવા માટે આમંત્રિત કરી હતી અને તેના બે સંસદસભ્યોને મંત્રીપદનું આમંત્રણ પણ આપ્યું હતું, તો શું તે વખતે આ લોકો યુદ્ધઅપરાધીઓને મંત્રી બનાવી રહ્યા હતા???
જમાઅતે ઇસ્લામીએ સત્તા માટે ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન નથી કર્યું. પરંતુ તે સમયે તેમણે અવામીલીગના આ પ્રસ્તાવને પણ ઠુકરાવી દીધો હતો. સત્તાની બહાર રહીને તેમણે બાંગ્લાદેશ નેશનલ પાર્ટીને સમર્થન આપ્યું. ૨૦૦૧માં જમાઅત ફરીથી ૧૭ સીટો પર જીત મેળવી અને તેણે બીએનપી સાથે ગઠબંધન સરકાર બનાવી. મૌલાના મુતીઉર્રહમાનને કૃષી અને ઉદ્યોગ તેમજ અલીઅહસન મુઝાહિદને સામાજિક કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા. આ બન્ને એ પોતાના કાર્યકાળ દરમ્યાન અસાધારણ કાર્યકુશળતાનું પ્રદર્શન કર્યું. પરંતુ પાછળથી અચાનક તેમનું નામ યુદ્ધઅપરાધીઓમાં સામેલ થઈ ગયું અને એક પછી એક એમ બન્નેને શહીદ કરી દેવામાં આવ્યા.
૨૦૦૫માં બોંબધડાકામાં નીચલી અદાલતના બે જજ મરી ગયા હતા ત્યારે મીડિયાએ જમાઅતે ઇસ્લામી વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો અને આરોપ લગાવવામાં આવ્યો કે જમાઅત હિંસાના માર્ગથી સત્તા પ્રાપ્ત કરી રહી છે. આતંકવાદીઓને સમર્થન અને તેમનો ઉત્સાહ વધારવાનો આરોપ લગાવવાવાળાઓએ નજીકના જ ભવિષ્યમાં જોયું કે જમાઅતે ઇસ્લામીએ ધડાકાઓની નિંદા કરીને દેશભરમાં સાર્વજનિક જનમત તૈયાર કર્યો અને પોતાના જ શાસનકાળમાં તે અપરાધીઓને સજા ફટકારી.
યુદ્ધ અપરાધીઓનો ઇતિહાસ પણ રોચક છે. આ વિડંબના છે કે, જ્યાં શેખ મુઝીબે પાકિસ્તાની સૈનિકોને માફ કરી દીધા ત્યાં જ તેમની પુત્રીએ પોતાના જ દેશના નિર્દોષ રાજકીય વિરોધીઓને ફાંસી આપી રહી છે. જમાઅતના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર ગુલામ આઝમ પર પણ સ્વતંત્રતા સંગ્રામ મામલે ફેંસલો સંભળાવ્યો કે આરોપીનો પાકિસ્તાની સેના તેમજ તેના સહયોગી અલબદ્ર અથવા અલશમ્સથી કોઈ સંબંધ નથી. શેખ હસીના વાઝીદની સરકારે હાઈકોર્ટના નિર્ણયથી ઉપરવટ જઈ પ્રોફેસર ગુલામ આઝમને યુદ્ધ અપરાધી માનીને જેલમાં ધકેલી દીધા અને તેઓનું મૃત્યુ પણ અંતે જેલમાં જ થયું. આ મામલે જ્યારે જજે પુછ્યું કે પ્રોફેસર ગુલામ આઝમ પાસે કોઈ સરકારી પદ ન હતુ તો પછી તેઓ સૈનિકોને આદેશ કેવી રીતે આપી શકે છે? તો સરકારી વકીકે જવાબ રજૂ કર્યો કે તેઓ તે જમાનામાં હિટલર જેવા હતા અને હિટલરને કોઈ પદની જરૂરત ન હતી. હવે તે મુર્ખને કોણ બતાવશે કે હિટલર દ્વીતીય વિશ્વયુદ્ધ સમયે એક રાજ્યનો પ્રમુખ હતો જેવી રીતે આજે શેખ હસીના છે. અને શેખ હસીના અત્યારે એ જ બધુ કરે છે જે હિટલરે કર્યું હતું.
૨૦૦૪માં જ્યારે જમાઅતે ઇસ્લામીની સરકાર હતી ત્યારે ચટગાંગની અંદર ચીની હથિયારોનો મોટો ભંડારો પકડાયો હતો. જેની કિંમત પાકિસ્તાની જાસુસી સંસ્થા આઈએસઆઈ એ ચુકવી હતી. આ શસ્ત્રો હોંકોંગથી નિકળી સિંગાપુર થઈને બાંગ્લાદેશ પહોંચ્યા હતા જોકે તે આસામ પહોંચાડવાના હતા. આખા મામલાની ન્યાયિક તપાસ જમાઅતના જ કાર્યકાળમાં શરૃ થઈ પરંતુ પૂર્ણ થવા પહેલાં જ ૨૦૦૮માં હસીના વાઝીદે સત્તા સંભાળી લીધી હતી અને જાન્યુઆરી ૨૦૦૯માં પોતાના અંગત એવા એએસપી મુનિરૃલ ઇસ્લામને તપાસ સોંપી દીધી. આ રીતે પછી જ્યારે જૂન ૨૦૧૧માં જે સંશોધિત કરેલો તપાસ રીપોર્ટ જાહેર થયો તેમાં ૧૧ નવા લોકો પર આરોપ લગાવવામાં આવ્યા જેમાં જમાઅતે ઇસ્લામીના અમીર મુતીઉર્રહમાન નિઝામી અને બીએનપીના લુતફુઝમાનંું પણ નામ હતું. આમ, શેખ હસીનાએ જૂના કેસોની નવિન તપાસ આરંભી અને જમાઅતને એવા નિરાધાર આરોપોમાં ફસાવવામાં આવી જેનું મૂળથી જ કોઈ અસ્તિત્વ જ ન હતું. આ મામલામાં ઘણા સાક્ષી ઊભા થયા કે જેઓ એ મૌલાના મુતીઉર્રહમાનનું નામ શુદ્ધા પણ ન લીધું. પરંતુ જ્યારે તે ગુન્હો બન્યો તે સમયે મૌલાના ઉદ્યોગમંત્રી હતા અને તેમના વિભાગનો એક એક કર્મચારી દોષિત પૂરવાર કરવામાં આવ્યો હતો જેથી એક નીચલી કોર્ટ મૌલાનાને ફાંસીની સજા સંભળાવી દીધી. ખરેખર તો, તે અદાલતને આનો અધિકાર જ ન હતો જ્યારે કે બાંગ્લાદેશમાં હથિયારની તસ્કરી વધુમાં વધુ સજા જ જનમટીપ છે. હવે જ્યારે આનાથી પણ સંતોષ ન થયો તો, યુદ્ધના અપરાધોની રમત ઊભી કરવામાં આવી અને એક કથિત આંતરરાષ્ટ્રીય અપરાધિક ટ્રીબ્યુનલ બનાવવામાં આવ્યું. આ પ્રકારના ટ્રીબ્યુનલની સમગ્ર વિશ્વભરમાં માનવઅધિકારોએ આકરી નિંદા કરી છે તેમજ સંયુક્ત રાષ્ટ્ર સહિત એમનેસ્ટી ઇન્ટરનેશનલે પણ તેની કાર્યશૈલી પર સવાલ ઉભા કર્યા છે. આ સમગ્ર મામલે ન્યાયધીશો સાથેની સાંઠગાંઠની પણ બાબતો સામે આવી હતી પરંતુ વૈશ્વિક ઉહાપોહની જરા પણ પરવાહ કર્યા વગર બાંગ્લાદેશ સરકાર પોતાના રાજકીય લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં જ વ્યસ્ત રહી તેણે પહેલા સર્વત્ર વિરોધ છતાં જમાઅતે ઇસ્લામીના નેતા અબ્દુલ કાદિર મુલ્લાને શહીદ કરી દીધા. તેમના મામલામાં બાંગ્લાદેશ સરકારે જે કંઇપણ કર્યું તે ખરેખર અદ્ભૂત હતું. સામાન્ય રીતે ઉપરની કોર્ટમાં નીચલી કોર્ટનો મામલો પાસ થતો હોય છે અથવા સજામાં કોઈ કમી કરવામાં આવે છે પરંતુ અહીંતો ટ્રીબ્યુનલે આપેલી જન્મટીપની સજાને સુપ્રિમકોર્ટ મૌતની સજામાં ફેરવીને તરત જ કાર્યવાહી કરાવડાવી દીધી જેથી કરીને બદલાની ભાવના ભડકાવી શેખ હસીના વાઝીદ ફરીથી ચૂંટણી જીતી શકે.
શહીદ અબ્દુલ કાદિર મુલ્લા પછી ૨૨ નવેમ્બર ૨૦૧૫ના રોજ શેખ હસીના વાઝીદે બીજા બે નિર્દોષ નેતાઓ અલીમુહમ્મદ અહેસાન મુઝાહિદ અને સલાહુદ્દીન કાદિર ચૌધરીને ઢાકા સેન્ટ્રલ જેલમાં ફાંસી આપી દીધી. જમાઅતે ઇસ્લામી બાંગ્લાદેશ અને બીએનીપીના નેતા પર ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનને સમર્થન કરવાના આરોપ હતા. આ ઘટનાના દોઢ વર્ષ પછી પણ આ ક્રૂર ષડયંત્ર ચાલું જ રહ્યા જેના હેઠળ અમીરે જમાઅત બાંગ્લાદેશને ૧૭ મેની રાત્રી શહીદ કરી દેવામાં આવ્યા. મૌલાના મતીઉર્રહમાન નિઝામી પર પાકિસ્તાનથી સહયોગી રહેવાના આરોપ લગાડવામાં આવ્યા. પરંતુ સતત પાંચ-પાંચ વાર સંસદમાં જીતવાવાળા અને ચાર વર્ષ સુધી દેશના કૃષિ અને ઉદ્યોગ મંત્રાલય સંભાળવાવાળા તેમજ ૨૫થી વધારે પુસ્તકોના લેખકનું વકતવ્ય હતું કે, “૧૬ ડિસેમ્બર ૧૯૭૧ પછીથી પાકિસ્તાન અલગ દેશ છે અને બાંગ્લાદેશ પણ અલગ દેશ છે. જ્યારે આ પાકિસ્તાન હતુ તો અમે તેના વફાદાર હતા હવે અમારી બધી જ વફાદારી બાંગ્લાદેશની સાથે જ છે.” શું કોઈ વ્યક્તિ અથવા સમુહને પોતાના દેશ પ્રતિ કૃતજ્ઞતાની સજા આપવી ઉચિત છે???
મૌલાના મતીઉર્રહમાન નિઝામીએ સત્તાધારી પક્ષને ચેતવણી આપી હતી કે, “જો દેશમાં રાષ્ટ્રપ્રેમી, લોકતંત્ર તેમજ શાંતિ સમર્થન ધાર્મિકદળોનો રસ્તો રોકવામાં આવશે તો તેના પરિણામસ્વરૃપ દેશમાં ઉગ્રવાદ જન્મ લેશે.” પરંતુ સરકારને તેની કોઈ જ પરવાહ નથી જોકે તે તો એવું જ ઈચ્છે છે કે આવું જ થતું રહે જેથી આતંકવાદની આડમાં પોતાના રાજકીય વિરોધીઓને ધ્વસ્ત કરી શકાય.
પ્રજાને કોઈ સમુહવિશેષ વિરુદ્ધ મીડિયાના સહકારથી ઘૃણાની ભાવના ઉપજાવી અને પછી નિર્દોષ લોકોને સજા ફટકારી તે ભાવનાઓને શાંત કરી પોતાની લોકપ્રિયતામાં વૃદ્ધિ કરવાની સાથે સત્તા પર ચિટકી રહેવાની રાજરમત હવે બહુ જુની થઈ ચુકી છે. એડોલ્ફ હિટલરે આ જ રણનીતિના આધાર પર ચૂંટણી જીતીને પોતાની સત્તા સ્થાપિત કરી હતી પરંતુ છેવટે આત્મહત્યા એ જ તેનો ક્રૂર અંત આણ્યો. શેખ હસીના વાઝીદ પણ તેના જ પદચિહ્નો પર બહુ જ ઝડપથી આગળ વધી રહ્યા છે કોણ જાણે કે હવે તેમનો અંત શું આવશે પરંતુ ઇતિહાસ સાક્ષી છેે કે આવા ક્રૂર શાસકોનો અંત સારો નથી હોતો. *