ભારતના આઝાદ થયા પછી જ્યારે ભારત દેશના બંધારણનું ઘડતર ઘડાઈ રહ્યું હતું ત્યારે ભારત દેશના લગભગ બધા રાજ્યો, ભાષાઓ, જાતિઓ તેમજ જુદા-જુદા વંશોના હક્કો ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ભાષાને લઈને પણ ખૂબ જ લાંબી ચર્ચા કરવામાં આવી હતી જે સંવિધાન સભાના મુસદ્દામાં દર્જ છે. (constituent assembly of India – Volume 9)
ખાસ કરીને જ્યારે ઉર્દૂ ભાષાની વાત કરીએ તો ઉર્દૂ ભાષા વર્તમાન ભારતમાં છઠ્ઠા (૬) નંબરે બોલાતી ભાષા છે. જે ભારતની સૌથી મોટી લઘુમતી ભાષા છે. જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો ત્યાં ઉર્દૂ ભાષાએ સરકારની પ્રથમ સત્તાવાર ભાષા છે. તેમજ ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં ઉર્દૂ ભાષાને બીજા નંબરની સત્તાવાર ભાષા તરીકે ગણવામાં આવે છે. ભારતના લગભગ બધા રાજ્યોમાં મુસ્લિમો ઉર્દૂ ભાષાનો માતૃભાષા તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેના લીધે જ દરેક રાજ્યોમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ જેમાં કેજીથી સ્નાતક અને અનુ-સ્નાતક સુધી ઉર્દૂ ભાષામાં શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જેના લીધે વિદ્યાર્થીઓ ખૂબજ સરળતાથી તેમની કારકિર્દીનું ઘડતર કરી શકે છે.
UNESCO દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ જો વિદ્યાર્થી/ બાળકને તેની માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે તો તેની સમજવાની અને વિચારવાની શક્તિ સારી હોય છે અને વિવિધ પરિસ્થિતિઓમાં તે જુદા જુદા ક્રિએટીવ દૃષ્ટિકોણ આપી શકે છે. પરંતુ આ શૈક્ષણિક સંશોધન આજની વર્તમાન સરકારને કોણ સમજાવે. કોણ જાણે કે સરકારમાં બેઠેલા મોટા એવા સંશોધન વિદ્વાન (Research Scholar) પાસે એવી કઈ સમાવેશક વિકાસની પરિભાષા છે. ક્યાંક એવું તો નથીને કે સમાવેશક વિકાસમાં (સબકા સાથ સબકા વિકાસ)માં લઘુમતિ અને દલિતોનો વિકાસ સામેલ નથી.
ભારતના ૧૪માં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર રચાયા પછી તબીબી શિક્ષણ પ્રણાલીમાં જે બદલાવ કરવામાં આવ્યા તે એક સરાહનીય પગલું છે, જેનું એક ઉદાહરણ NEET પ્રવેશ પરીક્ષા છે. NEET પ્રવેશ પરીક્ષાનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પ્રવેશ પરીક્ષામાં જે રીતે ભ્રષ્ટાચાર અને વિદ્યાર્થીઓનું આર્થિક શોષણ થતું હતું તેને રોકવા માટેનો એક સારો પ્રયાસ છે. તેમજ પ્રવેશ પરીક્ષા ભારતના જુદી-જુદી પ્રાદેશિક ભાષામાં લેવાની છે. જેનાથી ઘણા વિદ્યાર્થીઓને રાહત મળશે. પરંતુ ઉર્દૂ ભાષાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યું નથી. એક બાજુ કન્નડ ભાષાની એક પણ વિજ્ઞાાન પ્રવાહની કોલેજ નથી આવેલી જેનો NEETની પરીક્ષામાં સમાવેશ છે અને બીજી બાજું ઉર્દૂ ભાષાની ૧૬૮ વિજ્ઞાાન પ્રવાહ માટેની કોલેજો આવેલી છે તેમ છતાં ઉર્દૂ ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
આવી વિસંગતતા આપણા દેશમાં એક શરમજનક બાબત છે અને આવી વિસંગતતા હોવા છતાં સરકાર કોઈ ઉકેલ આપવા માટે તૈયાર નથી. તેના લીધે વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરતા વિદ્યાર્થી અને નવયુવાનોના સંગઠન SIOએ સર્વોચ્ચ અદાલતના દ્વાર ખટકાવ્યા જે આપણા લોકતાંત્રિક તંત્ર માટે એક મોટો સવાલ ઊભો કરે છે કે વિદ્યાર્થી જે દેશનું ભવિષ્ય છે તેના માટે સર્વોચ્ચ અદાલત જવું પડે.
સર્વેચ્ચ અદાલતની પ્રથમ સુનાવણીમાં સરકારને સૂચના આપવામાં આવી અને જવાબ માંગવામાં આવ્યો જેના ઉત્તરમાં સરકારે આવતા વર્ષે ઉર્દૂ ભાષાનો સમાવેશ કરી શકાશે એવું કહેવામાં આવ્યું. પરંતુ આ વર્ષે તેનો સમાવેશ કરવો શક્ય નથી. તેમજ કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પર ખોટો આરોપ મૂકયો કે એવી કોઈ દરખાસ્ત રાજ્ય સરકાર તરફથી અમારી પાસે આવી નથી.
SIOના આ પ્રયાસથી ઉર્દૂ ભાષી વિદ્યાર્થીઓ માટે એક આશા બની છે અને તેની લડત વધારતાં સરકારને સર્વોચ્ચ અદાલત મારફતે પ્રયાસ કરી રહી છે કે આ વર્ષે જો ઉર્દૂ ભાષાનો સમાવેશ ન થઈ શકતો હોય તો વિદ્યાર્થી માટે Proxy પરીક્ષાનું આયોજન કરવામાં આવે.
૨૦મી સદીના ફિલોસોફર એઈન રેન્ડ કહે છે કે, “જૂથ કે સમૂહ, મોટું કે નાનું, એ માત્ર વ્યક્તિઓની સંખ્યા છે. જૂથને તેના વ્યક્તિગત સભ્યોના અધિકારો સિવાય કોઈ અધિકારો ન હોઈ શકે.” ***