Sunday, November 24, 2024
Homeમનોમથંનબેફામ બનેલા કહેવાતા ગૌ-રક્ષકોને છૂટ ક્યાં સુધી?

બેફામ બનેલા કહેવાતા ગૌ-રક્ષકોને છૂટ ક્યાં સુધી?

ગૌ વંશ રક્ષાના નામે આજે સમગ્ર દેશમાં કહેવાતા ગૌ રક્ષકો એટલી હદે બેફામ બની ગયા છે કે છેલ્લે છેલ્લે ગમે તે કારણસર દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીને પણ તેમની વિરુદ્ધ કડક શબ્દો ઉચ્ચારવા પડયા. એક નહીં બલ્કે બે-બે વખત તેમના દ્વારા એ કહેવાતા ગૌ-રક્ષકો સામેની વખોડણી બાદ કેટલાક ભોળા લોકોને લાગતું હતું કે હવે કદાચ એ કહેવાતા ગૌ-રક્ષકો કાબૂમાં રહેશે. પરંતુ તેમની એ આશા ઠગારી નીવડી. એવી ઘટનાઓ બનતી જ રહી. એમાં કોઈ ખાસ કમી દેખાઈ નહીં. તેમાં છેલ્લે અહમદઆબાદની ઘટના બની જે નીચે મુજબ છે.

હાલમાં જ ઈદુલ અઝ્હા પ્રસંગે ઢોર લાવવાની ઘટનામાં મુહમ્મદ ઐયૂબ મેવાતી અને સમીરને ઢોર માર મારવાની ઘટના એસ.જી. હાઈવે, અહમદઆબાદ ખાતે બની. તેની સંપૂર્ણ વિગતો હજી પણ સામે આવવાના બાકી છે, જે તપાસ પછી જ સામે આવશે. પરંતુ કહેવાતા ગૌ-રક્ષકો દ્વારા કાયદો વ્યવસ્થા  હાથમાં લઈ ઢો માર મારવામાં આવ્યો. પરિણામે મુહમ્મદ ઐયૂબ મેવાતીનું મૃત્યુ થઈ ગયું. સમીર દ્વારા ગૌ-રક્ષકોની વિગતો જણાવ્યા બાદ પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરિણામે અનેક સંસ્થા અને સમાજના અગ્રણીઓ આ અંગે વિરોધ દર્શાવવા વી.એસ. હોસ્પિટલ ખાતે ધરણા પર બેઠા હતા. તેમાં પણ એ અગ્રપણીઓની માગણીઓ સાંભળવા અને સમયસર યોગ્ય કાર્યવાહી કરવાના બદલે પોલીસ દ્વારા ધરણા પર બેસેલા અગ્રણીઓની ધરપકડ કરી લોકશાહી કે પ્રજામતનો અવાજ રૃંધવાનો પ્રયાસ કરાયો હતો. જો કે શાહીબાગ લઈ જવાયા બાદ સાંજે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ કેટલી હદે યોગ્ય ગણી શકાય ? મુહમ્મદ ઐયૂબ મેવાતી હોય કે પછી ગમે તે, જો કોઈ પણ વ્યક્તિ કાયદા-કાનૂનનું ઉલ્લંઘન કરે તો તેની હિમાયત કે સમર્થન કોઈ પણ ન કરે. કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરનારને પકડવાની અને તેમની સામે કોર્ટમાં કેસ કરી યથાયોગ્ય સજા અપાવાની જવાબદારી સરકારની છે, પછી એ ભલે તેને અપરાધ અનુસાર ફાંસીની સજા આપવામાં આવે. પરંતુ જે જવાબદારી કે ફરજ સરકારની છે તેના બદલે જો કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લઈ પોતે ન્યાય તોળવા લાગે અને સરકારે કરવાનું કામ પોતે કરે તો સ્હેજેય ચલાવી લેવા જેવું નથી. આનાથી દેશ તથા સમાજમાં અરાજકતા વ્યાપી જશે અને આ બાબત દેશ તથા સમાજના હિતમાં નહીં હોય, તેના ખૂબ જ ઘાતક પરિણામો આવી શકે છે.

આ બાબતો અને માત્ર મુહમ્મદ ઐયૂબ મેવાતીની ઢોર લાવવાની ઘટના, ઊનાના દલિતો દ્વારા મૃત ઢોરોનો ચામડા ઉતારવાની ઘટના, મંદસૌર (મધ્યપ્રદેશ)ની મહિલાઓની કહેવાતા બીફ લઈ જવાની ઘટના, મેવાતની બળાત્કાર બાદની ઘટના કે પછી દાદરીની અખ્લાક હુસૈનની હત્યાની ઘટનાના સંદર્ભમા તેમની આંધળી હિમાયત કે સમર્થનમાં નથી વર્ણવી રહ્યા, પરંતુ હોવું આ જોઈએ કે આ તમામ કે આવી અન્ય કોઈપણ ઘટના વખતે જે તે વ્યક્તિ કે વ્યક્તિઓને પકડવી અને તેમને કોર્ટમાં રજૂ કરી સજા અપાવવાની જવાબદારી સરકારી તંત્રની હોય છે, અને તેમણે જ અદા કરવી જોઈએ. તેના બદલે મૂકપ્રેક્ષક બની કહેવાતા ગૌ-રક્ષકો કે એવા જ અન્ય સંગઠનોના સ્વયં સેવકોને ખુલ્લી છૂટ પોલીસ આપે છે જે ખૂબ જ ગંભીર અને અયોગ્ય બાબત છે. કયારેક ઘટના સ્થળે અને મોટેભાગે એ ઘટના પછી પણ એ તત્ત્વોની વિરુદ્ધ પૂરતી કાર્યવાહી ન કરી અને દોષિત પોલીસ કર્મીઓ સામે પણ યોગ્ય પગલાં ન ભરી વાતાવરણને વધુ ને વધુ કલૂષિત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. થોડાક સમય પહેલાં સામૂહિક રીતે કોમી રમખાણની થિયરી પર કોમવાદી પરિબળો કાર્ય કરી રહ્યા હતા. પરંતુ તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની ખૂબજ બદનામી થતી હતી તેનાથી બચવા હવે આવી ઘટનાઓનો સિલસિલો શરૃ કરવામાં આવ્યો છે. પરંતુ એે ભૂલી રહ્યા છે કે આવી ઘટનાઓ પણ દેશના માથે કલંક સમાન જ પુરવાર થઈ રહી છે.

જો દેશના વડાપ્રધાન ભાજપના નરેન્દ્ર મોદી ‘સબકા સાથ સબકા વિકાસ’ના દાવા કરી રહ્યા હોય તો તેમાં આવા બનાવો મોટાપાયે અવરોધરૃપ બની શકે છે. તેમના દાવા માત્ર ખોટા બણગા બનીને રહી જશે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ માટે તેમણે નિષ્પક્ષ અને ન્યાયી રીતે સોને સાથે લઈને ચાલવું પડશે.

જો આવી ઘટનાઓ ચાલુ જ રહેશે તો વડાપ્રધાન તરીકે નરેન્દ્રમોદીની છબી પણ ખરડાશે કે તેઓ કહેવા ખાતર કહેવાતા ગૌ-રક્ષકો વિરુદ્ધ નિવેદનો આપે છે અને અંદરખાન તેઓ તેમની સાથે છે. અને સાથોસાથ વિદેશી મૂડી રોકાણ આકર્ષી ‘સબકા સાથ, સબકા વિકાસ’ની નીતિ કે યોજનામાં પણ તેઓ નિષ્ફળ નીવડશે. આમેય તેમના આ આયોજનમાં તેમને અનેક આંચકાઓ લાગી ચૂક્યા છે. અને જો હજી પણ તેઓ સમય રહેતાં યોગ્ય કાર્યવાહી નહીં કરે તો તે સંપૂર્ણપણે પડી ભાંગશે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments