કોઈના સંપર્કમાં આવવું અથવા તો કોઈનાથી સંપર્ક સાધવું એ માનવ-જીવનનો એક ખાસ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતની ઉપેક્ષા અને અવગણના કરવી અશક્ય છે. પ્રશ્ન માત્ર આ છે કે એક વ્યક્તિ પોતાના જીવનમાં કોની સાથે સંપર્ક સ્થાપે છે, અથવા આ કે એ લોકો કોણ છે કે જેઓ તેના સંપર્કમાં આવે છે. પછી આ કે સંપર્કના પણ વિવિધ દરજ્જા કે તબક્કાઓ હોય છે. માણસ માટે સફળતાની વાત આ છે કે તે સંપર્કો વિષે સાવચેતીથી કામ લે છે કે નહીંઃ ક્યાંક એવું ન બને કે તે જીવનમાં તમામ વસ્તુઓથી સંબંધ કે સંપર્ક સ્થાપિત કરી લે, પરંતુ જેનાથી વાસ્તવમાં સંપર્ક કે સંબંધ સ્થાપિત કરવા જોઈતા હતા તેમનાથી જ તે સંપર્ક સ્થાપિત કરી ન શક્યો. તેનું પરિણામ આ આવશે કે જીવનભરના તમામ પ્રયત્નો અધૂરા અને અપૂર્ણ જ રહી જાય. તેને આ ભ્રમ થઈ શકે છે કે તે એક સફળ વ્યક્તિ છે. અજાણ્યા લોકો પણ તેને સફળ વ્યક્તિ સમજી શકે છે, પરંતુ વાસ્તવિકતાની દૃષ્ટિએ જોવામાં આવે તો તેને કોઈ પણ સ્થિતિમાં સફળ વ્યક્તિ કહી શકાય નહીં.
માનવી સંપર્કોના મૂળભૂત રીતે ત્રણ તબક્કાઓ હોય છે :
(૧) પૂર્ણ-પરિચય (Introduction)
કોઈના સંપર્કમાં આવવાનો અર્થ ક્યારેક ક્યારેક માત્ર પરિચય જ હોય છે. દા.ત. આપણે કોઈ વસ્તુ વિષે સાંભળી લીધું કે તે ફલાણી જગ્યાએ છે, અને ફલાણાં કામમાં આવે છે. આનાથી વધારે આપણે એ વસ્તુ સાથે કોઈ જ સંબંધ નથી હોતો. આપણે સાંભળ્યું કે મધ-માખીઓ ફૂલોનો રસ ચૂસે છે અને તેનાથી મધ તૈયાર કરે છે કે જે અત્યંત આરોગ્યપ્રદ હોય છે. તેને આરોગવામાં પણ આવે છે, અને દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરાય છે. પરંતુ જો આપણે મધને ન તો ક્યારેય જોયું હોય અને ન તો ક્યારેય તેને ચાખ્યું જ હોય તો તેનાથી આપણો સંબંધ માત્ર જાણકારી કે પરિચય સુધી જ રહેશે.
આવી જ રીતે આપણને જણાયું કે આ સૃષ્ટિનો કોઈ સર્જનહાર છે અને આપણું જીવન તેની દેણ છે. તેની એનાયત કે દેણની પાછળ આપણે તેની ઝલક જોઈ શકીએ છીએ. તેણે આ જીવનનું એક ધ્યેય નક્કી કરી દીધું છે. એ ધ્યેય તેના સંપર્કમાં આવ્યા વિના હાસલ નથી થઈ શકતું. કોઈ પણ વ્યક્તિ માટે આ માત્ર એક જાણકારી અને દૂરનો જ પરિચય છે. તે કહી શકે છે કે મેં સાંભળ્યું છે કે સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર એક ઇલાહ છે. આ જીવન માટે તેની કોઈ યોજના પણ છે, અને એ જ યોજનાને અમલમાં લાવવા માટે તેણે આ દુનિયાનું સર્જન કર્યું છે. આનાથી વધુ જો તે કંઈ વધુ જાણવા નથી ઇચ્છતો અને વધારે જાણવાની કોઈ ઇચ્છા પણ તે નથી ધરાવતો તો આ પ્રકારનો સંબંધ માત્ર નામ ખાતરનો જ હોય છે. આ પ્રકારનો સંબંધ અને સંપર્ક માનવ-જીવન ઉપર અસર પાડનાર નથી હોતો. અને ન જ તેના દ્વારા કોઈ જીવનમાં કોઈ ઉલ્લેખનીય પરિવર્તન જ આવે છે.
મીઠા-મધુર ફળોના માત્ર પરિચયથી એ ફળોનો આપણે ન તો સ્વાદ જ ચાખી શકીએ છીએ અને ન તો તે આપણા માટે આરોગ્યપ્રદ પુરવાર થઈ શકે છે. આ માત્ર એક સામાન્ય જ્ઞાન (General Knowledge)ની વાત હશે. આ પ્રકારની બીજી પણ ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ, પરંતુ આપણા જીવનમાં તે ક્યારેય કામ નથી લાગતી.
(૨) સહયોગ (Co-operation)
સંપર્કનો બીજો પ્રકાર એ છે કે જેને આપણે ‘સહકાર’ કે ‘સહયોગ’ કહી શકીએ છીએ. દા.ત. કાર્યને પૂરૃં કરવા માટે કોઈ વ્યક્તિ સામે જો કોઈ યોજના હોય તો તેને પૂર્ણતા સુધી પહોંચાડવામાં આપણે તેને સાથ આપીએ. પરંતુ તેના માટે જરૂરી છે કે આપણને યોજના ઘડનાર અને યોજના બનીને પૂરેપૂરી જાણકારી હોય. વધુમાં આ કે યોજના હેઠળ યોજના ઘડનારનો જે હેતુ અને ધ્યેય છે તેનાથી આપણે પૂરેપૂરા સહમત પણ હોઈએ.
કુઆર્નના શરૃથી અંત સુધીના સંપૂર્ણ અધ્યયનથી જણાય છે કે અલ્લાહતઆલાએ આપણને આ જીવન એક મહાન યોજના હેઠળ એનાયત કર્યું છે. આપણા જીવનનું એક મહત્ત્વનું ધ્યેય છે જે મહાન પણ છે અને બારીક પણ. આ ધ્યેય દ્વારા જ જીવન પોતાના વાસ્તવિક અર્થથી વાકેફ હોય છે. આના વિના જીવન સાર્થક નથી થઈ શકતું. જીવનના સૌંદર્ય અને તેની સાર્થકતાને યથાવત રાખવા માટે જરૂરી છે કે આપણે તેને પોતાના શ્વાસોચ્છવાસની જેમ જ સમજીએ. જેવી રીતે જીવિત રહેવા માટે શ્વાસ લેવો જરૂરી છે, બરાબર એવી જ રીતે જીવનની સાર્થકતા યથાવત્ કે ટકાવી રાખવા માટે અનિવાર્ય છે કે આપણે જીવનના સાચા ધ્યેયથી જોડાયેલા રહીએ. કેમકે આ અંગે કોઈ પણ પ્રકારની ઢીલ કે કચાસ રૃહાની (આધ્યાત્મિક) મોત સમાન છે.
કુઆર્ન સ્પષ્ટપણે જણાવે છે કે અલ્લાહતઆલા સમક્ષ આપણા જીવનની પૂર્ણતા છે. એ ‘પૂર્ણતા’ને હાસલ કરવા માટે આપણે પોતાના જીવનમાં પોતાનો ભાગ અદા કરવો પડશે. આ અંગે અલ્લાહતઆલાએ આપણા માર્ગદર્શનની પૂરેપૂરી વ્યવસ્થા કરી છે. જ્યારે આપણે એ ધ્યેયની પ્રાપ્તિમાં અલ્લાહને સાથ આપીએ છીએ, તેની વિરુદ્ધ કોઈ માર્ગ અપનાવતા નથી તો અલ્લાહની સાથે અલ્લાહની સાથે આપણો જે સંબંધ સ્થપાય છે ‘સહયોગનો સંબંધ’ હોય છે. જો જીવનમાં આ સહયોગ સતત ચાલુ રહે છે તો પછી આપણને અલ્લાહતઆલાનું પણ સંપૂર્ણ સામીપ્ય પ્રાપ્ત થઈ જાય છે.
જો આપણે અલ્લાહ સાથે સહયોગમાં સફળ થઈ જઈએ છીએ તો સ્વાભાવિક રીતે આ સંબંધમાં એવી ઊંડાઈ અને ગાઢતા પેદા થઈ જાય છે, અને તેમાં એટલી હદે સૌદર્ય અને મધુરતા ભલી થાય છે કે તેને ખરી રીતે શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. સમગ્ર જ્ઞાન-કોષ તેનું વર્ણન કરવામાં અસમર્થ છે. સંપર્કની આ બે કૈફિયત છે જેને આપણે લીનતા અને સામીપ્યના શબ્દથી સરખાવી શકીએ છીએ.
(૩) સામીપ્ય અને લીનતા (Closeness and Immersion)
આ ત્રીજા પ્રકારના સંપર્ક અર્થાત્ “સામીપ્ય તથા લીનતા”ની કૈફિયતની સાથે આપણે પૂર્ણતાના દરજ્જા સુધી વહોંચીએ છીએ. આ જ કૈફિયત આ વાતની દલીલ હોય છે કે આપણી “અબ્દિયત” (બંદા હોવાપણું) પૂર્ણ થઈ. આપણે એ વસ્તુને પ્રાપ્ત કરી લીધી જેને જીવનમાં પ્રાપ્ત કરવી હતી. એ બીના બની ગઈ કે જીવન જેની રાહ જોઈ રહ્યું હતું. હવે આપણામાં અને પ્રેમમાં વાળ જેટલું પણ અંતર બાકી નથી રહ્યું. જીવનમાં આ સામીપ્ય અને લીનતા પોતાની અંદર એ સર્વ કાંઈ સમેટી લે છે જે માનવ જીવનની સૌથી અમૂલ્ય પૂંજી છે. આ કૈફિયત વિષે માત્ર આટલું અરજ કરી શકાય છે કે આ એક “મૌન” અને ખામોશીની કૈફિયત હોય છે. કેટલાક લોકો આને “ધ્યાન” સાથે સરખાવે છે અને કેટલાક લોકો આને “સમાધી”ના નામથી ઓળખે છે. જીવન “હેતુ-વિહીનતા”થી મુક્ત થઈ જાય છે. ***