Friday, November 22, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપબેટી ભ્રૂણ-હત્યા સમસ્યા અને નિવારણ

બેટી ભ્રૂણ-હત્યા સમસ્યા અને નિવારણ

સ્ત્રી ભ્રૂણ-હત્યા વર્તમાન સમયની ગંભીર સામાજિક સમસ્યાઓ પૈકી એક છે. તેના કારણે જાતિ-સંતુલન બગડી રહ્યું છે. છોકરાઓની સંખ્યામાં વધારો અને છોકરીઓની સંખ્યા ઓછી થતી જઇ રહી છે. આના કારણે સમાજ ઉપર અતિ દુષ્ટ અને ખતરનાક પ્રભાવ પડી રહ્યો છે. બુધ્ધિજીવી વર્ગ ચિંતાતુર છે અને આ દૂષણને દૂર કરવાના ઉપાય વિચારી રહ્યો છે. સામાજિક સંસ્થાઓ પણ તેને રોકવા માટે પ્રયત્નશીલ છે અને જેને જે સૂઝે તે કરી રહ્યું છે. સરકારી સ્તરે પણ તેને રોકવા માટે કાનૂન બનાવવામાં આવ્યા છે. તેમાં સખત કડક સજાઓની જોગવાઇ છે. પરંતુ આ દૂષણની સમાપ્તિનો કોઇ અણસાર દેખાઇ નથી રહ્યો. ઇશ્વરે બનાવેલી પ્રાકૃતિક વ્યવસ્થામાં માનવીય હસ્તક્ષેપથી ઉત્પન્ન થનારી ગડબડ અને અસંતુલનના પરિણામોને સહન કરવા માટે માનવી લાચાર છે.

પ્રથમ જનસંખ્યાની સમસ્યાનો મુદ્દો બનાવીને આગળ લાવવામાં આવ્યો. તેનાથી છુટકારો મેળવવા માટે કુટુંબ નિયોજનની જાત-જાતની યોજનાઓ બનાવવામાં આવી. કુટુંબ નિયોજન માટે કાયદા બનાવ્યા. પરિસ્થિતિ આગળ વધી તો હવે જાતિ પરિક્ષણની કોશિશ કરવામાં આવે છે. વિવિધ ઉપકરણો દ્વારા આ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે તે ગર્ભ જે માના પેટમાં ફળી રહ્યો છે તેની જાતિ કઇ છે ? જો આ ખબર પડી જાય કે તે પુત્રી છે તો ગર્ભપાત કરાવી દેવામાં આવે છે.

ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે. ઇ.સ.૨૦૦૧માં દેશની વસ્તી એક અબજ બે કરોડ સત્તર લાખ પંદર હજારનો આંક વટાવી ગઇ હતી. તેમાં પુરુષોની સંખ્યા ૫૩,૧૨,૭૭,૦૦૦ અને સ્ત્રીઓની સંખ્યા ૪૯,૫૭,૩૮,૦૦૦ બતાવવામાં આવી છે. અર્થાત્ ૧૦૦ પુરુષોની સંખ્યાની તુલનામાં ૯૩ સ્ત્રીઓ હતી. ઇ.સ. ૧૯૭૧ની વસ્તી ગણતરીમાં આ ફરક એનાથી પણ વધારે હતો. (રાષ્ટ્રીય સહારા, ૭ ઓક્ટોબર ૧૯૯૧)
દેશના કેટલાય રાજ્યોમાં છોકરા અને છોકરીઓની સંખ્યા વચ્ચે ઘણો ફરક છે. એમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશ ઉલ્લેખનીય છે. આ રાજ્યોમાં ૧૦૦૦ છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા ૮૦૦-૯૦૦ની વચ્ચે છે. ઇ.સ. ૧૯૯૧ની વસ્તી ગણતરીમાં પંજાબમાં ૧૦૦૦ છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા ૮૭૫ હતી, જે ઇ.સ. ૨૦૦૧માં ઘટીને ૭૯૩ થઇ ગઇ. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇ.સ. ૧૯૯૧ની વસ્તી ગણતરીમાં ૧૦૦૦ છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા ૯૪૮ હતી જે ઇ.સ. ૨૦૦૧માં ઘટીને ૯૧૭ થઇ ગઇ. (રાષ્ટ્રીય સહારા, ૨૨ ઓગષ્ટ, ૨૦૦૬) રાજસ્થાનના સરહદી વિસ્તાર જેસલમેરની વસ્તીમાં ૧૦૦૦ છોકરાઓની તુલનામાં છોકરીઓની સંખ્યા ફકત ૭૮૫ છે. (રાષ્ટ્રીય સહારા ૨૧ મે ૨૦૦૬)

આગ્રા ડિવિઝનમાં ૧૦૦૦ છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા ફિરોઝાબાદમાં ૮૮૭, ઇટામાં ૮૯૧, આગ્રામાં ૮૬૬, મથુરામાં ૮૭૨, હાથરસમાં ૮૮૬ અને અલીગઢમાં ૮૮૫ છે. (રાષ્ટ્રીય સહારા, ૨૧ મે ૨૦૦૬)

છોકરીઓથી છુટકારો મેળવવાની આ કુચેષ્ટા સમાજમાં છોકરીઓનું મહત્વ ઓછંુ હોવાના કારણે છે. તેમને છોકરાઓની સરખામણીમાં હલકી સમજવામાં આવે છે. તેના અસ્તિત્વને માતા-પિતા પોતાના ઉપર બોજ સમજે છે. તેમનો ઉછેર, તેમનું રક્ષણ, તેમના લગ્ન માટે ઉઠાવવી પડતી તકલીફો વગેરે એમના માટે બોજ બની જાય છે. તે સિવાય પણ પુત્રીઓના મામલામાં કેટલીક નાજુક અને સંગીન સમસ્યાઓ સામે આવતી રહે છે, જેના લીધે મા-બાપ એમાં જ ભલાઇ સમજે છે કે જન્મ પહેલાં જ તેનાથી છુટકારો મેળવી લેવામાં આવે.

જ્યારે અલ્લાહના અંતિમ પયગમ્બર આ દુનિયામાં પધાર્યા તે સમયે પણ પુત્રીઓને ભારે બોજ સમજવામાં આવતી હતી. તેમના માતા-પિતાને આ વાતની ચિંતા સતાવતી રહેતી હતી કે સારો સગપણ ન મળવાની સ્થિતિમાં તેમને પોતાની પુત્રીની શાદી બીજા કબીલામાં કરવી પડશે. આ પણ ખતરો રહેતો હતો કે લુંટારા જ્યારે હુમલો કરશે તો તેને પકડીને લઇ જશે અને તેને દાસી બનાવી લેશે. આ જ કારણે જ્યારે તેમનામાં કોઇને ત્યાં પુત્રીનો જન્મ થતો તો તેનો ચહેરો ઉતરી જતો. “જ્યારે તેમનામાંથી કોઇને પુત્રીના જન્મની ખુશખબર આપવામાં આવે છે તો તેના ચહેરો ઉપર કાલિમા છવાઇ જાય છે અને તે બસ લોહીનો ઘૂંટ પીને રહી જાય છે. લોકોથી છુપાતો ફરે છે કે આ અશુભ સમાચાર પછી કોઇને શું મોઢું દેખાડે. વિચારે છે કે અપમાનની સાથે આ પુત્રીને રાખી લે કે માટીમાં દાટી દે ? – જુઓ, કેવા ખરાબ નિર્ણયો છે જે આ લોકો અલ્લાહ વિષે કરે છે.” (સૂરઃનહ્લ-૫૮,૫૯)

છોકરીઓથી છુટકારો મેળવવા માટે ઇસ્લામના આગમન પહેલા અરબના કેટલાક કબીલાઓમાં ઘણી જ ક્રુર પ્રથાઓ હતીઃ
“જ્યારે પ્રસુતિનો સમય નજીક આવતો તો એક ખાડો ખોદવામાં આવતો. પછી જો છોકરી જન્મતી તો જન્મ પછી તરત જ ખાડામાં દાટી દેવામાં આવતી.” (ઇબ્ને અબ્બાસ).

“છોકરી પેદા થતાં જ તેને મારી નાખીને કૂતરાઓના આગળ ફેંકી દેવામાં આવતી હતી” (કતાદા).
“કોઇ પહાડની ટોચ પર લઇ જઇને ફેંકી દેવામાં આવતી હતી / પાણીમાં ડુબાડી દેવામાં આવતી હતી / ઝબહ (વધ) કરી દેવામાં આવતી હતી – જ્યારે તે થોડી મોટી થઇ જતી તો એક દિવસ તેને શણગારીને રણ મેદાનમાં લઇ જવામાં આવતી હતી. અહીં ખૂબ ઊંડો ખાડો ખોદીને તેમાં નાખી દેવામાં આવતી હતી અને ઉપરથી માટી નાખીને જમીન બરાબર કરી દેવામાં આવતી. (તફસીર ઇબ્ને કસીર)

આજની પરિસ્થિતિઓ પણ કંઇ જુદા પ્રકારની નથી. જેસલમેર (રાજસ્થાન)ના એક ગામ ‘દેવડા’ વિષે એક રિપોર્ટ પ્રકાશિત થયેલ છે કે ત્યાં પાછલા ૧૦૦ વર્ષોમાં કોઇ છોકરીના લગ્ન થયા નથી. પેદા થતાં જ તેમને મારી નાખવામાં આવે છે. કોઇ કોઇ વખત આ કામ ખુદ તેની માતા કરતી હોય છે તે પોતાના દૂધની સાથે પુત્રીને અફીણ ખવડાવી દે છે, નાક ઉપર રેતીની પોટલી મૂકી દે છે અથવા મોઢા અને નાકમાં રેતી ભરી દે છે, મોઢા ઉપર રજાઇ કે તકિયો રાખી દે છે જેથી બાળકીનો શ્વાસ રૃંધાઇ જાય અથવા મોઢામાં મીઠંુ ભરી દે છે. (રાષ્ટ્રીય સહારા ૯ સપ્ટેમ્બર ૨૦૦૬)

સમાજનો તે વર્ગ જે પોતાને ઉચ્ચ માને છે તે તો એટલો બધો નિર્દયી અને ઘાતકી હોય છે કે શિશુના જન્મ સુધીની પણ રાહ નથી જોતા. ગર્ભમાં જ સ્કેનીંગ કરાવીને જાણી લે છે કે ગર્ભમાં ઉછરી રહેલ નાનકડી જાન છોકરો છે કે છોકરી. જો છોકરી હોય તો ગર્ભપાત કરાવી દેવામાં આવે છે. આથી ભ્રૂણ-હત્યા રોકવા માટે ઇ.સ. ૧૯૯૪માં કાયદો ઘડવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત બાળકના જાતિનું પરિક્ષણ કરવું કાનૂની અપરાધ ગણવામાં આવ્યો છે; પરંતુ તેમ છતાં દર વર્ષે ૫-૭ લાખ છોકરીઓની માતાના ગર્ભમાં હત્યા કરી દેવામાં આવે છે. (રાષ્ટ્રીય સહારા, ૬ જૂન ૨૦૦૬)

આ પ્રકારના ફર્ટીલીટી સેન્ટર પર સમયાંતરે દરોડો પણ પાડવામાં આવે છે અને આ કાર્યમાં સંડોવાયેલા ડૉક્ટરોને ગિરફતાર પણ કરવામાં આવે છે. તેમની ર્વિરુદ્ધ કેસ પણ કરવામાં આવે છે અને તેમને સજા પણ આપવામાં આવે છે. પરંતુ આ બધા જ પ્રયત્નો છતાં આ સામાજિક દૂષણની સમાપ્તિ તો દૂરની વાત છે તેનો ફેલાવો રોકવાનું પણ શક્ય બની શક્યું નથી.

ઇસ્લામી ઉપાય

ઇસ્લામ ભ્રૂણ-હત્યાને સંગીન ગુનો માને છે. તેને રોકવા માટે વિવિધ પ્રકારની યુક્તિઓ અપનાવે છે. જે આશંકાઓ અને સંભવિત ખતરાઓના કારણે લોકો ભ્રૂણ-હત્યા કરે છે, તેને દૂર કરે છે. ઇસ્લામ પુત્રીઓને સૌભાગ્યવંતિ અને કલ્યાણકારી સમજે છે. તેના ઉછેર અને સારી કેળવણીની પણ શિક્ષા આપે છે. સામાજિક સ્તરે આ ઘણું જ લાભદાયી સિદ્ધ થયું છે.

ઇસ્લામે સૌથી પહેલું કામ આ કર્યું કે લોકોને માનસિક રીતે એના માટે તૈયાર કર્યો. કોઇપણ કાયદો ત્યાં સુધી અસરકારક નીવડી શકતો નથી જ્યાં સુધી લોકો તેને સ્વીકારવા માટે તૈયાર ન હોય, લોકો તેના ફાયદા જાણતા ન હોય અને તેને ન માનવાના નુકસાનથી અજાણ હોય. ઇસ્લામે બતાવ્યું છે કે આ એક શૈતાની કૃત્ય છે:
“અને આવી જ રીતે ઘણાં મુશ્રિકો માટે તેમના ઠેરવેલા ભાગીદારોએ પોતાના બાળકોની હત્યા સુંદર બનાવી દીધી છે, જેથી તેમને બરબાદીમાં નાખી દે અને તેમના માટે દીન (ધર્મ)ને શંકાસ્પદ બનાવી દે.

“નિશ્ચિતપણે નુકસાનમાં પડ્યા તે લોકો જેમણે પોતાના બાળકોની અજ્ઞાનતા અને મૂર્ખતાના કારણે હત્યા કરી અને અલ્લાહની આપેલી રોજીને અલ્લાહના નામે જૂઠ ઘડીને હરામ (અવૈધ) ઠેરવી દીધી. નિઃશંક તેઓ ભટકી ગયા અને કદાપિ તેઓ સીધો માર્ગ પામનારાઓમાંથી ન હતા. ” (સૂરઃઅન્આમ-૧૪૦).

અરબના કેટલાક કબીલા પોતાની પુત્રીઓની હત્યા ફકત એટલા માટે કરતા હતા કે તેઓ એમને બોજ સમજતા હતા. છોકરા તો મોટા થઇને તેમને મદદરૃપ બનતા હતા, પરંતુ છોકરીઓ મોટી થઇને કંઇ જ કરતી ન હતી. કુઆર્ને સ્પષ્ટ કહી દીધું કે રોજીની ચાવીઓ તો અલ્લાહના હાથમાં છે. આ પૃથ્વી પર જેટલા પણ પ્રાણીઓ છે તેમની રોજીની જવાબદારી ઇશ્વરે પોતાના ઉપર લઇ લીધી છે. કોઇ શક્તિશાળી હોય કે કમજોર, રૃષ્ટ-પુષ્ટ હોય કે અપંગ, પોતે રોજી-રોટી માટે દોડ-ધામ કરતો હોય કે તે કોઇ બીજા ઉપર અવલંબિત હોય, તેમને જે રોજી મળે છે તે અલ્લાહની આજ્ઞા અને તેની મરજી અનુસાર મળે છે. “… અને પોતાના બાળકોની ગરીબીના ડરથી હત્યા ન કરો, અમે તમને પણ રોજી આપીએ છીએ અને તેમને પણ આપીશું….”(સૂરઃઅન્આમ-૧૫૧). પુત્રીની હત્યા તે ધૃણાસ્પદ કૃત્યો છે જેના વિષે પરલોકમાં પૂછતાછ કરવામાં આવશે. “પોતાના સંતાનની નિર્ધનતાના ભયથી હત્યા ન કરો, અમે તેમને પણ રોજી આપીશું અને તમને પણ. હકીકતમાં એમની હત્યા એક ઘોર અપરાધ છે.” (સૂરઃબની ઇસરાઇલ – ૩૧). “અને જ્યારે જીવતી દાટવામાં આવેલી બાળકીને પૂછવામાં આવશે કે તે ક્યા અપરાધ માટે મારી નાખવામાં આવી ?” (સૂરઃતકવીર – ૮,૯). ઇસ્લામમાં પુત્રીની હત્યાની ગણત્રી તે કામોમાં સમ્મિલિત કરવામાં આવી છે જેને ઇશ્વરે અવૈધ ઠેરવ્યા છે. “અલ્લાહે તમારા ઉપર હરામ ઠેરવ્યું છે, મા-બાપની અવજ્ઞા, પુત્રીઓને જીવતી દાટવી અને બિન ઉપયોગી ખર્ચ.” (મુસ્લિમ)

બાળ-હત્યા ન કરવાની પ્રતિજ્ઞા

ઇશદૂત હઝરત મુહમ્મદ (સ.અ.વ.) પોતાના અનુયાયીઓને પ્રતિજ્ઞા લેવડાવતી વખતે જે વાતોને સ્વીકાર કરાવતા હતા તેમાં એક વાત આ પણ સામેલ હતી કે, ‘પોતાના સંતાનોની હત્યા નહીં કરે.’ હુદૈબિયાની સંઘિ પછી અને મક્કાના વિજય પહેલાં ઘણી સ્ત્રીઓ મક્કાથી હિજરત કરીને મદીના આવી હતી. ઇશ્વરે પોતાના દૂત હઝરત મુહમ્મદ (સ.અ.વ.) પાસેથી પ્રતિજ્ઞા લેવા માટે તેમને આદેશ આપ્યો ઃ “હે પયગંબર, જ્યારે તમારા પાસે ઇમાનવાળી સ્ત્રીઓ બૈઅત (પ્રતિજ્ઞા) કરવા માટે આવે અને એ વાતની પ્રતિજ્ઞા કરે કે તેઓ અલ્લાહ સાથે કોઇ વસ્તુને ભાગીદાર નહીં બનાવે, ચોરી નહીં કરે, વ્યભિચાર નહીં કરે, પોતાના સંતાનની હત્યા નહીં કરે, પોતાના હાથ-પગ વચ્ચે કોઇ આરોપ ઘડીને નહીં લાવે, અને કોઇ પણ ભલાઇના કામમાં તમારી અવજ્ઞા નહીં કરે, તો તેમનાથી ‘બેઅત’ લઇ લો અને તેમના માટે ક્ષમાની પ્રાર્થના કરો, નિશ્ચિતપણે અલ્લાહ ક્ષમાશીલ અને દયાળુ છે.” (સૂરઃમુમ્તહિના-૧૨).

આવી જ રીતની પ્રતિજ્ઞા ઇશદૂતે પુરુષો પાસેથી પણ લીધી. મદીના હિજરત કરતા પહેલાં યશરબથી જે ભાગ્યશાળી લોકોએ ઇશદૂતના હાથ ઉપર પ્રતિજ્ઞા લીધી હતી તેમાં હઝરત ઉબૈદા બિન સામિત રદિ. પણ હતા. તે વર્ણન કરે છે કે પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યું ઃ “મારાથી વાયદો કરો કે અલ્લાહ સાથે કોઇને ભાગીદાર નહીં બનાવો, ચોરી નહીં કરો, વ્યભિચાર નહીં કરો અને પોતાના સંતાનની હત્યા નહીં કરો.” (બુખારી).

ઇસ્લામ આ વાતને સ્વીકારતો નથી કે છોકરીનું અસ્તિત્વ માનવી માટે મુસીબત કે પરેશાનીનું કારણ છે. પરંતુ તેણે પુત્રીને સ્વર્ગમાં પ્રવેશ મેળવવા માટેનું નિમિત્ત બતાવ્યું છે. હઝરત ઇબ્ને અબ્બાસ રદિ. કહે છે કે હઝરત મુહમ્મદ (સ.અ.વ.) એ ફરમાવ્યું ઃ “જે વ્યક્તિને બે પુત્રીઓ હોય તે જ્યાં સુધી તેની પાસે રહે, તે તેમની સાથે સારો વ્યવહાર કરતો રહે તો તે સ્વર્ગમાં પ્રવેશનું નિમિત બનશે.” (સુનન ઇબ્ને માજા). હઝરત ઉકબા બિન આમિર રદિ. કહે છે કે અલ્લાહના રસૂલ (સ.અ.વ.)એ ફરમાવ્યું ઃ “જે વ્યક્તિને ત્રણ પુત્રીઓ હોય તે સબર કરે અને તેમને તેની હૈસિયત પ્રમાણે ખવડાવે, પીવડાવે, પહેરાવે તે પ્રલયના દિવસે નરકથી તેના માટે આડ બની જશે.” (સુનન ઇબ્ને માજા).

હદીસોમાં પુત્રીઓના શિક્ષણ અને કેળવણી (તરબિયત, પ્રશિક્ષણ)નું ઘણું જ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. હઝરત અબૂ સઇદ અલ-ખુદરી રદિ.થી ઉલ્લેખ છે કે હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યું ઃ “જે વ્યક્તિએ ત્રણ પુત્રીઓનું પાલન પોષણ કર્યું તેમને શિષ્ટતા શિખવાડી તેમની શાદી કરી અને તેમની સાથે સદ્વ્યવહાર કરતો રહ્યો તો તેના માટે સ્વર્ગ છે.” (અબૂ દાઉદ). હઝરત ઇબ્ને અબ્બાસ રદિ.થી રિવાયત છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું ઃ “જે વ્યક્તિએ પોતાની ત્રણ પુત્રીઓ અથવા ત્રણ બહેનોનું પાલન-પોષણ કર્યું, તેમને શિષ્ટતા શિખવાડી, તેમની સાથે સહાનુભૂતિનો વ્યવહાર રાખ્યો, અહીં સુધી કે ઇશ્વરે તેમને બેપરવાહ (નિસ્પૃહ) બનાવી દીધી તો તેના માટે ઇશ્વરે સ્વર્ગ અનિવાર્ય કરી દીધી.” વર્ણન કર્તા કહે છે આ સાંભળીને એક વ્યક્તિએ પૂછયું: “હે અલ્લાહના રસૂલ (સ.અ.વ.) જો કોઇને બે જ પુત્રીઓ અથવા બે બહેનો હોય અને તે તેમની સાથે આ પ્રમાણે કરે તો ? આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું, તેના માટે પણ આ જ બદલો છે.” વર્ણનકર્તા આગળ કહે છે કે જો ઉપસ્થિત લોકોમાંથી કોઇએ એક પુત્રી અથવા એક બહેન સાથે સદ્વ્યવહાર કરવા વિષે પૂછયુ હોત તો ઇશદૂત આ જ જવાબ આપત.” (શરહ અલ-સુન્ના).
ઇસ્લામનું આ શિક્ષણ છોકરીઓને સમાજમાં એટલી પ્રતિષ્ઠા અને સન્માન પ્રદાન કરે છે કે તેનાથી અધિકની કલ્પના પણ કરી શકાતી નથી. જે સમાજમાં છોકરીઓના હક છીનવી લેવામાં આવ્યો છે અથવા તેમને કમતર સમજવામાં આવે છે તેઓ તેમની સ્થિતિ સુધારવા અને તેમને ઉચ્ચ સ્થાન આપવા માટે ઇસ્લામના આ શિક્ષણથી મદદ પ્રાપ્ત કરી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments